Get The App

મેરા નામ જોકર : રાજ કપૂરના જીવનનો સૌથી મોટો જુગાર

Updated: Aug 21st, 2025

GS TEAM

Google News
Google News
મેરા નામ જોકર : રાજ કપૂરના જીવનનો સૌથી મોટો જુગાર 1 - image

- દાસ્તાન-એ-સિનેમા

સાતમ-આઠમમાં શ્રાવણિયા જુગારનું અનોખું મહત્વ છે. પરિવારના સભ્યો ભેગા થઈને પત્તા રમે. આ દરમિયાન નવી પત્તાની કેટ કાઢવામાં આવે. અને તમે નોટિસ કર્યું છે કે સૌથી પહેલા જોકરને બહાર કરવામાં આવે. સમયની બલિહારી ત્યારે જોવા મળે જ્યારે, એક્કો, બાદશાહ, રાણી, વગેરે વગેરે જેવા ભારે પત્તા કામ ન કરે ત્યારે, પાછો આ જોકર જ કામમાં આવે. જીવનમાં પણ કંઈક આવું જ છે. જો તમે એવા માણસોની શ્રેણીમાં આવો છો જે કહે છે કે, ‘I wear my heart on my sleeves.’ એટલે કે, એવા વ્યક્તિ કે જે દરેક વસ્તુને દિલથી કરે છે તો ભાઈ સાહેબ તમે પણ જોકર જ છો. આજના જમાનામાં દિલથી કામ કરનારનું શું કામ..? હવે તો એઆઈનો જમાનો છે. માણસોના દિલમાં પણ એઆઈનો 'અ' આવી ગયો છે. આ 'અ' એટલે 'આટફિશિયલ'. પરંતુ, જો તમે જોકર છો તો આ આટફિશિયલની ચિંતા કર્યા વિના પોતાનું કામ નિષ્ઠાથી કરવું.  

મહાન લેખક વિલિયમ શેક્સપિયરના ઓથેલોમાં સરસ મજાનો સીન છે જેમાં લાગો કહે છે, ‘But I will wear my heart upon my sleeve for daws to peck at. I am not what I am. એટલે ટૂંકમાં કહી એ તો, 'ભાઈ જો હું તો દિલથી જ કામ કરીશ. પછી ભલે ને કાગડાઓ મને ચાંચ મારે.' લોકવાયકા મુજબ, સિકંદર મહાન દુનિયા જીતીને પરત ફરી રહ્યો હતો. એક ચમચાએ કહ્યું કે, સાહેબ નજીકમાં એક ગુફાની અંદર ઝરણું છે. આ ઝરણાનું તમે પાણી પીધું તો સમજો તમે અમર થયા. સિકંદરે તેવું જ કર્યું. ગુફાની બહાર સૈન્યને રોકાવા કહ્યું અને પોતે અંદર ગયો. સિકંદરને ગુફામાં ઝરણું જોવા મળ્યું. તેણે તરત જ ઝરણાના પાણીને ખોબામાં ભર્યુંં. જેવો તે પાણી પીવા જતો હતો કે, તરત જ એક કાગડો બોલ્યો.. 'જો જો આ ઝરણાનું પાણી પીશો તો મારી જેમ કાગડા જ બની જશો.' કાગડાની વાત સાંભળીને સિકંદરનું મન બદલાયું અને તે પાણી પીધા વગર પરત ફર્યો. આ કાગડો એટલે કોર્પોરેટ જગતમાં જોવા મળતા એવા જીવો કે, જે અમર છે. જોકર (જે મહેનત કરે છે)ની નોકરી ખતરામાં પડી શકે પણ કાગડો(ચાટુકારો) અમર હોય. એક વાત નક્કી છે કે, આજના જમાનામાં જોકર થવામાં કોઈ માલ નથી. પણ, હા... અંદરથી ખોખલા હોવા કરતાં જોકર હોવું લાખ ગણું સારું. વર્ષો પહેલા હિન્દી સિનેમાને પણ આવો જ એક જોકર મળ્યો. તેણે દિલથી ફિલ્મો બનાવી. કેટલીક એવી કે, જેની રિલીઝ બાદ બંગલો ખાલી કરવાની નોબત આવે. પરંતુ, આ જોકર આપણને ગજબની શીખ આપીને ગયો. શીખવાડયું કે,જો તમે દુનિયાની નજરમાં જોકર છો, તો ફિકર નોટ. દિલથી કહો, 'મેરા નામ જોકર'.

