Get The App

કોર્ટ કચેરી વાસ્તવમાં કોઇને ન ગમે પણ ફિલ્મોમાં બધાને તેનો ડ્રામા ગમે

Updated: Oct 2nd, 2025

GS TEAM

Google News
Google News
કોર્ટ કચેરી વાસ્તવમાં કોઇને ન ગમે પણ ફિલ્મોમાં બધાને તેનો ડ્રામા ગમે 1 - image

- ઓટીટી પર પણ કોર્ટરૂમ ડ્રામા ખૂબ લોકપ્રિય સિનેમામાં ત્રણ કલાકમાં ગમે તેવા પેચીદા કેસનો ફેંસલો આવી જાય, અસલી કોર્ટમાં ત્રણ દાયકામાં પણ ચૂકાદો ન આવે એવું બની શકે

સિનેમા જગતનું એક આગવું સત્ય હોય છે. ઘણીવાર સિનેમાના પડદે ત્રણ કલાકમાં એવું બની શકે છે જે વાસ્તવમાં ત્રણ દાયકાનો સમય વીતી ગયો હોય તો પણ ન બન્યું હોય. હા, ન્યાય તોળવામાં સિનેમાની ઝડપ અસલી કોર્ટ કરતાં ઘણી વધારે હોય છે અને આ જ કારણે સામાન્ય માણસ અસલી કોર્ટ કચેરીમાં જતાં ડરે છે પણ સિનેમાના પડદે ત્રણ કલાકમાં ન્યાય મળતો જોઇ તે ખુશ થઇ જાય છે અને સિનેમામાં કોર્ટરૂમ ડ્રામા એવરગ્રીન બની રહેવાનું આ એક મોટું કારણ છે.  

એક જમાનામાં બહું ગાજેલા ક્રિમિનલ કેસો પરથી જડબેસલાક કોર્ટ રૂમ ડ્રામા બનાવાનો ચાલ હતો. મુંબઇમાં એક જમાનામાં બહું ગાજેલો ૧૯૫૯ નો કે. એમ. નાણાંવટી કેસ ભારતમાં ઘણી રીતે યાદગાર બની રહ્યો હતો. આ કેસમાં પત્રકારત્વએ ભજવેલી ભૂમિકાની નોંધ બધાંને લેવાની ફરજ પડી હતી. આ કેસ પરથી ત્રણ ફિલ્મો આર કે નાયરની ૧૯૬૩માં  આવેલી યે રાસ્તે હૈ પ્યાર કે, ૧૯૭૩માં  ગુલઝારની અચાનક અને ૨૦૧૬માં  ટીનુ સુરેશ દેસાઇની રૂસ્તમ બની છે તો ૨૦૧૯માં સ્ટેટ વર્સીસ નાણાંવટી નામની ટીવી મિની સિરિઝ પણ બનાવવામાં આવી હતી. રસપ્રદ બાબત એ છે કે આ તમામ ફિલ્મો અને ટીવી સિરિઝમાં આ કેસનું સૌએ પોતાની આગવી રીતે રજૂઆત કરી લોકોનું મનોરંજન કરવાનો પ્રયાસ કર્યો હતો. 

જો કે ફિલ્મના શોખીનોને ૧૯૯૩ માં આવેલી દામિની ફિલ્મ તેના કોર્ટરૂમ ડ્રામાને કારણે ખૂબ ગમી હતી. તેના સંવાદો આજે પણ લોકો યાદ કરે છે. એક તો સની દેઓલનો ગરમ મિજાજ અને અમરીશપુરીની કાનુની ઠંડકનું અજબ મિલન આ ફિલ્મમાં થયું હતું. સનીએ તારીખ પે તારીખ , તારીખ પે તારીખ મિલતી ગઇ માય લોર્ડ પર ઇન્સાફ નહીં મિલા. આજે પણ આ સંવાદમાં રહેલું સત્ય શ્રોતાને ડિસ્ટર્બ કરી નાંખે છે. તેની સામે અમરીશપુરીએ પણ તેમના ઘેઘુર અવાજમાં સંવાદ ફટકારેલો કે, યેહ અદાલત હૈ કોઇ મંદિર યા દરગાહ નહીં જહાં મન્નતે ઔર મુરાદે પુરી હોતી હૈ...યહાં ઠોસ સબૂત ઔર ગવાહ પેશ કિયે જાતે હૈ. 

