- દાસ્તાન-એ-સિનેમા
- ફિલ્મમેકર નાસિર હુસૈનની એક સલાહે શમ્મી કપૂરની કારકિર્દી બદલી નાખી. નાસિરે કહ્યું કે, ભાઈ, પહેલી વાત એ કે તું રાજ કપૂર કે દિલીપકુમાર નથી અને બીજું, કોઈ ડર વિના તું જેવો છે તેવો દેખા. લોકોને ખબર પડવી જોઈએ કે આ છે શમ્મી કપૂર.
તુમ જૈસે હો બસ વૈસે જીઓ, બુરે તો બુરે, ભલે તો ભલે, તુમ કેહ દો કિ ઐસા મૈં હૂં, યહ મેરી નિયતી, ઐસા મુઝે પરમાત્માને બનાયા ઉસકી ઐસી મરઝી, સ્વીકાર કરે દુનિયા તો ઠીક, અસ્વીકાર કરે તો ઠીક.... આ શબ્દો ઓશોના. આજકાલ ઈન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડમાં ચાલી રહ્યાં છે. તમને ટ્રેન્ડ વિશે ખબર હોય કે ના હોય પરંતુ, આ ગોલ્ડન વર્ડ્સને જીવનમાં ઉતારવા જેવા છે. આ તુમ જૈસે હો બસ વૈસે જીઓ એટલે કે, 'બી યોરસેલ્ફ' સ્લોેગન કોઈપણ વ્યક્તિને સ્ટાર બનાવવાની તાકાત રાખે છે. શમ્મી કપૂરનું જ ઉદાહરણ લઈ લો. બોલિવુડની ફર્સ્ટ ફેમિલીના સભ્ય. પિતા પૃથ્વીરાજ કપૂર અને ભાઈ રાજ કપૂર. પહેલા દિવસથી જ તેમના પર એક્સપેક્ટેશનનો ભાર. ફિલ્મી કારકિર્દી શરુ કરી તો તેમાં રાજ કપૂર, દેવ આનંદ અને દિલીપકુમારનો દબદબો, પાછા દરેકના રોલ નક્કી. ટ્રેજડી કિંગ દિલીપ કુમાર, સ્ટ્રીટ સ્માર્ટ લવર દેવ આનંદ અને ભાઈ રાજ કપૂર એટલે સપનાના રાજકુમાર. હવે, આ વચ્ચે સફળ કંઈ રીતે થવું? એટલે, શમ્મીને થયું કે જે ચાલે છે એની જ કોપી કરો. તેમનો આ જુગાડ એટલી હદે નિષ્ફળ રહ્યો કે, એક પછી એક ફિલ્મો ફ્લોપ રહી. આ પડતીએ તેમને જીવનનું સૌથી મહત્વપૂર્ણ સૂત્ર શીખવાડી દીધુંઃ તુમ જૈસે હો બસ વૈસે જીઓ, બુરે તો બુરે, ભલે તો ભલે, તુમ કહ દો કિ ઐસા મૈં હૂં, યહ મેરી નિયતિ, ઐસા મુઝે પરમાત્માને બનાયા ઉસકી ઐસી મરઝી, સ્વીકાર કરે દુનિયા તો ઠીક, અસ્વીકાર કરે તો ઠીક.
