- પરિવારના ચાર-પાંચ સભ્યોના મલ્ટિપ્લેક્સમાં ફિલ્મો જોવાના સાપ્તાહિક ખર્ચની રકમની મંથલી એસઆઈપી કરવામાં આવે તો પંદર વર્ષે એક કરોડનું ફંડ ભેગું થઈ જાય.
- તુષાર દવે'
થપ્પડ', 'મુલ્ક', 'આટકલ ૧૫' અને 'ભીડ' જેવી થાટ પ્રોવોકિંગ ફિલ્મો આપનારા પ્રોડયુસર-ડિરેક્ટર અનુભવ સિંહાએ થોડા દિવસ પહેલા એક પોસ્ટ મુકેલી. જેમાં મોટા પડદા પ્રત્યેના પ્રેમ અને સિનેમાઘરની ચોખ્ખાઈ વિશેની સિમ્પલ વાત હતી. મેં અમસ્તી જ કોમેન્ટ્સ સ્ક્રોલ કરી. જેમાં ઊડીને આંખે વળગે એવી વાત એ હતી કે પચાસ ટકાથી વધારે કોમેન્ટ્સમાં મલ્ટિપ્લેક્સમાં ફિલ્મની ટિકિટના આસમાનને આંબતા ભાવ અંગેની ફરિયાદ હતી.
લોકો કહી રહ્યા છે કે મોટા પડદા પ્રત્યેનો પ્રેમ તો છે, પણ હવે લાઅર મિડલ ક્લાસ માટે સિનેમાઘરો પરવડે એવા રહ્યાં નથી. એક વ્યક્તિએ લખ્યું કે, 'ટિકિટ્સ સુપર કોસ્ટલી છે. એકવારની થિએટર પિકનિકના બદલામા ંમિડલ ક્લાસ વ્યક્તિ ઓછામાં ઓછા પાંચ ઓટીટી પ્લેટફોર્મ્સના સબસ્ક્રિપ્શન લઈ લે.' વાત તો સાચી છે અને હવે ઓટીટી તેમજ હોમ થિએટરના માધ્યમથી મોટા ટીવી પર પણ સરળતાથી એચડી ક્વોલિટીમાં જોઈ શકાય છે. વળી, દુનિયાભરની અલગ અલગ ભાષાઓની શ્રેષ્ઠ ફિલ્મો-સિરિઝોનો જોતા થાકી જવાય એટલો પૂરવઠો મળે. ઘેર બેઠા મનોરંજની ગંગા!
કોઈએ વળી મોંઘા ભાવની ટિકિટ ખરીદ્યા બાદ પણ ફિલ્મ શરૂ થતા પહેલા ધરાર વીસથી પચ્ચીસ મિનિટ્સ જોવા પડતી એડ્સ અને ટ્રેઈલર્સ સામે ફરિયાદ કરી. એક કોમેન્ટ તો એનાથી પણ ચડી જાય એવી હતી કે, 'મેક સિનેમા ટેક્સ ફ્રી એન્ડ મેક સિનેમા પોપકોર્ન ફ્રી!'
આ કોમેન્ટ પરથી અગાઉ ક્યાંક ક્યાંક લખેલી કેટલીક વાતોની પુનરોક્તિ કરવાનુ મન થાય છે કે સામાન્ય માણસ રોજબરોજની અનેક હાડમારીઓ વચ્ચે જીવન ગાળતો હોય એવા આ દેશમાં રોટી, કપડાં અને મકાનની સાથોસાથ મનોરંજનને પણ મૂળભૂત જરૂરિયાતોમાં સમાવી લેવાની જરૂર છે. ક્રિકેટ અને સિનેમા આ દેશની નસોમાં વહે છે. મલ્ટિપ્લેક્સોનું આક્રમણ મોટા શહેરોમાં સિંગલ સ્ક્રિન સિનેમાઘરોને ક્યારે ખાઈ ગયુ એની ખબર જ ન પડી.
