- 'રેખાની આંખો જાણે કહેતી હતી કે એ ભાંગી શકે છે, પણ પરાજિત કદી ન થઈ શકે. વળી, રેખામાં એકટ્રેસ તરીકે સંપૂર્ણપણે શરણે થઈ જવાની તૈયારી હતી'
ક્લાસિક ફિલ્મમેકર મુઝફ્ફર અલી માટે એક મોટો પ્રસંગ છે. એમની 'ઉમરાવ જાન' સાડા ચાર દાયકા બાદ સિનેમાઘરોમાં પાછી ફરી રહી છે. પોતાની સર્વોત્કૃષ્ટ ફિલ્મની રી-રિલિઝ ટાંકણે એમણે સિલેકટેડ મીડિયા પર્સન્સ સાથે ઉમરાવ જાનના મેકિંગ અને એ પછીની પોતાની સુખદ સ્મૃતિઓ વાગોળી. પત્રકારો સાથેનો એમનો વાર્તાલાપ એક 'નોસ્ટાલ્જિક મુમેન્ટ' બની રહ્યો. મુઝફ્ફર અલીએ મૂવી સાથે જોડાયેલા વિવિધ વિષયો પર પ્રકાશ પાડયો એનો સારાંશ જોઈએ :
આર્ટિસ્ટિક વિજન અને બોક્સ ઓફિસ વચ્ચેનું બેલેન્સ : 'મને અવારનવાર પૂછાયું છે કે ઉમરાવ જાન બનાવતી વખતે તમે તમારા વિઝન અને બિઝનેસની અપેક્ષા વચ્ચે કઈ રીતે સંતુલન જાળવ્યું. માંડીને વાત કરું તો એ સમયે અમે બધા (ફિલ્મમેકર્સ) આર્ટ અને કોમર્સ વચ્ચેની જંગનો સામનો કરી રહ્યા હતા. મારી ઉમરાવ જાને બોક્સ ઓફિસ પર રેકોર્ડ્સ નથી કર્યા. એ વખતે એ સૌથી સસ્તામાં બનેલી મૂવી હતી. આમેય (નાણાંકીય) સાધનસમૃદ્ધિથી સિનેમાના પડદા પર જોઈતી ઇમોશન ઊભી કરી શકાય એવું હું માનતો નથી. ઉમરાવ બનાવતી વખતે હું એર ઇન્ડિયામાં જોબ કરતો હતો. મેં એ જોબ છોડી દીધી કારણ કે ફિલ્મ પૂરી થતા ત્રણ વરસ લાગશે એ હું જાણી ચુક્યો હતો. મને છુટો કરીને રતન ટાટાએ પોતાની ઉદારદિલીનો દાખલો આપ્યો. મેં કંપનીમાં ૧૧ વરસ કામ કર્યું હતું.'
ઉર્દુ નોવેલપરથી ફિલ્મ બનાવવાની પ્રેરણા કઈ રીતે મળી? : 'આપણી ઘણી બધી કલ્પનાઓના મૂળમાં સચ્ચાઈ પડી હોય છે. સૌ જાણે છે કે મારી ફિલ્મ ૧૮૯૯માં પ્રગટ થયેલી મિર્ઝા હદી રુસવાની ઉર્દૂ નોવેલ ઉમરાવ જાન અદા પર આધારિત છે. રાઇટર મિર્ઝા રુસવાને ઉમરાવ જાનના ઘણાં પાત્રો જીવનના એક યા બીજા તબક્કે મળ્યા હશે. એ પાત્રોની ઝલક એમણે નોવેલમાં દેખાડી છે. ઉમરાવ જાનની સ્ટોરી મારે મારી રીતે કહેવી હતી. ઉમરાવ એવી પરિસ્થિતિમાં ફસાઈ હતી જેમાંથી એ કદી બહાર નીકળી ન શકી. એનો પરિવાર પણ એને સ્વીકારવા તૈયાર નહોતો. બોલીવૂડમાં ઘણાંની આવી વિષમ દશા હતી. મારી જેમ અવધથી આવતા ઇન્ડસ્ટ્રીના ઘણાં લોકો બોલિવુડના મહાસાગરમાં ખોવાઈ ગયા હતા. એ બધાને હું એક ઓથેન્ટિક કૃતિ આપી આર્ટિસ્ટિક ફ્રીડમનો અહેસાસ કરાવવવા માગતો હતો. એમની માનસિકતાને નવા ફલક પર લઈ જવા ઇચ્છતો હતો.'
