ઈમ્તિયાઝ અલીની ફિલ્મ 'તમાશા' મોડર્ન લવની પરિભાષા સમજાવે છે. આજકાલના પ્રેમમાં લૈલા-મજનૂ, હીર-રાંઝા, રોમિયો-જુલિએટની કલ્પના અશક્ય છે. વેદ-તારાની લવ સ્ટોરી સાથે અહીં ઈમ્તિયાઝ આજના પ્રેમીની વ્યથા કહી રહ્યા છે. કોર્પોરેટ કલ્ચરને કારણે માણસ ભૂલી રહ્યો છે કે એ ખરેખર કોણ છે? તેનાં સપનાં શું છે? ક્યારેક આ ભૂલાઈ ગયેલાં સપનાં પ્રેમનું બલિદાન લઈ લેતાં હોય છે. 'તમાશા'ના માધ્યમથી સ્વંયની ખોજની સફર પર નીકળવાનું કહેવામાં આવ્યું છે, કેમ કે સ્વંયની શોધ સિવાય પ્રેમની ખોજ અશક્ય છે.
નામ હતું, કૈસ ઈબ્ર અલ-મુલાવ્વાહ. પરંતુ, ઓળખાયો લૈલાના પાગલ પ્રેમી મજનૂ (એટલે પાગલ) તરીકે. લૈલાના પ્રેમમાં એટલી હદે પાગલ કે લૈલાનાં માતા-પિતાએ વહેલી તકે સારું ઘર જોયું અને પુત્રીના લગ્ન કરાવી દીધાં. આ જબરજસ્તી મંડાવેલો સંસાર લાંબો ટક્યો નહીં. લગ્નના થોડા સમય બાદ લૈલાના પતિનું મોત થયું. તેમ છતાં, લૈલા-મજનૂનું મિલન ન થયું. લૈલાની યાદમાં કવિતાઓ લખતાં લખતાં, લૈલા-લૈલા કરતાં કરતાં મજનૂએ જીવ ગુમાવ્યો. આ પ્રેમ કહાણીનો કરુણ અંત ત્યારે આવ્યો જ્યારે લૈલાએ મજનૂની કબર પાસે પોતાનો જીવ લઈ લીધો.
લૈલા-મજનૂની જેમ જ, રોમિયો-જુલિએટ પણ ક્યારેય એક ન થઈ શક્યાં. સમાજે થવા ન દીધાં. હીર-રાંઝાનું પણ તેવું જ. 'એક પ્રેમ કહાની જો મુમકિન ન થી'. કહેવાનો મતલબ એ કે, પ્રેમ ક્યારેય આસાન નથી હોતો. ક્યારેક મેળવવો, ક્યારેક 'જતાવવો', ક્યારેક સાચવવો, ક્યારેક નિભાવવો.
