- પ્રિયંકા માટે એનું ભારતીયપણું બહુ જ મહત્ત્વનું છે. આગામી 'બોર્ન હંગ્રી' નામની ડોક્યુમેન્ટરી અને એસ.એસ. રાજામૌલીની ફિલ્મ'વારાણસી' પ્રિયંકાની કારકિર્દીમાં નવાં કીર્તિમાન બની રહેવાનાં છે
પ્રિયંકા ચોપરા જોનસના જીવનને અને કારકિર્દીને વ્યાખ્યામાં બાંધવી મુશ્કેલ છે. તે ક્યારયે પણ એક દેશ, એક ઇન્ડસ્ટ્રી અથવા એક ઓળખ સુધી સીમિત નથી રહી. એેની સફર વ્યાપક, અવિરત અને બહુમુખી રહી છે. એસ.એસ. રાજામૌલી દિગ્દર્શિત અને મહેશ બાબુ અભિનિત 'વારાણસી' સાથે ભારતીય સિનેમામાં તેની અતિ અપેક્ષિત વાપસીમાં પ્રિયંકાની આ જ સચ્ચાઈનું પ્રતિબિંબ પડે છે.
અમેરિકન ટીવી, હોલિવુડ ફિલ્મો, સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ અને ઇન્ટર-કોન્ટિનેન્ટલ પ્રોડક્શન્સને આવરી લેતી મજબૂત આંતરરાષ્ટ્રીય કારકિર્દી રચ્યાનાં વર્ષો પછી પ્રિયંકા અદભુત જીવન જીવી રહી છે. તે હૈદરાબાદમાં શૂટ કરે છે, પછી લોસ એન્જલસ જાય છે, ત્યાર બાદ મુંબઈની મુલાકાત લે છે અને પુત્રી માલતી મેરીને આ તમામ સુંદર અરાજકતા વચ્ચે ઉછેરે પણ છે. પ્રિયંકા રમૂજ સાથે આ ગતિશીલતાનો સ્વીકાર કરે છે, પણ આ કોઈ આકસ્મિક વ્યસ્તતા નથી. તેણે ચિવટપૂર્વક, હેતુપૂર્વક, ઉત્સુકતાથી અને પોતાની આ દુનિયા ઊભી કરી છે.
પ્રિયંકા માટે પોતાની ઓળખ, આ શોધ માટેનો પ્રયાસ કૃત્રિમ નહોતો. આ કંઈ પોતાની ઇમેજની બ્રાન્ડિંગની કવાયત નહોતી, કે પછી આ કોઈ ગણતરીપૂર્વકનો પરફોર્મન્સ નથી. પ્રત્યેક તબક્કો જરૂરીયાતમાંથી તેમજ પોતાનો વ્યાપ વધારવાની ઉત્કંઠામાંથી ઊભો થયો. આ અભિગમ એક એક્ટ્રેસ, નિર્માતા અને બિઝનેસવુમન તરીકે તેના કાર્યને પરિભાષિત કરે છે,
પ્રિયંકાની આ વૃત્તિ દસ્તાવેજી ફિલ્મ 'બોર્ન હંગ્રી'માં પ્રતિબિંબિત થાય છે. તેમાં શેફ સેશ સિમ્પસનની કહાણી છે. ચેન્નઈના રસ્તાઓ પર ત્યજી દેવાયેલા, અનાથાશ્રમમાં ઉછરેલા, કેનેડામાં દત્તક લેવાયેલા અને આખરે આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ પામેલા આ પાકશાસ્ત્રીનું જીવન તીવ્રતાથી ભરેલું છે. એક યુવા બાળકીની માતા તરીકે પ્રિયંકાને આ કહાણી સ્પર્શી ગઈ. આવી અનિશ્ચિતતાનો એક બાળકે સામનો કરવો પડે તે વિચાર જ એના માટે અસહ્ય હતો. તેથી જ આ પ્રોજેક્ટ એના માટે માત્ર વ્યાવસાયિક ન રહીને અંગત બની ગયો. જ્યારે સિમ્પસને આશા વ્યક્ત કરી કે દસ્તાવેજી ફિલ્મ ઓટીટી પર રજૂ થવાથી તેને ભૂતકાળના અનેક જવાબ મળી શકે ત્યારે પ્રિયંકાએ તાત્કાલિક નક્કી કરી લીધુંઃ મારે આ પ્રોજેક્ટમાં જોડાવું છે.
