- દાસ્તાન-એ-સિનેમા
'કર્મા', 'રામ લખન', 'સૌદાગર' જેવી બ્લોકબસ્ટર ફિલ્મો બાદ સુભાષ ઘાઈ ખળભળાટ મચાવનારી સ્ટોરી સાથે ફિલ્મ બનાવવા માગતા હતા. આ માટે તેઓ ડ્રીમ પ્રોજેક્ટ 'દેવા' પર કામ કરી રહ્યા હતા. લીડ એક્ટર તરીકે અમિતાભ બચ્ચનને નક્કી કરવામાં આવ્યા હતા, પણ અમુક મતભેદોને કારણે પ્રોજેક્ટ પડતો મૂકવાનો વારો આવ્યો. તેમણે હતાશ થયા વિના આ જ સ્ટોરીમાં થોડો ફેરફાર કરીને નાના પાટેકર સાથે વાતચીત શરૂ કરી. નાનાને ફિલ્મની સ્ટોરી કંઈ ખાસ ગમી નહીં અને ખસી ગયા. ત્યારબાદ, ટેનિસ સ્ટારથી હોલિવુડ પ્રોડયુસર બનેલા અશોક અમૃતરાજ સાથે હોલિવુડ ફિલ્મ 'બી નેગેટિવ' પર કામ શરૂ કર્યું. તે ફિલ્મ પણ પડતી મૂકવી પડી. છેવટે, સંજુ બાબાને ફાઈનલ કરવામાં આવ્યા. એક સમયનો 'દેવા' નામનો પ્રોજેક્ટ 'ખલનાયક' બની ગયો!
તારીખ : ૧૨ માર્ચ, ૧૯૯૩
સ્થળ : મુંબઈ
બપોરના ૧:૩૦ થી ૩:૪૦ની વચ્ચે નરીમન પોઈન્ટ, બોમ્બે સ્ટોક એક્ચેન્જ, ઝવેરી બજાર, એર ઈન્ડિયા બિલ્ડિંગ સહિતના સ્થળોએ બોમ્બ બ્લાસ્ટે શહેરને હચમચાવી નાખ્યું હતું. ૨૫૦થી વધુ નાગરિકોના જીવ લેનારા બોમ્બ બ્લાસ્ટને કારણે 'ફાસ્ટ-પેસ્ડ લાઈફસ્ટાઈલ' માટે જાણીતી દેશની આર્થિક રાજધાની થંભી ગઈ હતી. દેશભરમાં ટીવી સ્ક્રીનની સામે ચિંતાતુર લોકો પળ પળની માહિતી મેળવી રહ્યાં હતાં. તો કોઈ મુંબઈમાં રહેતા સગાવ્હાલાઓને ફોન કરીને ખબરઅંતર પૂછી રહ્યાં હતાં. થોડા દિવસ બાદ આ ઘટનાના શોકમાંથી ઉભરીને મુંબઈ ફરી એકવાર દોડતું થયું હતું. ત્યારે, બોમ્બ બ્લાસ્ટના કાળા દિવસને લગતા અન્ય એક સમાચારે સૌને ચોંકાવ્યા હતા. આ આતંકી ઘટનામાં બોલિવુડના ટોપ એક્ટરની સંડોવણી સામે આવી હતી. ઘણાએ એક્ટરની કુંડળી શોધીને તેના કર્મકાંડની ચર્ચાઓ શરૂ કરી હતી. તો કોઈએ તેને અફવા ગણાવી હતી તો કેટલાકે તેને કડકમાં કડક સજાની માંગ કરી હતી. બસ, અહીંથી 'ખલનાયક'ની સ્ટોરી શરૂ થાય છે.
