- 'બોલીવુડની ફિલ્મોની સફળતાનો માપદંડ કલાકારોની પ્રતિભા નહીં, બોક્સ ઓફિસ છે...'
ભારતમાં મનોરંજન ક્ષેત્રે નવું, આધુનિક, લોકપ્રિય પરિવર્તન થઇ રહ્યું છે. આ ફેરફારનું મજેદાર ઉદાહરણ છે ઓવર ધ ટોપ (ઓટીટી) પ્લેટફોર્મ. બીજીબાજુ ઓટીટી પ્લેટફોર્મનો આવો આનંદ હિન્દી ફિલ્મનાં કલાકારો પણ માણી રહ્યાં છે. ખાસ કરીને લગભગ ભૂલાઇ ગયલાં અને મોટી ઉમરનાં અભિનેતાઓ અને અભિનેત્રીઓ માટે તો ઓટીટી આશીર્વાદરૂપ બની ગયું છે. ઉદાહરણરૂપે સંજય કપૂર, નીના ગુપ્તા, સુસ્મિતા સેન, બોબી દેઓલ વગેરે કલાકારોને બોલીવુડ જાણે કે સાવ જ ભૂલી ગયું હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું. આ બધાં કલાકારોને ઘણા લાંબા સમય સુધી કોઇ ફિલ્મ મળતી નહોતી.
ભારતમાં ઓટીટી પ્લેટફોર્મની શરૂઆત ૨૦૦૮માં થઇ. એ તબક્કે તો જોકે બોલિવુડનાં કલાકારો ઓટીટી પ્લેટફોર્મને બહુ નાનું-નજીવું ગણતાં. આમ છતાં સમયના પ્રવાહ સાથે મનોરંજનાં બદલાયેલાં સમીકરણો સાથે બોલિવુડનાં આ બધાં કલાકારો ઓટીટી સાથે જોડાયાં. ઓટીટીન સફળતાન મળતાં ફિલ્મોની નવી-જૂની બંને પેઢીનાં કલાકારોએ પણ આ નવા મનોરંજનને આવકાર્યું.
અભિનેતા મનોજ બાજપાઇ ખુશી વ્યક્ત કરતાં કહે છે, હા, સાચી વાત છે. ખરું કહું તો મારા માટે તો ઓટીટી બહુ બહુ શુકનિયાળ નિવડયું છે. હું હિન્દી ફિલ્મ જગત સાથે તો ગાઢ રીતે સંકળાયેલો છું જ. રહીશ પણ ખરો. મેં આમ છતાં ઓટીટીના નવા અને આધુનિક પ્લેટફોર્મને સ્વીકાર્યું અને આવકાર્યું પણ ખરું. ઓટીટી દ્વારા મને તો લોકપ્રિય લક્ષ્મી અને ધનલક્ષ્મી બંનેના ભરપૂર આશીર્વાદ મળ્યા છે.
દ્રોહકાલ અને બેન્ડિટ ક્વિન(૧૯૯૪) ફિલ્મમાં નાનાં પાત્ર ભજવ્યા બાદ સુપરહીટ સત્યા (૧૯૯૮) ફિલ્મમાં ઉત્તમ સહાયક અભિનેતાનો નેશનલ એવોર્ડ મેળવાનારો મનોજ બાજપાઇ કહે છે, મારા સુક્ષ્મ અભ્યાસ અને અનુભવ મુજબ ઓટીટીના ડિજિટલ માધ્યમનું સૌથી મજબૂત જમાપાસું છે તેની વાર્તા કહેવાની અસરકારક પદ્ધતિ. દર્શકો જાણે કે તેમનાં દાદા -- દાદી પાસેથી મજેદાર વાર્તા સાંભળતાં હોય તેવો સરસ મજાનો અનુભવ કરે છે. દર્શકો વાર્તાની રસધારા સાથોસાથ મજેદાર પ્રસંગોનો પણ આનંદ માણે છે.મહત્વની બાબત તો એ છે કે આવી સરસ ગૂંથણીવાળી વાર્તાના પ્રવાહ સાથે ફિલ્મનાં કે સિરિયલનાં કલાકારોની અભિનય પ્રતિભા પણ ખીલે છે. સરવાળે ઓટીટી પરની ફિલ્મ કે સિરિયલ સફળ રહે છે. દર્શકો ખુશ થાય છે.
ઓટીટી પરની ફેમિલી મેન, સિર્ફ એક બંદા કાફી હૈ, ગુલમહોર વગેરે સિરિઝમાં પોતાના અફલાતૂન અભિનયથી સુપરહીટ સફળતા મેળવનારો મનોજ બાજબાઇ કહે છે, ભારતમાં સિનેમાગૃહોમાં રજૂ થતી ફિલ્મોની સફળતા કલાકારોના સુંદર - પ્રભાવશાળી અભિનય પર આધારિત નહીં પણ બોક્સ ઓફિસ પરની ટંકશાળ પર હોય છે. બોલિવુડની જે ફિલ્મને બોક્સ ઓફિસ પર પહેલા કે બીજા જ સપ્તાહમાં ૧૦૦ કરોડનો તગડો આંકડો દેખાય એટલે તે ફિલ્મ સુપરહીટ કહેવાય. બોલિવુડમાં ૧૦૦ કરોડની ક્લબની જબરી બોલબાલા છે. જ્યારે ઓટીટી પરની ફિલ્મ કે સિરિઝમાં ખળખળ વહેતી વાર્તા અને કલાકારોના હૃદયસ્પર્શી અભિનયનાં પાસાં મહત્વનાં ગણાય છે. બોક્સ ઓફિસનો તગો આંકડો નહીં. આ જ કારણસર ઓટીટી પ્લેટફોર્મ નવાં અને જૂનાં પ્રતિભાવાન કલાકારો માટે શુકનિયાળ નિવડયું છે. ખાસ કરીને નવી પેઢીનાં જે જે અચ્છાં કલાકારોને બોલીવુડમાં યોગ્ય તક નથી મળી તેઓને ઓટીટી પ્લેટફોર્મે પૂરતા સન્માન સાથે આવકાર આપ્યો છે.