હવે, મોર્ડન લવની વાત કરીએ. તેમાં લૈલા-મજનૂ, રોમિયો-જુલિએટ, હીર-રાંઝાના પ્રેમ જેવી ઊંડાઈ અશક્ય છે. તેનો વિચાર માત્ર પણ ગુનો છે. મોર્ડન લવ કેવો હોય? 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંંગે'ના રાજ-સિમરન જેવો કે જેમાં રાજ પાસે અઢળક સંપત્તિ હોય, દિલ જીતવા માટે ભારત આવે અને સિમરનને લઈને પાછો જતો રહે. કે પછી, અન્ય 'અન-રિયલ' હિન્દી ફિલ્મ જેવો? આ બધી તો વાર્તાઓ. આજના સમય સાથે મેળ ન ખાય. આજકાલના લવમાં ગૂંચવાડો હોય. પ્રેમી-પ્રેમિકા ક્યાંક અટવાયાં હોય. તે નોકરી હોય, વિચાર હોય કે પછી વાતાવરણ. આ ગૂંચવાડો તેમને આગળ વધવા ન દેતો હોય. એવો પ્રેમ હોય કે, જે છેવટે, મહા પરાણે તેમને આજના સોશિયલ મીડિયા અને ફાસ્ટ લાઈફના સસ્તા ડોપામીનમાંથી બહાર નીકળવા મજબૂર કરે. પ્રેમ કે જે કહે કે, 'તું સ્વંય કી શોધ મેં ચલ'. તે વ્યક્તિને ચેલેન્જ કરે કે, 'ડરતા હૈ? ડર લગતા હૈ? અપની કહાની મુઝસે પૂછતા હૈ, કાયર...તો કિસસે ડરતા હૈ? બતા, બોલ અપની કહાની. ક્યા હૈ તેરે દિલ કે અંદર?' જો આ ફેમસ ડાયલોગ પરથી ફિલ્મ યાદ આવી તો સારું છે. તમને ખબર છે કે, આજકાલની લવસ્ટોરી કેવી હોય. અલબત્ત, તમે ઈમ્તિયાઝ અલીની ફિલ્મ 'તમાશા' જોઈ છે. આ ફિલ્મના માધ્યમથી ઈમ્તિયાઝે આજના જમાનાના પ્રેમની વ્યાખ્યા કરી છે.
તમાશાનો વિચાર
'તમાશા' એટલે એક પ્રકારની પરંગરાગત નાટયશૈલી. ઈમ્તિયાઝ અલીએ વિચાર્યું છે કે, આપણે પણ નાટક જ કરી રહ્યા છીએ. આ 'એક વ્યક્તિના ઓડિયન્સ'વાળા નાટકમાં પોતાને છેતરીને બીજાને ખુશ કરી રહ્યા છીએ. પોતાનાં સપનાં હોવા છતાં અધૂરું જીવન જીવવું કેટલું યોગ્ય? 'લોગ ક્યા કહેંગે?' અથવા અન્ય કોઈ ડરથી સાચા અર્થમાં જીવી જ નથી રહ્યા. દરેક નિર્ણય પાછળ રહેલો ડર આપણને પ્રેમથી અને સૌથી વધુ મહત્વનું આપણી પોતાની જાતથી દૂર કરી રહ્યો છે. આપણે નિર્ણય લેવાનો છે કે, ડરીને લાગણીઓના માસ્ક પહેરીને જીવન જીવવાનું છે કે પછી આપણું સપનાનું જીવન? ફિલ્મ 'તમાશા'માં વેદ અને તારાની પ્રેમકહાણીના માધ્યમથી આ પ્રશ્નોના જવાબ શોધવાનો પ્રામાણિક પ્રયત્ન કરવામાં આવ્યો છે.
ફિલ્મમાં જોસેફ કેમ્બેલની બુક 'ધ હીરો વિથ અ થાઉઝન્ડ ફેસિસ'ની ઝલક જોવા મળે છે. જેમ આ બુકનો હીરો સ્વંયની શોધમાં નીકળે છે, તેમ આ ફિલ્મનો હીરો પણ 'સ્વંય કી ખોજ' માં નીકળેલો જોવા મળે છે. ફિલ્મના મુખ્ય પાત્ર વેદ અને ઈમ્તિયાઝ અલીની કહાણી થોડી મળતી આવે છે. ઈમ્તિયાઝે પણ ફિલ્મના હીરોની જેમ એક નવો રસ્તો શોધ્યો હતો. તેઓ એન્જિનીયરિંગ ભણી રહ્યા હતા, પરંતુ ફિલ્મમેકિંગને પસંદ કર્યું. તેમ, આ ફિલ્મનો હીરો વેદ પણ કોર્પોરેટ જોબ છોડીને એક નવો ચીલો ચાતરે છે.
