Get The App

માનસી બાગ્લાને મળી એક 'મહારાણી'

Updated: Dec 1st, 2022

GS TEAM

Google News
Google News
માનસી બાગ્લાને મળી એક  'મહારાણી' 1 - image


- હું પહેલેથી આત્મવિશ્વાસથી છલકાતી  પાવરફૂલ નારીઓની  પ્રશંસક  રહી છું.  અમારી  બાયોપિકના મુખ્ય પાત્ર માટે જે લુક અને  ઠાઠની જરૂર છે તે સુસ્મિતા સેનમાં છે.

હજુ  એક દશક પહેલા સુધી હિન્દી  ફિલ્મોના નિર્માણમાં  પુરુષોનું   એકચક્રી  શાસન હતું. કોઈ સ્ત્રી બોલીવૂડમાં  પ્રોડયુસર બનવાનું વિચારી પણ નહોતી શકતી. હવે સમયે  પડખું ફેરવ્યું છે અને  વધુને વધુ માનુનીઓ  ફિલ્મ પ્રોડક્શનમાં ઝંપલાવી રહી છે અને સફળ પણ થઈ રહી છે.  આલિયા ભટ્ટે   હમણાં  ઓટીટી માટે 'ડાર્લિંગ્સ'  ફિલ્મનું  નિર્માણ  કરી સારી શરૂઆત  કરી છે.  'ડાર્લિંગ્સ'ને દર્શકો  અને સમીક્ષકો - બંનેએ  વખાણી છે. 

અનુભવ  શર્મા અને દીપિકા પદુકોણ પણ પ્રોડક્શનનો અનુભવ લઈ ચૂકી છે. એમના  જેવી જ એક ખૂબસુરત  પ્રોડયુસર  માનસી બાગ્લાનું નામ હમણાંથી  ફિલ્મી વર્તુળોમાં ચર્ચાતુ થયું છે. માનસીએ ફોરેન્સિક  જેવી (વિક્રાંત, મેસ્સી, રાધિકા આપ્ટે) જેવી  ફિલ્મ ઓટીટી  માટે બનાવી પ્રોડયુસર  તરીકે ડેબ્યુ કર્યું છે. હવે તે સુસ્મિતા સેનને લઈને એક પાવરફૂલ  બાયોપિક  બનાવવાની તૈયારીમાં  પડી ગઈ છે. 

ફિલ્મ માટે  કન્ટેન્ટ  પસંદ કરવામાં પાવરધી  મહિલા  પ્રોડયુસરનો એવો દાવો છે કે એની નારીકેન્દ્રી  કૃતિ  બોલીવૂડમાં  ગેમ ચેન્જર  બની રહેશે અને બારતીય સિનેમામાં  નવું પ્રકરણ  ઉમેરશે. 'મારી બાયોપિકનો  પ્લોટ એવો અનોખો   છે જેને આજ સુધી કોઈએ સ્પર્શ નથી કર્યો.  સંજય લીલા ભણસાલીની,  ગંગુબાઈ કાઠિયાવાડીની જેમ મારી  ફિલ્મમાં પણ સુસ્મિતા  સોલો   ફિમેલ લીડ રોલમાં  છે.  ફરક એટલો જ છે કે અમારા પ્રોજેક્ટનો ફલક વધુ  મોટો છે,  એવો દાવો માનસી કરે છે.

પોતાની પ્રોડક્શન કંપની  મિની  ફિલ્મ્સમાં  માનસી માત્ર નાણાં નથી રોકતી, દિલ અને દિમાગ પણ  વાપરે છે. પોતાની  એસી કેબીનમાં  બેસી નિર્માતા  તરીકે રૂઆબ દાખવવાને  બદલે આ મોડર્ન   ગર્લ પોતાની ફિલ્મ માટે નવું કન્ટેન્ટ  શોધતી રહે છે. એટલા માટે  કે કન્ટેન્ટ જ ફિલ્મોન આત્મા છે એવું એ જાણે  કે 'હમણાંથી  બોલીવૂડ  ડામાડોળ  રહે છે કારણ કે ફિલ્મો બનાવવાને અને  વેચવાને જ વધુ મહત્ત્વ અપાઈ રહ્યું છે.  ભારતના દર્શકો હવે ઓટીટીને  લીધે વર્લ્ડ  સિનેમાનો સ્વાદ ચાખી ચૂક્યા  હોવાથી આજની માર્કેટમાં  કન્ટેન્ટનો રોલ  વધુ અગત્યનો  બની ગયો છે. બીજા બિઝનેસની   જેમ, એટલે જ અમારે દર્શકોની  જરૂરિયાત  પ્રમાણે બદલાવું પડશે.  પ્રોડયુસરો પોતાની પસંદના વિષયો પર ફિલ્મો બનાવી  પ્રેક્ષકો સામે  ધરી દેતા એ જમાનો  હવે  ગયો,' એવું  મિસ બાગ્લા શબ્દો ચોર્યા વિના  બેધડક  જણાવે છે.  એના મતે બોલીવૂડની   ફિલ્મોમાંથી  ઓરિજનાલિટી  દિવસોદિવસ ઘટતી જાય છે એટલે લોકો પણ  ફિલ્મોથી છેટું રાખતા થઈ ગયા છે.

પોતાના  મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટના લીડ રોલ  માટે  ભૂતપૂર્વ  મિસ યુનિવર્સની  પસંદગી કરવાનુ ંમાનસી બાગ્લા પાસે સબળ કારણ છે.  'સુસ્મિતા   દેશ માટે ગૌરવ અને સ્ત્રીઓ માટે  જબરદસ્ત  પ્રેરણા સમાન છે.  એ એક ઉષ્માભરી  વ્યક્તિ છે. એના જેવી  ક્વિન જ બીજી મહિલા  સાથે મહારાણી  જેવો વ્યવહાર  કરી શકે.  હું પહેલેથી આત્મવિશ્વાસથી છલકાતી  પાવરફૂલ નારીઓની  પ્રશંસક  રહી છું.  અમારી  બાયોપિકના મુખ્ય પાત્ર માટે જે લુક અને વ્યક્તિ ત્વના અનોખા  ઠાઠની જરૂર છે.  એ સુસ્મિતાની પર્સનાલિટીમાં હાજરા હજુર છે.  ટૂંકમાં અમારે એના જેવી જ વ્યક્તિ ની જરૂર  હતી,' એમ કહી માનસી  વાત  પૂરી કરે છે.

Tags :