નસીબ મેં જો નહીં થા, વો હમ કો મિલા નહીં .
- કથાનાયક પૈસાદાર થઇને પાછો ફરે છે અને પોતાની પ્રિયતમાને અન્યની પત્ની તરીકે જુએ છે ત્યારે શરદબાબુનો દેવદાસ યાદ આવે એવી સ્થિતિ સર્જાય છે. બાબુલ સુપ્રિયોના કંઠે એ સ્થિતિ સાંભળવા મળે છે- 'તુમ્હીં ને મેરી જિંદગી ખરાબ કી હૈ, તુમ્હારે લિયે હી મૈંને શરાબ પી હૈ...'
રાઆજના કોઇ ટીનેજરને પૂછો કે ગોવિંદા નામના અભિનેતાને ઓળખો છો? તો જવાબ મળે કે હા, અમુક ટેલિવિઝન ચેનલ પર ટેલેન્ટ-રિયાલિટી શોમાં ક્યારેક મહેમાન તરીકે આવે છે અને જરા જરા વારે ખડખડાટ હસતો દેખાય છે. પરંતુ ૧૯૮૦ના દાયકામાં ગોવિંદાના નામના સિક્કા પડતા. વીતેલા જમાનાના ચરિત્ર નટ અરુણ આહુજા અને ફિલ્મો કરતાં ક્લાસિકલ મ્યુઝિક સૃષ્ટિમાં માનભર્યું સ્થાન ભોગવતા ગાયિકા નિર્મલાદેવીના આ પુત્રે ડેવિડ ધવન સાથે ડઝનબંધ કોમેડી ફિલ્મો કરેલી. મોટે ભાગે સલમાન ખાન કે સંજય દત્ત ઉપરાંત કાદર ખાન જોડે ગોવિંદા જમાવટ કરતો. એણે કોમેડી, એક્શન, રોમેન્ટિક એમ જુદા જુદા જોનરની લગભગ સવાસો ફિલ્મો કરી છે. બીબીસીએ દસ ટોચના સ્ટેજ અને ફિલ્મ સ્ટાર્સની યાદીમાં એનું નામ ઉમેરેલું. ટોચ પર પહોંચ્યા પછી પણ એ પોતે જ્યાં ઉછર્યો છે એ મુંબઈની લગોલગ આવેલા વિરાર વિસ્તારને ભૂલ્યો નહીં. એના પગ સતત ભોંય પર રહ્યા. એની એક ફિલ્મ છે - 'નસીબ' (૧૯૯૭).
'નસીબ' નામની બીજી ફિલ્મ કોમન મેનની નાડપારખુ ગણાતા ફિલ્મસર્જક મનમોહન દેસાઇએ ૧૯૮૧-૮૨માં 'નસીબ' નામની મલ્ટિસ્ટારર સુપરહિટ ફિલ્મ બનાવેલી. એમાં અમિતાભ બચ્ચન, રિશિ કપૂર, શત્રુઘ્ન સિંહા, હેમા માલિની ઉપરાંત બીજાં ઘણાં કલાકારો હતાં. લક્ષ્મીકાંત-પ્યારેલાલના સંગીતવાળી આ ફિલ્મ આવી તેના પંદરેક વર્ષ બાદ અભિનેતા ગોવિંદાનો સૂર્ય સોળે કળાએ ચમકતો હતો. તે વખતે એના નામે કમાઇ લેવા એના મોટાભાઇ કીતકુમારે 'નસીબ' નામે એક ફિલ્મ બનાવી. બોક્સ ઓફિસ પર ફિલ્મ ભયંકર રીતે પટકાઇ પડેલી.