દેવાથી ખલનાયકની સફર
કોઈ વ્યક્તિને આપણે 'દેવ માનુષ' માનતા હોઇએ અને એ જ ખલનાયક નીકળે તેવું તો આપણે જોયું છે, જાણ્યું છે. આ ફિલ્મનું પણ કંઈક આવું જ છે. 'કર્મ', 'રામ લખન', 'સૌદાગર' જેવી બ્લોકબસ્ટર ફિલ્મો બાદ સુભાષ ઘાઈ ખળભળાટ મચાવનારી સ્ટોરી સાથે ફિલ્મ બનાવવા માગતા હતા. આ માટે તેઓ ડ્રીમ પ્રોજેક્ટ 'દેવા' પર કામ કરી રહ્યા હતા. લીડ એક્ટર તરીકે એક સમયે એન્ગ્રી યંગમેન તરીકે ટાઈપ કાસ્ટ થયેલા અમિતાભ બચ્ચનને નક્કી કરવામાં આવ્યા હતા. બધું બરાબર જ ચાલી રહ્યું હતું. સ્ટોરી પર કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન જ બચ્ચન સાથેના મતભેદોને કારણે બધું પડતું મૂકવાનો વારો આવ્યો. તેમણે હતાશ થયા વિના આ જ સ્ટોરીમાં થોડો ફેરફાર કરીને નાના પાટેકર સાથે વાતચીત શરૂ કરી. નાનાને ફિલ્મની સ્ટોરી કંઈ ખાસ ગમી નહીં અને ખસી ગયા.
હાઈ પ્રોફાઈલ ફિલ્મની શરૂઆત પહેલા જ વિઘ્નોથી કંટાળીને તેઓ વેકેશન મનાવવા અમેરિકા પહોંચી ગયા. ત્યાં, ટેનિસ સ્ટારથી હોલિવુડ પ્રોડયુસર બનેલા અશોક અમૃતરાજ સાથે રોકાયા હતા. એક ટેનિસ મેચ દરમિયાન અમૃતરાજે ઘાઈને કહ્યું કે, આ બોલિવુડ, બોલિવુડ બહુ રમ્યા હવે, હોલિવુડની ફિલ્મ બનાવો. તેમણે 'દેવા'ની સ્ટોરી થોડા ફેરફાર સાથે અમૃતરાજને સંભળાવી. અમૃતરાજને સ્ટોરી એટલી હદે ગમી કે, આઈડિયાને 'બી નેગેટિવ' ટાઈટલ સાથે રાઈટર્સ ગિલ્ડમાં રજિસ્ટર કરાવવામાં આવ્યો. ઘાઈએ પોતાના હોલિવુડ એજન્ટ્સ દ્વારા લીડ રોલ માટે એડી મર્ફીનો સંપર્ક કર્યો. અન્ય રોલ માટે ઓમર શરીફ લગભગ નક્કી કર્યા. બધું જ બરાબર ચાલી રહ્યું હતું અને આ પ્રોજેક્ટની શરૂઆત થાય તે પહેલા જ અંત આવ્યો. બોલિવુડની સ્ટોરીને હોલિવુડ માટે મારી મચેડીને સેટ કરવામાં આવી હોઈ તેવું લાગતા પ્રોજેક્ટને પડતો મૂકાયો.
સુભાષ ઘાઈ થાકી, કંટાળીને ઈન્ડિયા પરત આવ્યા. આ દરમિયાન સંજુ બાબા સાથેની એક મુલાકાતે બાજી પલટી. બાબાને જોતા જ તેમને લાગ્યું કે, 'બી નેગેટિવ' માટે સંજુ બાબા જ પરફેક્ટ છે. આમ, ઘાઈએ હોલિવુડનો મોહ છોડયો અને બોલિવુડ માટે ફિલ્મ બનાવવા લાગી પડયા. અને, એક સમયની 'દેવા', 'ખલનાયક' બની ગઈ.
