Get The App

નવલકથા 'મેન, વુમન એન્ડ ચાઈલ્ડ' અને ગુલઝારનું બોલિવુડ વર્ઝન : માસૂમ

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News
Google News
નવલકથા 'મેન, વુમન એન્ડ ચાઈલ્ડ' અને ગુલઝારનું બોલિવુડ વર્ઝન : માસૂમ 1 - image

- દાસ્તાન-એ-સિનેમા

- ફર્સ્ટ-ટાઇમ ડિરેક્ટર શેખર કપૂરે અમેરિકન લેખક એરિક સેગલે લખેલી 'મેન, વુમન એન્ડ ચાઇલ્ડ' નવલકથા ગુલઝારને આપી. ગુલઝારે પુસ્તક વાંચવાને બદલે શેખર કપૂરના મોઢેથી કહાણી સાંભળી અને તેના આધારે જ 'માસૂમ'ની 

સ્ક્રિપ્ટ લખી

પાઆ એ સમયની વાત છે જ્યારે, અમિતાભ બચ્ચન થોડા સમય પહેલા જ બોર્ડિંગ  સ્કૂલમાંથી પરત આવ્યા હતા. તેઓ નવી નવી કોલેજની દુનિયા સાથે તાલમેલ  બનાવવાની કોશિશ કરી રહ્યા હતા. મનમાં જેવું ધાર્યું હતું તેવી કોલેજ હતી નહીં. અસમંજસ, ડર, આક્રોશ તેમને કોરી ખાઈ રહ્યા હતા. એક દિવસ મનમાં સવાલ  થયો કે આ બળાપો કાઢવો કોની સામે? કોઈ પોતાના સામે જ વેદના  ઠલવાયને! આ વિચારીને તેઓ  દોડતા પિતાના સ્ટડી રૂમમાં પહોંચ્યા. પિતા હરિવંશરાય બચ્ચન સામાન્ય દિવસની જેમ પોતાની ડાયરીમાં કંઈક લખી રહ્યાં હતાં. દરવાજો ખૂલવાનો અવાજ થતાં જ પિતાએ તેમની સામે જોયું. 

એક સેકન્ડનો વિલંબ કર્યા વિના અમિતાભ બોલ્યા, તમે મને પેદા શું કરવા કર્યો? પિતા હરિવંશ રાય બચ્ચન તે સમયે તો કંઈ બોલ્યા નહીં, પરંતુ એક દિવસ બાદ દીકરાના ઓશિકા નીચે 'નયી લીક' શીર્ષક સાથેની કવિતા મૂકી. જેને વાંચતા જ અમિતાભને જવાબ મળી ગયો. આ કવિતાની પંક્તિઓ હતીઃ 

'ઝિંદગી ઓર ઝમાને કી કશમકશ સે ધબરાકર મેરે બેટે મુજસે પૂછતે હૈ, હમે પૈંદા ક્યોં કિયા થા? ઔર મેરે પાસ ઈસકે સિવા કોઈ જવાબ નહીં હૈ કિ મેરે બાપ ને ભી મુઝ સે બિના પૂછે મુજે પૈદા કિયા થા... ન હીં મેરે બાપને અપને બાપ સે પૂછા, ન હી મેરે દાદાજીને અપને બાપ સે પૂછા.. ઝિંદગી ઓર ઝમાને કી કશમક્શ પહલે ભી થી, અબ ભી હૈ, શાયદ ઝયાદા... તુમ હી નઈ લીક ધરના, અપને બેટો સે પૂછકર ઉન્હે પૈદા કરના.'

આ સવાલ-જવાબ કરનારા કોઈ સામાન્ય માણસો નહોતા. એક તરફ, સવાલ સાથે એ પુત્ર કે જે પોતાના દમ પર સદીનો મહાનાયક બન્યો. બીજી તરફ, એવો પિતા કે જેની ગણતરી તે સમયના જાણીતા કવિ-લેખકોમાં થાય. આ સવાલ પણ એવા સમયનો, જ્યારે તેમની પાસે તમામ સુખ-સુવિધાઓ હતી.

