Get The App

નાગિન-7ની ધમાકેદાર એન્ટ્રી

Updated: Dec 4th, 2025

GS TEAM

Google News
Google News
નાગિન-7ની ધમાકેદાર એન્ટ્રી 1 - image

- પ્રિયંકા ચહર ચૌધરી બનશે નવી ઈચ્છાધારી નાગિન

મૌની રોય, અદા ખાન, સુરભિ જ્યોતિ, નિયા શર્મા, સુરભિ ચંદાના, અનિતા હસનંદાની અને તેજસ્વી પ્રકાશે આગલી સિઝનોમાં નાગિન તરીકે આગવી છાપ છોડી છે. 

લગભગ ત્રણ વર્ષ રાહ જોવડાવ્યા પછી એકતા કપૂર પોતાની સુપરહિટ ફેન્ટસી ડ્રામા નાગિનની સાતમી સીઝન સાથે ટીવી ક્ષેત્રમાં વાપસી કરી રહી છે.  

આ વખતે નાગિનની ભૂમિકા પ્રિયંકા ચહર ચૌધરી નિભાવશે. બિગ બોસ ૧૬ પછી પ્રિયંકાની લોકપ્રિયતા સતત વધી રહી છે, અને આ જ કારણ છે કે એકતા કપૂરે તેને પોતાના કલ્ટ શોમા લીડ ભૂમિકા આપવાનો નિર્ણય કર્યો. આ સીઝનમાં પ્રિયંકાની સાથે ઈશા સિંહ અને નામિક પોલની પણ મહત્વની ભૂમિકા રહેશે.

દસ વર્ષની સફર અને છ સુપરહિટ સીઝન

૨૦૧૫માં મૌની રોય સાથે શરૂ થયેલી નાગિન ફ્રેન્ચાઈઝની છ સિઝનોએ દર્શકોને રોચક ટ્વિસ્ટ, અનોખી વાર્તાઓ તેમજ રોમાંચક વિઝ્યુઅલ ઈફેક્ટ્સથી જકડી રાખ્યા છે. મૌની રોય, અદા ખાન, સુરભિ જ્યોતિ, નિયા શર્મા, સુરભિ ચંદાના, અનિતા હસનંદાની અને તેજસ્વી પ્રકાશ જેવી અભિનેત્રીઓએ નાગિનના રૂપમાં પોતાની આગવી છાપ છોડી છે. 

કોણ છે સહુથી મોંઘી નાગિન?

નાગિન સીરીઝ માત્ર પોતાની વાર્તા અને લોકપ્રિયતા માટે જ નહિ પણ પોતાની મુખ્ય અભિનેત્રીઓની ફી માટે પણ ચર્ચામાં રહી છે.

પ્રથમ બે સીઝનમાં નાગિનની ભૂમિકા નિભાવનાર મૌની રોયને પ્રતિ એપિસોડ એકથી બે લાખ રૂપિયા મળતા હતા. તેની લોકપ્રિયતાએ શોની ટીઆરપીને નવી ઊંચાઈએ પહોંચાડી દીધી, એથી જ તેની ફીને ઉચિત માનવામાં આવી. નાગિન-૩માં સુરભિ જ્યોતિને લગભગ ૬૦ હજાર રૂપિયા પ્રતિ એપિસોડ મળ્યા હતા, જ્યારે વિલન નાગિન અનીતા હસનંદાનીની ફી એક લાખ રૂપિયા પ્રતિ એપિસોડ હતી. નાગિન ૪માં નિયા શર્માને ૪૦ હજાર રૂપિયા અને નાગિન-ફાઇવમાં સુરભિ ચંદાનાને ૬૦ હજાર રૂપિયા પ્રતિ એપિસોડ મળ્યા હતા. નાગિન-૬એ ફીના મામલે રેકોર્ડ બનાવ્યો, જ્યારે તેજસ્વી પ્રકાશને બિગ બોસ ૧૫ જીત્યા પછી બે લાખ રૂપિયા પ્રતિ એપિસોડ અને પછી તેને વધારીને અઢી લાખ રૂપિયા મળતા રહ્યા.

મુખ્ય અભિનેત્રીઓની ફી કાયમ ચર્ચિત રહી હોવા છતાં, આ ફ્રેન્ચાઈઝમાં સૌથી વધુ ફી લેનાર અભિનેત્રી સુધા ચંદ્રન છે, જે ખલનાયિકાની ભૂમિકા નિભાવે છે. તેને પ્રતિ એપિસોડ ૩.૫ લાખ રૂપિયા મળ્યા છે.

હવે જ્યારે પ્રિયંકા ચહર ચૌધરી નાગિન-૭માં નવી લીડ બની ચુકી છે, ત્યારે તેની ફી વિશે પણ ચર્ચા વધી ગઈ છે. અહેવાલ અનુસાર પ્રિયંકાને ૮૦ હજાર રૂપિયા પ્રતિ એપિસોડ મળશે. આ રકમ તેજસ્વી પ્રકાશ અને મૌની રોય કરતા ઓછી છે, પણ પ્રિયંકાના વધતા સ્ટારડમ અને યુવા લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને માનવામાં આવે છે કે આગામી સમયમાં તેની ફીમાં પણ વધારો કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ, બિગ બોસ ૧૬ની લોકપ્રિયતા તેમજ ઉડારિયાની સફળતા તેને ફ્રેન્ચાઈઝની એક મજબૂત લીડ બનાવે છે.

નાગિન-7માં શું હશે? 

નાગિન-૭ની સત્તાવાર  જાણકારી જાહેર થઈ ચુકી હોવાથી દર્શકોની ઉત્સુકતા વધી ગઈ છે. એકતા કપૂરના આ શોમાં પ્રત્યેક સીઝન નવી ટ્વિસ્ટ, નવી વાર્તા અને નવા સેટઅપ લઈને આવે છે. આ વખતે દર્શકોને પ્રિયંકાનો નવો અવતાર જોવા મળશે, જ્યારે નવી સ્ટારકાસ્ટ શોને તાજગી આપશે.

તેજસ્વી અને મૌની જેવી અગાઉની નાગિનો સાથે તેની સરખામણી પણ શરૂ થઈ ચુકી છે અને હવે તમામની નજર એ વાત પર રહેશે કે પ્રિયંકા પોતાના પાત્રને કેવી રીતે નિભાવે છે અને શું ટીઆરપી ચાર્ટમાં ધમાલ મચાવી શકશે કે કેમ.

એટલું તો ચોક્કસ છે કે નાગિન-૭ ફરી એકવાર સુપરનેચરલ ડ્રામા પ્રેમીઓ માટે નવો રોમાંચ અને રહસ્યથી ભર્યો અનુભવ લાવશે. સ્ટારકાસ્ટ, ફી અને પ્રિયંકાની એન્ટ્રી બાબતે થઈ રહેલી ચર્ચાઓથી સ્પષ્ટ થયું છે કે આ સીઝન દર્શકો માટે એક મોટુ આકર્ષણ બનશે.