નીના ગુપ્તા સાઠ પછીની સાહ્યબી
- સિનેમા એક્સપ્રેસ - શિશિર રામાવત
- 66 વર્ષની ઉંમરે એક એક્ટ્રેસ બિઝી બિઝી હોય, પોતાના ક્ષેત્રમાં એકદમ રિલેવન્ટ હોય, મા કે દાદી-નાનીના ટિપિકલ રોલ નહીં, પણ અલગ અલગ શેડઝવાળી ભૂમિકાઓ ભજવી રહી હોય તે કેટલી મજાની વાત છે
નીના ગુપ્તા આજકાલ ફુલ ફૉર્મમાં છે. એમની ખૂબ વખણાયેલી વેબ સિરીઝ 'પંચાયત'ની ત્રીજી સિરીઝ તાજેતરમાં સ્ટ્રીમ થઈ છે અને અનુરાગ બાસુની થિયેટરમાં રિલીઝ થયેલી 'મેટ્રો... ઇન દિનોં' ફિલ્મમાં નીના ગુપ્તાનો સરસ અને મહત્ત્વનો રોલ છે. ૬૬ વર્ષની ઉંમરે એક એક્ટ્રેસ બિઝી બિઝી હોય, પોતાના ક્ષેત્રમાં એકદમ રિલેવન્ટ હોય, મા કે દાદી-નાનીના ટિપિકલ રોલ નહીં, પણ અલગ અલગ શેડઝવાળી ભૂમિકાઓ ભજવી રહી હોય તે કેટલી મજાની વાત છે.
પાત્રીસ વર્ષ પહેલાં નીના ગુપ્તાએ કુંવારી માતા બન્યાંનો નિર્ણય જાહેર કર્યો ત્યારે કેવો જબરદસ્ત ઊહાપોહ થયો હતો તે સિનિયર વાંચકોને જરૂર યાદ હશે. આ લવ-ચાઇલ્ડ વિખ્યાત વેસ્ટ ઇન્ડિયન ક્રિકેટર વિવિયન રિચાર્ડઝનું હતું, તેમ છતાંય પ્રિન્ટ મિડિયાવાળા લોકોને રીતસર ઉખાણા પૂછતા: કહો જોઈએ, નીના ગુપ્તા પેટમાં કોનું બાળક હશે? સાચા નામ પર ટિકમાર્ક કરો... ને પછી નીચે જવાબમાં વિકલ્પ તરીકે નીના ગુપ્તાના પાંચ પુરુષમિત્રોનાં નામ મૂક્યાં હોય!
નીના ગુપ્તાએ આ અર્ધઅશ્વેત-અર્ધભારતીય મસાબાને કન્સિવ કરી ત્યારે વિવિયન રિચર્ડ્ઝ પરિણીત હતા અને પત્નીથી અલગ રહેતા હતા. નીના ગુપ્તા સ્વયં એક સાદા મધ્યમવર્ગીય માબાપનું ફરજંદ છે. એમના પપ્પા સરકારી નોકરી કરતા, મમ્મી સ્કૂલ-ટીચર હતાં. મમ્મી ચુસ્ત ગાંધીવાદી. સ્વભાવે એટલાં કડક કે નીનાને બહેનપણીઓ સાથે પણ ફિલ્મ જોવા જવા ન દે. નીના જોકે કુંવારી માતા બન્યાં ત્યારે જોકે એમનું નિધન થઈ ચૂક્યું હતું. પિતાજી માટે નીનાનો આ નિર્ણય વસમો હતો, પણ એમણે જોયું કે દીકરીની જગહસાઈ થઈ રહી છે ને આખું મીડિયા હાથ ધોઈને એની પાછળ પડી ગયું છે. આવા સંજોગોમાં તેઓ દીકરીની પડખે ઊભા રહ્યા. મા-બાપની આ તાસીર છે. તેઓ સંતાનને વઢશે, નારાજ થશે, ઝઘડા કરશે, પણ અણીના સમયે હાજર થઈ જશે - સંતાનને હૂંફ દેવા, સંતાન દુનિયાનો સૌથી મોટો પાપી બની ગયો હોય તો પણ.