ખલનાયક એટલે સંજુ બાબા
સંજુ બાબા 'સડક' અને 'સાજન' જેવી ફિલ્મો સાથે સફળતાના શિખરે પહોંચ્યો હતો. તે સમયના એક મેગેઝિનમાં કવર સ્ટોરી પણ છપાઈ હતી. 'સંજય દત્ત : ધ ન્યૂ સુપરસ્ટાર'. ઓન સ્ક્રીન ખબરોમાં રહેનાર સંજુ બાબા ઓફ-સ્ક્રીન વિવાદોને કારણે પણ ચર્ચામાં રહેતો. લેજન્ડ સુનીલ દત્ત અને નરગીસનો પુત્ર હોવા છતા પણ બાળપણ મુશ્કેલીથી ભરેલું હતું. માતાને કેન્સરના નિદાન બાદ ડ્રગ્સની લતે તેની જિંદગી બરબાદ કરી નાખી હતી. ૧૯૮૦ના દાયકાના અંત સુધીમાં તેની ગાડી ફરી પાટા પર આવી અને બધું જ બરાબર ચાલી રહ્યું હતું ત્યારે, ફરી એક ત્રાસદીથી તે ભાંગી પડયો. પત્ની રીચાને કેન્સરનું નિદાન થયું. અનેક ઓપરેશનો બાદ રીચા સ્વસ્થ તો થઈ પરંતુ, આ નાજુક સમયગાળા વચ્ચે અન્ય સ્ત્રી માધુરી દિક્ષીતની એન્ટ્રી થઈ. સંજુ-માધુરીની ઓફ-સ્ક્રીનની સાથે ઓન-સ્ક્રીન જોડી પણ હીટ હતી. 'થાનેદાર' ફિલ્મનું સોંગ 'તમ્મા તમ્મા..' સુપરહિટ રહ્યું હતું. થાનેદાર સિવાય 'ખતરો કે ખિલાડી' અને 'કાનૂન અપના અપના' જેવી ફિલ્મોમાં માધુરી સાથેની જોડી જોવા મળી હતી. ઘાઈએ 'ખલનાયક' માટે આ સ્ટાર પાવરનો ઉપયોગ કર્યો. જેમાં, તેમને ફાયદો હિટ જોડી સિવાય સંજુ બાબાના વિવાદોનો મળ્યો.
૧૨ માર્ચ, ૧૯૯૩ના રોજ સંજુ બાબા જયપુરમાં ફિલ્મ 'જય વિક્રાંતા'નું શૂટિંગ કરી રહ્યો હતો. ત્યારે, મુંબઈમાં એક બાદ એક બોમ્બ બ્લાસ્ટમાં ૨૫૭ના મોત થયા અને ૭૦૦થી વધુ ઘાયલ. જયપુરના શૂટિંગ બાદ સંજુ બાબા ૨ એપ્રિલ, ૧૯૯૩ના રોજ સંજય ગુપ્તાની ફિલ્મ 'આતિશ'ના ક્લાઈમેક્સની શૂટિંગ માટે મોરિશિયસ નીકળ્યો. તેના અઠવાડિયાની અંદર જ મુંબઈ બોમ્બ બ્લાસ્ટની તપાસમાં સંજુનું નામ ખુલ્યું અને હાહાકાર મચી ગયો. ૧૯ એપ્રિલના રોજ તે મુંબઈ પહોંચ્યો ત્યારે, એરપોર્ટના રનવે પર પોલીસ તેમની રાહ જોઈને ઊભી હતી. સંજુ બાબાને પરિવાર સિવાય અન્ય એક વ્યક્તિ પાસે ટેકાની આશા હતી. તે હતી, માધુરી. પરંતુ, 'સ્ટારડસ્ટ'ની જૂન ૧૯૯૩ની કવર સ્ટોરીમાં હેડલાઈન હતી, 'માધુરી ડમ્પ્સ સંજય'. સંજુની ધરપકડ પહેલાના એક ઈન્ટરવ્યુમાં માધુરીએ કહ્યું હતું કે, 'સંજય દત્ત મારો ફેવરિટ પાર્ટનર છે. તેની વાતો મને હસાવે છે. તે સાચા અર્થમાં જોકર છે. પરંતુ, તે એક જેન્ટલમેન છે.' જ્યારે, આ નવી સ્ટોરીમાં કહેવામાં આવ્યું કે, સંજુ બાબાની ધરપકડના દિવસે જ માધુરીએ નક્કી કરી નાખ્યું હતું કે, તે સંજુ સાથે કોઈ સંબંધ નહીં રાખે. એટલે તેમની લવસ્ટોરીમાં પણ બધું જ બરાબર ચાલી રહ્યું હતું અને અચાનક.
