એક તરફ કોમી હિંસા અને બીજી બાજુ 'બોમ્બે'માં હિન્દુ-મુસ્લિમ પ્રેમકથાનું હિટ સંગીત


- 'તૂ હી રે, તેરે બિના મૈં કૈસે જિઉં ...' એક વિરહગીત છે. એનું ફિલ્માંકન પણ એટલુંજ જબરદસ્ત છે. આ ગીત હરિહરન અને ચિત્રાના કંઠમાં છે. અહીં હરિહરન આર્તનાદ કરતો હોય એવો એનો સ્વરલગાવ છે.

પ હેલી ફિલ્મ 'રોજા'થી એ. આર. રહેમાન અને મણીરત્નમ વચ્ચે ગજબનો મનમેળ સ્થપાઇ ગયો. રહેમાને મણીસરને કહ્યું કે હવે હું ફક્ત તમારી ફિલ્મોમાં સંગીત પીરસીશ. મણીસરે ના પાડતાં કહ્યું કે ના, એવું નહીં કરવાનું. તારી પ્રતિભાનો લાભ બધાંને મળવો જોઇએ. મણીરત્નમની 'રોજા' પછીની ફિલ્મ 'બોમ્બે'માં આ ફિલ્મસર્જકે કમાલ કરી હતી. એક તરફ હિન્દુ યુવાન અને મુસ્લિમ યુવતીના પ્રેમની કથા હતી. બીજી તરફ, ૧૯૯૨ના ડિસેંબરની છઠ્ઠીએ અયોધ્યામાં કહેવાતી બાબરી મસ્જિદ તોડી પડાયા બાદ થયેલાં કોમી હુલ્લડો. મણીરત્નમે આ બંને બાબતોને 'બોમ્બે' ફિલ્મમાં સમાવી લીધી હતી. એમના માનીતા અભિનેતા અરવિંદ સ્વામીએ હિન્દુ યુવાનની ભૂમિકા કરી હતી, જ્યારે મૂળ નેપાળી એવી અભિનેત્રી મનીષા કોઇરાલાએ મુસ્લિમ યુવતીની ભૂમિકા કરી હતી.

ફિલ્મની કથાનો પ્લોટ એવો હતો કે બંને પ્રેમીઓના વડીલો લગ્ન માટે હા નથી પાડતા એટલે બંને મુખ્ય પાત્રો મુંબઇ જાય છે. પાછળથી વડીલો પણ સંતાનોની પાછળ મુંબઇ આવે છે. દરમિયાન હિંસક તોફાનો શરૂ થઇ જાય છે જેમાં બધાં હોમાઇ જાય છે. માત્ર બે બાળકો રહી જાય છે, જે ઉજ્જવળ ભવિષ્યનું પ્રતીક બની રહે છે. યાદ કરો, રાજ કપૂરના એક ગીતમાં પંક્તિ આવતી, હમ ન રહેંગે, તુમ ન રહોગે, ફિર ભી રહેગી નિશાનિયાં...

'બોમ્બે'થી રહેમાનને અને આપણને એક નવો ગીતકાર મળ્યો. મહેબૂબ કોટવાલ એનું નામ. 'બોમ્બે' ફિલ્મમાં પાંચ ગીતો હતાં. આ૬ ફિલ્મમાં રહેમાને કદાચ મણીરત્નમની સૂચનથી જ બોલિવૂડના બે-ત્રણ ગાયકોને પણ લીધાં છે. અહીં ચિત્રા, જી. વી. પ્રકાશ, સ્વયં રહેમાન, શુભા નોએલ અને શ્રદ્ધા  ઉપરાંત ઉદિત નારાયણ, અનુપમા, રેમો ફર્નાન્ડિસ, કવિતા કૃષ્ણમૂર્તિ અને પલ્લવી જોશીના કંઠ પણ સાંભળવા મળે છે. ફરી એકવાર યાદ કરી લઇએ કે રહેમાનના સંગીતમાં લયપ્રધાન (રિધમ ઓરિયેન્ટેડ) તર્જો વધુ છે. આપણે જેને કહેરવો કહીએ છીએ એ જ તાલ, પરંતુ એનો ઉપયોગ પાશ્ચાત્ય વાદ્યો દ્વારા કરવામાં આવ્યો છે. પાંચમાંથી બે ગીત ગ્રુપ ડાન્સનાં છે. બે ગીતો શાસ્ત્રીય રાગ આધારિત છે. ખરું પૂછો તો એક ગીત રાગમાલા આધારિત છે. ખૂબીપૂર્વક રહેમાને એક કરતાં વધુ રાગો અજમાવ્યા છે. એક ગીત બંનેના સમન્વય જેવું છે. આવો, માણીએ બોમ્બેના ગીત સંગીતને.

