Get The App

મુગ્ધા ગોડસે : આ જગતમાં કોઈ સર્વગુણ સંપન્ન નથી હોતું

Updated: Nov 27th, 2025

GS TEAM

Google News
Google News
મુગ્ધા ગોડસે : આ જગતમાં કોઈ સર્વગુણ સંપન્ન નથી હોતું 1 - image

- 'આજે દરેક કલાકાર અને દર્શક માટે તેમને મનગમતી કહાણીઓ ઉપલબ્ધ છે. પરિણામે દરેક વયજૂથના કલાકારોને કામ મળી રહે છે. આ કમાલ ઓટીટી કરી શક્યું છે.'

મોડેલમાંથી અભિનેત્રી બનેલી મુગ્ધા ગોડસેને ફેશન શોઝ વિસે સઘળી જાણકારી હોય તે સ્વાભાવિક છે. તે કહે છે કે ફેશન શોઝમાં શો સ્ટોપર્સને મળી રહેલા વધારે પડતા મહત્વ પાછળ ફેશનની વધી રહેલી ઘેલછા કારણભૂત છે.

કહેવાની જરૂર નથી કે છેલ્લા ઘણાં સમયથી ફેશન શોઝમાં સેલિબ્રિટીઓને શો સ્ટોપર તરીકે લેવામાં આવે છે તેની ચર્ચાઓ પૂરજોશમાં ચાલી રહી છે. રેમ્પ પર આવેલી બોલિવુડ સેલિબ્રિટીઓ સમગ્ર શો પર છવાઈ જાય છે, જેને પગલે મોડેલોનું મહત્વ ઘટી જાય છે. ફેશન ઇન્ડસ્ટ્રીના આ પાસાંના ફાયદા-ગેરફાયદા, ગમા-અણગમા વિશે મુગ્ધા ગોડસે પેટછૂટી વાત કરે છે. મોડેલ-અભિનેત્રી કહે છે કે ફેશન શોનો અંત નાટકીય હોય તે આજની તારીખની જરૂરિયાત બની ગઈ છે. અને સેલિબ્રિટી શો સ્ટોપર્સ આ નાટકીયતા લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. હકીકતમાં આપણને સર્વત્ર બોલિવુડના કલાકારો વિના ચાલતું ન હોય એવો સિનારિયો જોવા મળી રહ્યો છે. આપણા ફેશન શો તદ્દન વેગળા પ્રકારના હોય છે. પરિણામે ફેશન જગતમાં બોલિવુડ સેલિબ્રિટીઓનું હોવું અત્યાવશ્યક બની ગયું છે. કોઈપણ બ્રાન્ડ પોતાના ઉત્પાદનના વેચાણ માટે જાણીતા લોકોને આગળ કરે તે સ્વાભાવિક છે. ફેશન જગત પણ તેમાંથી બાકાત નથી. આ કારણે જ ફેશન શોઝમાં બોલીવૂડ સેલિબ્રિટીની શો સ્ટોપર્સ તરીકેની આવશ્યકતા જાણે કે ફરજિયાત બની ગઈ છે. જોકે છેવટે તો ડિઝાઈનર વસ્ત્રો જ સર્વેસર્વા રહે છે.

'બ્લડી બ્રધર્સ' અને 'ધ બ્રોકન ન્યુઝ' જેવી વેબ સીરિઝોમાં કામ કરનાર મુગ્ધા કહે છે કે ઓટીટીએ 'પરફેક્ટ કેરેક્ટર'ની વ્યાખ્યા જ બદલી નાખી છે. ઓટીટીએ કલાકારો માટે બહોળી તકો ઊભી કરી છે. આ માધ્યમમાં પાત્રો વાસ્તવિક સ્વરૂપ રજૂ થાય છે. મારા મતે જગતમાં કોઈ સર્વગુણ સંપન્ન નથી હોતું. દરેક વ્યક્તિમાં કોઈક નબળાઈ તો હોવાની જ. ટીવી પર જોવા મળતી સાસુ-વહુની સીરિયલોમાં જોવા મળતાં પરફેક્ટ પાત્રો જેવા લોકો વાસ્તવિક જીવનમાં હોય એ શક્ય નથી. માણસ માત્રમાં કોઈક નબળાઈ તો હોય જ. અને મને આવા કિરદાર અદા કરવાનું જ ગમે છે.

મુગ્ધા કહે છે કે આજે દરેક કલાકાર અને પ્રત્યેક દર્શક માટે તેમને ગમતી કહાણીઓ ઉપલબ્ધ છે. પરિણામે દરેક વયજૂથના કલાકારોને કામ મળી રહે છે. અને આ કમાલ ઓટીટી કરી શક્યું છે.

તાજેતરમાં જ રાહુલ દેવ સાથેના શોનું સમાપન કરનાર મુગ્ધા કહે છે કે અમારા બંનેનું વ્યક્તિત્વ અત્યંત પ્રભાવશાળી અને મજબૂત છે જે દર્શકોને પડદા પર પણ જોવા મળશે. આ કારણે જ અમને એવી પટકથાઓ મળે છે જેમાં અમે રોમાંસ કરતા નથી દેખાતા. અમને પડદા પર રોમાંસ કરવાની તક નથી મળી.