જોકરની શરૂઆત  

૧૯૭૦નો ઓક્ટોબર મહિનો હતો. મુંબઈના રસ્તાઓ પર જાયન્ટ બિલબોર્ડ્સ જોવા મળી રહ્યાં હતાં. પહેલી નજરે બિલબોર્ડમાં જોકરને જોઈને લોકોને વિચાર આવતો કે, હશે કોઈ એડ પણ પછી ધ્યાનથી જોતા ખ્યાલ આવે કે, અરે આ તો રાજ કપૂર છે. પરંતુ, જોકરના કપડામાં શું કરી રહ્યાં છે? તેમનો સવાલ પણ વાજબી હતો. 'આવારા' અને 'શ્રી ૪૨૦' જેવી સુપરહિટ ફિલ્મો બનાવ્યા પછી સીધી 'મેરા નામ જોકર'. આવી તો આશા નહોતી. રાજ કપૂરની વાત માનીએ તો તેની પાછળ પણ રસપ્રદ સ્ટોરી હતી. ૧૯૬૩માં તેઓ બાળકો સાથે સર્કસ જોવા ગયા. સ્ક્રીપ્ટમાં નહોતું પણ જોકર કેળાની છાલને કારણે સ્લીપ થયો અને પ્રેક્ષકો હસી પડયા. લાઈટો બંધ થતા જ લોકોને ખડખડાટ હસાવનાર જોકર એક ખૂણામાં ગુમસુમ બેઠેલો જોવા મળ્યો. આ ક્ષણે જ જોકર ફિલ્મના બીજ રોપાયા. તેમણે નક્કી કર્યુંં કે, આ ફિલ્મ ત્રણ ભાગમાં હશે એટલે કે, જીવનના ત્રણ પ્રેમ ઃ બાળપણનો ક્રશ, યુવાનીનો પ્રેમ અને ઢળતી ઉંમરની લાગણીઓ. આ ત્રણેયનો એન્ડ પેલા સર્કસના જોકર જેવો જ હશે. હાર્ટબ્રેક સાથે 'ધ એન્ડ'. પણ, કોઈ ફરિયાદ નહીં અને છેવટે આંસુઓને ઢાંકવા માટે હાસ્યનો સહારો.

જીવનનો સૌથી મોટો જુગાર 

'મેરા નામ જોકર' રાજ કપૂરના જીવનનો સૌથી મોટો જુગાર હતો. આ ફિલ્મ સાથે જાણે તેમણે કહી દીધું હતું કે,  I am all in. ૧૯૭૦ના દાયકામાં તેમણે ફિલ્મ પાછળ રૂપિયા એક કરોડનો ધૂમાડો કર્યો હતો. આજની રકમ ગણવા જઈએ તો 

રૂ. ૩૦૦ કરોડથી વધારે કહી શકાય. તેમને ફિલ્મ પર એટલી હદે વિશ્વાસ કે, બંગલો પણ ગીરવે મૂકી દીધો કારણ કે,The show must go on. પછી, જેમ જુગારમાં થાય છે તેવું જ થયું. ફિલ્મ ફ્લોપ ગઈ. રશિયાના થિયેટરોમાં પણ રિલીઝ કરીને સારો બિઝનેસ કરનારી ફિલ્મ ભારતમાં જ ન ચાલી. ૪ કલાક અને ૧૫ મિનિટ લાંબી અને બે ઈન્ટરવલવાળી ફિલ્મનો મજાક ઉડાવવામાં આવ્યો. આ ફિલ્મે શો-મેન રાજ કપૂરને પાયમાલ કરી નાખ્યા. રાજ કપૂરે આ ફિલ્મની નિષ્ફળતા સાથે આપણને શીખવાડયું છે કે, જો કોઈ વસ્તુમાં વિશ્વાસ છે તો કોઈ કસર ન છોડો પછી દુનિયા ભલેને જોકર કહેતી. ફિલ્મની અસફળતા બાદ દુરદર્શનના એક ઈન્ટવ્યુમાં તેમને પૂછવામાં આવ્યું કે, તમારી ફેવરિટ ફિલ્મ કંઈ? ત્યારે એક પણ સેકન્ડ વિચાર્યા વિના રાજ કપૂરના દિલમાંથી અવાજ આવ્યો 'મેરા નામ જોકર'.

