Get The App

હીરો નહીં વિલન: 'ડર' સાથે શાહરૂખની ચડતી કળા

Updated: Feb 5th, 2026

GS TEAM

Google News
Google News
હીરો નહીં વિલન: 'ડર' સાથે શાહરૂખની ચડતી કળા 1 - image

- અનેક લોકોએ શાહરૂખ સામે ડર વ્યક્ત કર્યો હતો કે, 'ડર'ના એન્ટિ-હીરોનો રોલ ના કરતો. નહીં તો કારકિર્દી ખતમ, ટાટા, બાય બાય... પણ શાહરૂખ જુગાર રમ્યો અને જીત્યો.

લતીફ ફાતિમા ખાન હોસ્પિટલના આઈસીયુમાં દાખલ હતાં. તેમના દીકરાએ મહામહેનતે ડોક્ટરોને મનાવ્યા. આઈસીયુમાં વીસીઆર એરેન્જ કરાવ્યું. ટીવીમાં માતાએ દીકરાને જોયો. આંખોમાંથી ખુશીના આંસુઓની ધારા વહી. કારણ પણ હતું. જે દીકરાની કારકિર્દી વિશે ચિંતા થતી તે ટીવી સિરીયલમાં એક્ટિંગ કરી રહ્યો હતો. માતા કંઈ બોલવા જાય તે પહેલા દીકરાએ ધીરેથી કહ્યું, 'આ તો શરૂઆત છે..હૂં ફિલ્મો પણ કરીશ.' આ વાત છે, બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાનની. તેણે ડેવિડ લેટરમેનના ફેમસ ટોક શો, 'માય નેક્સ્ટ ગેસ્ટ વીથ ડેવિડ લેટરમેન'માં આ વાત કહી ત્યારે સૌ ચોંકી ગયા હતા. 

જે વાત કહેવાની રહી ગઈ તે પણ મજેદાર હતી. શાહરૂખે માતાને કરેલા વાયદા મુજબ, ફિલ્મો પણ કરી. પરંતુ, શરૂઆત આસાન નહોતી. ૧૯૯૨માં પહેલી ફિલ્મ 'દીવાના' રીલીઝ થઈ. આ ફિલ્મ માટે તેને 'ફિલ્મફેર એવોર્ડ ફોર બેસ્ટ મેલ ડેબ્યુ' મળ્યો. ઊભરતા કલાકાર તરીકેની છબી બની. પરંતુ, એક એક્ટર તરીકે સ્થાપિત કરવા માટે તેને અલાયદા રોલની જરૂર હતી. આ દરમિયાન આમિર ખાનની એક ફિલ્મમાંથી હકાલપટ્ટીએ તેની કિસ્મત બદલી નાખી. આમિરના જણાવ્યા અનુસાર, એક મામૂલી માંગણીને કારણે તેને સુપરહિટ ફિલ્મમાંથી બહાર કરવામાં આવ્યો હતો. તેને બહાર કરનારા ફિલ્મમેકરનું નામ હતું, યશ ચોપરા. તેને જે ફિલ્મમાંથી બહાર કરવામાં આવ્યો તે હતી, 'ડર : અ વાયોલન્ટ લવ સ્ટોરી'. આમિરે માંગ કરી હતી કે, ફિલ્મમાં બે એક્ટર હોવાથી બંનેને સાથે બેસાડીને સ્ટોરી નેરેટ કરો. યશ ચોપરાએ માંગ ન સ્વીકારવાની સાથે તેને ફિલ્મમાંથી જ બહાર કાઢી મૂક્યો. આ વાતનો સીધો ફાયદો શાહરૂખને મળ્યો. તેને એક એવી ફિલ્મ મળી જેણે તેની ઇમેજ બનાવી. આ ઇમેજ પોઝિટિવ નહોતી. એક વિલનની હતી, પરંતુ શાહરૂખે પોતાના નિર્ણયથી સાબિત કર્યું કે, 'હીરો બનવા માટે વિલન બનવાની તૈયારી રાખવી પડે'. 