પહેલી નજરે  પ્રેમ થાય ત્યારે કેવી અનુભૂતિ થાય એનો અહેસાસ કરાવતું ગીત 'કહના હી ક્યા, યે નૈન એક અંજાન સે જો મિલે...' ચિત્રા, એ આર રહેમાન અને કોરસે ગાયું છે. શબ્દો અને સૂરની તુલનાએ રિધમ વધુ ગૂંજે છે. યુવા પેઢીને ગમે એ રીતે ગીતને સજાવવામાં આવ્યું છે.

અજનબીઓ પ્રેમમાં પડયા પછી શું થયું એ રેમો ફર્નાન્ડિસના કંઠમાં સાંભળવા મળે છે- 'એક હો ગયે હમ ઔર તુમ, તો ઊડ ગઇ નીંદેં રે, ઔર ખનકી પાયલ મસ્તી મેં, દો કંગન ખનકે રે...' આ ગીતને પરદા પર ડાન્સ ગીત તરીકે રજૂ કરાયું છે. અહીં પણ સૂરની તુલનાએ લય બોલકણો છે.

શ્રીનિવાસ, પલ્લવી જોશી, અનુપમા અને શુભા નોએલ દ્વારા રજૂ થતું ગીત 'કુછ ભી ના સોચા, ખુશ હો કે બોલા, ગુલ્લા ગુલ્લા, હલ્લા ગુલ્લા...' રમૂજી રોકસોંગ કહીએ એવા આ ગીતમાં રહેમાને નટભૈરવ જેવા રાગનો આધાર લઇને ગ્રુપ ડાન્સને અનુરૂપ સરસ સંગીત યોજ્યું છે. 

એવું જ ઠીક ઠીક રમૂજી કહી શકાય એવું એક ગીત કવિતા કૃષ્ણમૂર્તિ, ઉદિત નારાયણ, શ્રદ્ધા અને જીવી પ્રકાશે ગાયું છે- 'કુચી કુચી રક્કમ્મા, સુન લો તુમ, ૅઅચ્છી અચ્છી ગુડિયા દે દો તુમ...'  મુંબઇમાં આવીને લગ્ન કરી લેનારું યુગલ બાળકો માટે ઢીંગલી માગતું હોય એવું આ ગીત છે. 

રાગમાલા આધારિત ગીત આ રહ્યું- 'તૂ હી રે, તેરે બિના મૈં કૈસે જિયું,  આજા રે, યૂં હી તડપા ન તૂ મુઝ કો...' શબ્દો પરથી સમજાય છે કે આ એક વિરહગીત છે. એનું ફિલ્માંકન પણ એટલુંજ જબરદસ્ત છે. પૂનમની મોટી ભરતી હોય એવાં મોજાં દરિયામાં ઊછળે છે. નાયકના તન પર એકાદ-બે મોજાં અફળાય છે, નાયક ભીંજાય છે અને પ્રિયતમાને પોકારે છે. પ્રિયતમા આવતી દેખાય છે, પરંતુ ડિરેક્ટરે કમાલ કરી છે. બંને શી રીતે મળે છે એ પરદા પર જોવા જેવું છે. આ ગીત હરિહરન અને ચિત્રાના કંઠમાં છે. અહીં હરિહરન આર્તનાદ કરતો હોય એવો એનો સ્વરલગાવ છે. આ ગીત એક માત્ર એવું છે જેમાં લયવાદ્યનો ધ્વનિ એકદમ સૌમ્ય છે. આ ગીતમાં રહેમાને રાગ ઝિંઝોટીથી આરંભ કરીને ત્યારબાદ રાગ ગાવઠી, રાગ આસાવરી અને છેલ્લે રાગ ચારુકેશીનો સરસ ઉપયોગ કર્યો છે.

અહીં રહેમાનને ન્યાય કરવા કહેવું પડે કે દરેક ગીત સરેરાશ પાંચ મિનિટ કે તેથી વધુ સમયનું એટલે કે લાંબું છે છતાં સાંભળનારને કંટાળો આવે એવું નથી બન્યું. દરેક ગીત સાંભળવું ગમે એવું બન્યું છે એ રહેમાનની સર્જકતાની તાકાત છે. 

City News

Sports

RECENT NEWS