- 'મારે ઓટીટી પર તગડાં પાત્રો ભજવવાં હતાં. માત્ર પડદા પર દેખાવા ખાતર કોઈપણ કિરદાર અદા કરવામાં મને ક્યારેય રસ નથી પડયો. હા, રૂપાલી 'અનુપમા'નો રોલ બખૂબી ભજવી રહી છે.'
જાણીતી અભિનેત્રી મોના સિંહ 'ધ બેડ્સ ઓફ બોલિવુડ'ની સફળતાને લઈને ફૂલી નથી સમાતી. વાસ્તવમાં મોના કોઈપણ કામ બહુ સમજી-વિચારીને હાથ ધરે છે.
જોકે અદાકારા કબૂલે છે કે પસંદગીનું કામ કરવાના પોતાના નફા-નુકસાન હોય છે. મને 'અનુપમા'નો રોલ વર્ષો પહેલા ઓફર થયો હતો. પરંતુ તે વખતે મેં ટીવી સીરિયલો ન કરવાનો અને ઓટીટી પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય લીધો હોવાથી મેં એ કામ નહોતું સ્વીકાર્યું.
કારકિર્દીના આ તબક્કે ૪૪ વર્ષીય અદાકારા વધુમાં કહે છે કે મને ઓટીટી પર કેરેક્ટર-ડ્રીવન કામ કરવું હતું. માત્ર પડદા પર દેખાવા ખાતર કોઈપણ કિરદાર અદા કરવામાં મને ક્યારેય રસ નથી પડયો. જે પાત્ર ભજવવાથી મને દિલથી ખુશી મળે તે રોલ સાથે જ હું સારી રીતે સંકળાઈ શકું છું. એકવાર કામ હાથ ધર્યા પછી અફસોસ કરવાનું કે સેટ પર નકારાત્મક વિચારો સાથે જવાનું મને પસંદ નથી.
મોનાએ 'અનુપમા'ની ભૂમિકા પાછી વાળ્યા પછી આ ટાઈટયુલર રોલ રૂપાલી ગાંગુલીના ફાળે ગયો. અને તે છેલ્લા પાંચ વર્ષથી આ પાત્ર બખૂબી અદા કરી રહી છે. મોનાને એ વાતની ખુશી પણ છે. તે કહે છે કે આ પાત્ર રૂપાલી માટે જ સર્જાયું હતું. મને આ કિરદારનો અસ્વીકાર કરવા બદલ જરાય અફસોસ નથી.
છેલ્લે 'થોડે દૂર થોડે પાસ'માં જોવા મળેલી મોના ઉમેરે છે કે છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સને તેમની અભિનય ક્ષમતાને આધારે નહીં, બલ્કે તેમના ફોલોઅર્સની સંખ્યા જોઈને કામ આપવામાં આવે છે. સમય પાકી ગયો છે કે સોશિયલ મીડિયાના આ વિષચક્રમાંથી બહાર આવવામાં આવે. મને એ વાતની ખુશી છે કે અમારા જેવા જે કલાકારો પડદા પર પોતાના કૌવતને પગલે દેખાય છે તેને દર્શકો વધુ માન આપે છે.'