હવે, વિચાર કરો એ યુવાન, એ બાળકનો કે જેની પાસે સુવિધાના નામ પર માત્ર આશ્વાસન છે. તેને શું સવાલ થતો હશે? એનાથી થોડું આગળ વિચારો, એવું બાળક કે જેની પાસે નામ માત્રનું પણ આશ્વાસન નથી. તેનાથી પણ આગળ એવું બાળક કે, જે કોઈને જોઈતું જ નહોતું. જન્મથી જ જેનો તિરસ્કાર થયો... તેને કેવા સવાલો થતાં હશે? તેના મન પર શું વીતતી હશે? ...અને હા, અમિતાભ પાસે તો હરિવંશરાય બચ્ચન જેવા પિતા હતા કે જે જવાબ આપે. જેની પાસે આવા પિતા ન હોય તેનું શું? 

આવા અનેક પ્રશ્નોના જવાબ શોધી રહ્યા હતા, અમેરિકન લેખક, એરિક સેગલ. તેમની પ્રસિદ્ધ નવલકથા 'લવ સ્ટોરી' બાદ તેમણે 'મેન, વુમન એન્ડ ચાઈલ્ડ' નામની નવલકથા લખી. આ નવલકથાની પૃષ્ઠભૂમિમાં તેમણે એવા જ બાળકનો વિચાર રાખ્યો કે જે આ પ્રકારના સવાલોનો સામનો કરી રહ્યું છે. અન્ય નવલકથાઓથી અલગ આ નવલકથા એક બાળકની નજરે કહાણી કહે છે. આ બાળક પણ અદ્ભુત છે. ઉંમર કરતા વિચારોથી મોટું. સમજદારી, સહનશક્તિ અને જેને 'ઈમોશનલ ઈન્ટેલિજન્સ' કહેવાય તેનાથી ભરપૂર. કદાચ એટલા માટે કે, તેની પાસે અન્ય કોઈ વિકલ્પ પણ નહોતો. 

આ નવલકથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને સાહિત્ય રસિયા એવા શેખર કપૂરના હાથમાં આવી. આ એ સમય હતો જ્યારે, ભારતમાં એક્ટર તરીકે કારકિર્દી શરૂ કરવામાં નિષ્ફળ રહેલા શેખરે ઈંગ્લેન્ડમાં આશરો લીધો હતો. કથા વાંચતાની સાથે જ તેમને લાગ્યું કે, બધું હેઠું મૂકો, હવે તો આ કથા જ આપણો આશરો. તેઓ ભારત પરત ફર્યા અને ગુલઝાર સાથે મળીને 'મેન, વુમન એન્ડ ચાઈલ્ડ'નું બોલિવુડ સંસ્કરણ 'માસૂમ' બનાવવાની શરૂઆત કરી. 

ગુલઝારનું અદભુત લેખન

એક લેખક કોને કહેવાય? આ સવાલ એટલે કારણ કે, આજકાલ લેખકની પરિભાષા બદલાઈ છે. હવે, બધા જ રીલ્સ ઘેલા બન્યા છે. તે લેખક પણ એને જ માને જે, બોલવામાં કંઈ બાકી જ ન રાખે. જાણીતા લેખક-કવિને એવી રીતે 'ક્વોટ' કરે જાણે પોતે જ બોલ્યા. વાઈવા (સ્કૂલો-કોલેજોમાં જે મૌખિક કસોટી લેવાય તે)માં પાસ, બાકી લખાણમાં નાપાસ! લેખકોથી ખદબદતી સોસાયટીએ સાચા અર્થમાં લેખક એવા ગુલઝાર વિશે જાણવા જેવું છે. 

