- OTT ઓનલાઈન - સંજય વિ. શાહ
- વિજય વર્માના ચાહકોને અને જેઓ 1960-70ના દાયકાના મુંબઈના મટકા જુગારને ઠીકઠીક જાણે છે એમને આ સિરીઝ કદાચ ગમી જશે. બાકીનાઓ એને જતી કરી શકે છે
૨૦૨૦માં 'સ્કેમ ૧૯૯૨' સિરીઝ આવી. હંસલ મહેતાના આ સર્જને જે તરખાટ મચાવ્યો એનાથી સૌ વિદિત છે. પ્રતીક ગાંધી જેવા ઉત્તમ અભિનેતાને સિરીઝે સ્ટાર બનાવ્યો એ આપણે જાણીએ છીએ. આ સિરીઝે આ પ્રકારના વિષયોને મેઇનસ્ટ્રીમ ઓટીટી માટે હોટ કેક જેવા બનાવી દીધા. 'સ્કેમ ૧૯૯૨' પછી ખુદ હંસલ મહેતાએ એના જેવી બીજી સિરીઝ બનાવી. અન્ય મેકર્સ એવા વિષયો શોધીને ઓટીટી પર એવું કશુંક બનાવવા મચી પડયા. એ ક્રમમાં હાલમાં પ્રાઇમ વીડિયો પર 'મટકા કિંગ' આવી છે. ૧૯૬૦-૭૦ના દાયકામાં મુંબઈમાં જેનો આવિષ્કાર થયો એવો જુગારનો પ્રકાર હતો મટકું. આઠ એપિસોડની એ વિશેની સિરીઝમાં લીડ રોલમાં છે વિજય વર્મા. મરાઠી ફિલ્મ 'સૈરાટ'થી લાઇમલાઇટમાં આવનારા દિગ્દર્શક નાગરાજ મંજુલે (હવે તેઓ આખું નામ, નાગરાજ પોપટરાવ મંજુલે લખે છે)એ સિદ્ધાર્થ રોય કપૂરની રોય કપૂર ફિલ્મ માટે આ સિરીઝ બનાવી છે.
બ્રિજ ભટ્ટી (વિજય વર્મા) લાલજીભાઈના પડછાયામાં જુગારના વેપારના તાણાવાણા શીખી રહેલો એમનો સામાન્ય માણસ છે. જુગાર ભલે ગોરખધંધા ગણાય અને ભલે લાલજીભાઈને ગોરખધંધા કરવામાં વાંધો નથી પણ, બ્રિજ ભટ્ટી નોખી માટીનો છે. બહુ જલદી એ પોતાનો અલગ ચોકો રચીને, જુગાર જેવા કામને નીતિપૂર્વક આગળ વધારવા માટે પ્રયાસ આદરે છે. પ્રારંભિક અખતરાઓ પછી એને જડે છે મટકાનો તુક્કો. બાવન પત્તાંમાંથી એક, બે અને ત્રણ પત્તાં ખેંચીને, એમાં આવતા આંકડા પ્રમાણે જુગાર રમાડવાની ભટ્ટીની સ્ટાઇલ લોકપ્રિય થાય છે. શરૂઆતમાં એને પછાડવા કડદો કરનારા લાલજીભાઈના હાથ ભટ્ટીની ઇમાનદારી સામે હેઠા પડવા માંડે છે. ત્યાં ભટ્ટીને ગુલરુખ (કૃતિકા કામરા) જેવી ધનાઢય અને રેસની રસિયણ યુવતીનો સાથ મળે છે. એની મદદથી ભટ્ટી લાલજીભાઈની ચાલ ઊંધી પાડતાં વિજેતાને મોટી રકમ ચુકવીને નાક કપાતું બચાવ્યા પછી, ધનિકોની દુનિયામાં મટકાનો પગપેસારો કરાવી શકે છે. એમ, જોતજોતામાં મટકા પહેલાં મુંબઈમાં અને પછી દેશ આખામાં જુગારીઓની આંખનો તારો બની જાય છે...
'મટકા કિંગ' અછડતી રીતે કલ્યાણજી ગાલા ઉર્ફે ભગત અને રતન ખત્રીએ જેને અપાર લોકપ્રિયતા અપાવી અને જેના થકી તેઓ માલેતુજાર થયા, સરકારની આંખમાં કણાની જેમ ખૂંચવા માંડયા. અને સરકારે મટકાને વશમાં કરવા લોટરી શરૂ કરી, એવી ઘટનાઓથી પ્રેરિત છે. ૧૯૬૦-૭૦ના દાયકાનું મુંબઈ, ત્યારનો રાજકીય માહોલ, ત્યારની મુંબઈની કાપડ મિલ્સ વગેરે સિરીઝના મુખ્ય પ્રવાહમાં સતત ઝળકતી બાબતો છે.
સિરીઝ 'સ્કેમ ૧૯૯૨'થી પ્રભાવિત છે. એની ઓપનિંગ સિક્વન્સ, એનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક વગેરે પ્રતીક ગાંધીની સિરીઝની યાદ અપાવે છે. બેઉની ગુણવત્તામાં ખાસ્સો ફેર છે. સિરીઝમાં ભટ્ટીના નાના ભાઈ લક્ષ્મણ ઉર્ફે લચ્છુ (ભુપેન્દ્ર જડાવત), ભટ્ટીના વિશ્વાસુ દગડુ (સિદ્ધાર્થ જાધવ), ફાઇવ સ્ટાર હોટેલના ખાનગી ટેલિફોન એક્સચેન્જની ઓપરેટરમાંથી દગડુની પ્રેયસી થતી સુલભા (જેમી લિવર) અને ભટ્ટીની પત્ની બરખા (સાંઈ તામ્હણકર) વગેરે અન્ય મહત્ત્વનાં પાત્રો છે. દરેકનો પોતાનો ટ્રેક અને દરેકની પોતાની જગ્યા છે. મુશ્કેલી એ છે કે વિષય અને મૂળ તથા પૂરક પાત્રોનો સુમેળ સાધવામાં સિરીઝ વારંવાર ડચકાં ખાય છે.
