Get The App

લક્ષ્ય પાસે બોલિવુડને બેસ્ટ બનાવવાનો નુસખો છે

Updated: Oct 2nd, 2025

GS TEAM

Google News
Google News
લક્ષ્ય પાસે બોલિવુડને બેસ્ટ બનાવવાનો નુસખો છે 1 - image

બોલીવૂડમાં કોઈ ન્યુકમ એક્ટરે સફળ થવું હોય તો એણે સૌપ્રથમ પેશન્સ (ધીરજ)નો ગુણ કેળવતા શીખવું જરૂરી છે. તમે પેશન્સને સિનેમામાં સક્સેસ મેળવવા માટેની પહેલી પૂર્વશરત ગણી શકો. યુવા એક્ટર લક્ષ્યનો દાખલો તાજો છે. શાહરુખ ખાનની જેમ દિલ્હીથી ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવવા મુંબઈ આવેલા લક્ષ્યને કરિઅરની શરૂઆતમાં જ બે મોટા આંચકા લાગ્યા. એની મેરશોરથી લોન્ચ થયેલી બબ્બે મૂવીઝ 'દોસ્તાના-૨' અને 'બેધડક' પર શુટિંગ શરૂ થાય એ પહેલા જ પડદો પડી ગયો. એ શોક (આંચકા)ને એક્ટરે કઈ રીતે હેન્ડલ કર્યો, ધીરજ રાખવા શું કર્યું એવું પૂછાતા પોતાની ડેબ્યુ ફિલ્મ 'કિલ'થી ન્યુસમાં આવનાર લક્ષ્ય લાલવાની કહે છે, 'દિલ મેં એક જિદ થી કિ લાઈફ મેં કુછ બડા કરના હૈ. પાછા ફરવાનો કોઈ રસ્તો જ નહોતો એટલે મનમાં નક્કી કર્યું કે ટકી રહો, જે મહેનત કરો છો એ કરતા રહો. આજે નહીં તો આવતી કાલે નહિ તો પરમ દિવસે એક દિન તુમ્હારા ટાઈમ આયેગા. રાહ જોવાનો સવાલ હોય છે. તમને સફળ થવામાં જેટલો લાંબો સમય લાગે એટલે વધુ તમે લાંબી કરિઅર માટે તૈયાર થાવ. એના ફળ પણ મીઠા હોય છે. દાખલા તરીકે વેબ સીરિઝ બેડ્સ ઓફ બોલીવૂડ માટે અમે બધાએ ૩ વરસ વાટ જોઈ. આર્યન ખાનને તો ઉસસે ભી જ્યાદા ઇન્તઝાર કિયા. એ તો ઘણાં સમય પહેલાથી સ્ક્રિપ્ટ લખી રહ્યો હતો. ઈન શોર્ટ, આ શો અમારા બધાના શ્રમ, જિદ અને આક્રોશની ફળશ્રુતિ છે. પોતાને પુરવાર કરવાની અમારી હઠ હતી.'

સ્ટ્રગલ પીરિયડ દરમિયાન તમને એક આઉટસાઇડર તરીકે પોતાની કઈ ખામી અને કઈ તાકાતની પ્રતીતિ થતી એવું પોડકાસ્ટમાં પૂછાતા લક્ષ્ય માંડીને જવાબ આપે છે, 'સૌથી મોટી કમી મને એક જ વાતની લાગતી. મને થતું કે આ (ફિલ્મી) દુનિયા સાવ અલગ છે. એટલે કદાચ હું એને સમજી નહિ શકું. એટલે હું આ દુનિયા મુજબ પોતાને બદલવાના પ્રયાસમાં લાગી ગયો. ઇન્ડસ્ટ્રીની જારગોનમાં બોલવા માંડયો, અહીંની ફેશન પ્રમાણે કપડાં પહેરતો થયો અને બધા જ્યાં જાય છે એ જગ્યાએ જવા લાગ્યો. ઉદ્દેશ એક જ હતો કે હું ઇન્ડસ્ટ્રીનો હિસ્સો બની જાઉં. પરંતુ થોડા વખત પચી મને બત્તી થઈ કે યાર, હું દિલ્હીનો છું એ જ તો મારી તાકાત છે. હું બારમું પાસ છું. મારા પપ્પા પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરે છે અને મમ્મી બુટિક ચલાવે છે. એ જ તો મારી ખરી ઓળક છે. હું એને શા માટે ખોઈ દઉં? આ હકીકત જ્યારે મને સમજાઈ ત્યારે મારું બેકગ્રાઉન્ડ મારી સ્ટ્રેન્થ બની ગી. આજે હું એકદમ ઠરીઠામ છું અને ખુશ છું.'

યોગાનુયોગ જુઓ કે આર્યન ખાનના વેબ શો 'બેડ્સ ઓફ બોલીવૂડ'માં લક્ષ્ય એની રિયલ સ્ટોરી મુજબ આઉટ સાઇડરમાંથી સ્ટાર બનતા એક ન્યુકમરના રોલમાં છે. એક ઈવેન્ટમાં શાહરુખ ખાન લક્ષ્યને ફિલ્મના પડદા પર હીરો તરીકે કઈ રીતે એન્ટ્રી કરવી એ શીખવાડાતા હોય એવો વીડિયો વાયરલ થયો હતો. એ જોઈને એક્ટરને એવું પૂછાવું સ્વાભાવિક હતું કે કિંગ ખાનનો તમારી લાઈફ પર કેટલો પ્રભાવ છે? એનો ઉત્સાહભેર ઉત્તર આપતા દિલ્હી હોય કહે છે, 'મારી ડેબ્યુ ફિલ્મ કિલનું શુટિંગ ચાલતું હતું ત્યારે સતત ૪૦-૫૦ દિવસ રોજ એક્શન, મારધાડના સીન કરી હું નિચોવાઈ ગયો હતો. ક્યારેક મનમાં એવો વિચાર આવતો કે આજે માંદો છું એવું બહાનું કરીને શુટિંગ પર ન જાઉં. ત્યારે મને શાહરુખ સરની સ્પિચ અને એમની ટેડ ટોક સાંભળવા મળી. એ સાંભળ્યા બાદ એક અલગ પ્રકારની એનર્જી આવી જાય છે. દિલમાં એક આગ પેટે છે. એથી હવે જ્યારે પણ મૂડ ન હોય ત્યારે સરની સ્પિચ સાંભળી લઉં છું.'

છેલ્લે મિસ્ટર લાલવાનીને એક પેચીદો સવાલ કરાય છે કે બોલીવૂડમાં શું બદલાવ જોઈએ કે એ બેડમાંથી બેસ્ટ બની જાય? હજુ તો માંડ બે પ્રોજેક્ટમાં દેખાયેલો એક્ટર એનો પ્રેક્ટીકલ ઉપાય સૂચવે છે, 'તમે સોશિયલ મીડિયા જોવાનું બંધ કરી દો તો આપોઆપ સારી મૂવીઝ બનવા માંડશે. આજે એવું થાય છે કે લોકો (એટલે કે ફિલ્મમેકર્સ) આજે શું ચાલે છે, શું વધુ જોવાય છે એ વધુ વિચારે છે. એને બદલે અમે શું બનાવી રહ્યા છીએ, શું બનાવવા ઇચ્છીએ છીએ. એના પર ફોકસ કરાય તો બધું એની મેળે બદલાઈ જશે.'