જો કે છેલ્લા એક દાયકામાં ફિલ્મી કોર્ટના વાતાવરણમાં મોટું પરિવર્તન આવ્યું છે. હવે કોઇ દિગ્દર્શક હાથમાં ગીતા લઇ સાક્ષી પાસે નાટયાત્મક સોગંદ લેવડાવતો નથી. હવે વકીલો પણ ન્યાયાધીશો સામે જોઇ ડાયલોગ ફટકારતાં નથી કે જજ સાહબ , મેરે મુવક્કિલ કો બા ઇજ્જત બરી કિયા જાયે. તેના બદલે ફિલ્મ દિગ્દર્શકો જે તે વિષયની કલમ વિશે બારીક દલીલો કરી  દર્શકોને કાનુની ફંડામેન્ટલ્સ બરાબર સમજાવવા માંડયા છે. ૨૦૧૯માં આવેલી ફિલ્મ સેક્શન ૩૭૫માં કન્સેન્ટ અને કાનુની છીંડાને બરાબરા ઉઘાડાં પાડવામાં આવ્યા હતા. તો ૨૦૧૮માં આવેલી ફિલ્મ મુલ્કમાં અંગત અને રાજકીય પૂર્વગ્રહો કેવી રીતે ન્યાયતંત્રમાં પ્રવેશી જાય છે તેની છણાવટ કરાઇ હતી. તાજેતરના વર્ષોમાં જોલી એલએલબી, ઓહ માય ગોડ, પિન્ક, કોર્ટ અને અલીગઢ જેવી ફિલ્મોમાં કોર્ટ રૂમ ડ્રામા નોંધપાત્ર રીતે સફળ પુરવાર થયો છે. 

૨૦૨૩માં આવેલી સિર્ફ એકબંદા કાફી હૈ ફિલ્મમાં વકીલની ભૂમિકા ભજવનાર મનોજ બાજપેયી કહે છે, ન્યાય મેળવવાની લાલસા દરેક માણસમાં રહેલી હોય છે. કોર્ટરૂમ ડ્રામાના મૂળમાં જ તનાવ હોય છે જે સંવાદો દ્વારા વ્યક્ત થતો હોય છે. આમાં મજા એ હોય છે કે એક્શનને બદલે તેમાં શબ્દોથી કામ લેવામાં આવે છે. પરિણામે ડાયલોગ ડિલિવરીમાં પારંગત અભિનેતાઓ મેદાન મારી જાય છે. આ બાબતને બહેતર રીતે સમજવામાં પિન્કમાં અમિતાભ બચ્ચનની ભૂમિકા જોવી જોઇએ. બળાત્કારના કેસમાં અમિતાભ બચ્ચન તેમના બેરિટોન અવાજમાં હિન્દીને બદલે ઇંગ્લીશમાં બરાડે છે.. નો ઇઝ એન એન્ટાયર સેન્ટેન્સ ઇન ઇટસેલ્ફ. નો મિન્સ નો, એન્ડ વ્હેન સમબડી સેઝ ઇટ, યુ નીડ ટુ સ્ટોપ. 