શાહરૂખ-યશ ચોપરાની પહેલી ફિલ્મ 

શાહરૂખ ખાન અને યશ ચોપરાની જોડીએ 'દિલ તો પાગલ હૈ', 'વીર-ઝારા', 'જબ તક હૈ જાન' જેવી અનેક સુપરહિટ ફિલ્મો બનાવી છે, પરંતુ, આ સિલસિલાની શરૂઆત 'ડર' સાથે થઈ હતી. આ ફિલ્મના નામ પ્રમાણે ગુણ. એક માથાફરેલ આશિકની સ્ટોરી હિંસક લવ સ્ટોરી. આ ફિલ્મે શાહરૂખની કારકિર્દીને આકાર આપવામાં મોટો ભાગ બજવ્યો. ફિલ્મમાં ભલે તે નેગેટિવ રોલમાં હતો, પરંતુ હીરો સની દેઓલને ઓવરપાવર કરી ગયો. પોતાની ટોપ-ફાઇવ હિટ ફિલ્મો પૈકી એક એવી આ ફિલ્મ વિશે સની દેઓલને એક વસવસો કાયમ માટે રહી ગયો. તેને લાગ્યું કે યશ ચોપરાએ શાહરૂખને વધુ હાઈલાઈટ કર્યો. હવે, તેમણે શાહરૂખને વધુ હાઈલાઈટ કર્યો કે શાહરૂખની પોતાની એક્ટિંગને કારણે સ્વયં હાઈલાઈટ થયો તે અલગ વિષય થયો, પણ આ ફિલ્મ જોનારાઓને શાહરૂખની એક્ટિંગ દમદાર લાગી હતી તે હકીકત છે. આ ફિલ્મ શાહરૂખની ફેવરિટ પણ છે, તે વાત તાજેતરમાં સાબિત થઈ, જ્યારે નવી ફિલ્મ 'કિંગ'ના ટીઝરમાં પણ 'ડર'ની છાપ જોવા મળી. 'કિંગ'ના ડાયલોગ 'ડર નહીં દહેશત હૂં મૈ...'ને કારણે દર્શકો માની રહ્યાં છે કે  'ડરરર...'ના રોમાંચને શાહરૂખ આ ફિલ્મમાં દહેશતના અલગ લેવલ પર લઈ જશે. પાછું એક સામ્ય પણ છે. 'ડર' પણ ક્રિસમસ વીકેન્ડ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મ પણ ક્રિસમસ વીકેન્ડ પર રિલીઝ થવાની છે. રિપોર્ટ મુજબ, 'ડર' પહેલા અનેક લોકોએ શાહરૂખ સામે ડર વ્યક્ત કરીને કહ્યું હતું કે, 'ડર'નો એન્ટિ-હીરોનો રોલ ના કરતો. નહીં તો કારકિર્દી ખતમ, ટાટા, બાય બાય... પણ શાહરૂખ જુગાર રમ્યો અને જીત્યો.

જુહીનો મહત્વપૂર્ણ રોલ 

સની અને શાહરૂખ વચ્ચે ક્રેડિટ કોને મળીની ચર્ચામાં જુહી ચાવલા ભૂલાઈ ગઈ. જો જુહીના ચહેરા પર ડર ન જોવા મળત તો શાહરૂખની એક્ટિંગ બેકાર જાત. તેણે એટલી અદ્ભુત રીતે ડરનું ચિત્રણ કર્યું છે કે, તે દર્શકોને સાચો લાગે છે. ક્યારેક દર્શકોને પણ ડરાવે છે. જુહીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, શાહરૂખ એક સીનમાં પોતાના હાવભાવ અણધાર્યા રાખતો, જેથી તેના રિએક્શન કુદરતી રહે. આ ફિલ્મ  પહેલાં શાહરૂખ-જુહીની જોડી 'રાજુ બન ગયા જેન્ટલમેન'માં ચમકી ચૂકી હતી. પછી તેમની 'યસ બોસ', 'ડુપ્લિકેટ', 'ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની' જેવી ફિલ્મો પણ આવી. હાલ તેઓ કોલકાતા નાઈટ રાઈડર્સનાં કો-ઓનર્સ છે. શાહરૂખ પાસેથી આ વાત શીખવા જેવી કે, હંમેશા સારા સંબંધો રાખવા. યશ ચોપરા હોય, કરણ જોહર હોય, કે પછી જુહી ચાવલા તે સંબંધો સાચવી જાણે છે. 

