બે તદ્દન અલગ પ્રકારનાં વાદ્યોનો ઉસ્તાદ મનોહારી સિંઘ
- સલિલ ચૌધરી સાથે મનોહારી 1957-58માં મુંબઇ આવ્યા હતા. એક ગીતના રેકોર્ડિંગમાં લક્ષ્મીકાંતે મનોહારીનું મેંડોલીન સાંભળ્યું તો છક થઇ ગયા. લક્ષ્મીકાંત પોતે અવ્વલ દરજ્જાના મેંડોલીનવાદક, પરંતુ મનોહારીને સાંભળીને મુગ્ધ થઇ ગયા. જોકે મનોહારીને યશ મળ્યો કલ્યાણજીભાઇના સંગીતમાં 'સટ્ટા બાઝાર'થી.
આ જે થોડાં યાદગાર ગીતોનાં મુખડાથી વાતનો આરંભ કરીએ. તુમ્હેં યાદ હોગા કભી હમ મિલે થે, મુહબ્બત કી રાહોં મેં હમ તુમ મિલે થે.. (સટ્ટા બાઝાર, સંગીત: કલ્યાણજી-આણંદજી), આવાઝ દે કે હમેં તુમ બુલાઓ, મુહબ્બત મેં ઇતના ન હમ કો સતાઓ... (પ્રોફેસર, સંગીત: શંકર-જયકિસન), બેદર્દી બાલમા તુઝ કો મેરા મન યાદ કરતા હૈ, બરસતા હૈ જો આંખોં સે વો સાવન યાદ કરતા હૈ... (આરઝૂ, સંગીત: શંકર-જયકિસન), દિલ જો ન કહ સકા, વો હી રાઝે દિલ, કહને કી રાત આયી હૈ... (ભીગી રાત, સંગીત: રોશન), આગે ભી જાને ના તૂ, પીછે ભી જાને ના તૂ, જો ભી હૈ, બસ યહી એક પલ હૈ... (વક્ત, સંગીત: રવિ) અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મહેબૂબા મહેબૂબા, ગુલશન મેં ગુલ ખિલતે હૈં, જબ સેહરા મેં મિલતે હૈં, મૈં ઔર તૂ... (શોલે, સંગીત: આર. ડી. બર્મન.)
આ તમામ ગીતો વચ્ચે એક સમાનતા છે. તમે કહેશો કે એ તો અમે જાણીએ છીએ. આ બધાં હિન્દી ફિલ્મોનાં યાદગાર ગીતો છે. ફરક માત્ર એટલો કે દરેક ગીતના ગીતકાર અને સંગીતકાર જુદા છે. ના જી, વાત માત્ર એટલી નથી. થોડી જુદી છે. આ બધાં ગીતોમાં એક વિદેશી સાજે કમાલ કરી છે. એ વિદેશી સાજ એક એવા કલાકારે વગાડયું છે જે ખરા અર્થમાં અનોખો કલાકાર હતો. વાંચજો ધ્યાનથી.
ભારતીય અને પાશ્ચાત્ય બંને સંગીતમાં ત્રણ પ્રકારનાં વાજિંત્રો છે. એક પ્રકાર ફૂંક કે ધમણથી ફૂંકાતી હવા દ્વારા વાગતા વાજિંત્ર છે જેમાં બાંસુરી, ક્લેરીનેટ, સેક્સોફોન, હાર્મોનિયમ, બેગપાઇપ વગેરે વાદ્યો આવે. આ વાદ્યો સુષિર વાદ્યો કહેવાય. બીજો પ્રકાર તંતુવાદ્યનો છે. એમાં પાછા બે પેટાપ્રકાર આવે. એક તંતુવાદ્ય બો વડે વાગે જેવાં કે સારંગી, દિલરૂબા, વાયોલિન વગેરે. બીજા તંતુવાદ્ય નખલી, પ્લેકટ્રમ કે મિજરાબથી વાગે. એમાં સિતાર, સરોદ, ગિટાર, મેંડોલીન વગેરે આવે. એકમાત્ર અપવાદ પિયાનો છે. એ તંતુવાદ્ય હોવા છતાં હાર્મોનિયમની જેમ ચાવી દબાવવાથી વાગે છે. વાદ્યોનો ત્રીજો પ્રકાર એટલે ઘનવાદ્ય. એમાં તબલાં, મૃદંગ, પખાવજ, બોંગો-કોંગો વગેરે આવે.
થોડી ટેકનિકલ લાગે એવી આ વાત કરવા પાછળ એક ખાસ કારણ છે. સામાન્ય રીતે એવું બને છે કે સાજિંદા અમુક એકાદ વાદ્ય પર જબરદસ્ત કાબુ ધરાવતા હોય. દાખલા તરીકે, ઉસ્તાદ બિસ્મીલ્લા ખાન. એ શહનાઇના બેતાજ બાદશાહ હતા. આપણે લેખની શરૂઆતમાં જે ગીતોની વાત કરી એમાં સેક્સોફોનની કમાલ હતી. આ સેક્સોફોન મનોહારી સિંઘ નામના કલાકારે વગાડયું હતું. મનોહારી સિંઘની વિશેષતા એ હતી કે એ હવા ફૂંકવાથી વાગતા સુષિર વાદ્યો જેવોજ કાબુ મેંડોલીન જેવા તંતુવાદ્ય પર પણ ધરાવતા હતા.