શમ્મીની શરુઆત
૨૧ ઓક્ટોબર, ૧૯૩૧ના રોજ પૃથ્વીરાજ કપૂરના ઘરે પુત્ર શમશેર રાજ કપૂરનો જન્મ થયો. પિતા થિયેટર અને ફિલ્મોના જાણીતા એક્ટર હતા. જેમણે ૧૯૪૪માં પૃથ્વી થિયેટરની સ્થાપના કરી. આ મોબાઈલ થિયેટર ગ્રુપ ભારતભરમાં ફરતું અને પઠાન અને દીવાર જેવા નાટકો સાથે દર્શકોનું મનોરંજન કરતું. શમ્મીનું બાળપણ આ થિયેટરના બેકસ્ટેજમાં વિત્યું. ભણવામાં ઢ અને તોફાની મિજાજના શમ્મીને પહેલેથી જ નાટકનો શોખ. તેમના નાના ભાઈ શશી કપૂરે આગ અને આવારા જેવી ફિલ્મોમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ડેબ્યુ કર્યું હતું. પરંતુ, શમ્મી માટે આ દરવાજા બંધ હતા. પિતાને લાગતું કે, દીકરો પહેલા થિયેટરના અનુભવમાંથી શિસ્ત શીખે, બાકી બધું પછી. આ જ કારણે શમ્મી ૧૯૪૮માં પિતાના પૃથ્વી થિયેટરમાં જુનિયર આર્ટિસ્ટ તરીકે જોડાયા. ચાર વર્ષની આ સફર તેમણે રુ. ૧૫૦ના માસિક પગારથી શરુ કરી. જે રુ. ૩૦૦એ પહોંચી. શમ્મી શિસ્ત શીખ્યા ન શીખ્યા ખબર નહીં પરંતુ, પોતાની સ્ટાઈલ ભૂલી ગયા. એક દિવસ પ્રોડયુસર-ડિરેક્ટર કે. અમરનાથ પૃથ્વી થિયેટર પહોંચ્યા હતા. ત્યાં તેમની નજર શમ્મી પર પડી. તેમને લાગ્યું કે, શમ્મીના ફિલ્મોમાં ડેબ્યુનો સમય આવી ગયો છે. આ ડેબ્યુ વચ્ચે શમ્મીને ડર હતો કે, હું જેવો છું, એવો દર્શકો નહીં સ્વીકારે તો શું? પાછું તેની ઉપર પરિવારનું પ્રેશર કે, ભાઈ તું છે એવો ઠીક નથી. પોતાની જાતને બદલ. આ બદલાવની છાપ ડેબ્યુ ફિલ્મ જીવન જ્યોતિમાં જોવા મળી. ૧૯૫૨માં ડેબ્યુ કરનાર શમ્મીએ ૧૯૫૬ સુધીમાં ૧૦ જેટલી ફ્લોપ ફિલ્મો આપી હતી. શમ્મીની ભૂલ હતી કે, તેઓ બીજા જેવા બનવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.
નાસિર હુસૈનની સલાહ
ફિલ્મમેકર નાસિર હુસૈનની એક સલાહે તેમની કારકિર્દી બદલી નાખી. નાસિરે કહ્યું કે, ભાઈ, પહેલી વાત એ કે તું રાજ કપૂર કે દિલીપ કુમાર નથી અને બીજું, કોઈ ડર વિના તું જેવો છે તેવો દેખા. લોકોને ખબર પડવી જોઈએ કે આ શમ્મી કપૂર. આ સલાહ બાદ તેમણે પોતાના ખભા પરથી કપૂર પરિવારનો બોજ ઉતારી દીધો. વાળ નાના કરી દીધા અને ટાઈટ પેન્ટ સાથે પોતાની હટકે સ્ટાઈલ લઈ આવ્યા. તેમનો 'તુમ જૈસે હો બસ વૈસે જીઓ'નો અભિગમ રંગ લાવ્યો. ૧૯૫૭માં તુમસા નહીં દેખા ફિલ્મ આવી. શમ્મી આ ફિલ્મમાં અલગ અંદાજમાં જોવા મળ્યા. નાચતા, હસતા અને પ્રેમમાં મસ્ત શમ્મી દર્શકોને ખૂબ પસંદ આવ્યા. ફિલ્મની સફળતાએ સાબિત કર્યું કે, દર્શકોને નકલ નહીં અસલ સાથે પ્રેમ છે. ૧૯૫૯માં રિલીઝ થયેલી ફિલ્મ દિલ દે કે દેખોએ શમ્મીને યુવાનોના ફેવરિટ બનાવી દીધા. શમ્મી કપૂરે શીખવાડયું કે, મ્યુઝિક ફક્ત સાંભળવાનું નથી હોતું. તેને તો જીવવાનું હોય છે. મોહમ્મદ રફીનો અવાજ જાણે તેમના વિચારોનું પ્રતિબિંબ બની ગયો. યાહૂ...ચાહે કોઈ મુઝે જંગલી કહે, આજા આજા મૈ હૂં પ્યાર તેરા, બદન પે સિતારે લપેટે ંહુએ ગીતોમાં શમ્મીએ કરેલો ડાન્સ કોઈ કોપી કરી શક્યું નથી. આ સોંગ્સ પર ડાન્સ સાથે તેમની છબી એક બેફિકર, રોમેન્ટિક અને અલગ જ આકર્ષણ ધરાવતા હીરો તરીકે ઊભી થઈ હતી. આ સફરે શમ્મીના - તુમ જૈસે હો બસ વૈસે જીઓ, બુરે તો બુરે, ભલે તો ભલે, તુમ કેહદો કી ઐસા મૈં હૂં, યહ મેરી નિયતિ, ઐસા મુઝે પરમાત્માને બનાયા ઉસકી ઐસી મરઝી, સ્વીકાર કરે દુનિયા તો ઠીક, અસ્વીકાર કરે તો ઠીક... આ વિચાર પર મહોર લગાવી.
