Get The App

લકી અલીની કબૂલાત: સંગીત મારો પ્રાણ છે .

Updated: Oct 9th, 2025

GS TEAM

Google News
Google News
લકી અલીની કબૂલાત: સંગીત મારો પ્રાણ છે                      . 1 - image

- 2024માં  હળવા બ્રેઇન સ્ટ્રોક બાદ સાજા થઇ ગયેલો આ મજેદાર ગાયક- અભિનેતા પોતાના આરોગ્ય વિશે સજાગ થઇ ગયો છે 

મકસૂદ મેહમુદ અલીને  અચ્છા ગાયક, મજેદાર ગીતકાર, સંવેદનશીલ અભિનેતા  તરીકે આખું હિન્દી ફિલ્મ જગત ઓળખે છે. આ મકસૂદ અલી એટલે કોણ ? ફોડ પાડીને કહીએ તો ફિલ્મ કહો ના પ્યાર હૈ(૨૦૦૦) ફિલ્મના  એક પલ કા જીના અને ના તુમ જાનો ના હમ... સુપરહીટ  ગીતોનો ગાયક, લકી  અલી. 

 બીજી મોટી  ઓળખાણ આપીએ તો  હિન્દી ફિલ્મ જગતના ઓલ ટાઇમ ગ્રેટ  હાસ્ય કલાકાર અને એટલા જ મજેદાર અભિનેતા મેહમુદનો પ્રતિભાશાળી પુત્ર લકી અલી. 

આમ તો લકી અલી છેલ્લાં ઘણાં વર્ષથી બોલીવુડથી અળગો થઇ ગયો છે. આમ પણ લકી અલી ૬૭ વર્ષનો મોટી ઉંમરનો થઇ ગયો છે. સાથોસાથ અમુક બીમારીથી પીડાઇ પણ રહ્યો  હોવાની વાતો થઇ રહી છે. ગમે તે હોય, પણ લકી અલીમાં ગીત,સંગીત,અભિનયની પ્રતિભા ભારોભાર છે. 

લકી અલીને અત્યારે યાદ કરવાનું કારણ એ છે કે  ૨૦૨૪ના મે મહિનામાં  આ અચ્છો કલાકાર તેની  દીકરી સાથે  વૈભવી મોટરમાં  ગોવાથી બેંગલુરુ જઇ રહ્યો હતો.  મોટર પોતે ડ્રાઇવ કરી રહ્યો હતો. લકી અલીની તબિયત અચાનક જ  ખરાબ થઇ ગઇ. તેને મોટર ડ્રાઇવ કરવામાં તકલીફ પડી. લકી અલીની પુત્રીને તરત જ ખબર પડી ગઇ. દીકરીેએ તરત જ પિતા લકી અલીને કહ્યું, ડેડી, તમે પાછળની સીટ પર સૂઇ જાવ, કાર હું ડ્રાઇવ કરું છું. ખરેખર દીકરીએ પૂરપાટ સ્પિડે મોટર દોડાવી અને લકી અલીને હોસ્પિટલમાં લઇ ગઇ.

ડોક્ટરોએ તરત જ તપાસ કરીને કહ્યું, તારા ડેડીને ટ્રાન્ઝીએન્ટ ઇશ્ચેમિક એટેક(ટીઆઇએ : હળવો બ્રેઇન સ્ટ્રોક)ની ગંભીર અસર છે. જોકે નિષ્ણાત ડોક્ટરોએ ઝડપી અને આધુનિક સારવાર આપી એટલે લકી અલી સાજા થઇ ગયો. એમ કહો કે નવજીવન મળ્યું. 

ભારતમાં પોપ કલ્ચર અને મ્યુઝિક આલ્બમ્સ લોકપ્રિય બનાવનારો લકી અલી ખુશી વ્યક્ત કરતાં કહે છે, મને તો મારી વ્હાલી અને બહુ બહુ સમજદાર દીકરીએ નવું જીવન અને નવા શ્વાસ આપ્યા છે. મારી પુત્રીએ બહુ ઝડપથી સાચો નિર્ણય લઇને મને સમયસર હોસ્પિટલમાં લઇ આવી એટલે જ તો હું ઉગરી ગયો. હું, સાથોસાથ મને ઉત્તમ સારવાર આપનારા નિષ્ણાત ડોક્ટરોનો પણ એટલો જ ઋણી છું. વળી,મને તબીબી સારવાર દરમિયાન જરાય પીડા પણ થઇ નહોતી. 

