માધવન: હિન્દી ફિલ્મોનો હીરો સર્વગુણ સંપન્ન ક્યારેય નહોતો
- 'તમે જુઓ કે એ માણસ ક્યારે અને કેવા સંજોગોમાં પ્રેમમાં પડયો હતો. સમયની સાથે સંદર્ભ સહિત બધુ જ બદલાતું રહે છે. પહેલાંની જેમ પત્ર આપીને પ્રેમ દર્શાવવો આજે સાવ જુનવાણી રીત ગણાય...'
આર. માધવનને તમે સાઉથનો સંજીવ કુમાર કહી શકો. સદ્ગત સંજીવની જેમ માધવન પોતાના દરેક પાત્રને સ્ક્રીન પર જીવી જાણે છે. એણે પોતાની લાંબી અને સમૃદ્ધ કરિયરમાં સજ્જન નાયકથી લઈને દુષ્ટ ખલનાયક સુધીના તમામ પ્રકારના રોલ કર્યા છે. હમણાં છેલ્લે 'શૈતાન'માં માધવને અજય દેવગનને પોતાની દુષ્ટતાની ચરમસીમા દેખાડી હતી. શૈતાનની રિલિઝને હજુ વરસ પણ થયું નથી ત્યાં માધવન એક મેચ્યોર્ડ લવસ્ટોરી 'આપ જૈસા કોઈ' લઈને હાજર છે. ફાતિમા સના શેખ એની હીરોઈન છે. ઓટીટી પર રિલિઝ થયેલી આપ જૈસા કોઈમાં એક્ટરે એક એવા પ્રૌઢનું પાત્ર ભજવ્યું છે જે એક તરફ પ્રેમ અને બીજી બાજુ પુરુષપ્રધાન સમાજ વચ્ચે ફંગોળાયા કરે છે.
માધવન માટે રોમાંટિક જોનર નવો નથી. આજથી ૨૪ વરસ પહેલા એ દિયા મિર્ઝા સાથે 'રહેના હૈ તેરે દિલ મેં' નામની રોમાંટિક ફિલ્મ કરી ચુક્યો છે. એ એક કલ્ટ લીવસ્ટોરી હતી, જેમાં એનું પાત્ર મેડ્ડી નાયિકા (દિયા)ને રીઝવવા જાતજાતના સાચા-ખોટા ગતકડાં કર્યા કરે છે. માધવન એવું દ્રઢપણે માને છે કે પુરુષપ્રધાન માનસિકતા ધરાવતા પુરુષોના પાત્રો હિન્દી ફિલ્મોમાં સમય સાથે બદલાતા રહ્યા છે. આપ જૈસા કોઈની પ્રમોશનલ ઇવેન્ટ્સમાં વર્સેટાઈલ એક્ટરે મીડિયા સાથેના ઇન્ટર એક્શનમાં એ વાતનો ખાસ ઉલ્લેખ કર્યો. પોતાની ફિલ્મ રહેના હૈ... ના નાયકનો સંદર્ભ લેતા માધવન કહે છે, 'આજના સમયમાં મારું મેડ્ડીનું કેરેક્ટર ચાલે નહિ. લોકોને એ ઇમ્મેચ્યોર લાગે. આ માત્ર મારી ફિલ્મ પુરતી વાત નથી, તમે પહેલાની કોઈ પણ હિન્દી ફિલ્મના હીરોને લો, તમને એમાં ઘણાં અવગુણ દેખાશે. ભારતીય સંસ્કૃતિનું ફિલ્મોમાં એ રીતે જ નિરૂપણ થયું છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો કોઈ એવો એક્ટર નથી જેની એક યા બીજી ફિલ્મમાં ટોક્સિક મેસ્ક્યુનાલિટી (પુરુષત્વની ઝેરી માનસિકતા) જોવા ન મળે. મારા મતે સિનેમાના પડદા પર સ્ત્રીને તમાચો મારનાર કે એને ભાંડનાર દરેક હીરો ટોક્સિક (ઝેરીલો માણસ) છે. આવું ન કર્યું હોય એવા એક પણ એક્ટરનું મને નામ આપો.'
દર્શકોને આવા પાત્રોને સમયના સંદર્ભમાં મૂલવવાની હિમાયત કરતા માધવન ઉમેરે છે, 'તમે જુઓ કે એ માણસ ક્યારે અને કેવા સંજોગોમાં પ્રેમમાં પડયો હતો. સમય સાથે સંદર્ભ સહિત બધુ જ બદલાતું રહે છે. પહેલાના જમાનાની જેમ એને પત્ર આપીને પ્રેમ દર્શાવવો આજે સાવ જુનવાણી રીત ગણાય. મારું એમ કહેવું છે કે આપણી પુરુષત્વની સમજ સમય સાથે વિસ્તરવી જોઈએ.'
નાયકોનાં પાત્રોને એમના સમયકાળ પ્રમાણે મુલવવાની વાત કરીને માધવને પોતાની મૌલિક વિચારસરણીનો પરિચય આપ્યો છે.