- 'આપ જૈસા આપ જૈસા યાર મુઝે ચાહિયે, આપ કી મુહબ્બત ઔર પ્યાર મુઝે ચાહિયે....' ગીતમાં સુખવિન્દરના ચાહકોને ગમે એવાં તર્જ-લય નદીમ-શ્રવણ આપી શક્યા
છેક ૧૯૬૯માં ડાન્સર અભિનેતા શમ્મી કપૂરની એક હિટ ફિલ્મ આવેલી- 'જાનવર'. એમાં શંકર-જયકિસને સ્વરાંકિત કરેલું અને મુહમ્મદ રફીએ ગાયેલું એક સુપરહિટ ગીત હતું- 'તુમ સે અચ્છા કૌન હૈ, દિલ લો, જિગર લો, જાન લો, હમ તુમ્હારે હૈં સનમ, તુમ હમેં પહચાન લો...' સંગીતકાર નદીમ શ્રવણ કેવા ભાગ્યશાળી કહેવાય! આ ગીતના મુખડામાંથી એમને બબ્બે ફિલ્મનાં ટાઇટલ્સ મળ્યાં- 'હમ તુમ્હારે હૈં સનમ' અને 'તુમ સે અચ્છા કૌન હૈ'! નસીબના બળિયા એવા આ સંગીતકારના 'તુમ સે અચ્છા કૌન હૈ' ફિલ્મના સંગીતની વાત કરીને આજે એમની વિદાયની પૂર્વભૂમિકા બાંધીએ. કુમાર અને રમેશ તૌરાની ભાઇઓએ 'તુમ સે અચ્છા કૌન હૈ' ફિલ્મ બનાવેલી જે ૨૦૦૨માં રજૂ થયેલી. પાંચ કરોડમાં બનેલી આ ફિલ્મે એના સર્જકોને ૧૬ કરોડ કમાવી આપેલા. ફિલ્મમાં સાવ નવોદિત કલાકારો હતાં છતાં ફિલ્મ નદીમ-શ્રવણના સંગીતના જોરે ચાલેલી. નવોદિત અભિનેતા નકુલ કપૂર (જગપ્રસિદ્ધ રાજ કપૂર કે શમ્મી કપૂરના કપૂર પરિવાર સાથે કશી લેવાદેવા નથી), આરતી છાબરિયા, કીમ શર્મા અને સિનિયર કલાકારો રતિ અગ્નિહોત્રી તેમજ દલીપ તાહિલ સાથે બનેલી આ ફિલ્મની કથામાં અગાઉની હિટ ફિલ્મોના ટુકડા જોડીને તૈયાર કરેલી કથા હતી.
રાજસ્થાનના જેસલમેરમાં બસ ડ્રાઇવર કમ ગાઇડ તરીકે કામ કરતા એક યુવાનને પ્રસિદ્ધ ગાયક બનવાની અબળખા છે. એક યુવતી એને સાંભળીને મુંબઇ આવવાનું આમંત્રણ આપે છે. મુંબઇમાં એ કેવી રીતે રાતોરાત પ્રસિદ્ધ ગાયક બની જાય છે, પછી શી રીતે પ્રણય ત્રિકોણ સર્જાય છે વગેરે મસાલો આ ફિલ્મમાં હતો. ફિલ્મ બોક્સ આફિસ પર ચાલી. આમ છતાં કોણ જાણે શું થયું, નકુલ કપૂર રાતોરાત બોલિવૂડ છોડીને ચાલ્યો ગયો જ્યાં એ ડિવાઇન લાઇફ યોગ નામે સંસ્થા ચલાવે છે અને યોગ શિક્ષક તરીકે જીવે છે. એ ફિલ્મી દુનિયાની કૃ્ત્રિમ ચમક દમક છોડીને અધ્યાત્મ તરફ વળી ગયો એમ કહેવાય છે.
આ ફિલ્મનાં આઠ ગીતોમાં એક ગીત વારાફરતી પુરુષ કંઠમાં અને ી કંઠમાં એમ બે વાર રજૂ થાય છે. આ ફિલ્મ રોમાન્સરંગી કથા ધરાવતી હોવાથી સંગીતમાં રાગ પહાડી અને રાગ નટભૈરવી એમ બે રાગો પર સંગીતકારોએ વધુ આધાર રાખ્યો છે. ી-પુરુષ એમ બે કંઠે રજૂ થતું ગીત 'આંખ હૈ ભરી ભરી ઔર તુમ મુસ્કુરાને કી બાત કરતે હો, જિંદગી હૈ ખફા ખફા ઔર તુમ મુસ્કુરાને કી બાત કરતે હો...' રાગ પહાડી પર આધારિત છે. તર્જમાં એક પ્રકારની ઘુંટાયેલી વેદનાનો અહેસાસ થાય છે. થોડીક હતાશા અનુભવાય છે. ગીત હૃદયંગમ બન્યું છે.
