મિલી બોબી બ્રાઉન અને 'સ્ટ્રેન્જર થિન્ગ્સ'ની કાસ્ટ વચ્ચે મતભેદ હોવાની અફવા ઈન્ટરનેટ પર જોર પકડી રહી છે. હવે સિરીઝ જ્યારે સમાપન તરફ આગળ વધી ચૂકી છે ત્યારે લગભગ એક દાયકાથી શો માણી રહેલા દર્શકોની લાગણીઓ પણ તીવ્ર બની રહી છે. રહસ્યમાં વધારો કર્યો એક અન્ય સોશિયલ મીડિયા સ્ટોરીએ જેમાં બ્રાઉને સહકલાકાર ફિન વુલ્ફાર્ડ સાથેની એક તસવીર શેર કરી. તેણે તેનું પ્રતીકાત્મક અને કંઈક અંશે અમૂર્ત વર્ણન કર્યું, જેનું ચાહકોએ પોતાને ફાવે એવું અર્થઘટન કર્યું. કેટલાક માટે બ્રાઉન તેના પાત્ર ઈલેવન બાબતે અસંતુષ્ટ હોવાની લાગણીઓ વ્યક્ત કરી રહી ગઈ છે. જોકે અન્ય ચાહકોએ તર્ક કર્યો કે પોસ્ટમાં હતાશા નહિ પણ યાદગીરી અને લાગણી વ્યક્ત થતી હતી.
ઓનલાઈન અટકળો વધુ તીવ્ર ત્યારે બની જ્યારે ચાહકોએ ગયા વર્ષે બ્રાઉને આપેલી પોડકાસ્ટ મુલાકાત ફરી વાયરલ કરી, જેમાં તેણે જાણકારી આપી હતી કે તેણે આકસ્મિક રીતે લેખકોના રૂમમાં બોર્ડ પર ફિનાલેના લખાણની વિગતો જોઈ હતી. બ્રાઉને કબૂલ કર્યું કે તેણે જે જોયું તેનું વિશ્લેષણ કરવા માટે સમયની જરૂર હતી. જો કે તેણે સીધી રીતે અંતની આલોચના તો ન કરી, પણ તેના ગંભીર પ્રતિસાદનું ચાહકોએ અસંતોષ તરીકે અર્થઘટન કર્યું.
અફવાઓને ત્યારે વધુ બળ મળ્યું જ્યારે બ્રાઉને ન્યુ યોર્કમાં યોજાયેલી સ્ટ્રેન્જર થિન્ગ્સની ફિનાલે ખાનગી સ્ક્રીનિંગમાં હાજરી ન આપી. ચાહકોએ તુરંત તેની ગેરહાજરીને શોના સમાપન અથવા કાસ્ટમાં તણાવ સાથે જોડી દીધી. રચનાત્મક અસહમતીથી લઈને અંગત મતભેદ સુધીની તમામની શક્યતાઓ વ્યક્ત કરાઈ. બ્રાઉને પછી સ્પષ્ટતા કરી કે ખભાની ઈજાને કારણે તે સ્ક્રીનિંગમાં હાજર નહોતી રહી શકી.
મોટા શોની મોટી વાતો, બીજું શું!


