હવે બધો ખેલ લોકોના એકધારા ઘટતાં જતાં એટેન્શન સ્પાનનો છે
- ચીનમાં માઇક્રો ડ્રામાનું માર્કેટ છ અબજ ડોલર્સનું છે
- ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર સફળતાનું નવું સમીકરણ: ફિલ્મ જેટલી ટચૂકડી એટલી વધારે સફળ
- મોબાઇલનો વપરાશ વધવાની સાથે ઓડિયન્સનું અટેન્શન ઘટતું ગયું. પરંપરાગત ટીવી કે ઓટીટી પર બિન્જ વોચિંગ કરવાને બદલે યંગસ્ટર્સ ફોન પર વર્ટિકલ ફોર્મેટમાં વીડિયો જોવાનું વધારે પસંદ કરે છે.
એક જમાનામાં હિન્દી ફિલ્મના ટાઇટલ્સ એટલે કે નંબરિયા શરૂ થાય એ પહેલાં સેન્સરનું સર્ટિફિકેટ થોડી ક્ષણો માટે રૂપેરી પડદે સ્થિર થતું. એ સમયે ચકોર દર્શકોની નજર એ સર્ટિફિકેટમાં બે ચીજ પર ખાસ જતી. એક તો રીલની સંખ્યા અને બીજું નીચે ત્રિકોણ છે કે નહીં. જો ત્રિકોણ હોય તો સમજવાનું કે ફિલ્મમાં સેન્સર બોર્ડ દ્વારા કાપકૂપ કરવામાં આવી છે. રીલની સંખ્યા પરથી ફિલ્મની લંબાઇ નક્કી થતી અને અડસટ્ટો નીકળતો કે ફિલ્મ કેટલી લાંબી હશે. એ જમાનામાં ફિલ્મનો સ્ટોક ખૂબ મોંઘો આવતો હોઇ ફિલ્મના સ્ટોક અનુસાર ફિલ્મમાં ઘણી બાંધછોડ કરવામાં આવતી હતી. પરંતું જમાનો બદલાયો અને ફિલ્મનું સ્થાન ડિજિટલ પિક્સેલે લીધું એ સાથે સિનેમાના મૂલ્યો પણ બદલાઇ ગયા છે. હવે સમયની કરન્સી છે. ડિજિટલ સામગ્રી નેટવર્ક્સ પર એટલા મોટાં પ્રમાણમાં ઠલવાવવા માંડી છે કે દરેક જણ માટે શું જોવુ અને શું ન જોવું એ સવાલ સૌથી મહત્વનો બની ગયો છે. જેને પરિણામે સિનેમા કે સામગ્રીનું કદ સંકોચાતું ગયું છે. હવે આજનો જમાનો માઇક્રો ડ્રામાનો છે. આજે ૪૭ સેકન્ડના ડ્રામાનો જમાનો છે. પ્રથમ ત્રણ સેકન્ડમાં દર્શકનું મન મોહી લેવાનું અને પછી જો ૪૪સેકન્ડ તે તમારી સામગ્રી જુએ તો તમે સફળ કન્ટેન્ટ ક્રિયેટર બની ગયા.
પણ આ કન્ટેન્ટનું ગણિત નક્કી કેવી રીતે થાય છે અને નેટવર્ક તેમાં શું ભૂમિકા ભજવે છે તે જાણવું રસપ્રદ બની રહે તેમ છે. મૂળ વાત દર્શકના સમયની છે. જમાનો બદલાવા સાથે સિનેમાનું સ્થાન ટીવી અને ઓટીટીએ લીધું તે સાથે દર્શકને અનેક પ્રકારની સામગ્રી અનેક સ્વરૂપે મળવા માંડી. તેમાં પણ નેટવર્કસ ઍને પ્લટફોર્મ સેક્ટરમાં હરિફાઇ એ હદે વધી કે બધું મફત મળવા માંડયું તેમાં પણ દર્શકોને ઓછાં ખર્ચે જાળવી રાખવા માટે નેટવર્ક દ્વારા ટૂંકા સ્વરૂપોને પ્રાધાન્ય આપવામાં આવ્યું તેને કારણે આજે દુનિયાભરમાં માઇક્રો ડ્રામાનું ચલણ વધ્યું છે. દુનિયામાં માઇક્રોડ્રામા સૌથી વધારે લોકપ્રિય ટિકટોકના દેશ ચીનમાં છે. ચીનમાં માઇક્રોડ્રામાની માર્કેટ છ અબજ ડોલર્સની ગણાય છે. તેની સામે યુએસમાં તેનીમાર્કેટ એક અબજ ડોલર્સની છે. ભારતમાં પણ માઇક્રોડ્રામાનું બજાર પૂરઝડપે વિક્સી રહ્યું છે અને તેનો લાભ લેવા માટે જુની ફિલ્મ પ્રોડક્શન કંપનીઓ પણ મેદાને પડી છે. પણ આ માઇક્રોડ્રામા કઇ બલા છે? એક મિનિટની અંદર ખેલ કેવી રીતે થાય?
