Get The App

નાગાર્જુનઃ પુત્રો સાથે ફિટનેસની વાતો, પુત્રવધૂ સાથે ગાર્ડનિંગની ચર્ચા

Updated: Oct 16th, 2025

GS TEAM

Google News
Google News
નાગાર્જુનઃ પુત્રો સાથે ફિટનેસની વાતો, પુત્રવધૂ સાથે ગાર્ડનિંગની ચર્ચા 1 - image

છેલ્લે અયાન મુખરજીની મેગ્નમ ઓપસ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળેલો તેલુગુ સુપરસ્ટાર નાગાર્જુન ઓગસ્ટમાં ૬૬ વરસનો થયો. પરંતુ લુક્સની બાબતમાં એ યુવાન એકટર્સને ટક્કર આપી શકે છે. આમેય, બે યુવાન પરિણીત પુત્રો- નાગા ચૈતન્ય અને અખિલ અકિનેકીનો ડેડી પોતાને જુની પેઢીનો એક્ટર ગણતો નથી. તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સાડા ત્રણ દાયકા પૂરા કરી ચુકેલા નાગાર્જુને ઇન્ડસ્ટ્રીનો વિકાસ, ફિલ્મ મેકિંગમાં ધરમૂળથી આવેલો બદલાવ અને દર્શકોની સિનેમા માટેની બદલાતી જતી રુચિ- બધુ જ જોયું છે. એ બધા સાથે અનુકૂળતા સાધી એક્ટર અડીખમ ઊભો છે. 'મેં કેસેટ્સથી ડીવીડી અને પેન ડ્રાઈવ્સથી આજે મોબાઈલ ફોનમાં જોવાતી મૂવીઝ- બધુ જ બદલાતું જોયું છે. હું એ બધુ માણતો આવ્યો છું. પરંતુ હું જુની પેઢીનો (એક્ટર) નથી. જો હું ઓલ્ડ સ્કૂલ (જૂની પેઢીનો) હોત તો ક્યારનો અપ્રસ્તુત બની ગયો હોત. મને ટેકનોલોજી સાથે કદમ મિલાવીને ચાલવું ગમે છે. મારા મતે દુનિયા એ રીતે જ આગળ વધે છે. જો તમે સમય સાથે ન ચાલો તો અસંગત બની જાવ,' એમ એક્ટર કહે છે.

રામગોપાલ વર્માની ફિલ્મ 'શિવા'માં કોલેજિયનના ડાયનેમિક અને ડેશિંગ રોલથી હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરનાર નાગાર્જુનને હમણાં એક ઇન્ટરવ્યૂમાં પૂછાયું, 'સર, તમારા બંને પુત્રો અને એમાંય સાઉથના મોટા સ્ટાર નાગા ચૈતન્યા સાથેના તમારા સંબંધો કેવા છે?' જવાબમાં તેલુગુ સ્ટાર કહે છે, 'મારા પિતા (એક્ટર નાગેશ્વર રાવ) અને હું સારા ફ્રેન્ડસ બની ગયા હતા, પણ અમારી વચ્ચે આદરની એક અદ્રશ્ય રેખા હતી. મારા દિકરા સાથે મારી રિલેશનશિપ આવી જ છે. વી આર અફ કોર્સ ફ્રેન્ડસ બટ ધેર ઈઝ ઓલ્સો રિસ્પેક્ટ. દાખલા તરીકે હું રૂમમાં દાખલ થાઉં એટલે બંને તરત ઊભા થઈ મારું અભિવાદન કરે. અમે સાથે વર્ક આઉટ પણ કરીએ છીએ, પરંતુ એમાં હું એમની સાથે સ્પર્ધામાં નથી ઉતરતો.'

દાયકાઓ લાંબા ફિલ્મી કરિઅર બાદ પણ નાગાર્જુન એકદમ સુપર ફિટ છે. એના ફેન્સ એની શિસ્ત અને એની ફિટનેસના પ્રશંસક છે. એટલે કોઈને પણ એવો પ્રશ્ન થાય કે શું સુપરસ્ટાર પોતાના પુત્રો પાસેથી ફિટનેસની ટિપ્સ લે છે? એનો ખુલાસો થોડી રમૂજ સાથે કરતા નાગાર્જુન કહે છે, 'અરે ભાઈ, ઉલ્ટાનો હું એમને ફિટનેસ ટિપ્સ આપું છું. ખેર, સીરિયસલી કહું તો હું સ્ફુર્તીલો રહેવા વર્કઆઉટ કરું છું. બોડીને બને એટલું ફિટ અને હેલ્ધી રાખવા પ્રયાસ કરું છું. રોજ એક કલાક મારા ફિટનેસ રૂટીનને ફાળવું છું અને ડાયટમાં બેલેન્સ રાખું છું.'

આજના જમાનામાં સારા સસરા કઈ રીતે બનાય એ આ એક્ટર પાસેથી શીખવા જેવું છે. સૌ જાણે છે એમ એના એક્ટર પુત્ર નાગા ચૈતન્યએ ગયા વરસે એકટ્રેસ શોભિતા ધુલીપાલા સાથે લગ્ન કર્યા હતા. નાગાર્જુનના પોતાની પુત્રવધૂ શોભિતા સાથે બહુ જ સ્નેહાળ અને સહજસંબંધ છે. 'શોભિતા ઈઝ જસ્ટ ફેન્ટાસ્ટિક. અમે બંને સામાન્યપણે મ્યુઝિક અને બુક્સ વિશે વાતો કરીએ છીએ. અત્યારે એ નાગાના બંગલામાં ગાર્ડન બનાવવા વિચારી રહી છે. મને પણ ગાર્ડનિંગ (બાગકામ)માં બહુ રસ છે. એટલે અમારી વચ્ચે એ વિષયમાં ઘણો વાર્તાલાપ થાય છે. અમારી વચ્ચે સરસ રિલેશનશીપ છે અને મને ઘરમાં મારી દીકરી આવી હોય એવું લાગે છે. અમારા ઘરમાં બે પુત્રીઓ છે - ઝૈનાબ (અખિલની વાઈફ) અને શોભિતા.'

સિનેમાના સ્ક્રીન પર એક સૌમ્ય વ્યક્તિની ઈમેજ ધરાવતા નાગાર્જુન પાસે એક્ટિંગની બહોળી રેન્જ છે, જે મુખ્યત્વે એની તેલુગુ ફિલ્મોમાં જોવા મળી છે. ઇન્ટરવ્યૂના સમાપનમાં પોતાની વર્તમાન કરિઅર વિશે વાત કરતા એક્ટર કહે છે, 'આજે મને જે કામ મળે છે એ હું એન્જોય કરું છું. પરંતુ યંગ એજમાં વાત જુદી હતી. એ વખતે તમને ટોપ પર પહોંચવાની મહત્વાકાંક્ષા હોય એટલે નેચરલી તમને બોક્સ-ઓફિસ બિઝનેસનું પ્રેશર રહે. મેં પણ એ પ્રેશર ભોગવ્યું છે, પણ એ ધીમે ધીમે અદ્રશ્ય થતું ગયું. આજે દર મહિને ફિલ્મોના બિઝનેસના આંકડા બદલાતા જોઉં છું. એ નંબર ગેમ દુષ્કર બની ગઈ છે, પરંતુ હું એ બધામાં ન પડી વર્તમાનમાં રહું છું અને આજની ક્ષણને માણું છું. મને મારી ઇચ્છા પ્રમામેનું કામ મળે છે. બીજુ શું જોઈએ?'