Get The App

નયી ઉમ્ર કી નયી ફસલ અનોખી અદામાં રજૂ થાય છે દેશપ્રેમ

Updated: Aug 14th, 2025

GS TEAM

Google News
Google News
નયી ઉમ્ર કી નયી ફસલ અનોખી અદામાં રજૂ થાય છે દેશપ્રેમ 1 - image

- અત્યારની દેશભક્તિની ફિલ્મોની મજાની વાત એ છે કે  તેમાં દેશ માટે કુરબાન થનારા પ્રમાણમાં ઓછા જાણીતા લોકો અને ઓછી જાણીતી  ઘટનાઓને પણ યોગ્ય મહત્ત્વ આપવામાં આવે છે

- ઉરી : ધ  સર્જિકલ  સ્ટ્રાઈક' 

- 'ટોયલેટ-  એક પ્રેમ કથા'  

- 'બાટલા હાઉસ' 

હિન્દી  ફિલ્મોદ્યોગમાં એક સમયના પીઢ  અભિનેતા  મનોજકુમાર  દેશભક્તિને લગતી ફિલ્મો બનાવવા સૌથી વધુ જાણીતા  હતા. અલબત્ત, અન્ય  ઘણા જાણીતા  કલાકારોએ  રાષ્ટ્રપ્રેમને  ઉજાગર  કરતી ફિલ્મો કરી હતી. પણ સમયાંતરે  આવી  ફિલ્મોની  રજૂઆતમાં  બદલાવ આવતો રહ્યો.  વર્ષ ૨૦૦૪માં  'લક્ષ્ય',  હિસ્ટોરિક ડ્રામા 'લગાન' (૨૦૦૧), આપણા  સ્વાતંત્ર્ય  સૈનિકને  રજૂ  કરતી 'ભગત સિંહ'  (૨૦૦૨)  જેવી  ફિલ્મો આવી. પણ વર્તમાન   સમયમાં  આ પ્રકારની  મૂવીઝ  તદ્ન  નવા અવતારમાં  રજૂ  કરવામાં આવે  છે.   મહત્ત્વની વાત એ છે કે  તેમાં દેશ માટે  કુરબાન  થનારા  ઓછા જાણીતા  લોકોને તેમ જ ઓછી  જાણીતી  ઘટનાઓને  સ્થાન આપવામાં આવે છે. તેવી જ રીતે  દેશહિતને લગતાં સામાજિક  મુદ્દાઓને પણ  આધુનિક  ફિલ્મોમાં  સમાવી લેવામાં આવ્યા  છે. 

ભારતે  પાકિસ્તાન પર સર્જિકલ  સ્ટ્રાઈક  કરીને આપણા  જવાનોના  શૌર્ય,  રાજકીય  ઈચ્છાશક્તિ દ્વારા શત્રુઓને  મ્હાત   આપવાની  નીતિ  ઉજાગર કરી. આ વિષયને  'ઉરી : ધ  સર્જિકલ  સ્ટ્રાઈક' માં  બખૂબી  રજૂ  કરવામાં આવ્યો. તેના મુખ્ય અભિનેતા  વિકી કૌશલનો ભેરીનાદ  'હાઉ' ઝ  ધ જોશ? 'અત્યંત લોકપ્રિય  થયો.  આ  ફિલ્મ  વાસ્તવિક  સર્જિકલ  સ્ટ્રાઈક  પછી થોડા  સમયમાં  જ બનાવવામાં  આવી હતી તેથી લોકોેના દિલોદિમાગમાં  આ ઘટના તાજી હતી. પરંતુ અક્ષયકુમારની  ફિલ્મ  'કેસરી'ના કથાનક  વિશે ભાગ્યે જ કોઈ કાંઈ જાણતું  હતું. ૧૮૯૭ની  સાલમાં  થયેલા સારગર્હી યુદ્ધમાં  આપણા માત્ર ૨૧  શીખ બહાદુરોએ ૧૦,૦૦૦  શત્રુઓને ધૂળ ચાટતા કરીને આપણા  દેશની રક્ષા  કરી હતી એ વાસ્તવિક  કહાણી તેમાં વણી લેવામાં આવી  છે. ઝાંસીની રાણીથી  કોઈ  ભારતીય  અજાણ  ન જ  હોય.  વીરતાનો  પર્યાય  બની ગયેલી  ઝાંસીની  રાણીને 'મણીર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી'માં કંગના રણૌતે બખૂબી  રજૂ કરી. જ્યારે મેઘના ગુલઝારે તેની  ફિલ્મ  'રાઝી' ( ૨૦૧૮)માં  કાશ્મીરની  અંડરકવર  એજન્ટ  સેહમત  ખાનની  સાવ ઓછી જાણીતી કહાણી રજૂ કરી.  આલિયા ભટ્ટે તેના લાજવાબ  અભિનય  દ્વારા સેહમત   ખાનની  વીરતા ઉજાગર કરી ત્યારે જનસામાન્યને  એ  વાતની  જાણ થઈ  એક કાશ્મીરી  યુવતીએ  એક પાકિસ્તાની  અધિકારી  સાથે  લગ્ન  કરીને ભારતીય  સેનાને  શી રીતે મદદ કરી હતી.