ભટ્ટી અને ગુલરુખનો, ભટ્ટી અને બરખાનો, ભટ્ટી અને લચ્છુનો સંબંધ સ્નિગ્ધમાંથી તંગ અને તરડાયેલો થાય એ આખી પ્રક્રિયા ક્યાંક ધારદાર ખરી પણ મોટાભાગે સગવડિયા અદામાં આકાર લે છે. લાલજીભાઈનું પાત્ર અસરકારક પ્રતિદ્વંદ્વી કરતાં વધુ કેરિકેચર બનીને રહી જાય છે. બરખા અને ભટ્ટીના દીકરાનો ટ્રેક કશું સિદ્ધ કરી શકતો નથી. મુખ્ય પ્રધાન પોપટરાવ (કિશોર કદમ), પત્રકાર ડિસોઝા (ગિરીશ કુલકર્ણી) અને ઇન્સ્પેક્ટર તુંબડે (ભરત જાધવ) સિરીઝમાં લટકણિયાં બનીને રહી જાય છે. એમનાં પાત્રોને ઠીકઠીક સારી શરૂઆત છે પણ અંત અને જસ્ટિફિકેશન પર્યાપ્ત નથી. ડિસોઝા મટકાની પાછળ પડયો અને વરસો સુધી કશું ઉકાળી શકે નહીં એ પત્રકારત્વના સિદ્ધાંતો પ્રમાણે વિચિત્ર લાગે છે.
સિરીઝના ઉત્તરાર્ધમાં આવતો અંડરવર્લ્ડ અને દાઉદ જેવો એન્ગલ ખાસ સિદ્ધ કરી શકતો નથી. ક્લાઇમેક્સ એવો છે જાણે, 'હવે કશું કહેવા કે કરવા જેવું રહ્યું નથી એટલે વીંટો વાળી લો,' એવી લાગણી કરાવે છે. સિરીઝમાં બહુ ઓછી એવી ઘટનાઓ છે જે ઉત્તેજિત કરે છે. દાખલા તરીકે, ભટ્ટી ફ્લાઇટમાં છે અને એણે બરાબર નવના ટકોરે આંકડા જાહેર કરવાના છે એ દ્રશ્ય પ્રમાણમાં સારું છે. એવું જ એક દ્રશ્ય એની પહેલાં આવે છે જેમાં ભટ્ટીને પોલીસે નજરકેદ કર્યો છે. એ સ્થિતિમાં પણ એ કેવી રીતે નવના ટકોરે આંકડા જાહેર કરી બતાવે છે એ દ્રશ્ય સારું છે. કાપડની મિલોની હડતાળ અને ચોમેરથી ભીંસમાં મુકાયા પછી, મિલના કર્મચારીઓની સભામાં નમી જવાને બદલે ભટ્ટી અલગ જ જાહેરાત કરીને સૌને ચોંકાવી દે છે એ દ્રશ્ય પણ સારું છે. આવં દ્રશ્યો જોકે ઓછાં છે.
'મટકા કિંગ' જોવાની મજા કોને આવશે? એક તો જેઓ વિજય વર્માને સારા અભિનેતા તરીકે સરાહે છે તેઓને. ટાઇટલ રોલમાં વિજય વર્મા ઓછો ઝળક્યો છે. અહીં મળેલી તકનો એ ફાયદો ઉઠાવી શક્યો છે. છતાં, એના પાત્રમાં દિશાવિહીનતા અને મટકા કિંગ કેવો વિચક્ષણ હોય એ દર્શાવતી ક્ષણો ઓછી છે. બીજું આ સિરીઝ મુંબઈગરાને, ખાસ તો જેઓ એ સમયના મટકાના જુગારી વિશે પર્યાપ્ત જાણકારી ધરાવે છે, એમને ગમશે. 'સ્કેમ ૧૯૯૨'માં શેર બજારની વાત હતી અને એ વૈશ્વિક હતી. એમાં હીરોનું પાત્ર હર્ષદ મહેતા જેવા બ્રોકરનું હતું જેના વિશે દર્શકો સુપરિચિત હતા. મટકા કિંગ કલ્યાણજી ભગત અને રતન ખત્રી વિશે હમણાંના દર્શકો કેટલું અને શું જાણે છે એ મોટો સવાલ છે. હંસલ મહેતાની સિરીઝમાં જોકે ડ્રામાની દમદાર રજૂઆતે રંગ રાખ્યો હતો. અહીં ડ્રામા એ રીતે નહીં, વાચાળ અને પ્રમાણમાં કંટાળાજનક રીતે આવે છે.
ઇન શોર્ટ, 'મટકા કિંગ' ભૂતકાળની ગલીઓમાં લટાર મારવા નીકળવાની ઇચ્છા સાથે એકવાર જોઈ શકાય. ઉપર આપેલા બે કારણોસર. અન્યથા, વધુ એક સિરીઝ આવી છે એટલે જોઈ લેવી હોય તો જોઈ લેવાય. મોટી અપેક્ષા રાખ્યા વિના.