બહુ નાની ઉંમરથી જ સંગીત પ્રત્યે લગાવ  ધરાવતો લકી  અલી ખુશી વ્યક્ત કરતાં કહે છે, હાલ તો મારી તબિયત ઘણી ઘણી સારી છે. આમ છતાં હું કબૂલ કરું છું કે મારી તબિયત મારી અશિસ્તભરી જીવનશૈલીને કારણે ખરાબ થઇ હતી.  જોકે મેં  તે દિવસ બાદ ડોક્ટરોના માગર્દર્શન મુજબ મારી રોજબરોજની જીવનશૈલીમાં અને મ્યુઝિક કાર્યક્રમોના ટાઇમ ટેબલમાં  મહત્વના ફેરફાર કર્યા છે. આમ છતાં ખરું કહું તો  હવે હું સ્પષ્ટપણે માનું છું કે દરેક મ્યુઝિક કાર્યક્રમ મારો અંતિમ કાર્યક્રમ હશે. મને ખબર છે ,  મારા અમુક મિત્રો મ્યુઝિક કાર્યક્રમ દરમિયાન જ મંચ પર મૃત્યુ પામ્યા છે. બસ, હું આવી કરૂણ ઘટનાઓને નજર સામે રાખીને જ મારી જિંદગી અને  તંદુરસ્તી વિશે જરાય ગફલતમાં રહેવા ઇચ્છતો નથી. કે મારા જીવનને જરાય હળવાશથી પણ લેતો નથી. જીવનમાં શિસ્ત અને સજાગતા બહુ જ જરૂરી છે. 

આ... આભી જા(ફિલ્મ : સૂર) સહિત અંજાના અંજાની(ફિલ્મ :તમાશા), એક પલ કા જીના, ના તુમ જાનો ના હમ (ફિલ્મ : કહો ના પ્યાર હૈ) વગેરે લોકપ્રિય ગીતો ગાનારો લકી અલી બહુ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે,  મને ખુશી છે કે મારા સંગીતથી શ્રોતાઓને આનંદ થાય છે. મીઠા મધુરા સંગીતથી સમાધિનો આનંદ થાય. આમ છતાં મારે જાગૃત અને શિસ્તપ્રિય રહેવું જરૂરી છે. 

તોફાન મસ્તી કરવાની અને માતાપિતાના ખોળામાં રમવાની ચાર વર્ષની  ઉંમરે  પિતા મહેમુદની ફિલ્મ છોટે નવાબ(૧૯૬૨)માં બાળ કલાકાર તરીકે અભિનય કારકિર્દી શરૂ   કરીને   યહી હૈ   ઝિદગી, હમારે તુમ્હારે, ત્રિકાલ, કાંટે, સૂર વગેરે ફિલ્મોમાં વિવિધ પાત્રો ભજવનારો   લકી અલી  એક ફિલોસોફર અદાથી કહે છે, જીવનમાં ઝળહળતી સફળતા, ભરપૂર લોકપ્રિયતા, લખલૂટ ધનસંપત્તિ મળવાથી ખરેખર તો વ્યક્તિ  ખુદથી અને પરિવારથી અળગો થઇ જાય છે. એમ કહો કે તે વ્યક્તિ પ્રેમ,વ્હાલ, ખુશી,સંવેદના, વફાદારી વગેરે જેવાં માનવ જીવનમાં સુંદર પાસાંથી દૂર દૂર જતો રહે છે.છેવટે તો તે સુપરહીટ સફળ વ્યક્તિના હાથ ખાલી જ રહે છે. તેને કાંઇ જ નથી હાંસલ થતું.

હાલ  બેંગલુરુ નજીકના પોતાના  વિશાળ -- લીલાછમ ફાર્મહાઉસમાં રહેતો લકી અલી ખુશી અને સંતોષ વ્યક્ત કરતાં કહે છે, મને હિન્દી ફિલ્મ જગતમાં ઘણું ઉજળું માન--સન્માન મળ્યું છે. મને મારી ગાયક અને અભિનેતાની કારકિર્દીથી સંપૂર્ણ સંતોષ છે. કોઇ જ ફરિયાદ કે નારાજી કે અફસોસ નથી.મારું આરોગ્ય સારું રહેશે ત્યાં સુધી સંગીતની અને મારાં ચાહકોની સેવા કરીશ. 

 સંગીત જ મારો પ્રાણ છે. હું સંગીતને મારાથી અલગ કરી શકું તેમ નથી. મારા દરેક ગીત સાથે એક પ્રસંગ કે અનુભવ સંકળાયેલો છે.હું તે પ્રસંગને કે અનુભવને સંગીતના સૂરીલા માધ્યમથી સમાજ સમક્ષ રજૂ કરું છું.  .