Get The App

માનસી સાળવી : ટચૂકડો પડદો તો જનેતા સમાન છે

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News
Google News
માનસી સાળવી : ટચૂકડો પડદો તો જનેતા સમાન છે 1 - image

- 'ટીવીમાં કામ કરીને નામદામ કમાનારા કલાકારો પછી આ માધ્યમની બદબોઈ કરે છે. અન્ય માધ્યમમાં કામ મળવા લાગે એટલે ટચૂકડો પડદો તેમના માટે હીણપતભર્યો બની જાય છે.' 

અત્યાર સુધી આશીર્વાદ', 'કોઈ અપના સા', 'આવાઝ-દિલ સે દિલ તક', 'ડોલી અરમાનોં કી' જેવી સંખ્યાબંધ ધારાવાહિકોમાં જોવા મળેલી અભિનેત્રી માનસી સાળવી હમણાં 'મહાદેવ એન્ડ સન્સ'માં કામ કરી રહી છે. મરાઠી ફિલ્મો તેમ જ ધારાવાહિકોમાં પણ પોતાના અભિનય દ્વારા દર્શકોના દિલ પર રાજ કરતી માનસીને ટચૂકડા પડદાના કલાકારોને જે માન મળવું જોઈએ તેનાથી વંચિત રાખવામાં આવ્યા હોવાનો રંજ છે. તે કહે છે કે ટીવી પર કામ કરતા કલાકારોને અન્ય માધ્યમના, ખાસ કરીને હિન્દી ફિલ્મોના કલાકારો કરતાં ઉતરતાં ગણવામાં આવે છે તે તદ્દન ખોટું છે.

એ વાત સર્વવિદિત છે કે ટીવી પર આવતી શ્રેણીઓમાં કામ કરતાં ઘણાં અભિનેતાઓ તેમ જ અભિનેત્રીઓની બીજી આંખ ઓટીટી અથવા રૂપેરી પડદે મંડાયેલી હોય છે. તેઓ ટીવીનો ઉપયોગ આ માધ્યમો સુધી પહોંચવાના પગથિયાં તરીકે કરે છે. અદાકારાના મનને આ વાત ખટકે છે. તે કહે છે કે ટીવી સીરિયલોમાં કામ કરીને કીર્તિ-કલદાર રળનારા જ ઘણાં કલાકારો આ માધ્યમની બદબોઈ કરે છે. ખાસ કરીને જ્યારે તેમને અન્ય કોઈ માધ્યમમાં કામ મળવા લાગે એટલે ટચૂકડો પડદો તેમના માટે હીણપતભર્યો બની જાય. અને આશ્ચર્યની વાત એ છે કે જરૂર પડયે તેઓ આ માધ્યમમાં ફરીથી કામ પણ કરે. પરંતુ હું માનું છું કે ટીવી જનેતા જેવું માધ્યમ છે. અહીં બધાને કામ મળી રહે છે. આ ટચૂકડા પડદા પર તમને રૂપેરી પડદાના કલાકારો પણ જોવા મળે અને ઓટીટીના પણ. મને તો ટીવી એકટ્રેસ હોવાનો ગર્વ છે. મને આ પડદાએ ઘણું આપ્યું છે તે ગુણ હું શી રીતે  વિસરું?

માનસી માને છે કે જો ટીવી પર કામ કરતાં કલાકારોના માથેથી એ 'ટીવી એક્ટર'નું લેબલ કાઢી નાખવામાં આવે તો તેઓ માત્ર કલાકારો જ ગણાય. મારા મતે પત્રકારોએ આ બીડું ઝડપવું જોઈએ. તે વધુમાં કહે છે કે જ્યારે તમે કોઈ અભિનેતા કે અભિનેત્રીની ઓળખ આપો ત્યારે એમ નથી કહેતાં હોતાં કે તે ડિવોર્સી છે અથવા સિંગલ મધર/ફાધર છે. હું તો એટલે સુધી કહીશ કે કલાકાર એટલે માત્ર કલાકાર. તેમાં અભિનેતા કે અભિનેત્રી જેવા ભેદ  પણ શા માટે હોવા જોઈએ. એક કલાકાર તરીકે હું ભવિષ્યમાં ઓટીટી તેમ જ અન્ય માધ્યમમાં પણ કામ કરી શકું. મને કમર્શિયલ કરવાનું પણ પ્રિય છે. આમ છતાં મારા કપાળે 'ટીવી એકટ્રેસ'નું લેબલ છે તેની સામે મને અવાજ ઉપાડવો પડે છે તે અફસોસજનક છે.

   જોકે અભિનેત્રી ટીવીના આ એક જ પાસા બાબતે વાત નથી કરતી. તે એમ પણ કહે છે કે આ પડદા પર ચાલતી સ્પર્ધા સામે ટકવું સામા પ્રવાહે તરવા જેટલું કઠિન છે. વળી આ ક્ષેત્રે તમે સતત અસલામતી અનુભવતા રહો છો. હું મારી આસપાસ સતત બારીકાઈપૂર્વક નજર રાખતી રહું છું, આ ઇન્ડસ્ટ્રીના અન્ય કલાકારો ક્યાં છે અને શું કરી રહ્યાં છે તે ધ્યાનમાં લઈને આગળ વધુ છું. હા, કલાકાર તરીકે હું મારી કળાને સતત અજવાળતી રહું છું. પ્રત્યેક પ્રોજેક્ટમાં હું મને જુદી જુદી રીતે રજૂ કરવાનો પ્રયાસ કરું છું. '