Get The App

બજાર ઓનલાઇન મનોરંજનની .

Updated: Jan 8th, 2026

GS TEAM

Google News
Google News
બજાર ઓનલાઇન મનોરંજનની                            . 1 - image

- સંજય વિ. શાહ 

- બ્રોડબેન્ડ કનેક્શન્સનો રાફડો, ટેલિવિઝનનાં વળતાં પાણી, હાથેહાથે મોબાઇલ અને લગભગ મફતના ભાવે મળતો ડેટા. આ બધાં પરિબળો સૂચવે છે કે દેશમાં ઓટીટી પ્લેટફોર્મ્સની સંખ્યામાં ખાસ્સો વધારો થઈ શકે છે

- અત્યારે દુનિયામાં મહત્તમ ઓટીટી પ્લેટફોર્મ્સ ધરાવતા પાંચ દેશોમાં ભારત સ્થાન પામે છે. બીજા ચાર દેશ અમેરિકા, ચીન, ઇંગ્લેન્ડ અને જાપાન છે. પણ આપણે ત્યાં ઓટીટી પ્લેટફોર્મ્સની સંખ્યા હજી પચાસ-સાઠ આસપાસ છે. અમેરિકામાં આપણા કરતાં બમણી સંખ્યા છે. એ પણ આપણાથી ચોથા ભાગની વસ્તી હોવા છતાં. અને ભાષા વૈવિધ્ય આપણી સામે ક્યાંય વામણું છતાં. 

જીતો નવું વરસ શરૂ થયું છે ત્યાં મનોરંજનની દુનિયાની અમુક રોચક વાતો સામે આવી છે. ઓનલાઇન ક્ષેત્રમાં તેજી અને ટેલિવિઝનના ક્ષેત્રમાં વળતાં પાણી એ એનો સાર છે. હજી પાંચ-સાત વરસ પહેલાં કદાચ જેની કલ્પના કરવી અઘરી હતી એવી આ બાબત છે. 

દેશમાં ઇન્ટરનેટ બ્રોડબેન્ડ કનેક્શન્સની સંખ્યા સો કરોડને પાર કરી ગઈ છે. મોબાઇલમાં ઉપલબ્ધ ઇન્ટરનેટનાં કનેક્શન્સ અલગ. ૧૪૦ કરોડની વસ્તીવવાળો આપણો દેશ ગણીએ અને ઘરદીઠ પાંચ માથાં હોય એવું ધારીએ તો બ્રોડબેન્ડ કનેક્શન્સની આ સંખ્યા છપ્પરફાડ ગણાય. મતલબ એવો થાય કે ભારતમાં સો માણસે ૭૧ બ્રોડબેન્ડ કનેકશન્સ છે. અથવા કહો કે દર ૧.૪૦ માણસે એક બ્રોડબેન્ડ કનેક્શન. એમાં ઉમેરી દો મોબાઇલ કનેક્શન્સ, જેની સંખ્યાં ૧૧૭ કરોડે પહોંચી ગઈ છે. એમાં પણ ઇન્ટરનેટ હોય. એટલે વાત ક્યાં પહોંચી?

દુનિયાના બીજા દેશોમાં જોકે આના કરતાંય આગળ વાત પહોંચી છે. ઇસ્ટોનિયામાં દર માણસે ૨.૦૯ કનેક્શન્સ છે. જાપાનમાં દર માણસે, ૧.૮૬, અમેરિકામાં ૧.૭૭, ફિનલેન્ડમાં ૧.૬૨, ઇઝરાયલમાં ૧.૫૩, ડેન્માર્કમાં ૧.૪૪ અને સ્વીડનમાં આપણી જેમ દર માણસે ૧.૪૦ બ્રોડબેન્ડ કનેક્શન છે. આંકડાઓ સૂચવે છે કે આપણે ભલે માનીએ કે હદ થઈ ગઈ, પણ ભારતમાં બ્રોડબેન્ડ કનેક્શન્સની સંખ્યા વધવાનો હજી ખાસ્સો અવકાશ છે. એટલે જ ઓનલાઇન મનોરંજનની બજાર હજી ફાટવાને પણ ભરપૂર અવકાશ છે.

ઓટીટીની વાત પર આવીએ એ પહેલાં ટેલિવિઝનની વાત કરી લઈએ. હાલમાં જ સમાચાર આવ્યા કે વિવિધ કંપનીઓએ હાલમાં જ એમની ચાલતી (ખોડંગાતી) અથવા પ્રસ્તાવિત એવી પચાસેક સેટેલાઇટ ચેનલ્સનાં પરવાના સરકારને સપ્રેમ અર્પણ કરી દીધા છે. આવું કરનારી કંપનીઓમાં ઝી, એનાડુ, ટીવી ટુડે, એનડીટીવી, એબીપી નેટવર્ક, વગેરે છે. ઉપરાંત કલવર મેક્સ એન્ટરટેઇનમેન્ટે (જે દેશમાં સોની પિક્ચર્સ નેટવર્ક ચલાવે છે) એની ઘણી ચેનલ્સની ડાઉનલિંન્કિંગ પરમિશન્સ જતી કરી છે. 