સફળતામાં લવ ફેક્ટર
હર કામયાબ આદમી કે પીછે એક ઓરત હોતી હૈ...જેવું શમ્મી સાથે હતું. ગીતા બાલીના પ્રેમના કારણે શમ્મી બદલાઈ ગયા હતા. તેમની આત્મસંદેહથી આત્મવિશ્વાસ સુધીની સફરમાં ગીતા બાલીનું અમૂલ્ય યોગદાન રહ્યું હતું. હરકીર્તન કૌર તરીકે જન્મેલી ગીતા ૧૯૫૦ના દાયકામાં સ્ટાર બની ચૂકી હતી. તેની અલબેલા અને બાવરે નૈન જેવી ફિલ્મો ખૂબ જ સફળ રહી હતી. આર. કે. સ્ટુડિયોઝની ફિલ્મ રંગીન રાતે વખતે બંનેની મુલાકાત થઈ હતી. શમ્મી તે વખતે દુબળા-પાતળા હતા અને એક પછી એક નિષ્ફળતા સાથે સંઘર્ષ કરી રહ્યા હતા. બીજા તરફ, ગીતા બાલી ૨૫ વર્ષના અને આત્મવિશ્વાસથી ભરપૂર સ્ટાર હતા. તેમણે તો તુમ જૈસે હો બસ વૈસે જીઓ સૂત્રને આત્મસાત્ કર્યું હતું.
ગીતાએ શમ્મીને જીવન જીવવાનું શીખવાડયું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. સામાન્ય કપલ લોંગ ડ્રાઈવ પર જાય ત્યારે, શમ્મી-ગીતા એકબીજા સામે રેસ લગાવતા. તેમની સ્ટોરી બોલિવુડની સ્ક્રીપ્ટ જેવી જ ડ્રામાથી ભરપૂર હતી. એક દિવસ ગીતાએ તેમને કહ્યું કે, લગ્ન આજે નહીં તો ક્યારેય નહીં. તે જ દિવસે બંનેએ મુંબઈના એક મંદિરમાં ભાગીને લગ્ન કર્યા. આ સાહસિકતા ગીતાની પર્સનાલિટીનો એક ભાગ હતી, જે શમ્મી પર અસર કરવા લાગી હતી. ગીતાએ શમ્મીમાં એવું કંઈક જોયું હતું જે હજી સુધી શમ્મીએ ખુદ સ્વીકાર નહોતું કર્યું. તેમણે શમ્મીને જોખમ લેવા અને એવી ફિલ્મો કરવા પ્રોત્સાહિત કર્યા કે જેમાં તેમનું સાચું વ્યક્તિત્વ નીખરીને દર્શકોની સામે આવે. થયું પણ તેવું જ શમ્મી એક પછી એક યાદગાર ફિલ્મો આપી રહ્યા હતા. બીજી તરફ, તેમનું પરિવાર પણ આગળ વધી રહ્યું હતું.
૧૯૫૬માં પુત્ર આદિત્ય રાજ કપૂરનો જન્મ અને ત્યારબાદ ૧૯૬૧માં પુત્રી કંચન સાથે તેમનો પરિવાર પૂર્ણ થયો હતો. પરંતુ, આ લવ સ્ટોરીનો દુઃખદ અંત આવ્યો હતો. જાન્યુઆરી, ૧૯૬૫માં ગીતા એક ફિલ્મનું શૂટિંગ કરવા માટે દૂરના એક લોકેશન પર ગઈ હતી. આ દરમિયાન તેને સ્મોલપોક્સ થયા હતા. સમયસર સારવાર છતાં તેનું મોત થયું હતું. આ દુઃખ માંડ પ્રેમ પર અને પોતાના પર વિશ્વાસ કરતા શીખેલા શમ્મી માટે સહન ન કરી શકાય તેવો આઘાત હતું. શમ્મી થોડા સમય માટે ભાઈ રાજ કપૂરના ઘરે રહેવા લાગ્યા. આ દરમિયાન દારૂની આદતે તેમની હાલત વધુ બગાડી. થોડા સમય બાદ તેઓ ફરી હોશમાં આવ્યા. તેમને થયું કે, ગીતાને સાચી શ્રદ્ધાંજલિ તેણે શીખવાડેલા પાઠને આત્મસાત્ કરવાથી જ આવશે. અને તેઓ ફરી એકવાર તે કરવા લાગ્યા જેના માટે તેમનો જન્મ થયો હતો - એક્ટિંગ.
