Get The App

માનુષી છિલ્લર : મારા કામને બોલવા દો

Updated: Aug 28th, 2025

GS TEAM

Google News
Google News
માનુષી છિલ્લર : મારા કામને બોલવા દો 1 - image

સુસ્મિતા સેન, ઐશ્વર્યા રાય અને પ્રિયંકા ચોપરાની જેમ સૌંદર્ય સ્પર્ધાઓની દુનિયામાંથી આવેલી માનુષી છિલ્લરે વર્ષ ૨૦૨૨માં અભિનય ક્ષેત્રે શુભારંભ કર્યો. માનુષીએ મોડેલિંગ ક્ષેત્રે નામના કાઢ્યા પછી પોતાની પહેલી ફિલ્મ હાથ ધરી હતી. સામાન્ય રીતે ફિલ્મી પરિવારોમાંથી આવતાં તેમ જ સૌંદર્ય સ્પર્ધાના માર્ગેથી બોલીવૂડ સુધી પહોંચનારા કલાકારો માટે જાતજાતની ધારણાઓ બાંધી લેવામાં આવે છે. જોકે તેમાં સૌપ્રથમ માન્યતા છે 'ગ્લેમર'. મોટાભાગના લોકો સૌંદર્ય સ્પર્ધાઓને માત્ર ગ્લેમર વર્લ્ડ તરીકે જૂએ છે. પરંતુ માનુષી કહે છે કે આ વાત સાચી નથી. જે સુંદરીના શિરે સૌંદર્ય સ્પર્ધામાં વિજયી થવાનો તાજ મૂકવામાં આવે તેને માત્ર ઝાકઝમાળ સાથે જોડી દેવું ભૂલભર્યું ગણાશે. તેમને ગ્લેમરસ દેખાવા સિવાય પણ ઘણાં કામ કરવાના હોય છે.

માનુષી કહે છે કે તેણે અત્યાર સુધી ભલે ઝાઝી ફિલ્મો નથી કરી. પરંતુ તેણે ગ્લેમરસ અને ખાસ ઝાકઝમાળ ન હોય એવાં પાત્રો ભજવ્યાં છે. અહીં એ વાતની નોંધ લેવી રહી કે માનુષીએ તાજેતરમાં રજૂ થયેલી 'માલિક'માં ખાસ ગ્લેમરસ ન કહી શકાય એવી ભૂમિકા ભજવી છે. અભિનેત્રી કહે છે કે સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે બ્યુટી પેજન્ટ્સમાંથી અભિનય જગતમાં આવેલી યુવતીઓને માત્ર ગ્લેમરસ રોલ કરતાં જ આવડે. મેં આ વાત ખોટી પુરવાર કરી બતાવી છે.

વર્ષ ૨૦૧૭માં 'મિસ વર્લ્ડ'નો તાજ પહેરનાર આ અદાકારા વધુમાં કહે છે કે સૌંદર્ય સ્પર્ધામાં વિજયી થયેલી સુંદરી કાંઈ ત્યાર પછી આખું વર્ષ સોળે શણગાર સજીને મહાલતી નથી રહેતી. તે પોતાનું જ ઉદાહરણ આપતાં કહે છે કે મેં સૌંદર્ય સ્પર્ધામાં જીત મેળવ્યા પછી આખું વર્ષ 'બ્યુટી વિથ પર્પઝ' નામની સખાવતી સંસ્થા સાથે કામ કર્યું હતું. તેના માટે હું વર્ષભર આખી દુનિયાના અંતરિયાળ વિસ્તારોમાં પ્રવાસ કર્યો હતો. મૉડેલ-અદાકારાએ વધુમાં કહ્યું હતું કે 'મિસ વર્લ્ડ' બન્યા પછી હું માત્ર શિરે તાજ ધારણ કરીને મહાલતી નથી રહી. પરંતુ જ્યારે મને તાજ પહેરાવવામાં આવ્યો ત્યારે જ મારા સૌથી વધુ ફોટા પાડવામાં આવ્યાં અને તે વખતે જ મને સૌથી વધુ મીડિયા કવરેજ મળ્યું. આવી સ્થિતિમાં સૌંદર્ય સુંદરીઓના ગ્લેમર વિશે જ વાતો થાય તે સ્વાભાવિક છે.

અદાકારા ઉમેરે છે કે ફિલ્મોમાં કામ આપતી વખતે પણ જે તે સર્જક એમ જ વિચારે કે તે ક્યા પાત્રમાં બંધ બેસશે. પરંતુ હું તેમની પૂર્વધારણાઓ તોડવાને બદલે મારું કામ કોઈપણ જાતની કચાશ વિના કરવામાં માનું છું. જો તમે તમારું કામ સારી રીતે પાર પાડી જાણતા હો, જો તમે અહીં-તહીંની વાતોને મહત્વ આપવાને બદલે તમારું ગમતું કામ તલાશવામાં તમારો સમય અને શક્તિ ખર્ચ કરતાં હો તો સઘળું યોગ્ય રીતે પાર પડી જાય.

તેણે મોડેલિંગમાંથી અભિનય જગતમાં ડગ માંડયા ત્યારે તેણે શું કર્યું તેના વિશે માનુષી કહે છે કે મને તેમાં ખાસ કાંઈ નવું નહોતું લાગ્યું. હું મારા કામ અનુસાર શારીરિક-માનસિક રીતે સજ્જ થતી. મારો પોશાક મારા પ્રોફેશનને અનુરૂપ રહેતો. જ્યારે હું 'મિસ વર્લ્ડ' હતી ત્યારે તેને છાજે એવી રીતે તૈયાર થતી. અને હવે અભિનેત્રી તરીકે શણગાર સજું છું. મને મારા કામના ચોકઠામાં ગોઠવાઈ જતાં આવડે છે.