નિકિતા રાવળ : કેનેડાના એ શોએ મારું જીવન બદલી નાખ્યું
બો લીવૂડના કેટલાંક કલાકારોને બચપણથી જ અભિનય ક્ષેત્રે આવવાના ઓરતા હતાં ે. અને યુવાનીમાં પગ મૂકતા વેંત જ તેમણે અભિનય ક્ષેત્રે કારકિર્દી બનાવી લીધી. નિકિતા રાવળ આવા કલાકારોમાંની એક છે. તેનો જન્મ ભલે તબીબોના પરિવારમાં થયો હતો. પરંતુ તેણે નાનપણથી નક્કી કરી લીધું હતું કે તે અભિનેત્રી જ બનશે. જોકે તેણે આ ક્ષેત્રે આવવાથી પહેલા કથક નૃત્યમાં તાલીમ લીધી અને તેમાં ઘણાં આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ મેળવ્યાં. ભારતની ડાન્સ ઇન્ડસ્ટ્રીમાં તેને 'શકીરા' ગણવામાં આવે છે.
નિકિતાએ અત્યાર સુધી 'મિસ્ટર હૉટ મિસ્ટર કૂલ', 'ધ હીરો અભિમન્યુ' અને 'રોટી કપડા ઔર રોમાંસ'માં કામ કર્યું છે. તેણે કેટલીક વેબ સીરિઝ પણ કરી છે. તે કહે છે કે હું ેં કોવિડ કાળ પછી આફતાબ શિવદાસાનીની વેબ સીરિઝ 'માસ્ટર પીસ'માં કામ કરી રહી છું. તેનાથી પહેલા મેં અરશદ વારસી અને ચંકી પાંડે સાથે ફિલ્મ 'રોટી કપડા ઔર રોમાંસ' કરી હતી. તેમાં મને રમૂજી ભૂમિકા ભજવવાની તક મળી હતી.
અદાકારાને નાનપણથી અભિનય ક્ષેત્રે આવવાના ઓરતા હતાં તેના વિશે તે કહે છે કે હું ફિલ્મી માહોલમાં જ ઉછરી છું. અભિનેતા મુકેશ રાવળ મારા કાકા છે. તેમના સિવાય પણ અમારા કુટુંબના ઘણાં લોકો મનોરંજન જગત સાથે જોડાયેલા છે. તેથી મને બચપણથી તેમની પાસેથી અભિનયની પ્રેરણા મળતી રહી છે. જોકે તે તરત જ ઉમેરે છે કે મેં ક્યારેય કામ મેળવવા મારા પરિવારજનોનો ઉપયોગ નથી કર્યો. હું મારી જાતે જ મારું કામ મેળવવા અને આગળ આવવા માગતી હતી. તેથી હું ક્યારેય કોઇને મારો પરિચય તેમનો સંદર્ભ આપીને નહોતી આપતી. વળી મેં 'ગરમ મસાલા'માં અક્ષય કુમાર અને પછી અનિલ કપૂર સાથે કામ કર્યું હતું. મેં દક્ષિણ ભારતની ઘણી ફિલ્મોમાં કામ કર્યું તેથી મને બોલીવૂડમાં આવવા ઝાઝો સંઘર્ષ નથી કરવો પડયો.
નિકિતા ડાન્સર, અભિનેત્રી અને નિર્માત્રી પણ છે. તે કહે છે કે અભિનય ક્ષેત્ર માટે તમારે તમારી સ્ટાઇલ, બ્યુટી, ફિગર ઇત્યાદિ પર પૂરેપૂરું ધ્યાન આપવું પડે . જ્યારે ડાન્સ માટે દરરોજ કલાકોના કલાકો સુધી રિહર્સલ કરવું પડે છે. પરંતુ જો તમારી પાસે પૈસા હોય તો તમે આસાનીથી નિર્માણ ક્ષેત્રે આવી શકો . અલબત્ત, તેમાં તમને સૌથી પહેલા સારી સ્ક્રીપ્ટ પસંદ કરતાં આવડવી જોઇએ. જોકે તે કબૂલે છે ક ે તે દિલથી ડાન્સર છે. અને નિયમિત રીતે કલાકો સુધી રિહર્સલ કરતી રહે છે. જો તેને કોઇપણ ઇવેન્ટમાં બોલાવવામાં આવે તો તે પરફોર્મ કરવા જાય છે. તે પોતાના કેનેડા ખાતેના એક શોને સંભારતા કહે છે કે એ શોએ મારી જિંદગી બદલી નાખી. એ શોમાં સંખ્યાબંધ દેશોના લોકો પરફોર્મ કરવા આવ્યાં હતાં. મેં મારું પરફોર્મન્સ પૂરું કર્યા બાદ આપણો તિરંગો ઓઢ્યો અને સ્ટેજ પરથી બેકસ્ટેજમાં ચાલી ગઇ. આ જોઇને બધાએ મારી ખૂબ પ્રશંસા કરી હતી. અને તેની વિડિયો ક્લિપ પણ ખૂબ વાઇરલ થઇ હતી. ત્યાર પછી લોકો મને ઓળખવા લાગ્યાં હતાં. બાકી મને એમ કહેવામાં પણ જરાય વાંધો નથી કે હું આજ ે જે છું તે મારા પરિવારને કારણે છું. તેમણે મારી પ્રત્યેક આકાંક્ષા પૂરી કરવામાં મને સાથ આપ્યો છે. હું તબીબોના કુટુંબમાંથી આવતી હોવા છતાં મને બચપણથી ડાન્સનો શોખ હતો તો તેમણે મને તેમાં આગળ વધવા સહયોગ આપ્યો.
અદાકારાને પૃથ્વી -પર્યાવરણ પ્રત્યે ભારે લગાવ છે. તે કહે છે કે હું આપણી ધરતીને ખૂબ ચાહું છું અને તેને નુક્સાન પહોંચાડતા લોકોથી બચાવવા ઇચ્છું છું. તે વધુમાં કહે છે કે કોરોના કાળમાં આપણને પક્ષીઓનો કલરવ સંભળાતો હતો. લોકો પ્લાસ્ટિકનો કચરો નહોતા ફેંકતા. તે વખતે પર્યાવરણ પણ કેટલું ચોક્ખું હતું.પણ હવે બધું કોરોના કાળ પહેલા હતું તેેવું થવા લાગ્યું છે. જોકે નિકિતાને કોરોનાના સમયમાં અનેક લોકોના રોજગાર છીનવાઇ ગયા હતાં તેનું પણ દુઃખ છે.
સામાન્ય રીતે અભિનેત્રીઓ પોતાના ફિગરને જાળવી રાખવા સખત ડાયટિંગ કરતી હોય છે. પરંતુ નિકિતાને ખાવાપીવાનો બહુ શોખ છે. તે કહે છે કે મને દાલબાટી અને ચુરમાના લાડવા અત્યંત પ્રિય છે. હા, મને સજીધજીને રહેવાનું પણ બહુ ગમે છે.
નિકિતા પણ સામાન્ય છોકરીઓની જેમ પોતાના સપનાના રાજકુમાર વિશે વિચારે છે. તે કહે છે કે હું ઇચ્છું છું કે મને એવો મૂરતિયો મળે જે મને સમજી શકે. તે પગભર હોય અને મહિલાઓને માનસન્માન આપતો હોય.