મેડ્ડીની પ્રોફેશનલ અને પર્સનલ લાઇફની ડાહી-ડાહી વાતો
- તમિળ અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના ત્રણ દાયકાથી લાંબા કરિયરમાં માધવને એકધારી પ્રગતિ કરી છે.
બોલીવૂડના માપદંડોથી જોઈએ તો આર. માધવન એક નોખી માટીનો માનવી છે. યુવાની અને મિથ્યાબંડરની બોલબાલી ધરાવતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માધવન પ્રામાણિકતા અને ઠરેલ આત્મવિશ્વાસ જેવા ગુણોને કારણે નોખો પડે છે. ૫૫ વરસની વયે કાળી-ધોળી દાઢી રાખવી, જિમ કલ્ચરથી અલગ રહેવું અને બધાથી હટકે રોલ્સ પસંદ કરવા - એક્ટર એ બધાને કારણે પોતે જેવો છે એવો રહી શકે. ઈન શોર્ટ, ગ્લેમર વર્લ્ડમાં રહીને પણ રંગનાથન માધવન (રંગનાથન એના પિતાનું નામ છે) એક સામાન્ય માનવી જેવું જીવન જીવે છે.
તમિળ અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના ત્રણ દાયકાથી લાંબા કરિયરમાં માધવને એકધારી પ્રગતિ કરી છે. એક્ટર તરીકે શરૂઆત કરી એ સમય જતા સ્ક્રીનપ્લે રાઇટર અને ડિરેક્ટર પણ બન્યો. છેલ્લે એ ફાતિમા સના શેખ સાથે ફિલ્મ 'આપ જૈસા કોઈ'માં જોવા મળ્યો. ફિલ્મમાં એણે પુરુષપ્રધાન સમાજમાં ઉછરેલા ચાલીસીના પાકટ નાયકની ભૂમિકા બહુ સુંદર રીતે ભજવી છે. ઓટીટી પર રિલિઝ થયેલી મૂવીની સકસેસ પાર્ટીમાં મેડ્ડી મીડિયાના આકર્ષણનું કેન્દ્ર બન્યો. એણે મીડિયાના પ્રશ્નોના જવાબ શબ્દોની માયાજાળ ગુંથ્યા વિના એકદમ નિખાલસાતી આપ્યા. એક પત્રકારે એને પૂછ્યું, 'સર, આપ ઈતને રિયલ કૈસે રહે શકતે હો? બાલોં મે આયી સફેદી કો આપ કભી છિપાતે નહીં?' જવાબમાં માધવન એકદમ સહજતાથી કહે છે, 'સાચુ કહું તો હું કોઈ પ્રકારનો ખોટો બોજ લઈને ફરી નથી શકતો. મને જુઠાણાં છુપાવતા આવડતા નથી. અબ સફેદ બાલ આ ગયે તો આ ગયે. કોઈ રોલ માટે જરૂર પડે તો ઠીક છે, બાકી મેં મારા વાળ કદી ડાય નથી કર્યા. રજનીકાંત સર પાસેથી હું એ શીખ્યો છું. તેઓ સિનેમાના સ્ક્રીન બહારના પોતાના લુક્સની કદી પરવા નથી કરતા પણ પડદા પર તેઓ જાદુ કરી દે છે. મારા ફ્રેન્ડ (એક્ટર) અજિત (કુમાર)નું પણ એવું જ છે. મારા સીનિયર્સ અને સાથી કલાકારો પાસેથી એક વાત જાણી છે કે પડદા બહારની તમારી ઇમેજ, તમારો દેખાવ કેવો છે એનાથી કોઈ ફરક નથી પડતો. હું રિયલમાં જેવો છું એવો રહીને ખુશ છું. એટલે હું એવું બતાવવા નથી ઇચ્છતો કે હું બીજા કોઈ કરતા વધુ યંગ છું. મારાથી યુવાન બીજા કોઈ આર્ટિસ્ટ સાથે હું સ્પર્ધામાં પણ નથી. હું મારી પોતાની ક્ષમતા સાથે હરિફાઈમાં છું. એટલે જ દરેક રોલને મારું બેસ્ટ આપવાનો મારો પ્રયાસ રહે છે. મારા અંતરમાં પોતાની જાતનો એક સંતોષકારક સ્વીકાર છે.'
આજે દરેક એજ ગુ્રપના એકટર્સ પોતાના કસાયેલા કસરતી બોડીનું ખુલ્લેઆમ પ્રદર્શન કરી પોતાની ઇમ્પ્રેસન જમાવી રહ્યા છે. જ્યારે માધવનને જિમમાં જઈ પોતાના વર્કઆઉટ પોઝ સોશિયલ મીડિયા પર મુકવા પસંદ નથી. 'ફિલ્મ સાલા ખડુસમાં હું બોક્સિંગ કોચના રોલમાં હતો એટલે એના માટે મેં અમુક પ્રકારનું બોડી બનાવ્યું હતું કારણ કે એ જરૂરી હતું. જો સ્ક્રીપ્ટની ડિમાંડ હોય તો હું ગમે તે કરવા તૈયાર છું,' એમ વર્સેટાઈલ એક્ટર કહે છે.
આ બધી થઈ પ્રોફેશનલ વાતો. માધવનની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો એનું ફેમિલી એકદમ જમીન સાથે જોડાયેલું છે. એક્ટરે ૧૯૯૯મા સરિતા સાથે લગ્ન કર્યા હતા. ત્યારે માધવન એક્ટર નહોતો પણ પબ્લિક સ્પીકિંગ શીખવાડતો ટીચર હતો અને સરિત એની એક સ્ટુડન્ટ હતી. 'અમે બંનેએ સાથે ઘણાં પડકારો ઝીલ્યા છે. ૨૫ વરસનો ગાળો ઘણો લાંબો સમય ગણાય અને એ દરમિયાન અમારા સંબંધોએ ઘણાં જુદા જુદા સ્વરૂપ જોયા છે. દરેક પતિ-પત્ની એમાંથી પસાર થાય છે. લગ્ન વખતે તમારી વચ્ચે જુદો સંબંધ હોય, સંતાનના જન્મ પછી એ થોડો બદલાય અને પુત્ર ટીનેજ વયનો તાય ત્યારે એ અલગ હોય. પરંતુ એ બધા દરમિયાન તમારી વચ્ચે સ્નેહગાંઠ તો હોય જ. આજની વાત કરું તો અમે હસબન્ડ-વાઈફ એકબીજાનો હાથ પકડી શાંતિથી ચાલતા હોઈએ ત્યારે અમારી એકબીજા પ્રત્યેની લાગણી પરાકાષ્ઠાએ હોય છે,' એવું કહી એક્ટર પોતાના સુખી દાંપત્યજીવનની ઝાંખી કરાવી દે છે.