સંજ્ય દત્તની ટાડા એક્ટ હેઠળ ધરપકડ સુધીમાં 'ખલનાયક' ફિલ્મનું ૭૦ ટકાથી વધુ શૂટિંગ થઈ ગયું હતું. આ કેસમાં ૫ મે, ૧૯૯૩ના રોજ સંજુ બાબાને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હતા. જે બાદ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું. બધુ બરાબર ચાલી રહ્યું અને અચાનક કોર્ટમાં મુંબઈ બોમ્બ બ્લાસ્ટના પૂરાવા સાથે અરજી કરાઈ કે, સંજુ બાબા રીયલ લાઈફ ખલનાયક છે.
૪ જુલાઈ, ૧૯૯૪ના રોજ સંજુ બાબાના જામીન રદ્દ કરી નાખવામાં આવ્યા અને ફરી ધરપકડ કરાઈ. અનેક વિવાદો વચ્ચે ૬ ઓગસ્ટ, ૧૯૯૩ના રોજ જ્યારે, 'ખલનાયક' રિલીઝ કરાઈ ત્યારે, થિયેટરોમાં રેકોર્ડ ભીડ જોવા મળી. વિવાદો વચ્ચે પણ 'ખલનાયક' બ્લોકબસ્ટર સાબિત થઈ. રૂપિયા ૨.૫ કરોડના ખર્ચે બનેલી ફિલ્મ રૂ. ૧૩ કરોડ કમાઈ. આ ફિલ્મની સ્ટોરીમાં કંઈ એવું ખાસ નહોતું. આ તો બસ, સંજુ બાબાનો 'ખલનાયક'નો રિયલ લાઈફ ટેગ ફિલ્મના ટાઈટલ સાથે મેચ થઈ ગયો.
સંજુ નહીં બલ્લુ
સંજુ નામ રાખ્યું હોત તો સ્પષ્ટ થઈ જાત પરંતુ, ફિલ્મમાં ખલનાયકને બલ્લુ (સંજય દત્ત) નામ આપવામાં આવ્યું. બલ્લુ બલરામ. બલ્લુ એટલે દેશનો સૌથી ખતરનાક ખલનાયક. અખબારોમાં રાક્ષસ તરીકે ચીતરાયેલા બલ્લુનું નામ સાંભળતા જ લોકોને ધુ્રજારી છૂટે. બલ્લુ જન્મથી ગુનેગાર નહોતો પરંતુ, જીવનની પરિસ્થિતિઓએ તેને ગુનેગાર બનાવ્યો. બોલિવુડની ફિલ્મોમાં સાચા માર્ગે ચાલનાર હીરો અને ખોટા માર્ગે ચાલનાર વિલન હોય. પરંતુ, અહીં તો ખલનાયક જ નાયક. આ ખલનાયક બલ્લુનું કેરેક્ટર એટલી હદે ફેમસ થયું કે, રિક્ષાઓમાં બલ્લુના ફોટા અને મોટા અવાજે વાગતું ફિલ્મનું ગીત, 'નાયક નહીં ખલનાયક હૂં મૈ..'તે સમયે સામાન્ય બની ગયું હતું.
ઈન્સ્પેક્ટર રામના રોલમાં જેકી દાદા
બલ્લુ બલરામથી બિલકુલ વિપરીત કેરેક્ટર એટલે ઈન્સ્પેક્ટર રામ(જેકી શ્રોફ). જે કાયદાના સખત પાલનમાં માને. ભલભલા ગુનેગારો તેનાથી ડરે. પરંતુ, બલ્લુ નહીં. રામ જ્યારે, બલ્લુની માતાની પૂછપરછ કરવા જાય છે ત્યારે, ટીપીકલ બોલિવુડ મસાલા ફિલ્મ જેવો ટ્વિસ્ટ સામે આવે છે. ઈન્સ્પેક્ટર રામ અને ખલનાયક બલ્લુ બાળપણના મિત્રો હતા. આ પાત્ર સાથે જેકી દાદા સંજુને સપોર્ટ આપીને સંતોષ માને છે.