મલ્ટિપ્લેક્સમાં પોપકોર્નના ભાવમાં ચાલતી લૂંટને તોલમાપ ખાતાના રડાર હેઠળ લાવવી જ રહી. અરે, સરકાર બીજું કંઈ ન કરી શકે તો લોકોને ઘરનો નાસ્તો અંદર લઈ જવાની મંજૂરી તો અપાવે. પાણીની નાની બોટલના ભાવ પણ હવે ૬૦-૭૦ સુધી પહોંચી રહ્યા છે!
એક કે બીજા કારણોસર ખોટમાં ચાલતી પીવીઆર જેવી મલ્ટિપ્લેક્સ ચેઈને ખર્ચો કાઢવા અનેકવિધ એમબીએ ટાઈપના ઉપાયો અજમાવ્યા છે. જેમ કે - લોકોને સ્પેશિયલ સ્ક્રીનિંગની સગવડ આપવી, લકઝરી સ્ક્રીન્સ વધારવી, વિવિધ કાર્ડ્સ ઓફર કરવા વગેરે. એમાં એક વ્યૂહરચના ફૂડ એન્ડ બેવરેજીસમાંથી મોટી કમાણી કરવાની પણ છે. કોલા અને પોપકોર્નની અનલિમિટેડ રિફીલ સ્કિમ પણ એનું જ ઉદાહરણ.
અગાઉના સિંગલ સ્ક્રીન થિએટર્સ દર્શકો નાસ્તો-પાણી પણ પોતાને ત્યાંથી જ ખરીદાય એવો હઠાગ્રહ નહોતા રાખતા. તેમની આવકનો મુખ્ય આધાર ટિકિટ વેંચાણ પર જ રહેતો. રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રની શાન ગણાય એવું ગેલેક્સી થિએટર પણ ઈન્ટરવલમાં દરવાજા ખુલ્લા રાખતું. તમે સામે રેસકોર્સની પાળીએથી ગરમાગરમ સિંગ કે સેન્ડવિચ લઈને સિનેમાહોલમાં જઈને આરોગી શકો. રાજશ્રી કે ગિરનાર સિનેમામાં પણ બહાર નીકળીને ઘૂઘરા કે બટેટા-ભુંગળાં ખાઈ શકાતાં.
થોડાં સમય પહેલા મલ્ટિપ્લેક્સમાં કોઈએ પૂછેલો પોપકોર્નનો ભાવ કાને પડેલો - પાપકોર્ન સ્મોલના સાડા ત્રણસો અને લાર્જના સાડા સાતસો! વાટ? સાડા સાતસો રૂપિયાની ધાણી! મારા તો કાનમાંથી લોહી નીકળી ગયેલું! જેમને આ ભાવ આપવા પોસાય છે તેમની સાથે પણ આ એક પ્રકારની લૂંટ જ છે. લૂંટ તો લૂંટ જ હોય, અંબાણી પાસે વધુ પૈસા હોય તો કંઈ એનાથી અંબાણી સાથે થયેલી લૂંટ જસ્ટિફાય ન થઈ જાય. ચારથી પાંચ સભ્યોના પરિવારનો દર સપ્તાહે મલ્ટિપ્લેક્સમાં જવાનો જેટલો ખર્ચ આવે એની તેઓ મંથલી એસઆઈપી કરાવે તો પંદર વર્ષે એંસી લાખથી એક કરોડ સુધીનુ ફંડ ભેગું થઈ જાય. એ લોકો આરામથી છોકરા કે છોકરીને વિદેશ ભણવા કે સેટ થવા મોકલી શકે.
ફિલ્મપ્રેમી અને સિનેમા પત્રકારત્વ ક્ષેત્રે સરસ કામ કરતા લેખક મિત્ર પાર્થ દવેને એક વાર એક સિનેમાઘરમાં ચાનો ભાવ સાંભળીને ખાંટો ઘચરકો આવી ગયેલો. રાજકોટના પત્રકાર મિત્ર ષિ દવેએ તો પંદરેક વર્ષ પહેલા સિનેમાઘરોમાં અંદર ચાલતી લૂંટ સામે એક દિવસના ધરણા પણ કરેલા.