આ નસીબની વાર્તા પણ ઘસાયેલી-પીટાયેલી હતી. એક ગરીબ છોકરો (ગોવિંદા) શ્રીમંતની દીકરી (મમતા કુલકર્ણી)ને પ્રેમ કરે છે. છોકરીના બાપને ગરીબ યુવાન પસંદ નથી. ગરીબ યુવાન એવું વચન આપીને શહેરમાં જાય છે કે હું શ્રીમંત બનીને પાછો ફરીશ. છોકરીનો બાપ કંઇ ત્યાં સુધી વાટ જુએ? એ તો એક શ્રીમંત નબીરા (રાહુલ રોય) સાથે દીકરીને પરણાવી દે છે. પેલો પાંચ વર્ષ પછી પૈસાદાર બનીને આવે ત્યારે પ્રિયતમા બીજાની પત્ની છે એમ જાણીને આઘાત અનુભવે છે. પછી થોડાં નાટકીય દશ્યો સર્જાય છે. છેલ્લે દર્શકોની સહાનુભૂતિ જીતવા હીરો ખુદને પિસ્તોલની ગોળીથી ઠાર કરે છે. દાવો એવો કરવામાં આવ્યો હતો કે પ્રેમમાં બલિદાન આપે છે
સદભાગ્યે આ ફિલ્મમાં માત્ર છ ગીતો હતાં. બાકી એ દિવસોમાં સંગીતકાર નદીમ-શ્રવણના સંગીતથી સજેલી ફિલ્મોમાં નવ-નવ, દસ-દસ ગીતો રહેતાં. આ ફિલ્મનાં ગીતો સમીરનાં છે. એક ગીતના શબ્દો છે - 'શિકવા નહીં કિસી સે, કિસી સે ગીલા નહીં, નસીબ મેં જો નહીં થા, વો હમ કો મિલા નહીં...' ગીતની તર્જમાં ઘુંટાયેલી વેદનાને કુમાર સાનુએ વાચા આપી છે. વક્રતા જુઓ. કુમાર સાનુના કંઠે રજૂ થયેલા ઔર એક ગીતની તર્જ નુસરત ફતેહ અલી ખાનના ગીત પરથી બેઠ્ઠી ઊંચકી લેવામાં આવી હતી. એ ગીત આ રહ્યું- 'કભી જો ભૂલના ચાહું, ન જાને ક્યોં મેરે દિલબર, મુઝે તુમ યાદ આતે હો...'
ફિલ્મમાં નાયિકાની સુંદરતાને બિરદાવતા એક ગીતનું મુખડું છે- 'ચંદા સિતારે બિંદિયા તુમ્હારી, પૂનમ કી તુમ રાત હો, જુલ્ફેં તુમ્હારી કાલી ઘટા, તુમ સાવન કી બરસાત હો...' શબ્દોને અનુરૂપ તર્જ રચવામાં સંગીતકારોને સફળતા મળી છે. એ વાત અલગ છે કે આજે આ ગીત ભૂલેચુકેય સંભળાતું નથી. આ ગીતને ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિાકનો કંઠ સાંપડયો છે.
કથાનાયક પૈસાદાર થઇને પાછો ફરે છે અને પોતાની પ્રિયતમાને અન્યની પત્ની તરીકે જુએ છે ત્યારે શરદબાબુનો દેવદાસ યાદ આવે એવી સ્થિતિ સર્જાય છે. બાબુલ સુપ્રિયોના કંઠે એ સ્થિતિ સાંભળવા મળે છે- 'તુમ્હીં ને મેરી જિંદગી ખરાબ કી હૈ, તુમ્હારે લિયે હી મૈંને શરાબ પી હૈ...'
નાયક નાયિકા પ્રેમમગ્ન છે ત્યારે માહૌલ કેવો હતો! એનો ખ્યાલ આ બે ગીતોમાં મળે છે. પહેલું ગીત કુમાર સાનુ અને અનુરાધા પૌડવાલે ગાયું છે- 'ચુરા લેંગે હમ સબ કે સામને દિલ તેરા, તૂ મેરી બાત કો જરા સુન લે ગૌર સે...' બીજા ગીતમાં ગાયકો બદલાય છે. ઉદિત નારાયણ અને કવિતા કૃષ્ણમૂતના કંઠે સાંભળવા મળે છે- 'સીને પે રખકર સર કો, કહીં ખો ગયે થે હમ, ઇતને કરીબ રે એક હો ગયે થે હમ...'
ગોવિંદાની આ સુપરફ્લોપ ફિલ્મ રજૂ થઈ ત્યારે પણ એનાં ગીતો ગાજ્યાં ન હોય તો પછી તો કોણ યાદ કરવાનું? નદીમ-શ્રવણનાં સૌથી નબળાં ફિલ્મ આલ્બમની સૂચિ બનાવવામાં આવે તો 'નસીબ'નું નામ સંભવત: ટોપ-થ્રીમાં આવે. સમય સમયની વાત છે!