રવિવારની સાંજે આળસ ચડી હોય અને તમારી આંગળી આપોઆપ ઇન્સ્ટાની એપ પર જાય અને તમે ડાન્સ કે બિલાડીનો વિડિયો આવશે તેંમ ધારતાં હો અને અચાનક તમારા મોબાઇલના ટચૂકડાં સ્ક્રિન પર કારમાં એક છોકરી રડતી દેખાય છે. તે કહે છે, મને કદી કલ્પના પણ નહીં કે તે મને દગો દેશે. ડ્રાઇવર મિરરમાંથી પાછળ કાતિલ નજર નાંખે છે અને ફોનની રિંગ વાગે છે. પછી સ્ક્રિન બ્લેક થઇ જાય છે અને સંદેશ ચમકે છે....ભાગ-૨ આવતીકાલે. તમે ૪૭ સેકન્ડનો ડ્રામા જોઇ ચક્તિ છો. વેલકમ ટુ ન્યુ વર્લ્ડ ઓફ માઇક્રોડ્રામા.
આજકાલની ડોપામાઇન હંગરી જનરેશનને તેમની આંગળીઓ વડે પોતાના પ્લેટફોર્મ પર નચાવવા માટે વિદેશી બહુરાષ્ટ્રીય કંપનીઓની પેટા કંપનીઓ જેમ કે મેટાની ઇન્સ્ટાગ્રામ, આલ્ફાબેટની યુટયુબ શોર્ટ્સ, એમેઝોન મીની ટીવી અને દેશી કંપનીઓમાં મોજ, જોશ એકમેકની હરિફાઇમાં છે. ટ્રાફિકમાં સિગ્નલ ખૂલવાની રાહ જોતી વખતે કે ક્લાસ કે મિટિંગની વચ્ચે બિન્જ સ્ક્રોલિંગ કરી નવી પેઢી આનંદનો ઘૂંટડો માણવા મોબાઇલને કાઢી તેના પર ટપટપ આંગળીઓ નચાવે છે અને તેમની સેવામાં મનોરંજનના ફૂવારા ખૂલી જાય છે. જો કે, આ અખતરો લાંબા સમયથી ચાલુ હતો પણ હાલ તેનું ચલણ ખૂબ વધી ગયું છે. સૌ પ્રથમ સ્નેપચેટ પ્લેટફોર્મ દ્વારા આ માઇક્રો ડ્રામાના ફોર્મેટને અજમાવવામાં આવ્યું હતું. એ સમયે આ સ્નેપચેટ તેના સમયથી આગળ હતી. તેની પછી ટિકટોક આવ્યું અને મામલો પલટાઇ ગયો.
સ્નેપચેટ આવ્યું ત્યારે પ્લેટફોર્મ ગણતરીના હતા અને દર્શકોને આકર્ષવાની હોડ આજની જેમ ગળાંકાપ નહોતી. પણ આમ થવા પાછળનું બીજું મોટું કારણ દર્શકોનો એટેન્શન સ્પાન એટલે કે કોઇ ચીજ પર ધ્યાન આપવાની ક્ષમતામાં થયેલો મોટો ઘટાડો. કેલિફોર્નિયા યુનિવર્સિટીના માનસશાત્રી ડો. ગ્લોરિયા માર્ક કહે છે, ૨૦૦૪માં અમારી ટીમને જણાયું હતું કે કોઇપણ સ્ક્રિન પર સરેરાશ એટેન્શન સ્પાન અઢી મિનિટનો હતો. પણ વર્ષો વીતવા સાથે તેમાં ઘટાડો થતો ચાલ્યો. ૨૦૧૨માં અમે ફરી સંશોધન કર્યું ત્યારે તે ઘટીને ૭૫ સેકન્ડ થઇ ગયો હતો. એ પછી છેલ્લા પાંચ કે છ વર્ષમાં અમને જણાયું છે કે આ એટેન્શન સ્પાન હવે ઘટીને માત્ર ૪૭ સેકન્ડ રહી ગયો છે.