શિવ-હરિનું સંગીત 

આ ફિલ્મનું મ્યુઝિક જાણીતા સંતુરવાદક શિવકુમાર શર્મા અને વાંસળી વાદક હરિપ્રસાદ ચૌરસિયાએ આપ્યું હતું. આ જોડીએ યશ ચોપરાની 'સિલસિલા'થી પોતાની ફિલ્મી સફરની શરૂઆત કરી હતી. ત્યારબાદ, 'ફાસલે', 'વિજય', 'ચાંદની', 'લમ્હે', 'પરંપરા', 'સાહિબાન' અને 'ડર'માં સંગીતના સૂર રેલાવ્યા હતા. 'ડર'નાં ગીતોના બોલ આનંદ બક્ષીએ લખ્યા છે, પરંતુ ગીતમાં પણ શાહરૂખ બાજી મારી જાય છે. જ્યારે તે રોમેન્ટિક લાગતું ગીત 'જાદુ તેરી નઝર..' ગાય છે ત્યારે, ગીત આપોઆપ ડેન્જરસ બની જાય છે. આ ગીત સિવાય 'તુ મેરે સામને', 'અંગ સે અંગ લગાના' અને 'લિખા હૈ યે..' સુપરહિટ રહ્યા હતા.

યશ ચોપરાનો સ્વિટ્ઝર્લેન્ડ પ્રેમ 

૧૯૮૫ની ફિલ્મ 'ફાસલે' સાથે યશ ચોપરાનો સ્વિટ્ઝર્લેન્ડ પ્રેમ શરૂ થયો હતો. જે બાદ યશ ચોપરાની ફિલ્મ હોય તો માની લેવામાં આવતું કે, લોકેશનમાં સ્વિટ્ઝર્લેન્ડ તો હશે જ. આ ફિલ્મના ઘણા મહત્વના સીન જો સ્વિટઝર્લેન્ડમાં શૂટ ન થયા હોત તો તે ફીલ ન આવત.

અન્ય થીમ પર વિચાર 

આ ફિલ્મના એન્ડિંગ વિશે ઘણી અસમંજસ હતી. કહેવાય છે કે, બે અલગ અલગ એન્ડિંગ પર વિચાર કરવામાં આવ્યો હતો. છેવટે, તમામ સાથે વિચાર વિમર્શ બાદ આ એન્ડિંગ નક્કી કરવામાં આવ્યું હતું.

ક..ક..ક... કિરણ માટે પ્રેક્ટિસ 

આ ફિલ્મના આઈકોનિક ક..ક..કિરણ માટે શાહરૂખે ખાસ તૈયારીઓ કરી હતી. અનેક સાથે વાતચીત દ્વારા તે શીખ્યો કે, ઘણા લોકો ઈમોશનલ મોમેન્ટમાં બોલતા બોલતા વધુ અટકતા હોય છે. એટલે જ તેણે તેની પ્રેમિકાનું નામ બોલતા પહેલાં ખચકાટ રાખ્યો, જેના કારણે તેનો ઈમ્પેક્ટ ખૂબ વધી ગયો.

અજય, આમિર, સંજ્ય, રિશિ..

રાહુલ મેહરાનો રોલ છેવટે શાહરૂખને મળ્યો પરંતુ, તે પહેલા આમિર ખાન, સંજ્ય દત્ત, રિશિ કપૂર, અજય દેવગણના નામ પર ચર્ચા થઈ હતી. આમિરને ફિલ્મમાંથી બહાર કાઢવામાં આવ્યો તે પહેલાં અજય દેવગણને રોલ ઓફર કરવામાં આવ્યો હતો. અજય અન્ય ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હોવાથી તેણે ઓફર નકારી કાઢી હતી. અજય સિવાય સંજુ બાબા અને રિશિ કપૂરને ઓફર કરવામાં આવી હતી. કહેવામાં આવે છે કે, રિશિ કપૂરે જ શાહરૂખનું નામ સૂચવ્યું હતું. 