આઝાદી, પિંજરુ અને ફરી આઝાદી
વેદ (રણબીર કપૂર) અને તારા (દીપિકા પાદુકોણ)ની મુલાકાત ફ્રાન્સ નજીક આવેલા કોર્સિકા નામના રળિયામણા ટાપુ પર થાય છે. પહેલી મુલાકાતમાં જ બંને વચ્ચે એક ડીલ થાય છે. કોઈ સાચું નામ નહીં, કોઈ પર્સનલ ડીટેલ નહીં. ફક્ત જે પળ છે તેને સંપૂર્ણપણે જીવો. આ વાતમાં વિરોધાભાસ ત્યારે જોવા મળે છે, જ્યારે વેદ એક તરફ ફિલ્મો, પુસ્તકોના પાત્રોની કોપી કરીને એક રીતનું માસ્ક પહેરી રહ્યો છે. પરંતુ, તે સાચા અર્થમાં પોતાની કહાણી જીવી રહ્યો હતો. ફિલ્મો અને પુસ્તકો તેનો પહેલો પ્રેમ હતા. આ પહેલા ભાગમાં બંને પ્રેમીઓ સાચા અર્થમાં આઝાદ જોવા મળે છે.
ફિલ્મના બીજા ભાગમાં પિંજરુ જોવા મળે છે. વેદ દિલ્હીમાં જે કોર્પોરેટ કંપનીમાં કામ કરી રહ્યો હતો. તે એક પિંજરા સમાન હતી. વેદના હસમુખા સ્વભાવને તેણે જાણે બાંધી દીધો હતો. ચાર વર્ષ પછી જ્યારે તારા વેદને શોધતી આવે છે, ત્યારે વેદને મળવાની ખુશી તો છે જ. બીજી તરફ, સવાલ પણ છે કે, એ વેદ ક્યાં ગયો, જે કોર્સિકામાં હતો? અનેક મુલાકાતો બાદ વાત સગાઈ સુધી પહોંચે છે અને કેન્સલ થઈ જાય છે, કારણ કે, આ વેદ નહોતો જેને તારા પ્રેમ કરતી હતી. વેદ તો બદલાઈ ગયો હતો.
બ્રેક-અપના ઝટકાને હેન્ડલ કરવાના સૌના જુદા-જુદા ફંડા હોય. કોઈના મિત્રો સમજાવે કે, 'તૂ નહીં તો કોઈ ઔર સહીં' અથવા તો તેને કોઈ અન્ય રવાડે ચઢાવે. પરંતુ, વેદના કેસમાં એ ફેક્ટર જ નહોતું. થાકેલો-હારેલો વેદ શોધવા નીકળે છે કે, શું ખૂટી રહ્યું છે? એક ફકીર સાથેની મુલાકાત તેને રસ્તો બતાવે છે. આ એ જ વ્યક્તિ છે જે તેને બાળપણમાં વાર્તાઓ કહેતો. અહીં, રસ્તો બતાવવા માટે ફકીરનો ઉપયોગ ગજબનો છે. સામાન્ય રીતે, માણસનું દિલ તૂટે ત્યારે તે પૈસા-લક્ઝરી તરફ ભાગે. વિચારે કે, તે થીંગડું મારવાનું કામ કરશે. સમજમાં આવે કે, આ કહેવાતું સુખ થીંગડું મારવાની જગ્યાએ આખું અસ્તિત્વ જ ખાઈ જશે ત્યાં સુધીમાં બહુ મોડું થઈ જતું હોય છે. પાછું, વેદની આ શોધમાં તેના બાળપણને પણ સામેલ કરવામાં આવ્યું છે. જાણે કહેવામાં આવ્યું છે કે, તમે જેનાથી ભાગી રહ્યાં છો તેના ઘાવ બાળપણના પણ હોય શકે છે.
ફકીર તેને ગુસ્સામાં કહે છે કે, 'ડરતા હૈ? ડર લગતા હૈ? અપની કહાની મુઝસે પૂછતા હૈ, કાયર...તૂ કિસસે ડરતા હૈ? બતા, બોલ અપની કહાની. ક્યા હૈ તેરે દિલ કે અંદર?'