એક નિર્માતા તરીકે પ્રિયંકાની સફર એક દાયકા પહેલા પર્પલ પેબલ પિક્ચર્સ સાથે શરૂ થઈ. પોતે હજી શીખાઉ હોવાનું કહીને પણ પ્રિયંકાએ સતત પરંપરાગત કે હાડોહાડ કમર્શિયલ ન હોય પણ જે મૌલિકતા અને કલાની દ્રષ્ટિએ સમૃદ્ધ હોય તેવા ફિલ્મ સર્જકોને ટેકો આપતી રહી. 'વેન્ટીલેટર', 'ધી સ્કાઈ ઈસ પિન્ક', 'અનુજા' અને 'વ્હાઇટ ટાઈગર' જેવી ફિલ્મોમાં સરહદો પાર વિસ્તરતી આત્મીયતા, પ્રિયંકાની સામાજિક નિસ્બત અને પ્રતિબદ્ધતા પ્રતિબિંબિત થાય છે. તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીએ તેની આ સંવેદનાને ગાઢ આકાર આપ્યો છે.
પ્રિયંકા દુનિયાના કોઈ પણ ખૂણામાં રહે, પણ એના માટે એનું ભારતીયપણુ બહુ મહત્ત્વનું છે. પર્પલ પેબલ પિક્ચર્સ દ્વારા તે સક્રિયપણે ભારતીય મૂળના એવા વાર્તાકારોને ટેકો આપતી રહી છે જેઓ નિષ્ઠા સાથે સંસ્કૃતિમાં મૂળ ધરાવતી વાર્તાઓ કહેવા ઈચ્છતા હોય. વિદેશી ફિલ્મ ઉદ્યોગમાં શરૂઆત કરવાના સંઘર્ષે તેની આ માન્યતાને વધુ દ્રઢ કરી છે.
પ્રિયંકાની બે દાયકાની કારકિર્દી દરમ્યાન કોઈ એક બાબત સતત રહી હોય તો તે છે એકધારો વિકાસ. બ્યુટી ક્વીનથી લઈને હિન્દી ફિલ્મ સ્ટાર બનવા સુધી, બોલિવુડની ટોપની એક્ટ્રેસથી વૈશ્વિક ટીવી એક્ટર બનવા સુધી, એક્શન હિરોઈનથી લઈને સ્વતંત્ર નિર્માતા બનવા સુધી તે વારંવાર પોતાની ક્ષિતિજ વધારતી રહી છે.
'વારાણસી'માં પ્રિયંકાની અત્યાર સુધીની કારકિર્દીનો પડઘો પડે છે. રાજામૌલી, મહેશ બાબુ અને પૃથ્વીરાજ સુકુમારન સાથે કામ કરીને તેને નવી ઊર્જા મળી, ખાસ કરીને તેણે તેલુુગુમાં પરફોર્મ કરવાનું નક્કી કર્યું હોવાને કારણે, જે ભાષા તે અગાઉ સ્પષ્ટપણે બોલી નહોતી શકતી. મૌલિકતા પ્રત્યે પ્રતિબદ્ધ હોવાથી તેણે સંવાદ કોચ પાસે સઘન તાલીમ લીધી, અને હૈદરાબાદમાં ફિલ્મના શૂટિંગ સમયે આત્મવિશ્વાસથી સૌને પ્રભાવિત કર્યા. પ્રિયંકાને વિશ્વાસ છે કે ભારતીય સિનેમામાં તેની વાપસી માત્ર ભૂતકાળની કદર નહિ, પણ તેની સતત વિકસતી સફરનું અનુસંધાન બની રહેશે.
આ તમામના કેન્દ્રમાં છે માતૃત્વની ફરજો. માલતી મેરી એવો મૂક ધૂ્રવ બની ગઈ છે જેની ફરતે પ્રિયંકાની દુનિયા ફરતી રહે છે. તેની સંવેદનશીલતા, વાર્તાની શૈલી અને સંતુલનને નવો આકાર આપતી રહે છે. હવે આ અવિરત પ્રવાસ ગ્લેમેરસ નથી રહ્યો, પણ શિસ્ત અને અર્થસભર બની ગયો છે. આખરે પ્રિંયકા ચોપરા જોનસની ઓળખ તેણે જે દેશોમાં કામ કર્યું છે તેનાથી નહીં, પણ તેણે ભજવેલી ભૂમિકા સાથે છે. 'બોર્ન હંગ્રી' અને 'વારાણસી' બંને તેની કારકિર્દીનાં નવાં કીર્તિમાન છે. ગઈકાલ કરતા આજે વધુ મહેનત કરવાના નિર્ણય સાથે તે નિરંતર પોતાની નવી નવી ઓળખ ઊભી કરતી જાય છે.
શાબાશ, પ્રિયંકા!


