Get The App

નેહા પેંડસે : મારે નામથી નહીં, કામથી ઓળખાવું છે

Updated: Jul 29th, 2021

GS TEAM

Google News
Google News
નેહા પેંડસે : મારે નામથી નહીં, કામથી ઓળખાવું છે 1 - image


છેક વર્ષ ૧૯૯૯માં બાળકલાકાર તરીકે 'પ્યાર કોઈ ખેલ નહીં' દ્વારા હિન્દી ફિલ્મોદ્યોગમાં પા પા પગલી માંડનાર અભિનેત્રી નેહા પેંડસેએ ધીમે ધીમે પોતાની પાંખો પસારીને મરાઠી તેમ જ દક્ષિણ ભારતીય ફિલ્મોદ્યોગમાં પણ કાઠું કાઢ્યું. જોકે તેને સૌથી વધુ ખ્યાતિ દૈનિક ધારાવાહિક 'મે આઈ કમ ઈન મેડમ'થી મળી. અને હમણાં અભિનેત્રી લોકપ્રિય ટી.વી. શો 'ભાભીજી ઘર પર હૈ'માં 'અનિતા વિભૂતી નારાયણ'ની ભૂમિકા ભજવી રહી છે. સાથે સાથે તેણે મરાઠી ફિલ્મ 'જૂન' પણ કરી છે. આ મૂવી નવા લોંચ થયેલા મરાઠી ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થઈ રહી છે.

નેહા પોતાની આ ફિલ્મ વિશે કહે છે કે આ મૂવી પ્રેમ અને દોસ્તીને લગતી છે. પરંતુ અહીં તમારી પ્રેમ વિશેની સામાન્ય વિચારધારા ખોટી પડે. વળી તેનું નામ પણ એકદમ અલગ પ્રકારનું છે. અને તેનું નામ 'જૂન' શા માટે રાખવામાં આવ્યું છે તે દર્શકોને છેક છેલ્લા દ્રશ્યમાં સમજાય છે. મારા મતે આ મૂવીનું આનાથી વધુ સારું નામ બીજું કોઈ ન હોઈ શકે.

અદાકારા વધુમાં કહે છે કે અમે આ ફિલ્મ ઓટીટી પર જ રજૂ કરવા માગતા હતા. પરંતુ તેની ચેનલો સામાન્ય રીતે ભારતભરમાં જોવાય એવી ફિલ્મો-સિરિઝો રજૂ થાય છે તેથી અમે થોડી મૂંઝવણમાં હતાં. પરંતુ મને એ વાતની ખુશી અને ગર્વ પણ છે કે મરાઠી ઓટીટી પ્લેટફોર્મનો શુભારંભ મારી આ ફિલ્મથી થયો.

નેહા માને છે કે જો કોઈ દોસ્તી એક જ ઇન્ડસ્ટ્રીના લોકો વચ્ચે વિકસી હશે તો તેમાં સ્વાર્થ-ઇર્ષ્યા હોવાના કે પ્રવેશવાના જ. ખરી મૈત્રી અલગ અલગ ક્ષેત્રમાંથી આવતા લોકો વચ્ચે જ વિકસી શકે. બાકી સમયની કસોટી પર ખરાં ઉતરે તેને જ મિત્રો કહેવાય.

નેહાએ 'ભાભીજી ઘર પર હૈં' માં આ શોમાં જામી ગયેલી અદાકારા સૌમ્યા ટંડનના પેંગડામાં પગ ઘાલ્યો હતો. અને તેને સતત એવો ડર સતાવી રહ્યો હતો કે દર્શકો તેને સૌમ્યાના સ્થાને સ્વીકારશે કે કેમ. તે કહે છે કે મારી ભૂમિકા સાથેનો પહેલો એપિસોડ રજૂ થયો ત્યાં સુધી હું ટેન્શનમાં હતી. પરંતુ સિરિયલ સર્જકોને મારામાં પૂરેપૂરો વિશ્વાસ હતો. જોકે મને અગાઉથી જ 'અનિતા'નું પાત્ર મારા હિસાબે ભજવવાની છૂટ આપવામાં આવી હતી. અને હવે મને એ વાતનો આનંદ છે કે દર્શકોએ મને સ્વીકારી લીધી છે.

નેહાને અભિનય ક્ષેત્રે આવ્યે તે દશકથી વધુ સમય થઈ ગયો છે. આ વર્ષોમાં તેણે હિન્દી તેમ જ પ્રાદેશિક ફિલ્મોમાં સફળતા - નિષ્ફળતા, બંનેનો અનુભવ લઈ લીધો છે. અભિનેત્રી કહે છે કે હવે લોકો મને મારા નામથી ઓળખતા થઈ ગયા છે. પણ હું મારા કામથી ઓળખાવા માગુ છું. અને તેને માટે હું સતત સંઘર્ષ કરતી રહીશ.

Tags :