જેમ કન્ટેન્ટ વધતું ચાલ્યું તેમ ફોમો એટલે કે ફિયર ઓફ મૂવિંગ આઉટ એટલે કે કશું માણવાનું ચૂકી જવાનો ડર વધતો ચાલ્યો. તેમાં પણ મોબાઇલનો વપરાશ વધવા સાથે એટેન્શન સ્પાન ઓર ઘટતો ચાલ્યો. પરંપરાગત ટીવી કે ઓટીટી પર બિન્જ વોચિંગ કરવાને બદલે આજની ઝેડ જનરેશન તેમના ફોન પર વર્ટિકલ ફોર્મેટમાં વિડિયો જોવાનું વધારે પસંદ કરે છે. દર્શકોની હેબિટને ધ્યાનમાં રાખી ઇન્સ્ટા રીલ્સ અને યુટયુબ શોર્ટ દ્વારા પણ અલગોરિધમને એવી રીતે ફેરવવામાં આવ્યા કે જે ક્રિયેટર થોડી સેકન્ડઝમાં જ દર્શકોને જકડી રાખે તેને વધારે લાભ મળે. વિડિયો જેટલો ટૂંકો એટલી તેની પહોંચ વધારે. તેમાં પણ ફાઇવ જીના આગમન સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ મોબાઇલ પર કન્ટેન્ટ જોવાનું વધારે પ્રચલિત બનવાથી ટૂંકા વિડિયોનું ફોર્મેટ બધાંને વધારે માફક આવવા માંડયું. લાંબા વિડિયોને બદલે શોર્ટ ફોર્મ વિડિયો અઢીગણાં વધારે જોવાય છે. હવે બિઝનેસ દ્વારા બનાવવામાં આવતાં વિડિયો બે મિનિટ કરતાં ઓછાં સમયના હોય છે. ૯૦ સેકન્ડ કરતાં ઓછા સમયના વિડિયો જોનારા દર્શકો જળવાઇ રહેતાં હોવાનું જણાયું છે.
આમ, માઇક્રો ડ્રામાની મેગા ઇમ્પેક્ટ પડી છે. પરંતુ જેમ જેમ કન્ટેન્ટની લંબાઇ ઘટતી ચાલી તેમ તેમ દર્શકોને જકડી રાખવાના નુસખાં પણ બદલાતાં ગયા છે. પહેલાં અડધાં કલાકની ધારાવાહિકમાં છેલ્લી પાંચ મિનિટમાં વળાંક આપી દર્શકને જકડી રખાતો હતો પણ હવે એટેન્શન સ્પાન ઘટયો હોઇ આવી લકઝરી રહી નથી. પરિણામે આજકાલના કન્ટેન્ટ ક્રિયેટર્સ ઝટકો આપે તેવી બાબતોનો વધારે ઉપયોગ કરવા માંડયા છે. માઇક્રો કન્ટેન્ટને મોનેટાઇઝ કરવામાં શોક મોટું કામ કરી જાય છે. સરેરાશ દર્શકને તમારે પહેલી ત્રણ સેકન્ડમાં જ જકડી લેવો પડે નહીં તો તેની આંગળી ઉપર-નીચે કે ડાબે-જમણે ફરી જાય તે સાથે તમારા પણ બાર વાગી જાય છે. આ જ કારણે માઇક્રો ડ્રામામાં પહેલાં ચીસ પડે છે કે લાફો પડે છે.