રેખાને લીડ રોલ માટે પસંદ કરવાનું કારણ : 'મેં ઉમરાવના લીડ રોલ માટે રેખાને પસંદ કરી ત્યારે એની આંખોમાં એક જુદી જ લવચિકતા જોઈ હતી. એની આંખો કહેતી હતી કે એ પડયા પછી એ જ ક્ષણે ફરી ઊભી થઈ શકે છે. એ ભાંગી શકે, પણ પરાજિત કદી નહિ થાય. બીજું, રેખામાં એકટ્રેસ તરીકે ટોટલ સરેન્ડર થવાની (શરણાગતિ સ્વીકારવાની) તૈયારી હતી. એ આખી ફિલ્મમાં પોતાના પાત્ર સાથે વહેતી ગઈ છે. એ એની સૌથી મોટી ખાસિયત બની રહી. મૂવી માટે ઊભો કરાયેલો લખનઉનો ટિપિકલ નવાબી માહોલ એટલો રોમાન્ટિક અને પ્રભાવી હતો કે એણે રેખાના અજોડ વ્યક્તિત્વને જન્મ આપ્યો.'
જે. પી. દત્તાની ઐશ્વર્યા રાય બચ્ચન સ્ટારર રિમેક : 'સાચુ કહું તો મેં ઉમરાવ જાનની એ રિમેક ટુકડે-ટુકડે જોઈ છે. મને એમાં કંઈ નવું જોવા ન મળ્યું. આમેય હું મારા ઉમરાવના કલ્પના વિશ્વને ડિસ્ટર્બ કરવા નહોતો માગતો. મેં ઉમરાવ બનાવી ત્યારે મારી પાસે એનો કોઈ રેફરન્સ (સંદર્ભ) નહોતો. જ્યારે એમના માટે મારી મૂવી રેફરન્સ હતી. એમણે ફિલ્મને જુદો લુક આપવા પોતાની રીતે સ્ટોરીનું નવું અર્થઘટન કરવાનું હતું, જે સહેલું કામ નથી. એક ઇમોશનલ અને આર્ટિસ્ટિક સિનેમા બનાવવા એનું કંઈ રીતે ચણતર કરવું પડે એની લોકોને સમજ નથી. સદનસીબે, હવે ઉમરાવ મારી નહિ, પણ દર્શકોની સ્ટોરી બની ગઈ છે. એની સુરક્ષા માટે દર્શકોએ મજબુત કિલ્લેબંદી કરી દીધી છે. તેઓ એને લાંછન નહિ લાગવા દે એની મને ખાતરી છે.'
મારી નવી ઉમરાવ કોણ બની શકે? : 'મારી ઉમરાવની રિલિઝને ૪૪ વરસ થયા. આટલા વરસો પછી આજે મને પૂછાય છે કે તમે ઉમરાવની રિમેક બનાવો તો કોને લીડ રોલ આપો? સૌપ્રથમ હું કહી દઉં કે ઉમરાવ જાનને રેખા અને રેખાને ઉમરાવ જાન મળવી આસાન નથી.
છતાં આજે કરિના કપૂર અને આલિયા ભટ્ટમાં ઘણો મજિક છે એની ના નહિ, પરંતુ તમે બુક ખોલો નહિ ત્યાં સુધી એના વિશે અભિપ્રાય ન આપી શકો. આજના એકટર્સ પાસે વધુ પડતું કામ છે એટલે તેઓ પોતાના રોલ્સમાં પૂરેપૂરા ઢળી નથી શકતા.'