શેખર કપૂર જ્યારે, 'મેન, વુમન એન્ડ ચાઈલ્ડ'ની કહાણી લઈને તેમની પાસે પહોંચ્યા ત્યારે ગજબનો કિસ્સો બન્યો. કહાણી સાંભળીને કોઈ સામાન્ય લેખક હોય તો કહે કે, આ 'મેન, વુમન એન્ડ ચાઈલ્ડ' મને આપી દેજો, કહાણી લખાઈ જશે, પરંતુ ગુલઝારે શેખરને સાંભળ્યા. શેખર શું સમજ્યા હતા તેના પરથી જ કહાણી લખી. જે કહાણી લખાઈ તે 'માસૂમ' કહેવાઈ. ક્રેડિટ ભૂખ્યાં સમાજમાં ગુલઝારની ઉદારતા જુઓ, સાહેબ. શેખર કપૂરે ભલે એક લખાયેલી નવલકથાની કહાણી સંભળાવી, પરંતુ ગુલઝારે કહ્યું, તમને પણ આની ક્રેડિટ મળવી જોઈએ, કારણ કે ફિલ્મ બનાવવાનો વિચાર તો છેવટે તમારો જ છેને! અલબત્ત, 'માસૂમ'ના લેખક તરીકે આખરે તો એકલા ગુલઝારનું જ નામ મૂકાયું. 

હવે, જાણીએ તેમણે એવું તો શું લખ્યું? 'મેન, વુમન એન્ડ ચાઈલ્ડ'માં એક બેકવિથ પરિવારની કહાણી છે. પરફેક્ટ કહી શકાય તેવા પરિવારના તમામ સભ્યોનું જીવન એક ફોન કોલ બદલી નાખે છે. પરિવારના મુખિયા રોબર્ટને ખબર પડે છે કે, ફ્રાન્સમાં તેના 'વન નાઈટ સ્ટેન્ડ'ને કારણે એક બાળકનો જન્મ થયો હતો. આ બાળક તેની માતાના અવસાન બાદ અનાથ બને છે અને તેને રોબર્ટે ના છૂટકે પોતાના પરિવારમાં સામેલ કરવું પડે છે. આ કહાણીમાં ગુલઝારે ભારતીય રંગો ભર્યા છે. જે સામે આવી ત્યારે એવી કહાણી બની જે તમને રડાવે છે, વિચારવા મજબૂર કરે છે કે, આ બાળકનો શું વાંક?

ઉર્મિલા માતોંડકર, જુલગ હંસરાજનું ડેબ્યુ અને ટ્રેન્ડિંંગ સોંગ 

આ ફિલ્મને હૃદયસ્પર્શી બનાવવાનો શ્રેય અભિનેતાઓને પણ જાય છે. નસીરુદ્દીન શાહ, શબાના આઝમી અને બાળ કલાકારો ઉમલા માતોંડકર, જુગલ હંસરાજ અને આરાધના. ઉર્મિલા માતોંડકરનું રંગીલા ફિલ્મનું ગીત 'યાઈ રે યાઈ રે ઝોર લગા કે નાચે રે... અને જુગલ હંસરાજનું 'ઘર સે નિકલતે હી કુછ દૂર ચલતે હી..' પોપ્યુલર થયું તે પહેલા તેમનું અન્ય એક ગીત પોપ્યુલર થયું હતું. આ ગીત એટલી હદે લોકોને ગમ્યું કે, આજની તારીખમાં યુટયુબ પર ટ્રેન્ડિંગ છે. આ ફિલ્મના બાળ ગીત 'લકડી કી કાઠી'ને યુટયુબ પર લગભગ ૩૯૧ મિલિનય વ્યૂઝ મળ્યા છે. તેના એનિમેટેડ વર્ઝનના એક વીડિયોને ૯૭૧ મિલિયન જ્યારે, બીજાને ૬૭૮ મિલિયન વ્યૂઝ મળ્યા છે. આ ગીતના કુલ વ્યુઝ એક અરબને પાર કરી ગયા છે. આજે રડતાં બાળકોને યુટયુબ થમાવીને સંભળાવવામાં આવતા આ ગીતને ગુલઝારે પોતાની દીકરી મેઘના માટે લખ્યું હતું.  'માસૂમ'નાં તમામ ગીતો આર.ડી. બર્મને કંપોઝ કર્યાં છે. 

