લિસા હેડનને કમબેક કરવાની કોઈ ઉતાવળ નથી
કરણ જોહરની ૨૦૧૬માં રિલિઝ થયેલી ફિલ્મ 'એ દિલ હૈ મુશ્કિલ'માં રણબીર કપૂર ઉપરાંત બે મોટી સ્ટાર્સ-ઐશ્વર્યા રાય અને અનુષ્કા શર્મા હતી અને છતાં લિસા હેડને નાનકડા રોલમાં પોતાની હાજરીની વિશેષ નોંધ લેવડાવી હતી. ટોપની મોડલ અને ટીવી પ્રેજન્ટર લિસાએ ૨૦૧૦માં 'આયશા'થી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું. એણે પછી કોમેડી મૂવી 'ક્વિન' અને મલ્ટિસ્ટારર 'હાઉસફુલ-૩'માં પણ કામ કર્યું. પછી ભારતીય પિતા અને ઓસ્ટ્રેલિયા માતાની પુત્રીએ ગ્લેમરની દુનિયા છોડી જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો. ૨૦૧૬માં બ્રિટિશ બિઝનેસમેન ડિનો લાલવાનીને પરણી એણે પોતાનું ગૃહસ્થ જીવન શરૂ કર્યું. આજે ત્રણ સંતાન- બે પુત્રો ઝેક અને લિયો અને પુત્રી લારાની મમ્મી છે. ચેન્નઈમાં જન્મેલી લિસાએ બહુ ટૂંકા ગાળામાં ત્રણ બાળકોને જન્મ આપી માતૃત્વને મનભરીને માણયું.
હમણાં એક ટોપના ઇંગ્લીશ ડેઈલીને આપેલા ઇન્ટરવ્યૂમાં લિસા હેડન લાલવાનીએ વીતેલા વરસોની પોતાની પર્સનલ લાઈફ વિશેની ઘણી બધી વાતો શેર કરી. આજકાલ પોતાના પૂર્વેના પ્રોફેશનલ મોડલિંગમાં પાછી ફરીને ખુશ છે. એ વિવિધ બ્રાંડસ અને ઇન્ટરનેશનલ મેગેઝીન્સના કવરપેજ માટે શૂટ કરવામાં બિઝી રહે છે. બાળકો થોડા મોટા થઈ જતા એ પોતાની મનગમતી પ્રવૃત્તિ માટે સમય ફાળવી શકે છે. 'હું પોતાને બહુ ભાગ્યશાળી માનું છું કે લાંબો સમય ફેમિલી પર ફોકસ કર્યા બાદ મારા કામનાં કમબેક કરી શકી. મને એ બહુ ગમ્યું છે. છતાં શૂટ પર હોઉં ત્યારે મનમાં એવો ઝબકારો જરા થઈ જાય છે કે હું અહીં કામમાં ખૂંપી ગઈ છું, પણ મારું ફેમિલી કેમે હશે? ઘરે બધું બરાબર હશેને? મને લાગે છે કે કોઈ પણ પરિણીત મહિલાને આવો વિચાર આવે જ. આય લવ માય વર્ક અને માય ફેમિલી બોથ. હું પાછળ વળીને કોઈ બાબતનો રંજ નથી કરવા માગતી. મારા બાળકોને આઠ વરસ સુધી મારું સર્વસ્વ આપીને હું ખુશ છું. સંતોષની અદ્ભુત લાગણી અનુભવું છું,' એમ ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ અને યુકેમાં વસવાટ કરી ચુકેલી એકટ્રેસ કહે છે.
લિસાનો દાવો છે કે એની લાઈફે જે માર્ગ લીધી છે એનું એણે ક્યારેય પહેલેથી પ્લાનિંગ નહોતું કર્યું. 'મેં બહુ બધુ વિચારીને સભાનપણે કરિયર છોડયું નહોતું અને સભાનતાપૂર્વક મેં કમબેક નથી કર્યું. દરેકના જીવનમાં ઋતુચક્રો આવ્યા કરે છે. લાઈફમાં પણ જુદી જુદી મોસમ આવે છે અને જાય છે. મને એ સમયે જે ઠીક લાગ્યું એ મેં કર્યું. બીજાની જેમ ફિલ્મો છોડયા બાદ ફરી પાછા ફરવું અથવા તો એવી ડંફાસ મારવી કે એક્ટિંગ મારી પ્રાયોરિટી નથી- એ બધુ મને પસંદ નથી. મને (ફિલ્મોમાં) કામ કરવું ગમશે. એક્ટિંગ પ્રત્યેનો પ્રેમ હજુ ગયો નથી, પરંતુ હું લાઈફને એની ભરતી અને ઓટ સાથે જોઉં છું. એક વાતનો આનંદ છે કે યુવાન વયે મા બની એટલે કામ પર પાછા ફરવા મળ્યું,' એમ ૩૯ વરસની મોડલ-એકટ્રેસ કહે છે.
સવાલ એ છે કે પોતાના સંસારમાં ઠરીઠામ થયા બાદ લિસાએ કદી સ્પોટલાઈટમાં ન રહેવાનો વસવસો અનુભવ્યો છે ખરો? 'સાચુ કહું તો મેં કદી કમેરા મિસ નથી કર્યા, પરંતુ વર્કપ્લેસમાં બધા વચ્ચે રહેવાનો અને રોજિંદા જીવનની ઘટમાળનો આનંદ જરૂર ગુમાવ્યો છે. એટલા માટે કે સ્ત્રી મા બન્યા બાદ ખાસ કરીને શરૂઆતના વરસોમાં એનું જીવન એકદમ શાંત થઈ જાય છે. બસ તમે અને તમારું બાળક. તમે એની આંખથી દુનિયા જોતા થઈ જાવ છો અને એના જેવી જ ફિલીંગ્સ અનુભવો છો. એને પગલે તમે વધુ સુરક્ષિત અને સ્લો લાઈફ જીવતા થઈ જાવ છો. ક્યારેક આપણે સાવ એકલા પડી ગયા હોઈએ એવું લાગે. શરૂમાં મેં રોજિંદી રુટીન લાઈફમાં પરોવાયેલા રહેવાની મજા ગુમાવી, પણ પછી મને એ રીતે રહેવાની આદત પડી ગઈ,' એવી કેફિયત મિસિસ લાલવાની આપે છે.
તો શું લિસા ફરી લાઈટ્સ, કેમેરા, એક્શન માટે રેડી છે? 'આય એમ ઑલવેજ ઓપન. ફિલ્મો કરવાની મારી તૈયારી છે, પણ હું કામ માટે આજીજી કરવા નથી ઇચ્છતી. મને એની બહુ તલપ નથી. મારા જીવનથી સંતુષ્ટ છું અને સારા રોલ્સ મળશે ત્યારે કરીશ. ઉતાવળ શું છે?' એવા શબ્દોમાં લિસા બોલીવૂડમાં પોતાના પુનરાગમન વિશે ચોખવટ કરે છે.