મિલિન્દ સોમણ: ત્રણ મહિના એક્ટિંગ, નવ મહિના ફિટનેસ
અર્જુન રામપાલ અને મિલિન્દ સોમણ વચ્ચે એક સામ્ય છે. બંને પોતાની પ્રાઈમ યંગ એજમાં સૌથી હેન્ડસમ અને હાઈએસ્ટ પેઈડ મોડેલ હતા. તેઓ ફિલ્મોમાં એન્ટ્રી કરશે ત્યારે બધા જ સ્ટાર્સ પર છવાઈ જશે અને એમને સુપરસ્ટાર બનતા કોઈ નહિં રોકી શકે એવી મિડીયામાં આગાહીઓ થઈ હતી. પરંતુ કમનસીબે રામપાલ અને સોમણ હીરો તરીકે બહુ ચાલ્યા નહીં. એમની કરીઅર સપોર્ટિંગ રોલ્સ પુરતી સીમિત રહી ગઈ. આમેય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ક્યાં નજુમીઓની આગાહી બહુ સાચી પડે છે.
સદ્નસીબે, ફિઝિકલી એકદમ ફિટ અર્જુન રામપાલ અને મિલિન્દ સોમણ પાસે કામની કમી નથી. એમને સામેથી કામ માગવા પણ નથી જવું પડતું. એમાયં એક્ટિંગ પ્રોફેશનમાં ૩૦ વરસ પૂરાં કરી ચુકેલો મિલિન્દ આજે પોતાના કરીઅરનો 'શ્રેષ્ઠ પિરીયડ' ચાલી રહ્યો હોવાનો દાવો કરતા કહે છે, 'આ વરસ મારા માટે બહુ જ સરસ અને શુકનિયાળ બની રહેવાનું છે, તમે જો જો.'
હમણાં ૫૯ વરસનો એક્ટર છેલ્લો રોમાન્ટિક - કોમેડી વેબ શો 'ધ રોયલ્સ'માં ઈશાન ખટ્ટર અને ભૂમિ પેડનેકર સાથે આવ્યો હતો. 'મારા કરીઅરના ત્રણ દશકની ઉજવણી કરી રહ્યો છું ત્યારે મારો અનુભવ આજે મને એક્ટિંગની બારીકીઓ પકડવામાં ઉપયોગી પુરવાર થઈ રહ્યો છે. આજે મને એક્ટિંગના લેયર્સની જાણ છે એટરે મારા કાને એન્જોય કરું છું. અને મારાં જુદાં જુદાં પાત્રોને સ્ક્રીન પર સાકાર કરવાનો આનંદ માણું છું,' એમ સોમણ પ્રસન્ન વદને કહે છે.
ખાસ નોંધવા જેવી વાત એ છે કે મિલિન્દ ઓટીટી પ્લેટફોર્મ પર સારું કાઠું કાઢી રહ્યો છે. એ 'ફોર મોર શોટ્સ પ્લીઝ'થી ડિજીટલ મિડીયમમાં ટૂંક સમયમાં જ પાછો ફરશે. ઉપરાંત, એની પાસે સાઉથના સુપરસ્ટાર વિજય સેતુપતિ સાથેની એક તમિલ વેબ સિરીઝ પણ છે. એટલે જ સોમણ એવું માને છે કે આજે એક્ટર્સ માટે ઓટીટી જ 'બેસ્ટ પ્લેસ' છે. અલબત્ત, અમુક જ મિડીયમમાં પ્રોજેક્ટ્સ કરવાનો એનો કોઈ આગ્રહ કે પસંદગી નથી. એને તો બસ કામ કરતા રહેવું છે. સૌ જાણે છે એમ મિલિન્દને મેરેથોન્સમાં દોડવાનું પણ એક્ટિંગ જેટલું જ પેશન છે. એટલે જ વર્ક અને લાઈફ વચ્ચે બેલેન્સ જાળવવું એની ટોપ મોસ્ટ પ્રાયોરિટી છે. એ ફ્યુચર પ્લાન રજૂ કરે છે,'મેં વરસના ૧૦૦ દિવસ એક્ટિંગ માટે ફાળવવાનું નક્કી કર્યું છે, જેથી હું સારું કોન્ટેન્ટ ધરાવતા પ્રોજેક્ટ્સનો ભાગ બની શકું. એમાં બે કામ થશે. મને રેગ્યુલર ઈન્કમ પણ થતી રહેશે અને દર્શકોમાં હું જાણીતો પણ બની રહીશ, ભુલાઈશ નહીં. વરસના બાકીના દિવસો હું મારી હેલ્થ અને માનસિક સુખાકારી માટે!'