ફિલ્મ અને તેનો વિચાર 

આ ફિલ્મનું શૂટિંગ લગભગ ખતમ થવા આવ્યું હતું ત્યારે શેખર કપૂરને લાગ્યું કે કંઈક ખૂટે છે. પહેલી વાર ફિલ્મ ડિરેક્ટર કરી રહ્યા હતા એટલે ગહન ચિંતન કર્યું. છેવટે, ફિલ્મની કહાણીની જેમ આ ખૂટતી કડી શોધવા માટે ગુલઝાર પાસે પહોંચ્યાં અને સોલ્યુશન મળ્યું. ગુલઝારે એક ગઝલ લખી અને ગઝલ એવી લખી કે, જે ફિલ્મોમાં આવેલી આજ સુધીની સૌથી પોપ્યુલર ગઝલ છે. 

ગઝલ લખતી વખતે તેમણે એ બાળકોનો વિચાર રજૂ કર્યો છે, જેમની સાથે 'માસૂમ'ના બાળક જેવી ઘટના બની છે. તેમણે એ બાળકનો વિચાર રજૂ કર્યો છે, જેને જીવનમાં ક્યારેક કોઈની તરફથી આશ્વાસન પણ નથી મળ્યું. સમજો આ બાળક મોટું થયું છે, હવે તે કોઈની પર વિશ્વાસ નથી કરી શકતું કારણ તેની જે વેદના રહી છે, જેને તેનાં મા-બાપ પણ નથી સમજી શક્યા. તેને સવાલ થાય છે કે, આ વેદના અન્ય કોઈ કેવી રીતે સમજી શકશે. આ પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને ગુલઝારે જે શબ્દો લખ્યાં તે એક વાર વાંચવા જેવા છેઃ 

'તુઝ સે નારાઝ નહીં ઝિંદગી હૈરાન હૂં મૈં, 

તેરે માસૂમ સવાલો સે પરેશાન હૂં મૈં... હો પરેશાન હૂં મૈં... 

જિને કે લિયે સોચા હીં નહીં, દર્દ સંભાલને હોંગે... મુસ્કુરાયે તો મુસ્કુરાને કે, કર્ઝ ઉતારને હોંગે... હો મુસ્કુરાઉં કભી તો લગતા હૈ, જૈસે હોંઠો પે કર્ઝ રખા હૈ... તુઝસે નારાઝ નહીં ઝિંદગી હૈરાન હૂં મૈં, ઓ પરેશાન હૂં મૈં...

ઝિંદગી તેરે ગમ ને હમેં રિશ્તે નયે સમઝાયે... મિલે જો હમે ધૂપ મેં મિલે, છાવ કે ઠંડે સાયે... તુઝસે નારાઝ નહીં ઝિંદગી હૈરાન હૂં મૈ હો હેરાન હૂં મૈ. 

આજ અગર ભર આઈ તો, બુંદે બરસ જાયેગી... કલ ક્યા પતા, કિન કે લિયે આંખે તરસ જાયેગી... જાને કબ ગુમ હુઆ કહા ખોયા, એક આંસુ છૂપા કે રખા થા... હો તુઝસે નારાઝ નહીં ઝિંદગી, હૈરાન હૂં મૈં... તેરે માસૂમ સવાલો સે પરેશાન હૂં મૈં... 

હો પરેશાન હૂં મૈં... 

હો પરેશાન હૂં મૈ... 

હો પરેશાન હૂં મૈ...'