મૂળ નેપાળમાં જન્મેલા મનોહારીના પરિવારમાં પિતૃપક્ષે અને માતૃપક્ષે બધા સંગીતકાર હતા. દાદા, પિતા, કાકા, મામા, નાના વગેરે બધા સંગીતકાર. નાઇટ ક્લબોમાં, બ્રાસ બેન્ડ (અર્થાત્ પિત્તળનાં બનેલાં વાદ્યોના બેન્ડ) અને પાર્ટીઓમાં પોતપોતાના સાજ વગાડે. હવે જે ઘરમાં ચોવીસે કલાક સંગીતનું વાતાવરણ હોય ત્યાં બાળકને ભણવામાં શો રસ પડે? મનોહારીને પણ સ્કૂલમાં તો દાખલ કરવામાં આવ્યો પણ આ બાળકને ભણવામાં જરાય રસ નહીં. એકવાર ઘરમાં પડેલી પિત્તળની વાંસળી હાથમાં આવી. આ ટાબરિયો એ વગાડવાના પ્રયાસો કરવા માંડયો. એના દાદા જોઇ ગયા. એટલે એક આનો વાપરવા આપ્યો અને કહ્યું: શાબાશ, મહેનત કર. દોડવું હતું ને ઢાળ મળ્યો.
પછી તો મનોહારીએ પિતા-કાકા-મામા વગેરે પાસે રીતસર સંગીતની તાલીમ લીધી. થોડો સમય એ બધાની જેમ નાઇટ ક્લબોમાં કે બ્રાસ બેન્ડમાં વગાડયું. પછી માતાપિતાના આશીર્વાદ લઇને કલકત્તાની વાટ પકડી. અહીં થોડો સમય નાઇટ ક્લબોમાં વગાડયું. એવામાં સંગીતકાર સલિલ ચૌધરીની એના પર નજર પડી. આ છોકરો બીજાઓ કરતાં કંઇક જુદું વગાડે છે એવું લાગતાં એને પોતાની પાંખમાં લીધો. બંનેએ થોડો સમય કલકત્તામાં એચએમવી રેકર્ડ કંપનીમાં કામ કર્યું. મેંડોલીનની જરૂર હોય ત્યાં મેંડોલીન વગાડે અને બાંસુરી, ક્લેરીનેટ કે સેક્સોફોનની જરૂર હોય ત્યાં મનોહારી એ વગાડે. પણ જીવ થોડો બેચેન, અહીં બહુ મજા નથી આવતી.
સલિલ ચૌધરી સાથે મનોહારી ૧૯૫૭-૫૮માં મુંબઇ આવ્યા અને એક ગીતના રેકોર્ડિંગમાં લક્ષ્મીકાંતે મનોહારીનું મેંડોલીન સાંભળ્યું તો છક થઇ ગયા. લક્ષ્મીકાંત પોતે અવ્વલ દરજ્જાના મેંડોલીનવાદક, પરંતુ મનોહારીને સાંભળીને મુગ્ધ થઇ ગયા. જોકે મનોહારીને યશ મળ્યો કલ્યાણજીભાઇના સંગીતમાં 'સટ્ટા બાઝાર'થી. એ ગીતની વાત આપણે શરૂઆતમાં કરી- 'તુમ્હેં યાદ હોગા કભી હમ મિલે થે...' પછી તો બધા સંગીતકારો એને સેક્સોફોન માટે બોલાવતા થયા. દરમિયાન, એસ. ડી. બર્મને એને પોતાના એરેન્જર બનાવી દીધા. બર્મન પિતાપુત્ર સાથે મનોહારીએ ખૂબ કામ કર્યું. આરડીને મનોહારી વિના ચાલતું નહોતું. ૧૯૫૮થી માંડીને છેક ૨૦૦૭-૦૮ સુધી એ વગાડતા રહ્યા. ફિલ્મો ઉપરાંત જુદા જુદા સંગીતકારોના ચેરિટી શોમાં પણ વગાડતા. સ્વભાવે એટલા બધા નમ્ર કે તમને ખ્યાલ પણ ન આવે કે આ માણસ ટોચનો સંગીતકાર છે. એમના સેક્સોફોનથી ગૂંજેલાં સેંકડો ગીતો છે. મનોહારીદાના હુલામણા નામે જાણીતો આ કલાકાર આજે આપણી વચ્ચે નથી, પણ એણે યાદગાર ગીતોમાં વહાવેલી સૂરાવલિ આપણી સાથે છે એ બહુ મોટું આશ્વાસન છે. એમણે સેક્સોફોન પર વગાડેલાં ગીતોની થોડી કેસેટ્સ અને સીડી પણ બહાર પડી છે, જે ધૂમ વેચાઇ છે.