અનુભવ સિંહાની વાલ પર આવેલી કોમેન્ટ્સનો 'અનુભવ' જણાવે છે કે ઓટીટીના આ યુગમાં પણ લોકોને મોટા પડદાનો જાદુ તો માણવો જ છે, પણ ટિકિટ્સના ભાવ નડતર બને છે. પરિણામે બને છે એવું કે જે મધ્યમવર્ગીય પરિવાર દર સપ્તાહે એક ફિલ્મ બહાર જોવાનું ગોઠવે એ એક કે બે મહિને પ્લાન કરે છે. એના કારણે દર્શકોને વધુ ફિલ્મો જોવા નથી મળતી અને સારી ફિલ્મોને દર્શકો નથી મળતા. પરિવારનું મોટા ભાગનું બજેટ અતિશય બઝ ધરાવતી, મોટા સ્ટાર્સની ઓવર હાઈપ્ડ અને મીડિયોકર ફિલ્મો ઢસડી જાય છે. એવી ફોર્મ્યુલા ફિલ્મોમાં લોટ, પાણી ને લાકડાંમાં થૂંકથી મરાયેલા સાંધા જ હોવાથી નિરાશ થયેલો દર્શક સિનેમાઘરથી વધુ વિમુખ થાય છે અને ઓટીટી પર 'પંચાયત' કે 'ગુલ્લક' જોવાનું વધુ પ્રિફર કરે છે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં તો સલમાન ખાન જેવા મોટા સ્ટાર્સની ફિલ્મો પણ બોક્સઓફિસ પર ઉંધેકાંધ પછડાઈ છે. એમાં દર્શકોને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાની મેકર્સની નીતિ ઉપરાંત એક આ ફેક્ટર પણ જવાબદાર હોઈ શકે. કેટલાંક વષોથી ટિકિટ મોંઘી રાખીને અમુક-તમુક દિવસોમાં ફિલ્મને ૧૦૦-૨૦૦ કરોડ ક્લબમાં સામેલ કરાવી દેવાની દોડ પણ આના માટે જવાબદાર છે.
નેશનલ લેવલના મોટા પ્રોડક્શન હાઉસ હોય કે હજુ ઉગવાના તબક્કામાંથી પસાર થઈ રહેલી ગુજરાતી ફિલ્મ ઈડન્સ્ટ્રી હોય, આ ક્ષેત્રના અગ્રણીઓએ આ મુદ્દે પણ વિચારણા કરવી રહી. જેથી મેક્સિમમ લોકો સુધી સારી ફિલ્મ પહોંચી શકે. હવે ક્યારેક ક્યારેક ૯૯ રૂપિયામાં ટિકિટ વગેરે જેવા પ્રયત્નો થાય છે, પણ એ અપૂરતા છે.
જો ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને સિનેમાઘરોનું ભાવિ સુરક્ષિત રાખવું હોય તો કેન્દ્ર સરકારે જીએસટી અને વિવિધ રાજ્ય સરકારોએ તેમના દ્વારા લગાવાતા લોકલ બોડી એન્ટરટેનમેન્ટ ટેક્સ પર પણ ફેર વિચારણા કરવી જોઈએ. જે ક્યારેક ટિકિટ દીઠ ત્રીસ ટકાથી ઉપર સુધી પહોંચી જાય છે.
ગુજરાતમાં સિનેમાની ટિકિટ પર મલ્ટિપ્લેક્સ દ્વારા લગાવાતો સવસ ટેક્સ દેશભરમાં સૌથી વધુ છે ત્યારે સિનેમાપ્રેમીઓ અને મેકર્સે આ મુદ્દે ગંભીરતાથી વિચારવું જોઈએ.
ફ્રી હિટ
ચંબલમાંથી નિવૃત્ત થયેલા ડાકુઓએ મલ્ટિપ્લેક્સમાં ફૂડ સ્ટોલ નાખ્યા છે! ક્યારેક એવું પણ બની શકે કે સગ્ગી ગર્લફ્રેન્ડને લઈને મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોવા જનારો યુવાન પાપકોર્નના ભાવ સાંભળીને ફૂડ કાઉન્ટરવાળાને ભડાકે દઈને નકસલવાદી બની જવાનો! હોવ...


