Get The App

માધુરી દીક્ષિતને સ્ટારડમની પહેલી પ્રતીતિ ગરીબ છોકરાઓએ કરાવી હતી

Updated: Jan 1st, 2026

GS TEAM

Google News
Google News
માધુરી દીક્ષિતને સ્ટારડમની પહેલી પ્રતીતિ ગરીબ છોકરાઓએ કરાવી હતી 1 - image

બેવરસ બાદ ઉંમરની સાઠીમાં પ્રવેશનારી માધુરી દીક્ષિત હમણાં નવેસરથી એવો સંકેત આપ્યો છે કે મારી પાસે હજુ આપવા માટે ઘણું બધુ છે. ઈન્ડસ્ટ્રીએ મારી ટેલેન્ટનો પૂરેપૂરો ઉપયોગ નથી કર્યો. હું માત્ર ગ્લેમર ક્વીન નથી! તાજેતરમાં જિયો-હોટસ્ટાર પર સ્ટ્રીમ થયેલી વેબ સીરિઝ 'મિસીસ દેશપાંડે' જોયા બાદ કોઈને પણ આ વાતની પ્રતીતિ થાય. શોમાં માધુરીએ ૫૮ વરસે સાયલન્ટ સીરિયલ કિલરનો રોલ કરી બધાને આશ્ચર્યનો આંચકો આપ્યો છે. શોના એપિસોડ્સ જોયા બાદ આપણને એવું લાગે કે સિનેમા એન્ડ માધુરી આર મેડ ફોર ઇચ અધર.

કાચી વયમાં જ કથક નૃત્યની તાલીમ લેવાનું શરૂ કરી દેનાર મિઝ દીક્ષિતને ટીનેજમાં જ ફિલ્મોમાં કામ કરવાની મહત્ત્વાકાંક્ષી જાગી હતી. કોલેજમાં હતી ત્યારથી જ એણે ફિલ્મોમાં નાના નાના રોલ કરવા માંડયા હતા. અરુણા ઈરાની અને મુમતાઝની જેમ માધુરી પણ ગ્રાસરુટ લેવલથી આગળ આવેલી એક્ટર છે. એ આજના લોલીપોપ સ્ટારકિડ્સની જેમ રાતોરાત લીડ રોલ કરતી નહોતી થઈ. નાના રોલ કરીને  એ કોલેજમાં અભ્યાસ ચાલુ રાખવાની સાથોસાથ એક્ટિંગનો શોખ પણ પૂરો કરી શકતી.

એંસીના દશકના જાણીતા ફિલ્મમેકર સોહનલાલ કંવરની એક ફિલ્મ 'આવારા બાપ'માં દીક્ષિતે નાનકડો રોલ કર્યો હતો. એ ફિલ્મની હિરોઈન મીનાક્ષી શેષાદ્રિ હતી. સોહનલાલ અને સુભાષ ઘાઈ સારા મિત્રો હતા. સોહનલાલ ઘણી વાર ઘાઈ પાસે માધુરીની પ્રશંસા કરતા એટલે ઘાઈએ પોતાની મલ્ટી-સ્ટારર 'કર્મા'ની એક ડ્રીમ સિકવંસ માટે માધુરીને બોલાવી. સોંગમાં એ માંડ બે મિનિટ માટે દેખાવાની હતી. પરંતુ ઘાઈએ જ્યારે એ સોંગના ફાઈનલ ફુટેજ જોયા ત્યારે એમાં માધુરીને જોઈને દિગ્મૂઢ બની ગયા. સૌથી પહેલા એમણે એ ગીતમાંથી દીક્ષિતનો પાર્ટ કાપી નાખ્યો. પછી શોમેને કાશ્મીરમાં શૂટ થયેલી ઓરિજિનલ શો-રીલ પોતાના દરેક પરિચિત પ્રોડયુસરને મોકલી આપી. તેમણે દરેકને કહ્યું કે માધુરીને તમારે સાઈન કરવી હોય તો પહેલા મને રૃા. ૫ હજારનો ચેક મોકલી આપો. અને કમાલ જુઓ કે ઘાઈની ઓફિસમાં ફટાફટ ૮ ચેક આવી ગયા.

કલાકાર સાથે નસીબ કેવા કેવા ખેલ કરે છે એ જુઓ. ઘાઈએ એ વખતના સૌથી પોપ્યુલર ફિલ્મ સાપ્તાહિકમાં ૮ ફુલ પેજ એડ આપી માધુરીને બોલિવુડની 'નવી મધુબાલા' તરીકે પ્રોજેક્ટ કરી. એને પગલે દીક્ષિતને બાપુ દિગ્દર્શિત અનિલ કપૂર સાથેની એક ફિલ્મ મળી, જે કમનસીબે કદી રિલીઝ ન થઈ. ભાગ્ય વિધાતાએ કદાચ માધુરી માટે વધુ સારુ વિચાર્યું હતું. બાપુની એ ફિલ્મના એડીટર એન. ચન્દ્રા હતા, જે પછીથી ડિરેક્ટર બન્યા. એમણે બાપુની ફિલ્મના રશીઝ જોઈને જ મનોમન નક્કી કરી લીધું કે મારી ફિલ્મ 'તેઝાબ' (૧૯૮૮)માં લીડ રોલ માધુરી જ કરશે.

દીક્ષિત 'તેઝાબ' પહેલા ઘાઈની ફિલ્મ 'રામ લખન' (૧૯૮૯) સાઈન કરી ચુકી હતી. એટલે બંને ફિલ્મોનું શુટિંગ સાથોસાથ ચાલતું, પણ 'તેઝાબ' પહેલા રિલીઝ થઈ. 'તેઝાબ'ના ગીત 'એક દો તીન....' એ લોકોને ગાંડા કરી દીધા. હિન્દી સિનેમાને એક નવી સુપરસ્ટાર મળી ચુકી હતી. પરંતુ એ વાતની અજાણ માધુરી અમેરિકા પોતાની બહેનનાં લગ્નમાં મહાલી રહી હતી. મેરેજની ધમાલ ચાલતી હતી ત્યારે સેક્રેટરીએ માધુરીને ફોન કરીને કહ્યું કે આપકી મૂવી હીટ હો ગઈ હૈ. પરંતુ ઈન્ડસ્ટ્રીમાં નવી નવી આવેલી 'હિટ'નો ખરેખર શું અર્થ થાય એ જાણતી નહોતી.

ખેર, મેમ યુએસથી પાછા ફર્યા. માધુરી મુંબઈ એરપોર્ટ પર ઉતરી અંધેરી ઈસ્ટમાં આવેલા પોતાના નાનકડા ઘર પર પાછી ફરતી હતી ત્યારે એક સિગ્નલ પર અમુક ગરીબ છોકરાઓની કારને ઘેરી વળી એના કાચ લુછવા માંડયા. એમની નજર માધુરી પર પડી કે તરત બધા 'મોહિની, મોહિની...'ની બૂમ પાડી દોડોદડ કરવા માંડયા. 'તેઝાબ'માં દીક્ષિત મોહિનીનું પાત્ર ભજવ્યું હતું. આ પ્રસંગે એને પહેલીવાર સ્ટારડમનો અનુભવ કરાવ્યો.

ટોપની સ્ટાર હોવા છતાં માધુરીના મધ્યમ વર્ગના મૂલ્યો બદલાયા નથી. એ આજે પણ કોઈ પાસેથી કાંઈ શીખી હોય તો એનો ઋણ સ્વીકાર કરવામાં સંકોચ નથી કરતી. 

વે ટુ ગો, મિસિસ નેને!