- 'અમે શહીદ વીરોનું પડદા પર યોગ્ય નિરૂપણ થાય એમાં મદદરૂપ થઈએ છીએ. આપણી સેનાને ફિલ્મમાં હાસ્યાસ્પદ ન બનવા દઈ શકાય. એટલા માટે કન્સલ્ટન્ટ્સનું હોવું જરૂરી બની જાય છે.'
સંસ્કૃતમાં એક ઉક્તિ છે - 'યુદ્ધસ્ય કથા રમ્યા.' યુદ્ધની વાર્તા હમેશાં રોમાંચક હોવાની. ૧૮ દિવસ ચાલેલુ મહાભારતનું યુદ્ધ એનો દાખલો છે. પરંતુ સિનેમાના સ્ક્રીન પર આજની આધુનિક લડાઈનું નિરૂપણ આખી જુદી બાબત છે. એમાં ફિલ્મમેકરે શક્ય એટલી વાસ્તવિકતા દાખવવી પડે. વીરનાયકોની વાર્તામાં તમે થોડી છુટછાટ લઈ કલ્પનાના રંગ ઉમેરી શકો, જેને ફિલ્મી જારગોનમાં 'સિનેમેટિક લિબર્ટી' કહેવાય છે. પરંતુ હીરો એકવાર બેટલ ફિલ્ડમાં ઉતરે પછી મેકરે રિયાલિસ્ટિક અપ્રોચ (વાસ્તવવાદી અભિગમ) અપનાવવો જ પડે.
સદભાગ્યે બોલિવુડના રાઇટર્સ અને ડિરેકટર્સ ઉક્ત વાત સમજતા અને સ્વીકારતા થયા છે. એ સિવાય છુટકો પણ નથી. જુની હિન્દી 'વોર' ફિલ્મોમાં ડ્રામા વધુ જોવા મળતો પરંતુ હવે વાસ્તવિકતા તરફ ઝોક વધ્યું છે. એટલે 'વોર' ફિલ્મોને રિયલિસ્ટિક બનાવવા રિટાયર્ડ આર્મી ઓફિસરોની મિલિટરી કન્સલટંટસ તરીકે નિમણૂંક કરાય છે. પ્રજાસત્તાક દિન ટાંકણે 'બોર્ડર-ટુ' રિલિઝ થઈ છે ત્યારે એના મિલિટરી કન્સલટંટ મેજર સંદીપ સાંગવાન (રિટાયર્ડ) સાથે થોડી ગોષ્ટિ કરી લઈએ. એમણે 'પિપ્પા' (૨૦૨૩) અને 'ઈમરજન્સી' (૨૦૨૫) જેવી ફિલ્મો માટે પણ કન્સલટેશન કર્યું છે. 'અમારી ફરજ સ્ક્રીપ્ટીંગ સ્ટેજથી જ શરૂ થઈ જાય છે. સિનેમેટિક લિબર્ટી તરીકે અમુક છુટછાટ ઠીક છે, એ ચલાવી લેવાય. પરંતુ અમુક બાબતોમાં કોઈ હિસાબે સમાધાન ન થઈ શકે. એટલે ફિલ્મમાં આર્મીનો આચારસંહિતા મુજબ બધુ ચાલે એની અમે ચોંપ રાખીએ છીએ,' એમ મેજર કહે છે.
કર્નલ મનીશ સરીન (નિવૃત્ત)ને તમે બોલિવુડના સૌથી અનુભવી મિલિટરી કન્સલટંટ કહી શકો. તેઓ 'સેમ બહાદુર' (૨૦૨૩), 'સરઝમીન' (૨૦૨૫) અને '૧૨૦ બહાદુર' જેવી ફિલ્મો માટે કન્સલટેશન સર્વિસ આપી ચુક્યા છે. મિલિટરી કન્સલટંટસ નીમવાના ટ્રેન્ડને એક પોઝિટીવ બદલાવ ગણાવતા કર્નલ કહે છે, 'દરેક સીન માટે હું જુદા જુદા ટેબલ્સ (કોષ્ટક) બનાવું છું. એમાં હથિયારો, યુનિફોર્મ્સ વગેરે આવી જાય. એક કન્સલટંટ તરીકે અમે સ્ટોરીટેલિંગમાં કોઈ કોમ્પ્રોમાઇઝ (સમાધાન) ચલાવી ન લઈએ. વાસ્તવિકતા સાથે ચેડાં ન ચાલે.' ધર્મેન્દ્રના અવસાન બાદ હમણાં રિલિઝ થયેલી એમની છેલ્લી ફિલ્મ 'ઈક્કીસ' બ્રિગેડિયર બ્રિજેન્દ્ર સિંહ (નિવૃત્ત)નો પહેલો કન્સલ્ટીંગ પ્રોજેક્ટ હતો. 'ઇન્ડિયન આર્મી વિકસી અને ફુલીફાલી રહ્યું છે. અમારા યુનિફોર્મસ અને બોલચાલની ઢબ સમયાંતરે બદલાઈ છે. એ બધુ અમારે ધ્યાનમાં રાખવું પડે. 'ઇક્કીસ'ના ડિરેક્ટર શ્રીરામ રાઘવનની અહીં હું પ્રશંસા કરીશ. એમણે ફિલ્મની વાર્તાના કાળમાં વપરાતી ટેન્ક જેવી જ હુબહુ ટેન્કસ સ્ક્રીન પર દેખાડી એ જોઈને હું ખુશ થયો. હું પણ અસલી ટેન્ક અને એના મોડલ (પ્રતિકૃતિ) વચ્ચે તફાવત ન કરી શક્યો,' એમ બ્રિગેડિયર કહે છે.