મા, બેટી અને દુનિયા
મસાબાને જન્મ થયો ત્યારે નીના ગુપ્તાના પિતાજી દિલ્હીથી મુંબઈ શિફ્ટ થઈ ગયા. મસાબા મોટી થઈ રહી હતી ત્યારે એને ઘરમાં ક્યારેય ફાધર-ફિગરની કમી ન વર્તાવા દીધી. મસાબાને ક્યારેય લાગ્યું નહીં કે એનું ફેમિલી 'ડિસ્ફંકશનલ' છે. એવી કોઈ ચોક્કસ ક્ષણ આવી જ નહીં કે જ્યારે નીનાએ દીકરીને પાસે બેસાડીને ગંભીર ચહેરે કહેવું પડયું હોય કે જો બેટા, તું છેને નોર્મલ ચાઇલ્ડ નથી, તું લવ-ચાઇલ્ડ છે કેમ કે મેં અને તારા બાપે ક્યારેય લગ્ન કર્યાં નથી. મસાબાના જન્મ પછી વિવિયન રિચર્ડ્ઝ મુંબઇ આવતા-જતા. મસાબા સાવ નાની હતી ત્યારથી એ સમજી શકે તેવી ભાષામાં એને બધું જ કહેવામાં આવતું. મસાબા એક ઇન્ટરવ્યુમાં કહે છે, 'મારા કેટલાંય ફ્રેન્ડ્ઝને એમની મમ્મીઓએ નહીં, પણ આયાઓએ મોટા કર્યા છે. પપ્પા બિઝનેસ ટૂર પર બહાર ફર્યા કરતા હોય, દિવસોના દિવસો સુધી બચ્ચાં પોતાના ફાધરનું મોઢું જોવા પામ્યા ન હોય. પતિ-પત્ની વચ્ચે લાગણીના સંબંધ ન હોય, છતાંય વર્ષમાં એક વાર સૌ ફેમિલી વેકેશનમાં બહારગામ ફરવા જાય ને પછી આખી દુનિયા સાથે ફોટા શર કરીને દેખાડો એવો કરે કે દુનિયામાં અમારા જેવો પ્રેમાળ પરિવાર બીજો કોઈ નથી. મને આવી બનાવટ સહેજ પણ સદતી નથી, કારણ કે મારાં મા-બાપે ક્યારેય મારી સાથે કે દુનિયા સાથે બનાવટ કરી નથી, કશું છૂપાવ્યું નથી. એમની પાસેથી હું પારદર્શક રહેતાં શીખી છું.'
મસાબા નાની હતી ત્યારે એને હિન્દી ફિલ્મની હિરોઈન બનવું હતું. નીનાએ એને એમ કહીને રોકી કે બેટા, તારો દેખાવ એવો ટિપિકલ છે કે તું બોલિવુડની હિરોઇન તરીકે નહીં ચાલે. મસાબાએ આ વાત માની લીધી. એણે ફશન ડિઝાઇનિંગમાં રસ લેવાનું શરૂ કર્યું. ૨૦૦૯માં લેકમે ફશન વીકમાં ભાગ લેનારી એ સૌથી નાની વયની સફળ ફશન ડિઝાઇનર બની. આજે દેશની સેલિબ્રિટી ફશન ડિઝાઇનરોમાં એનું નામ છે. મા-દીકરીના સંબંધોનાં સમીકરણો 'મસાબા મસાબા' નામના વેબશોમાં સરસ ઝીલાયાં છે.
એમણે એકવાર ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મમેકરોને ઉદ્દેશીને રીતસર પોસ્ટ મૂકી હતી કે મેં ભલે દિલ્હીના બિઝનેસમેન સાથે લગ્ન કર્યાં હોય, પણ હું મુંબઈમાં રહું છું ને કામ શોધી રહી છું. મને પ્લીઝ કામ આપો! નીનાની આ પોસ્ટ ખૂબ ચર્ચાઈ હતી. એમને 'બધાઈ હોદનો યાદગાર રોલ તે પછી જ મળ્યો હતો.
'બધાઈ હો' (૨૦૧૮) જેવી સરપ્રાઇટ હિટ પછી વચ્ચે ગાયબ થઈ ગયેલાં નીના ગુપ્તા પાછાં લાઇમલાઇટમાં આવી ગયાં હતાં. કરીઅરનો આ નવો તબક્કો પૂરજોશમાં આગળ વધી રહ્યો છે.
બહોત અચ્છે!