સેટેલાઇટ ચેનલ માટેના લાઇસન્સ વિશે થોડી વાત કરી લઈએ. એ માટે અરજી ફી, અપલિન્કિંગ અને ડાઉનલિન્કિંગ વગેરે જેવી સરકારી મંજૂરીઓ માટે રૂપિયા સાત લાખથી,(વિદેશમાં અપલિન્ક્ડ થયેલી ચેનલ દેશમાં અપલિન્ક થઈ હોય તો, રૂ. ૧૫ લાખ દર વરસે ચુકવવાના રહે છે. રૂપિયા એક કરોડની બેન્ક ગેરન્ટી, કંપનીની ઓછામાં ઓછી રૂપિયા પાંચ કરોડની નેટ વર્થ અને અન્ય ખર્ચ અલગ. આટઆટલા ખર્ચ કરીને માંડ ઊભી થતી એક સેટેલાઇટ ચેનલ હવે બહુ મજાનો વેપાર નથી રહી, કારણ ટીવીને મળતી જાહેરાતોમાં અને એના દર્શકવર્ગમાં સતત ઘટાડો થઈ 

રહ્યો છે.

એક તરફ વાઈફાઈ અને ઇન્ટરનેટની રેમલછેલ છે. બીજી તરફ ડીટીએચના સબસ્ક્રાઇબર્સની સંખ્યા ઘટી રહી છે. ૨૦૧૯ના નાણાકીય વરસમાં જે સંખ્યા ૭.૨૦ કરોડ હતી એ ૨૦૨૪ના નાણાકીય વરસમાં ૬.૨૦ કરોડ થઈ ગઈ. અત્યારે સંખ્યા હજી ઘટી હશે. પણ જ્યાં બધું મનોરંજન ડિજિટલી અને સહેલાઈથી મળી રહે (મોટાભાગની ટીવી ચેનલ્સ ઓનલાઇન જોઈ જ શકાય છે) ત્યાં કોઈ શા માટે ડીટીએચને અલગથી રૂપિયા ઓરે?

ખાનગી, સરકારી અને સ્થાનિક મળીને આપણે ત્યાં અત્યારે દેશમાં લગભગ ૯૫૦ ટીવી ચેનલ્સ છે. એક સમયે આ ચેનલ્સ જોવા ડીટીએચ વપરાતું. હવે બ્રોડબેન્ડ વપરાય છે. બીજું કે ટીવીના અગણિત દર્શકો ધીમેધીમે એનાથી દૂર થઈ રહ્યા છે. આ દર્શકો મળી ગયા છે ઓટીટી પ્લેટફોર્મ્સને. આપણે જાણીએ છીએ કે ટીવીના કાર્યક્રમોની ગુણવત્તામાં લાંબા સમયથી વો હી રફ્તાર બેઢંગી જેવો તાલ છે. ઇન ફેક્ટ, સમય એ દિશમાં ફંટાઈ રહ્યો છે જ્યારે, શક્ય છે કે, ટીવી પર જનરલ એન્ટરટેઇનમેન્ટ ચેનલ્સ કરતાં વધુ પ્રભાવ ન્યુઝ ચેનલ્સનો વર્તાય. કારણ એટલું જ કે ન્યુઝના મામલે હજી લોકોની થોડી માનસિકતા એવી ખરી કે મોટી ઘટના વખતે, ચૂંટણી વખતે, ક્રિકેટ જોતી વખતે, ટીવી વધુ અનુકૂળ રહે છે. હા, ટીવી ચેનલ્સ બ્રોડબેન્ડથી જોઈ જ શકાય છે એ નિયમ તો અહીં પણ લાગુ પડે છે.

બ્રોડબેન્ડ કનેક્શન્સની વાત પર પાછા આવીએ. એ મોરચે નંબર વન કંપની જિયો બની ગઈ છે. એના સબસ્ક્રાઇબર્સની સંખ્યા પચાસ કરોડને આંબવાને છે. એરટેલના સબસ્ક્રાઇબર્સ ૩૧.૪૨ કરોડ છે. વોડાફોન આઇડિયાના ૧૨.૭૭ કરોડ. બીએસએનએલના ૨.૯૪ કરોડ. છેલ્લાં ૧૦ વરસમાં જ દેશમાં બ્રોડબેન્ડ કનેક્શન્સની સંખ્યા છગણી વધી છે. 

ઓટીટી મનોરંજનનું વર્તમાન બની ગયું છે. એ એનું ભવિષ્ય પણ છે. અત્યારે દુનિયામાં મહત્તમ ઓટીટી પ્લેટફોર્મ્સ ધરાવતા પાંચ દેશોમાં ભારતનું સ્થાન છે જ. બીજા ચાર દેશ અમેરિકા, ચીન, ઇંગ્લેન્ડ અને જાપાન છે. પણ આપણે ત્યાં ઓટીટી પ્લેટફોર્મ્સની સંખ્યા હજી પચાસ-સાઠ આસપાસ છે. અમેરિકામાં આપણા કરતાં બમણી સંખ્યા છે. એ પણ આપણાથી ચોથા ભાગની વસ્તી હોવા છતાં. અને ભાષા વૈવિધ્ય આપણી સામે ક્યાંય વામણું છતાં. આ હકીકત નિર્દેશ કરે છે કે ભારતમાં ઓટીટી પ્લેટફોર્મ્સની સંખ્યા અત્યારે છે એના કરતાં ચાર-છગણી થઈ જાય તો પણ કશું ઓહોહો ના ગણાય. 

સરવાળે, વધતાં બ્રોડબેન્ડ કનેક્શન્સ, પાણીના ભાવે મળતો ડેટા. અરપંપાર મોબાઇલ કનેક્શન્સ અને પ્રજા-ભાષાનું વૈવિધ્ય... આ બધું મળીને ઓટીટીને ક્યાયં આગળ લઈ જશે. દર્શકો જુએ એટલું ઓછું.