ફકીરનું આ વિધાન તેને દુનિયાના ડરથી છુપાવેલા પોતાના સપના તરફ આંગળી ચીંધે છે. બસ, અહીંથી વેદ ફરી આઝાદીની સફર પર નીકળી પડે છે.
ઓ...સફરનામા....
ફિલ્મમાં એ.આર. રહેમાનનું મ્યુઝિક છે. ગીતો ઈર્શાદ કામિલે લખ્યાં છે, અને શું ગજબ લખ્યાં છે! રણબીર જ્યારે, પોતાની નવી સફર પર નીકળે છે ત્યારે વાગતું, 'ઓ સફરનામા, સવાલોં કા સફરનામા, શુરુ તુમસે, ખતમ તુમ પે...જિસે ઢૂંઢા ઝમાને મૈં, મુઝ હી મૈં થા, ઓ મેરે સારે જવાબોં કા સફરનામા... મેરી ઓર સે ઉઠા તેરી ઓર કો કદમ પહેલા...મિલેંગે હમ..' આ ગીત જાણે કહી રહ્યું છે કે, પ્રેમમાં પહેલું પગલું આત્મખોજનું. તમે પોતાને જ નહીં શોધ્યા હોય તો બીજાને શું મળવાના? પોતાને જ પ્રેમ નહીં કર્યો હોય તો બીજાને શું આપવાના? તમે જ ખાલી તો બીજાને શું ભરવાના?
મોડર્ન લવ અને તમાશા
આજકાલ પ્રેમમાં પણ અલ્ગોરિધમનો કીડો આવી ગયો છે. લોકો સામાન્ય મેસેજ લખવા પણ ચેટજીપીટી જેવા એઆઈનો ઉપયોગ કરે છે. પોતાના ગમા-અણગમા પણ ટ્રેન્ડિંગમાં શું ચાલે છે તેના આધારે નક્કી કરે છે. તેમનાથી પ્રભાવિત થનારાઓ કી-વર્ડથી ભરપૂર પ્રોફાઇલ્સ (પાત્રો) તરફ આકર્ષાઈ જાય છે. તે ભૂલીને કે માસ્ક આજે નહીં તો કાલે ઉતરશે જ.
ફિલ્મમાં અન્ય એક મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે તે છે, કોઈને બચાવવાનો, રેસ્ક્યુ કરવાનો. આ ફિલ્મમાં તારા, વેદને બચાવવા નથી જતી. તે રાહ જુએ છે કે, વેદ પોતાની ખોજમાં નીકળે. આ કોર્પોરેટ કલ્ચર, સોસાયટી માટે પહેરેલું માસ્ક ઉતારે અને પોતે છે તે રૂપમાં સામે આવે.
આજકાલના યુવાનો ડિજિટલ દુનિયાના ટ્રેન્ડ્ઝથી એટલી હદે પ્રભાવિત થઈ જાય છે કે તેઓ ભૂલી જાય છે કે, ટ્રેન્ડિંંગ કરતાં રિયલ હોવું વધારે મહત્ત્વનું છે. આ ફિલ્મના માધ્યમથી ઈમ્તિયાઝ અલી જાણે યુવાનોને સમજાવી રહ્યાં છે કે, પ્રેમની શરૂઆત ટિન્ડર, બમ્બલ જેવી ડેટિંગ એપ્સથી ના કરીને પોતાની શોધથી કરો તો ફાયદા અનેક છે. નહીં તો છેવટે હારીને શોધ પર નીકળવું પડશે અને છેક ત્યારે, સમજાશે કે, 'ઓ સફરનામા... જિસે ઢૂંઢા ઝમાને મૈં, મુઝ હી મૈં થા, ઓ મેરે સારે જવાબોં કા સફરનામા...'