યુવાનોને ઘેલું લગાડનારા પંજાબી ગાયક સુખવિન્દર સિંઘના કંઠે એક મસ્ત ગીત અહીં સાંભળવા મળે છે- 'આપ જૈસા આપ જૈસા યાર મુઝે ચાહિયે, આપ કી મુહબ્બત ઔર પ્યાર મુઝે ચાહિયે....' સુખવિન્દરના ચાહકોને ગમે એવાં તર્જ લય સંગીતકારો આપી શક્યા છે. કથામાં જે વળાંક લાવવાનો પ્રયાસ ફિલ્મ સર્જકે કર્યો છે એમાં આ ગીત ઉપકારક નીવડયું હતું.
સોનુ નિગમના કંઠે રજૂ થતું ગીત 'દૂર વાદિયોં સે આ રહી હૈ પાયલ કી છમ છમ, ઇન હવાઓં મેં ભી બજ રહી હૈ, ચૂડિયોં કી સરગમ...' ગીતમાં રાગ નટભૈરવીનો આધાર લેવાયાનો દાવો સંગીતકારોએ કર્યો હતો, પરંતુ આ ગીતની તર્જ જગપ્રસિદ્ધ લેબેનીઝ ગાયક નવલ અલ જોઘબીનાં એક સુપરહિટ ગીત પરથી કોપી કરાઇ છે. આ ગાયિકા ગોલ્ડન સ્ટાર તરીકે પ્રસિદ્ધ છે. એ પોપ મ્યુઝિક અને અરબી સંગીત બંનેનું ફ્યૂઝન કરીને ગીતો ગાય છે. એનાં ગાયેલાં ગીતોનાં કરોડો આલ્બમ્સ વેચાયાં છે. એ પોતાના કંઠને ખુદા કી બક્ષિસ ગણાવે છે.
ફિલ્મનું ટાઇટલ ગીત પ્રસિદ્ધ ગઝલ ગાયક તૌસીફ અખ્તરના કંઠમાં છે. 'ચાંદ તારેં ફૂલ શબનમ, અચ્છા કૌન હૈ, કોઇ ઋત હો, કોઇ મૌસમ, અચ્છા કૌન હૈ...' ઊર્દૂ શાયરી-ગઝલના વિશ્વમાં અખ્તર આઝાદના પુત્ર એવા તોસીફ અખ્તરે શાીય સંગીતની તાલીમ જયપુર ઘરાનાના પ્રસિદ્ધ ગવૈયા પંડિત ગોવિંદ પ્રસાદ જયપુરવાલે પાસેથી અને ત્યારબાદ વિશ્વવિખ્યાત ગઝલ ગાયક જગજિત સિંઘ પાસે લીધી હતી. આ ટાઇટલ ગીત તૌસીફ માટે જ બનાવાયું હોય એવી સરસ રીતે તૌસીફે ગાયું છે.
ઔર એક ગીત તૌસીફે સોનુ નિગમ સાથે ગાયું છે- 'મહકદે કી ગલિયોં મેં જાના છોડ દિયા, જબ સે દેખા, શીશ કા જામ તોડ દિયા...' ભૈરવીના આધાર પર આ ગીતની તર્જ છે અને આકર્ષક કહરવા તાલમાં બંને ગાયકોએ આગવી જમાવટ કરી છે.
સોનુના કંઠે ગવાયેલું 'દિલ ગયા, મેરા દિલ ગયા...' પરદા પર સારી જમાવટ કરી શક્યું હતું. સારિકા કપૂર સાથે સોનુ નિગમે ગાયેલું હૃદયસ્પર્શી વિરહ ગીત 'યે ઉન દિનોં કી બાત હૈ, એક દૂજે પે મરતે થે, પ્યાર કી બાતેં કરતે થે, ખ્વાબોં મેં ખોયે રહતે થે, બાંહોં મેં સોયે રહતે થે...' રાગ પહાડી પર આધારિત આ ગીતની તર્જ ખરેખર હૃદયંગમ બની છે.
લગભગ એક દાયકા સુધી સતત હિટ સંગીત પીરસીને એકચક્રી રાજ કરનારા નદીમ-શ્રવણ જેટલી ઝડપે ટોચ પર પહોંચ્યા હતા એટલી જ ઝડપે એમની કારકિર્દીનો અકાળે અંત આવી ગયો. ટી સિરિઝના ગુલશન કુમારની દાઉદ ઇબ્રાહિમના ધંધાદારી હત્યારાઓએ નિર્દયપણે હત્યા કરી એ કેસમાં ખરી કે ખોટી રીતે નદીમ સંડોવાઇ ગયો એટલે એણે સ્વેચ્છાએ દેશ છોડયો. એ સાથે એની કારકિર્દી પણ ખતમ થઇ ગઇ એમ કહીએ તો ચાલે. આવતા શુક્રવારે એમની વધુ એકાદ ફિલ્મના સંગીતની વાત કરીને નદીમ-શ્રવણને વિદાય આપીશું.