વર્ષ  ૨૦૧૬ માં આવેલી  'એરલિફ્ટ'માં  ૧૯૯૦ની  સાલમાં  ઈરાકે  કુવૈત  પર ચડાઈ  કરી  તે વખતે કુવૈતમાં ફસાયેલા  ભારતીયોને  એરલિફ્ટ કરીને  શી રીતે બચાવવામાં આવ્યા તે બતાવવામાં  આવ્યું  છે.  કહેવાની   જરૂર નથી કે અક્ષયકુમારે તેમાં મુખ્ય   ભૂમિકા ભજવી  છે. જ્યારે  ૨૦૧૮માં  રજૂ  થયેલી, જ્હોન  અબ્રાહમને  મુખ્ય ભૂમિકામાં  રજૂ  કરતી 'પરમાણુ - ધ સ્ટોરી ઓફ  પોખરણ' માં  ભારતના  ૧૯૯૮ની  સાલના પરમાણુ પરીક્ષણને  બખૂબી  રજૂ  કરવામાં આવ્યો  છે.  અત્રે ઉલ્લેખનીય છે કે આ પરમાણુ  પરીક્ષણ પછી ભારતે  પોતાનું  ન્યુક્લિયર  પાવર ઉજાગર કરતાં આખું વિશ્વ ચોંકી  ઉઠયું   હતું. 

૨૦૧૯માં આવેલી 'બાટલા હાઉસ'માં આપણા પોલીસ અધિકારી આતંકવાદીઓને ઝબ્બે કરીને શી રીતે માતૃભૂમિની રક્ષા કરે  છે તે બતાવવામાં આવ્યું  છે. વર્ષ ૨૦૦૮માં દિલ્હીમાં બનેલી સત્ય ઘટના પર આધારિત  આ  ફિલ્મમાં  જ્હોન અબ્રાહમે સ્પષ્ટ સંદેશો  આપ્યો  છે કે આતંકવાદને કોઈ  ધર્મ નથી  હોતો.  અને આપણા  દેશની રક્ષાની  વાત હોય ત્યારે આપણા પોલીસ અધિકારીઓ પોતાની જાન  પણ દાવ પર લગાવી દે છે. તેવી જ   રીતે તાજેતરમાં જ રજૂ થયેલી 'મિશન  મંગલ'  આપણા  વાસ્તવિક   મંગળયાન,  ઈસરો અને ઈસરોમાં  કાર્યરત  મહિલા વૈજ્ઞાનિકોને  પ્રકાશમાં  લાવે  છે.   દિગ્દર્શક  જગન શક્તિએ  તેમાં આપણા  અવકાશ  વિજ્ઞાનીઓના  જનૂનને  ખરેખર  જનૂનપૂર્વક  રજૂ કર્યું  છે.  ચૂંટણી  લોકશાહીનો  પાયો ગણાય  છે.  પરંતુ  એક  સમયમાં  અંતરિયાળ  વિસ્તારોમાં રહેતા લોકો તેમ જ  આદિવાસીઓને ચૂંટણી  વખતે પણ એવી રીતે  અવગણવામાં  આવતાં જાણે  તેઓ દેશના નાગરિકો જ ન હોય. આ વિષયને 'ન્યુટન'  (૨૦૧૭)માં આવરી  લેવામાં આવ્યો  છે. રાજકુમાર  રાવે  તેમાં  ચૂંટણી  અધિકારીનો રોલ  કર્યો  છે. જો એક  ચૂંટણી  અધિકારી  ચાહે તો તે  અંતરિયાળ  વિસ્તારોમાં  જઈને  પણ  પોતાનું  કામ સારી રીતે  કરી  શકે,  કારણ કે  લોકશાહીના પ્રાણ સમી ચૂંટણીઓમાં  પ્રત્યેક  મત મૂલ્યવાન  હોય છે.

