- 'બુકમાયશો અને આઈએમડીબી જેવી સાઈટ પર પણ પેઇડ રિવ્યુઝ દ્વારા રેટિંગ્સ સાથે છેડછાડ થાય છે. આ પ્રવૃત્તિ ઉદ્યોગમાં ચાલી રહેલી તીવ્ર સ્પર્ધાનું એક કડવું સત્ય છે.'
દક્ષિણ સિનેમા અને બોલીવૂડમાં પોતાની આગવી ઓળખ બનાવનાર નિધિ અગ્રવાલ હાલ પોતાની ફિલ્મોની સાથે સાથે પોતાના વિચારો માટે પણ ચર્ચામાં છે. તાજેતરમાં જ તે સુપરસ્ટાર પ્રભાસ સાથે ફિલ્મ 'ધી રાજા સાબ'માં મહત્વની ભૂમિકામાં નજરે પડી હતી. તેના પરફોર્મન્સે તેને ફરી લાઈમ લાઈટમાં લાવી દીધી. જો કે આ વખતે ચર્ચા તેની ફિલ્મ સુધી સીમિત નથી રહી, પણ સાથે તેના અંગત જીવન સાથે સંકળાયેલા ખુલાસાએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
નિધિએ તાજેતરમાં એક વાતચીત દરમયાન પોતાની અંગત લાઈફ સંબંધિત રસપ્રદ માહિતી શેર કરી. તેણે જણાવ્યું કે તેના મિત્રો તેની સાથે એક સ્ટાર જેવો નહિ પણ એક સામાન્ય વ્યક્તિ જેવો વ્યવહાર કરે છે. તેના બે અલગ મિત્ર વર્તુળ છે, એક ફન ગુ્રપ છે જે બહાર હરે-ફરે છે, મસ્તી કરે છે અને બીજો સમૂહ છે જે છેલ્લા ૨૦-૨૨ વર્ષોથી તેની સાથે જોડાયેલો છે. આ જૂના મિત્રોની સાથે તે કોફી અથવા ગ્રીન ટી પર મળે છે, સામાન્ય વાતચીત કરે છે અને કામની વાતો ઓછી કરે છે. આ સાદગી તેને નમ્ર બનાવી રાખે છે.
નિધિએ સૌથી ચોંકાવનારો ખુલાસો એ કર્યો કે તેણે છ વર્ષ પહેલા આલ્કોહોલ છોડી દેવાનો નિર્ણય કર્યો હતો. નિધિએ જણાવ્યું કે તેને અચાનક અહેસાસ થયો કે આલ્કોહોલ પીધા પછી તેને યોગ્ય લાગણી નથી થતી. ધીમે-ધીમે તેને તણાવ અને પેનિક અટેકનો અનુભવ થવા લાગ્યો. તેને અહેસાસ થયો કે જ્યારે શરીર અને મન કોઈ ચીજનો સ્વીકાર ન કરે તો તેને છોડી દેવું જ બહેતર છે. આવા જ અભિગમ સાથે તેણે 'નો પાર્ટી, નો ક્લબિંગ'નો નિર્ણય લીધો. જો કે તે મિત્રો સાથે બહાર જાય છે, પણ આલ્કોહોલથી પૂર્ણ અંતર બનાવી લીધું છે. આ નિર્ણય તેના સ્વ-અનુશાસન અને માનસિક સ્વાસ્થ્ય માટે ઉત્તમ સાબિત થયો છે.
ફિલ્મ 'ધી રાજાસાબ'ના પ્રમોશન દરમ્યાન એક કાર્યક્રમ દરમ્યાન ભીડે તેને ઘેરી લીધી હતી. આ અનુભવને યાદ કરતા નિધિએ આંધ્ર પ્રદેશ અને તેલંગણાના ફિલ્મ કલ્ચરનો ઉલ્લેખ કર્યો. તેણે જણાવ્યું કે ત્યાં ફિલ્મો અને સ્ટાર્સને પરિવાર જેવો પ્રેમ મળે છે. આ પ્રેમ ખૂબસુરત છે, પણ જ્યારે તે એક હદ ઓળંગી જાય છે ત્યારે સમસ્યા બની જાય છે. તેના મતે પ્રેમમાં સન્માન અને અવકાશ બંને જરૂરી છે. પછી તે અંગત સંબંધ હોય કે પછી કલાકાર અને ચાહકો વચ્ચેનો સંબંધ, કોઈપણ બાબતમાં અતિશ્યોક્તિ યોગ્ય નથી.
નિધિએ એવી પણ સ્પષ્ટતા કરી કે સંવેદનશીલ મુદ્દા પર ખરા મંચ પર અને સમજી-વિચારીને વાત કરવામાં માને છે. તેના મતે કલાકાર અને ચાહકોનો સંબંધ અત્યંત વિશેષ હોય છે, પણ તેમાં મર્યાદા હોવી જરૂરી છે. સમ્માનનો અર્થ માત્ર પ્રશંસા નહિ, પણ વ્યક્તિગત સ્પેસની સમજ પણ છે. આ નિવેદન તેનો પરિપકવ દ્રષ્ટિકોણ દર્શાવે છે.
ઉપરાંત નિધિએ ઉદ્યોગમાં ચાલી રહેલા નેગેટીવ પીઆર વિશે પણ ખુલીને વાત કરી. તેણે જણાવ્યું કે અનેકવાર કલાકારોને બદનામ કરવા માટે સુનિયોજિત અભિયાન ચલાવવામાં આવે છે. એટલે સુધી કે ઓનલાઈન મંચની રેટિંગ્સમાં પણ ગડબડ કરવામાં આવે છે. તેણે દાખલો આપ્યો કે બુક માય શો અને આઈ.એમ.ડી.બી. જેવી સાઈટ પર પણ પેડ રિવ્યુઝ અને રેટિંગ્સ સાથે છેડછાડ થાય છે. આ પ્રવૃત્તિ ઉદ્યોગમાં ચાલી રહેલી તીવ્ર સ્પર્ધાનું એક કડવું સત્ય છે.
નિધિએ કબૂલ કર્યું કે તાજેતરમાં તેને પણ એકથી બેવાર નકારાત્મક અભિયાનોનો સામનો કરવો પડયો હતો. જો કે તેણે આવા પ્રયાસો તાત્કાલિક અટકાવવાના પ્રયાસ કર્યા. નિધિના મતે વ્યક્તિએ સફળતા માટે પોતાની યોગ્યતા વધારવી જોઈએ, અન્યોને નીચે પાડવા માટે પૈસા ખર્ચવાની જરૂર નથી. નિધિએ સ્પષ્ટપણે જણાવ્યું કે તે માત્ર સકારાત્મક રીતે આગળ વધવા માગે છે, પણ જો કોઈ હેતુપૂર્વક તેને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે તો તે ચૂપ નહિ રહે.
નિધિ અગ્રવાલની આ વાતો તેના વ્યક્તિત્વનું નવુ પાસુ ઉજાગર કરે છે. તે એક એવી અભિનેત્રી તરીકે ઊભરી રહી છે જે માત્ર ગ્લેમર સુધી સીમિત નથી રહેવા માગતી પણ માનસિક સંતુલન, આત્મસન્માન અને નૈતિક મૂલ્યોને પણ મહત્વ આપે છે.


