નવાઝુદ્દીનને વિદેશી ફિલ્મમાં પણ મુખ્ય ભુમિકાથી ઓછું કંઇ ન ખપે

Updated: Jan 20th, 2023


- 'કરીઅરની શરુઆતમાં મેં ઘણી નાની નાની ભૂમિકાઓ ભજવી છે, પણ હવે બહુ થયું.  હવે મને કોઇ ૨૫ કરોડ રૂપિયા આપે તોય નાનો રોલ કરવા નથી કરવાનો.'

ન વાઝુદ્દીન સિદ્દિકીને હવે  કોઇ ઓળખાણની જરૂર નથી રહી. આજની તારીખમાં ટોચના કલાકારોમાં સ્થાન પામેલા આ અભિનેતાએ અહીં સુધી પહોંચવા પુષ્કળ સંઘર્ષ કર્યો છે. નવાઝુદ્દીને સાવ નાના નાના રોલથી શરૂઆત કરીને એવો મુકામ હાંસલ કર્યો  છે જ્યાં તેને ધ્યાનમાં રાખીને ખાસ ભૂમિકાઓ લખવામાં આવે છે. અને હવે તે અમેરિકન ફિલ્મ 'લક્ષ્મણ લોપેઝ'માં પણ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે.સ્વાભાવિક રીતે જ હવે તેને ચિલ્લર જેવા કિરદાર અદા કરવામાં રસ ન હોય. 

તે કહે છે કે હું વિદેશી ફિલ્મમાં પણ નગણ્ય કહેવાય એવી ભૂમિકા ભજવવા નથી માગતો. તે વધુમાં કહે છે કે પ્રારંભિક તબક્કે મેં ઘણી નાની નાની ભૂમિકાઓ ભજવી છે. પણ હવે બહુ થયું.  હવે મને કોઇ ૨૫ કરોડ રૂપિયા આપે તોય હું નાનો રોલ કરવા નથી કરવાનો.હું માનું છું કે કીર્તિ-કલદાર શ્રેષ્ઠ કામની આડપેદાશ છે. જો તમે તમારું કામ ઉત્તમ રીતે કરો તો નાણાં અને ખ્યાતિ તેની પાછળ પાછળ આવી જ જવાના છે.હા,જો તમે પૈસા અને કીર્તી પાછળ દોડશો તો તે ક્યારેય તમારે હાથ નહીં લાગે.

છેલ્લા એક દશકમાં નવાઝુદ્દીને  સંખ્યાબંધ હટકે રોલ કર્યાં છે.તેના એકેએક પાત્રમાં જાન રેડેલી જોવા મળે.તે કહે છે કે મને મારા પ્રત્યેક કિરદારને વિશિષ્ટ રીતે રજૂ કરવાની ભૂખ હોય છે. હું મારા પાત્રો શ્વસું છું. તે વધુમાં કહે છે કે સૌથી પહેલા તો હું મારા પાત્રોનું ચયન જ બહુ કાળજીપૂર્વક કરું છું. મારી પ્રથમ પસંદ પડકારજનક કિરદાર હોય છે અને ત્યાર પછી તેને ઉત્તમ રીતે રજૂ કરવાની તૈયારી.મારા મતે કોઇ એક જ રોલ એક કલાકાર શ્રેષ્ઠ રીતે રજૂ કરી શકે અને બીજો તેને સાવનબળો પાડી દે.હું મારા કિરદાર અદા કરવામાં જરાય કચાશ  નથી રાખતો.

અભિનય ક્ષેત્રે  સફળ થયેલા કલાકારો ધીમે ધીમે નિર્માણ-દિગ્દર્શન તરફ આગળ વધવા લાગે છે.પંરંતુ નવાઝુદ્દીનને એવા કોઇ ઓરતા નથી.તે કહે છે કે  મને અભિનય સિવાય બીજા કોઇ કામમાં રસ નથી.મારાથી આ કામશ્રેષ્ઠ રીતે થાય એ જ પૂરતું છે.

નવાઝુદ્દીને અત્યાર સુધી ઘણી મહિલા ફિલ્મ સર્જકો સાથે કામ કર્યું છે. તે કહે છે કે ઘણાં લોકો મને પુરુષ અને મહિલા દિગ્દર્શક વચ્ચેનો ભેદ પૂછે છે. પણ મેં તો ક્યારેય એ રીતે વિચાર્યું જ નથી. હું  દિગ્દર્શકને માત્ર ફિલ્મ સર્જક તરીકે જ જોઉં છું. મહિલા કે પુરુષ તરીકે નહીં. કળાને લિંગ સાથે કશી લેવાદેવા નથી હોતી. હા,એક વાત ચોક્કસ છે કે મહિલાઓની દુનિયાને જોવાની નજર બહુ સરસ હોય છે.તેઓ બધી વસ્તુમાં કાંઇક સરસ શોધી કાઢે છે. અને એ વાત ખરેખર સરાહનીય છે. મને મહિલા દિગ્દર્શક સાથે કામ કરતી વખતે આ વાતબહુ ગમે છે.

આ અભિનેતાએ અત્યાર સુધી અદ્ભૂત કામ કર્યું છે તોય તેને સુપરસ્ટાર કહેવામાં નથી આવતો. જોકે નવાઝુદ્દીનને  તેનો કોઇ રંજ પણ નથી. તે કહે છે કે દરેક વખતે ટેલેન્ટ સ્ટારડમમાં પરિવર્તિત થાય એ જરૂરી નથી. 

હા,દરેક વ્યક્તિને તેની પ્રતિભા-મહેનતનું ફળ ચોક્કસ મળે છે. તેની લાયકાતની વહેલી-મોડી પણ કદર થાય છે એ વાતમાં બે મત નથી.જો તમે ખરેખર પ્રતિભાવાન હોય તો તમને તમારી લાયકાતનું ફળ મળી જ રહેવાનું છે.


    Sports

    RECENT NEWS