ઈન્સ્પેક્ટર ગંગા તરીકે માધુરી
આ ફિલ્મમાં ઈન્સ્પેક્ટર ગંગાનું કેરેક્ટર મહત્વનું છે. બલ્લુની નજીક અંડરકવર એજન્ટ તરીકે ગયેલી ગંગા બલ્લુના ગુનેગાર બનવા સુધીની કહાણી સાંભળે છે અને તેની પીડાને મહેસૂસ કરે છે. પરંતુ, પોતાની ફરજ પર અડગ રહે છે. માધુરી ભલે ફિલ્મના એક સોંગના કારણે વિવાદમાં આવી પણ અંડરકવર એજન્ટ તરીકે આ સોંગ જરૂરી હતું. આ ફિલ્મમાં ભલે 'ખલનાયક' સંજુ બાબા છવાઈ ગયો પણ માધુરી વિના ફિલ્મ થોડી અધૂરી લાગત.
એક સોંગની બબાલ
તાજેતરમાં જ રિલીઝ થયેલું રેપર યો યો હની સિંઘનું સોંગ વિવાદમાં ચાલી રહ્યું છે. તેનું કારણ તો સ્પષ્ટ થઈ શક્યું નથી. પરંતુ, સોશિયલ મીડિયામાં તેને ટ્રોલ કરવામાં આવી રહ્યું છે. હવે, વિચારો આજના સમયમાં 'ખલનાયક'નું સોંગ, 'ચોલી કે પીછે ક્યાં હૈ..' રિલીઝ થયું હોત તો..? તેનું વિવાદમાં હોવાનું નિશ્ચિત હતું. તે સમયે પણ વિવાદ થયો હતો. એટલી હદે કે, ફિલ્મને બેન કરવાની માગ કરવામાં આવી હતી. દેશભરના કુલ ૩૨ સંગઠનોએ સોંગ વિરૂદ્ધ મોરચો ખોલ્યો હતો. બીજી તરફ, દૂરદર્શન અને ઓલ ઈન્ડિયા રેડિયો પર સોંગને બેન કરવામાં આવ્યું હતું. આ સોંગ અને 'નાયક નહીં..' એટલા ફેમસ થયા હતા કે, ફિલ્મની ૧ કરોડથી વધુ કેસેટ્સ વેચાઈ હતી. અલકા યાજ્ઞિાકને 'ચોલી કે પીછે ક્યાં હૈ..' સોંગ માટે બેસ્ટ પ્લેબેક સિંગર જ્યારે, સરોજ ખાનને આ સોંગની કોરિયોગ્રાફી માટે ફિલ્મફેર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
બનત બનત બન જાઈ
સુભાષ ઘાઈએ આ એક જ પ્રોજેક્ટ માટે અમિતાભ બચ્ચન, નાના પાટેકર અને હોલિવુડના સ્ટાર્સ સાથે વાત ચલાવી. આ વાતો બનતા બનતા અનેક વખત અટકી ગઈ. સંજય દત્ત સાથે શરૂ કરેલી ફિલ્મ પણ અડધા ઉપર બનીને લટકી પડી. આ દરમિયાન સુભાષ ઘાઈની જગ્યાએ અન્ય વ્યક્તિ હોત તો વિચારત કે, હશે ભાઈ, આ મારા નસીબમાં નહીં હોય. રહેવા દો. પડતું મૂકો. પરંતુ, ઘાઈ અડગ રહ્યાં. પ્રયત્ન કરવામાં પાછી પાની ન કરી અને પરિણામ જોવા મળ્યું. તેમણે માન્યું નહોતું તેટલી હદે ફિલ્મ ચાલી. ઘાઈ જાણતા-અજાણતા ભારતના જાણીતા સંત લાહિડી મહાશયના મંત્રને આત્મસાત કરી ગયા હતા. લાહિડી મહાશય કહેતા કે, 'બનત બનત બન જાઈ'. એટલે કે, જે બનવાનું છે એ બનશે જ. મહેનતનું સારું પરિણામ મળશે જ. એટલે કાર્ય કરવું. બાકી ફળની ચિંતા ન કરવી. આ મંત્ર, 'બનત બનત બન જાઈ' યાદ રાખવો. આત્મસાત કરવો.