માઇક્રો ડ્રામા ચલણી બન્યો છે તેનો અર્થ એ નથી કે તે ઉત્તમ ફોર્મેટ છે. જાણકારોના મતે આજકાલ જેટલી ઝડપથી કન્ટેન્ટ જોવામાં આવે છે એટલી જ ઝડપથી તે ભૂલાઇ પણ જાય છે. લોકો પાસે ઉંડા ઉતરવાનો સમય જ નથી. પરિણામે આ પેઢી માટે માઇક્રો ડ્રામા લોકપ્રિય બની રહ્યા છે. વળી તેને જોવામાં જેમ વધારે સમય લાગતો નથી તેમ તેને બનાવવામાં પણ વધારે ખર્છ થતો નથી. ચીન જેવા માર્કેટમાં માંડ બે મિનિટના માઇક્રો ડ્રામાની સ્ટોરી ૧૦૦ હપ્તામાં લંબાય છે. તેમાં પ્રથમ પાંચથી દસ હપ્તા મફત હોય છે. પછી બાકીના હપ્તા માટે મામૂલી રકમ ચાર્જ કરવામાં આવે છે. હવે ભારતમાં યુપીઆઇનો આ એક નવો ઉપયોગ વધશે તો નવાઇ નહીં લાગે.
ભારતમાં પણ કુકુ ટીવી, રીલસાગા અને રીલીસ જેવા પ્લેટફોર્મ્સ મોટાપાયે માઇક્રો ડ્રામાફોર્મેટમાં કામ કરી રહ્યા છે. એમેઝોન મેક્સ પ્લેયર પણ તેના આગવા વર્ટિકલ ડ્રામા ફોર્મેટ એમએક્સ ફટાફટ સાથે માઇક્રો ડ્રામાની બજારમાં મેદાને પડયુ છે. પરંપરાગત મિડિયા પણ આ માઇક્રો ડ્રામા ફોર્મેટનો લાભ લેવામાં પાછળ નથી. ઝી એન્ટરટેઇનમેન્ટ દ્વારા બુલેટ નામની પ્રથમ માઇક્રો ડ્રામા એપ લોન્ચ કરવામાં આવી છે. ભારતની શોર્ટ વિડિયો ક્લિપ એપ જેમ કે ફિલ્ટર કોપી, મોજ અને જોશ એટલી બધી લોકપ્રિય છે કે તેઓ પ્રોડકશન હાઉસ સાથે રીલ બનાવવા માટે કોન્ટ્રેક્ટ કરે છે.
માઇક્રો ડ્રામાને કારણે દ્શ્ય માધ્યમના વ્યાકરણમાં પણ ફરક પડવા માંડયો છે. સિનેમાના વ્યાકરણની સામે ટીવી સિરિઝનું વ્યાકરણ નબળું લાગે તેમ હવે ટીવી સિરિઝની સ્ટાઇલ સામે માઇક્રો ડ્રામાની સ્ટાઇલ વધારે ઉભડક લાગી શકે છે. માઇક્રો ડ્રામામાં સીન એકદમ ટાઇટ હોય છે અને સંવાદો નાટયાત્મક હોય છે. પ્લોટમાં વળાંક તો પાછો છાશવારે આવે. આમ, દ્શ્ય માધ્યમની પરિભાષા પર માઇક્રો ડ્રામાની મોટી અસર પડી રહી છે. પણ પીઠ સમીક્ષકોના મતે માઇક્રો ડ્રામાને કારણે સુક્ષ્મતાનો ગુણ હવે રહ્યો નથી. સીનમાં ઉંડાણને બદલે સસ્તી નાટયાત્મકતાનું ચલણ વધ્યું છે.
પ્લોટ એક સમાન બનતાં જાય છે અને તેને કારણે રીલ્સમાં એકવિધતા જણાય છે. ક્રિેયેટર્સ તો કન્ટેન્ટના ઢગલાં કરી શકે છે પણ તેમાંથી નાણાં ઉભાં કરવાનું કામ વધારે મુશ્કેલ બની રહ્યું છે. આમ છતાં માઇક્રો ડ્રામાને તરંગ ગણી નકારી કાઢવાનું પ્રસારમાધ્યમોને પરવડે તેમ નથી. આજે વિડિયો કન્ટેન્ટનો વપરાશ, તે વાપરવાનું સ્થળ અને તે વાપરવાના ઉપકરણ એ હદે બદલાઇ ચૂક્યા છે કે ડિજિટલ વિડિયોનું માધ્યમ પ્રસારણના સમીકરણ સુદ્ધાં બદલી રહ્યું છે.