શમ્મી કપૂર વિશે રસપ્રદ વાતો
(૧) ટેક વિઝનરી:
શમ્મી કપૂર તેમના સમયથી આગળના ટેક વિઝનરી હતા. ૧૯૯૦ના દાયકામાં ભારતમાં ઈન્ટરનેટ હજુ એક નવીનતા હતું ત્યારે, તેમણે ઈન્ટરનેટ યુઝર્સ કમ્યુનિટી ઓફ ઈન્ડિયાની સ્થાપ્ના કરી હતી. આ સાથે તેમણે પોતાની વેબસાઈટ શમ્મી કપૂર્સ વર્લ્ડ પણ લોન્ચ કરી હતી.
(૨) સેલ્ફ-ટૉટ ડાન્સરઃ
જંગલી અને તીસરી મંજિલમાં તેમના ડાન્સના ખૂબ વખાણ થયા હતા. પરંતુ, તેમણે કોઈ ફોર્મલ ટ્રેનિંગ લીધી નહોતી. તેમણે એલ્વિસ પ્રેસલીની સ્ટાઈલમાંથી પ્રેરણા ચોક્કસ લીધી હતી.
(૩) સ્ક્રિપ્ટ વિનાનું યાહુ:
જંગલી ફિલ્મમાં એક સીન દરમિયાન શમ્મી કપૂર યાહુની ચીસ પાડે છે તે સ્ક્રિપ્ટમાં હતી જ નહીં. કાશ્મીરના બરફથી ઢંકાયેલા પહાડોને જોઈને તેમનાથી જોરથી યાહૂ બોલાઈ ગયું હતું.
(૪) મોહમ્મદ રફીના ગોલ્ડન યુગના સાક્ષી:
પ્લેબેક સિંગર મોહમ્મદ રફી જાણે ફિલ્મોના ગીતોમાં શમ્મીનો અવાજ બની ગયા હતા. આ જોડીએ આજા આજા મે હૂં પ્યાર તેરા અને દિલ તેરા દિવાના જેવા હિટ્સ આપ્યા હતા.
(૫) કાશ્મીર માટેનો પ્રેમઃ
તેમની ફિલ્મો જંગલી અને કાશ્મીર કી કલીમાં જાણે જમ્મુ કાશ્મીર ટુરિઝમે પણ નહીં કર્યો હોય તેવો પ્રચાર તે જમાનામાં કર્યો હતો.
(૬) હોલિવુડની ઓફરને નાઃ
૧૯૬૦ના દાયકામાં સફળતાના શીખરે ઉભેલા શમ્મીએ હોલિવુડની ફિલ્મની ઓફર ફગાવી હતી. તેઓ માનતા હતા કે, સ્ટોરી કહેવાની બોલિવુડની સ્ટાઈલ અલાયદી છે.
(૭) સ્વાસ્થ્ય સંઘર્ષ:
૧૯૬૦ના દાયકાના અંત સુધીમાં શમ્મીની તબિયત લથડી હતી. તેમનું વજન વધી ગયું હતું. આથી તેમણે અંદાજ અને ઝમીર જેવી ફિલ્મોમાં કેરેક્ટર રોલ કર્યા હતા.
(૮) આર.કે. ફિલ્મ્સની વિરાસત
તેમણે ભાઈ રાજ કપૂરના મૃત્યુ બાદ આર કે ફિલ્મ્સ અને રાજ કપૂર ફાઉન્ડેશનની જવાબદારી સંભાળી હતી. ઘણી ક્લાસિક્સની પ્રિન્ટ તેમણે બચાવી હતી.


