સમગ્ર વિશ્વમાં 'સ્ટ્રેનજર થિન્ગ્સ'ની યાદગાર ભૂમિકા માટે પ્રસિદ્ધ થયેલી અભિનેત્રી માયા હોક આમ તો કાયમ પોતાની સંવેદનશીલ અભિનય શૈલી માટે પ્રશંસા પામી છે. હવે આ યુવા હોલિવુડ સ્ટાર ઈચ્છે છે કે હોલિવુડ અને બોલિવુડનું કોમ્બિનેશન થાય. માયા માટે આ એક માત્ર વ્યાવસાયિક આકાંક્ષા નથી, પણ બે શક્તિશાળી સિનેમેટિક કલ્ચરનો મેળાપ છે.
તાજેતરમાં માયાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે હોલિવુડ અને બોલિવુડનો પ્રભાવ વૈશ્વિક છે, પણ છતાંય અલગ અલગ છે. માયાનો સૂર આલોચનાત્મક નહીં, પણ આશાવાદી હતો. માયા માને છે કે બંને વચ્ચનો સહયોગથી ચમત્કાર સર્જાશે. માયાએ કહ્યું કે બંનેનું મિલન કરતા કોઈ પ્રોજેક્ટમાં કામ કરવાની તક મળશે તો મને ખૂબ આનંદ થશે. માયાએ ભારતીય સિનેમાની ભાવનાત્મક ગતિશીલતા સાથે હોલિવુડના ટેકનિકલ કૌશલ્યનું મિશ્રણ કરે તેવી ફિલ્મમાં કામ કરવા પોતે તૈયાર છે તેવો સંકેત આપ્યો.
માયા માટે હોલિવુડ વિશાળ, અતુલ્ય અને ભવ્ય છે, જ્યારે બોલિવુડમાં રંગો, સંગીત અને ભાવનાત્મક ઊંડાણ છે. માયાનાં આ નિવેદનોમાં વૈશ્વિક કલાકારોમાં ઉદ્ભવતી લાગણીઓનો પડઘો પડે છે. માયા પાસે હાલમાં અનેક રોમાંચક પ્રોજેક્ટ્સ છે. તે 'સ્ટ્રેન્જર થિન્ગ્સ'ની અતિ અપેક્ષિત અંતિમ સીઝન માટે તૈયારી કરી રહી છે. સીઝન-ફાઇવ ત્રણ ભાગમાં રજૂ થઈ રહી છે, જેના પરિણામે વૈશ્વિક અપેક્ષા વધી છે. માયા 'ધી હન્ગર ગેમ્સ'ની પ્રીક્વલ 'ધી હન્ગર ગેમ્સ: સનરાઈઝ ઓન ધી રીપીંગ'માં પણ અભિનય કરવાની છે.