હવે ઓટીટી પર પંકજ કોર્ટરૂમ ડ્રામા ક્રિમિનલ જસ્ટિસ: ધ ફેમિલિ મેટર દર્શાવાઇ ચૂકી છે. આ સિરિઝમાં પંકજ ત્રિપાઠીએ વકીલની ભૂમિકા ભજવી પોતાની અભિનયકલાને સરાણે ચડાવી છે. આ વર્ષે આ સિરિઝને મોટી સંખ્યામાં લોકોએ નિહાળી છે તે દર્શાવે છે કે ઓટીટી પર પણ કોર્ટરૂમ ડ્રામા લોકપ્રિય છે.  ભારતીય ન્યાયતંત્રની મર્યાદાઓ પણ ઘણી ફિલ્મોમાં દર્શાવવામાં આવી છે. ૨૦૧૩માં આવેલી જોલી એલએલબી ફિલ્મમાં સૌરભ શુક્લાએ નિવૃત્તિને આરે આવેલાં ન્યાયાધીશની ભૂમિકા બખૂબી ભજવી હતી. હવે સિનેમામાં  પણ જુના જમાનાના કડક મિજાજના ન્યાયાધીશને બદલે સિસ્ટમથી થાકી હારીને પણ ન્યાય તોળવા તત્પર ન્યાયાધીશના પાત્ર દર્શાવવામાં આવે છે. વકીલોની નિરર્થક દલીલબાજી અને કેસોને લંબાવવાના તેમના પેંતરાઓથી વાકેફ ન્યાયાધીશ જરૂર પડે તેમને ઉતારી પાડી સૌરભ શુક્લા માહિતી પણ આપે છે કે ભારતની અદાલતોમાં ત્રણ કરોડથી વધારે કેસો પેન્ડિગ છે. આ જ ફિલ્મમાં અર્શદ વારસી વકીલની ભૂમિકામાં સત્ય ઉચ્ચારે છે..ઇસ દેશમેં ગરીબો કો ઇન્સાફ બહુત મહેંગા મિલતા હૈ. આજે આ સત્યને કોઇ નકારી શકે તેમ નથી અને આ જ કારણે પેંતરાબાજ રાજપાલ (બમન ઇરાની)ની સામે  જોલી જીતે તેનો આનંદ દર્શકોને અનેરો હોય છે. 

જો કે, મનોરંજન ઉપરાંત કોર્ટરૂમ ડ્રામામાં ન્યાયની ઝંખના અને તે મેળવવાની પ્રક્રિયા પર ભાર મુકતી ફિલ્મો પણ બની છે. ૧૯૫૭માં સિડની લ્યુમેટની ફિલ્મ ૧૨ એન્ગ્રી મેન આવી તે સાથે જ કોર્ટરૂમ ડ્રામા કેટલો મજબૂત હોઇ શકે તેનું પ્રમાણ મળી ગયું. દુનિયાભરમાં આ ફિલ્મની અસંખ્ય રિમેક થઇ છે. ભારતમાં ૧૯૮૬માં બાસુ ચેટર્જીએ તેની રિમેક નામે એક રૂકા હુઆ ફૈંસલા બનાવી હતી. એ સમયે ભારતમાંથી જ્યુરી સિસ્ટમ નામશેષ થઇ ગઇ હોવા છતાં બાસુ ચેટર્જીએ આ ફ્લ્મિ એવી સરસ બનાવી હતી કે તેમાં તેનું નાટયાત્મક તત્વ બરાબર ઉપસી આવ્યું હતું. એ પછી ૨૦૧૪માં આવેલી ફિલ્મ કોર્ટમાં ભારતીય ન્યાયતંત્રને હૂબહુ દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મ તેની નેરેટિવ સ્ટાઇલ દ્વારા જ ભારતીય કોર્ટમાં ગોકળગાયની ગતિએ કામ કેવી રીતે ચાલે છે તે અદ્ ભૂત રીતે દર્શાવે છે. ભારતમાં ન્યાય મેળવવો એ અન્ય અસંખ્ય કામોની જેમ એક સામાન્ય કામ કેમ બની ગયું છે તે દર્શાવી આ ફિલ્મે અદાલત વિશેની ફિલ્મોમાં નોખો ચીલો ચાતર્યો છે.'