જોકરના ત્રણ ચેપ્ટર 

રાજુ નામના જોકરના જીવનના ત્રણ ચેપ્ટર આપણે દરેકે શીખવા જેવા છે. પહેલા ચેપ્ટરમાં સ્કૂલનો વિદ્યાર્થી રાજુ (ઋષિ કપૂર) સ્કૂલ ટીચર મિસ મેરી(સિમી ગરેવાલ)ના પ્રેમમાં પડે છે. મિસ મેરી જ્યારે અન્ય સાથે લગ્ન કરે છે ત્યારે રાજુ માટે તે સહન કરવું મુશ્કેલ બને છે. રાજુ આ હાર્ટબ્રેકનો ઉપયોગ પોતાની કળાને ખીલવવા કરે છે અને પિતાને રસ્તે ચાલીને જોકર બને છે. બીજા ચેપ્ટરમાં રાજુ (રાજ કપૂર) રશિયન સર્કસ કલાકાર મરીનાના પ્રેમમાં પડે છે. આ પ્રેમ તેને શીખવે છે કે, પ્રેમ ભાષાથી પર છે. પરંતુ, અનેક વાસ્તવિકતાઓ સંબંધોને ટકવા નથી દેતી. રાજુ આ હાર્ટબ્રેકનો સામનો ફરી પોતાની કળા પ્રત્યે નિષ્ઠા સાથે કરે છે. ત્રીજું અને છેલ્લું ચેપ્ટર રાજુના જીવનમાં સૌથી પીડાદાયક હોય છે. તે ગ્લેમરસ હીરોઈન મીના (પદ્મિની)ના પ્રેમમાં પડે છે. મીનાના વિશ્વાસઘાતથી રાજુના સર્કસને મોટું આથક નુકસાન ભોગવવાનો વારો આવે છે. રાજુ શીખે છે કે, દરેક પ્રેમ સાચો નથી હોતો.  ફરી એકવાર રાજુ પોતાની કળાનો સહારો લઈને બેઠા થવાનો પ્રયત્ન કરે છે. આ ત્રણેય ચેપ્ટર સાથે રાજુ જાણે કહી રહ્યો છે કે, પીડા એ જીવનનો ભાગ છે અને કોઈપણ ભોગે The show must 

go on.