જૂહી પહેલાં શ્રીદેવી, રવીના...

જેમ, આ ફિલ્મ માટે શાહરૂખ પહેલી પસંદ નહોતો,તેમ જૂહી ચાવલા પણ આ ફિલ્મ માટે પહેલી પસંદ નહોતી. યશ ચોપરાની ફિલ્મો 'ચાંદની' અને 'લમ્હે'માં ચમકેલી શ્રીદેવી પહેલી પસંદ હતી. શ્રીદેવીને જ્યારે રોલ ઓફર કરવામાં આવ્યો ત્યારે તેણે ખુદ 'ઓબ્સેસિવ લવર'નો રોલ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. વાત અહીં જ ભાંગી પડી, અને રવીનાને રોલ ઓફર કરવામાં આવ્યો. રવીનાની ના પછી છેક જૂહીને રોલ ઓફર કરવામાં આવ્યો હતો. 

ઉદય ચોપરા અને હૃતિકનો રોલ 

આ ફિલ્મમાં તો ઉદય ચોપરા અને હૃતિક રોશનનો કોઈ રોલ નહોતો, પરંતુ બંને મિત્રોએ આ ફિલ્મને આસિસ્ટ કરી હતી. આ ફિલ્મના ટાઈટલ 'ડર'નો શ્રેય આ બંને મિત્રોને આપવામાં આવ્યો હતો. કહેવામાં આવે છે કે ફિલ્મના શૂટિંગ દરમિયાન તેમણે ફિલ્મનું નામ 'ડર' સૂચવ્યું હતું.  

અને ફિલ્મ રિલીઝ થઈ..

ફિલ્મ રિલીઝ થયા બાદ જે બન્યું, તે કદાચ કોઈએ વિચાર્યું પણ નહોતું.

એક તરફ સની દેઓલ જેવો હીરો હતો. જેણે 'ઘાયલ' અને 'દામિની' જેવી ફિલ્મો કરી હતી. બીજી તરફ, શાહરૂખ ખાન હતો. અટકાઈને ક...ક....કિરણ બોલતો એક નવો વિલન. ફિલ્મમાં છેવટે જીત તો હીરોની જ થાય છે, પરંતુ દર્શકોને વિલન પસંદ પડી ગયો હતો. શાહરૂખના દરેક સીન પર થિયેટરોમાં હલચલ જોવા મળતી. શાહરૂખની 'બાઝીગર' ફિલ્મ એક મહિના પહેલાં જ રિલીઝ થઈ હતી, જે સુપરહિટ સાબિત થઈ હતી. તેમાં પણ શાહરૂખ વિલન બન્યો હતો. 'ડર' અને 'બાઝીગર' સંયુક્તપણે શાહરૂખની કરીઅર માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ. આ ફિલ્મોએ સાબિત કરી દીધું કે, સ્ટાર બનવા માટે હંમેશા સેફ રમવું જરૂરી નથી. શાહરૂખે જુગાર રમ્યો હતો અને એવો જુગાર રમ્યો, જેમાં તેની જીત નિશ્ચિત હતી. પછી તો 'અંજામ' (૧૯૯૪)માં પણ એની નકારાત્મક ભૂમિકા જોવા મળી.  શાહરૂખની આ જીતે સાબિત કર્યું કે, 'હીરો બનવા માટે વિલન બનવાની તૈયારી રાખવી પડે'. સમજો, તમારી જીત કોઈને તો ખૂંચવાની. તે ભલે તમારા સગાવહાલાં હોય, કહેવાતા મિત્રો હોય કે પછી અન્ય પરિચિતો. તેમના મનમાં તમારી ખોટી ઊભી કરેલી ઈમેજને તોડવાની હિંમત તમે નહીં કરો તો બીજું કોણ કરશે? તમે અન્ય કોઈની સ્ટોરીમાં વિલન હોય શકો છો. કશો વાંધો નહીં. ફિકર નોટ, પરંતુ પોતાની સ્ટોરીમાં વિલન બનવાની કોઈ 'ગુંજાઈશ' ન રાખવી!