'ન્યુટન'માં જે રીતે આદિવાસીઓની વ્યથાકથા દર્શાવવામાં આવી  છે તેવી જ રીતે  આયુષમાન ખુરાનાએ  'આર્ટિકલ ૧૫'માં  નીચલા  વર્ગના દબાયેલા- કચડાયેલા  લોકોની  પીડાને  વાચા આપી છે. એકવીસમી  સદીમાં  પણ આપણા  દેશમાં કોમી  અથડામણ,  જાતપાત, ઊંચનીચ  અસ્તિત્ત્વમાં  છે અને કચડાયેલા  વર્ગની  કન્યાઓનું  બેહદ જાતીય શોષણ થાય છે. અનુભવ સિંહાની  આ મૂવી  વર્ષ ૨૦૧૪માં બદાયું  સામૂહિક  બળાત્કાર  અને ૨૦૧૬ની  સાલના એક કેસ પર આધારિત  છે. આયુષમાન  ખુરાનાએ  તેમાં આઈપીએસ   અધિકારી  અયાન રંજનની  ભૂમિકા  ભજવી  છે.

દેશમાં  અલ્પ  પ્રમાણમાં  જોવા મળતી, છતાં કેટલીક કઠિન  સમસ્યાઓને 'મુલ્ક'માં દર્શાવવામાં આવી  છે.  આ મૂવીમાં  મુસ્લિમોને  શી રીતે આતંકવાદીઓ કે ઉગ્રવાદીઓ પ્રત્યે  કુણી લાગણી  રાખનારા  માની  લેવામાં  આવે  છે.  તેની  રજૂઆત  થઈ  છે.  ઋષિ કપૂર અને તાપસી પન્નુને  ચમકાવતા  આ કોર્ટરૂમ  ડ્રામાએ  કેટલાંક  અણગમતા  પ્રશ્નો  ઊભા  કર્યાં  છે.

આપણા  દેશમાં  લોકો  ક્રિકેટ  પાછળ  ઘેલાં  છે. પરંતુ  આંતરરાષ્ટ્રીય  ખેલકૂદ  મહોત્સવમાં  અન્ય રમતો પણ એટલી જ મહત્ત્વની  હોય  છે અને તે આપણા દેશને કેટલું ગૌરવ  અપાવે  છે  એ વાત  વર્ષ  ૨૦૧૬ની  'દંગલ' અને  રીમા કાગતીની  'ગોલ્ડ'માં  દર્શાવવામાં આવી  છે. નિતેશ તિવારીની  'દંગલ'માં હરિયાણાના રેસલર  મહાવીર  ફોગટની   પોતાની  પુત્રીઓને  આ ખેલમાં  ઉતારવાની  કહાણી  વણી લેવામાં આવી  છે.   આમિર ખાને તેમાં મહાવીર ફોગટનો  રોલ કર્યો  છે. જ્યારે  ૨૦૧૦ ની કોમનવેલ્થ ગેમ્સમાં  ભારત  માટે સૌપ્રથમ  વખત  સ્વર્ણ  તેમ જ  સિલ્વર  મેડલ મેળવનાર  તેની પુત્રીઓ  ગીતા અને બબિતાના રોલ ફાતિમા  સના  શેખ અને સાન્યા  મલ્હોત્રાએ  કર્યાં  છે.  'ગોલ્ડ'માં  અક્ષય  કુમાર  શી રીતે  અલગ અલગ  વ્યક્તિત્વ  ધરાવતા  લોકોનું  કોચિંગ કરીને  હોકીમાં  સ્વતંત્ર  ભારતને  સ્વર્ણ પદક  અપાવે  છે તે બખૂબી   બતાવવામાં આવ્યું  છે.

દેશની  મહિલાઓની  હાલત  કફોડી  કરી નાખતી  સામાજિક   સમસ્યાઓને વાચા આપીને  તત્સંબંધી જાગૃતિ લાવવી એ પણ દેશપ્રેમ  જ ગણાય.  અક્ષય કુમાર અને ભૂમિએ 'ટોયલેટ-  એક પ્રેમ કથા'   દ્વારા  ભારતની  મહિલાઓ  માસિક દરમિયાન  કેવી  યાતના ભોગવે  છે  એ વિષયને  તદ્ન વાસ્તવિક  સ્વરૂપે  રજૂ  કર્યો  છે. અક્ષયે  રીઅલ લાઈફ કેરેક્ટર  લક્ષ્મીકાંત ચૌહાણના અંતરિયાળ  વિસ્તારની  સ્ત્રીઓ  સુધી સેનીટરી   પેડ પહોેંચાડવાની  પ્રયાસોને  આ ફિલ્મ  દ્વારા  બિરદાવ્યાં  છે.