જોકરની હાર્ટબીટ સમાન મ્યુઝિક 

સામાન્ય રીતે કોઈપણ ફિલ્મમાં મ્યુઝિક એક સપોટગ રોલમાં હોય. પરંતુ, 'મેરા નામ જોકર'માં તો તે જોકરની હાર્ટબીટ છે. જેમ, રાજુની મમ્મી ધ્યાનથી કપડાં સીવતી તેમ આ મ્યુઝિકને પણ હાસ્ય અને આંસુઓને ભેગા કરીને સીવી દેવામાં આવ્યું છે. શંકર-જયકિશનનું મ્યુઝિક અને શૈલેન્દ્ર અને હસરત જયપૂરની શબ્દોનું કોમ્બિનેશન ગજબનું છે. તે રાજુના જીવનના ત્રણેય ચેપ્ટરને વર્ણવે છે. મુકેશનું ગીત 'જીના યહા મરના યહા.......‘The show must go onની ફિલોસોફીને સમજાવે છે. 'એ ભાઈ ઝરા દેખ કે ચલો....'મજાકના ટોનમાં ગંભીર વાત કહી જાય છે. તો 'કહેતા હૈ જોકર સારા ઝમાના આધી હકીકત આધા ફસાના...'આપણને બંધબેસતા ચશ્મા ઉતારીને દુનિયા જેવી છે તેવી જોવા કહે છે. ફિલ્મના મ્યુઝિકને પરફેક્ટ ઈફેક્ટ આપવા માટે સ્ટુડિયો ઈફેક્ટ્સ નહીં સાચા સર્કસના ઈન્સ્ટ્રૂમેન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પીતળના ટ્રમ્પેટ, સ્નેર ડ્રમ અને એકોડયન સર્કસનો માહોલ સર્જે છે. આ ફિલ્મમાં જોકરના દિલમાં શું ગડમથલ ચાલી રહી છે તે મ્યુઝિક જ બહાર લાવે છે. ભલે ફિલ્મ ન ચાલી પણ 'જીના યહા મરના યહા...'આજે પણ અમર છે.

જોકરની પીડા :

આ ફિલ્મમાં એક જોકરની પીડાને સાયલન્સ સાથે કહેવામાં આવી છે તો ક્યારેક ડાયલોગ સાથે. 'જોકર કા કામ હૈ હસના, ચાહે ખુદ કા દિલ કિતના હી ક્યું ન ટૂટા હો...' જોકરની પીડા દર્શાવે છે. તો, 'કલાકાર કા દિલ સબસે બડા હોતા હૈ...ઈસમે દુનિયા કે લિયે જગહ હોતી હૈ...પર અપને લિયે નહીં....'કલાકારની. એક વ્યક્તિ કલાકાર ત્યારે બને જ્યારે તેને લાગે કે હા, મારી અંદર કંઈક ખૂટી રહ્યું છે. આ ખૂટતી વસ્તુને એ કલાના માધ્યમથી પૂરવાનો પ્રયત્ન કરે. ભલે તે પૂરાય કે ન પૂરાય દુનિયાને એન્ટરટેઈન્ટમેન્ટ જરૂર મળી જાય. 'ઝિંદગી એક તમાશા હૈ ઔર હમ સબ એક કલાકાર...'એક રીતે ભાગવત ગીતાનો ઉપદેશ છે. આપણે આપણું કામ કરવાનું છે, સત્યના માર્ગ પર ચાલવાનું છે ભલે પછી સામે ગમે તે હોય.

જોકર એક ફિલોસોફી 

 રાજુના જીવન પરથી સ્ટીવ જોબ્સના જીવનસૂત્ર 'સ્ટે હંગ્રી સ્ટે ફૂલિશ'ની પણ યાદ આવે. રાજુ હંમેશા લોકોને હસાવવા માટે પોઝિટીવિટી ફેલાવવા માટે 'હંગ્રી' રહેતો. આ દરમિયાન અનેક તેને 'ફૂલિશ', 'જોકર' કહેતા પણ તેણે સાચો માર્ગ ક્યારેય ન છોડયો. આપણા જીવનમાં પણ અનેક લોભામણા માર્ગો આવશે, વળાંકો આવશે તેનાથી પ્રભાવિત થયા વિના જે આપણો માર્ગ છે જે જોકરનો માર્ગ છે...બસ તેના પર ચાલ્યા રાખવું. કારણ કે,  The show must go on...'મેરા નામ જોકર' એક ફિલ્મ જ નથી, તે જીવન જીવવાની એક ફિલોસોફી છે. રડતા મોઢાને રંગીને ચીતરેલું સ્મિત કહે છે કે, 'ભલે અંદર તોફાનો હોય બહાર શાંતિ રાખ, ભલે તે કરતા પ્રપંચ તું શાંતિ રાખ. ભલે છળથી જીતે આજે તે તું શાંતિ રાખ. છેલ્લે થશે બધું રાખ તું ખાલી મોઢા પર સ્મિત રાખ...'