બોલિવુડની ફિલ્મો ભલે વાસ્તવવાદ તરફ વળી પણ એમાં અમુક ઉણપ રહી જ જાય છે. એ વિશે વાત કરતા કર્નલ સરીન કહે છે, 'જુની ફિલ્મોથી પ્રેરાઈને સ્ક્રીન પર સ્ટીરિયોટાઈપ જિન્ગોઇઝમ (આપણો દેશ જ શ્રેષ્ઠ છે. એવી અતિશયોક્તિભરી માન્યતા) અને લાઉડ દેશભક્તિ બતાવવાનો પ્રયાસ થાય ત્યારે આપણને આવું લાગે. પરંતુ ફિલ્મમેકર્સની નવી પેઢી સમજે છે કે દેશપ્રેમ એકલા હીરોના બરાડા પાડવાથી ન દર્શાવી શકાય. આજના ડિરેકટર્સ ફીડબેક બાબતમાં ખુલ્લુ મન રાખે છે.'
મેજર સાંગવાન ચર્ચા આગળ ચલાવતા ઉમેરે છે, 'પહેલાની ફિલ્મોમાં એક જ ગ્રેનેડથી આખી ટેન્ક ઉડાડી દેવાના સીન્સ સામાન્ય હતા. પરંતુ રિયલ લાઈફમાં આવું બનતું નથી. આજે એવું બતાવો તો દર્શકો માટે એ એક જોક બની જાય. એટલે ફિલ્મેકર્સ હવે વાસ્તવવાદી બની ગયા છે. મારા મતે આ બદલાવ ફિલ્મ 'લક્ષ્ય' (૨૦૨૪)થી આવ્યો, જેમાં હૃતિક રોશનનો લીડ રોલ હતો.'
ફરહાન અખતરની છેલ્લી ફિલ્મ '૧૨૦ બહાદુર'ના ડિરેક્ટર રજનીશ ઘાઈનું એવું માનવું છે કે પુરી ઈમાનદારીથી ફિલ્મ બનાવાય ત્યારે રિયલિઝન અને સિનેમેટિક લિબર્ટી વચ્ચેનો દ્વંદ (આપોઆપ) અદ્રશ્ય થઈ જાય છે. ક્યારેક તમારા વિજનનો મિલિટરી કન્સલટંટના વિજન સાથે મેળ ન પડે અને ક્યારેક તમારું રિસર્ચ વર્ક એમનાથી જુદુ પડતું હોય એવું બને. પરંતુ તમે જો એક ઓનેસ્ટ મૂવી બનાવવા ઇચ્છતા હો તો તમે એનો ભેગા બેસીને ઉકેલ શોધી કાઢો છો.'
૨૦૨૫માં રિલિઝ થયેલી ઈમરાન હાશ્મીની ફિલ્મ 'ગ્રાઉન્ડ ઝીરો'ના દિગ્દર્શક તેજસ વિજય દેઉસ્કર પોતાના અનુભવ પરથી કહે છે, 'વોર' ફિલ્મ મિલિટરી દ્વારા અપાતી ગાઈડલાઈન્સ પ્રમાણે જ બનાવવી પડે છે. તમે આર્મીને સ્વીકાર્ય ન હોય એવી છુટછાટ ન લઈ શકો.' મેજર સાંગવાન સિનેમાની જરૂરિયાતો જાણતા હોય એમ ઉમેરે છે, 'સ્ટોરીટેલિંગમાં ઈમોશન્સ જરૂરી છે એટલે ક્રિયેટીવ આઝાદી મહત્ત્વની બની જાય છે. પરંતુ આર્મીની વાત આવે ત્યારે અમે હકીકત સાથે બને એટલો તાલ મિલાવવા પ્રયાસ કરીએ છીએ. એકબીજા સાથે ચર્ચા કરીને અમે લિમિટ્સ નક્કી કરી લઈએ.'
મિલિટરી કન્સલટંટસનો પ્રવેશ સશસ્ત્ર દળોના પણ લાભમાં છે. એ વિગતે સમજાવતા બ્રિગેડિયર સિંહ કહે છે, 'અમે શહીદ વીરોનું પડદા પર યોગ્ય નિરૂપણ થાય એમાં મદદરૂપ થઈએ છીએ. આપણી સેનાને ફિલ્મમાં હાસ્યાસ્પદ ન બનવા દઈ શકાય. એટલા માટે કન્સલટંટસનું હોવું જરૂરી બની જાય છે.'
બ્રિગેડિયરના મતને સમર્થન આપતા ડિરેક્ટર દેઉસ્કર ઉમેરે છે, 'એક આર્મી ઓફિસર કઈ રીતે ચાલે છે, બોલે અથવા સેલ્યુટ કરે એવી નાની નાની વાતો ઉપર પણ મિલિટરી કન્સલટંટ નજર રાખે છે. આખરે તો તેઓ આર્મીમાંથી જ આવે છે એટલે ફાઇનલ ડિસીજન એમનો જ હોવો ઘટે.'


