કુછ ખોયા, કુછ પાયા 2025ના પૂર્વાર્ધનાં લેખાજોખાં
વર્ષ ૨૦૨૫નો પૂર્વાર્ધ સમગ્ર ભારત માટે ખાસ્સા ચડાવ-ઉતારવાળો રહ્યો. પહેલગામ હુમલાની કરૂણાંતિકા અને તેની જવાબી કાર્યવાહીમાં હાથ ધરવામાં આવેલું 'ઓપરેશન સિંદૂર' સામાન્ય લોકોમાં ચર્ચાના કેન્દ્રસ્થાને રહ્યાં. જોકે તેને કારણે ફિલ્મોદ્યોગના બિઝનેસ પર ઝાઝી અસર ન પડી. એક અભ્યાસ અનુસાર મે મહિના સુધી રજૂ થયેલી સઘળી ફિલ્મોનો સહિયારો બિઝનેસ લગભગ ૪,૮૧૨ રૂપિયા જેટલો થયો હતો. આ નફો ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન થયેલા બિઝનેસ કરતાં ૨૭ ટકા વધારે છે.
જાન્યુઆરી
સોનુ સુદની 'ફતેહ' (રૃા.૧૨.૮૫ કરોડ), રાશા થડાણી અને આમન દેવગણને ચમકાવનાર 'આઝાદ' (રૃા.૬.૩૨ કરોડ), કંગના રણૌતની 'ઇમરજન્સી' (રૃા.૧૬.૫૨ કરોડ) જ્યારે શાહિદ કપૂરની 'દેવા'એ ખાસ હાજરી નહોતી નોંધાવી. જ્યારે અક્ષયકુમારને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી 'સ્કાય ફોર્સ' વત્તાઓછા અંશે ચાલી હતી.
ફેબુ્રઆરી
વિકી કૌશલની 'છાવા'એ આ વર્ષે સૌથી સારો દેખાવ કર્યો છે. ૧૩૦ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ પિરિયડ ફિલ્મે ૬૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. બીજી બાજુ, ૬૦ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી અને જુનૈદ ખાન તથા ખુશી કપૂરને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી 'લવયાપા' ફક્ત સાત કરોડનો બિઝનેસ જ કરી શકી હતી.
માર્ચ-એપ્રિલ
સની દેઓલની 'જાટ'ને ૮૯.૫૦ કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. અક્ષયકુમારની 'કેસરી ચેપ્ટર-૨' પણ ઠીક ઠીક ચાલી, જ્યારે ૨૦૦ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી સલમાન ખાનની 'સિકંદર' સદંતર નિષ્ફળ ગઈ હતી.
મે
આ મહિનામાં અજય દેવગણને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી 'રેડ-ટુ'એ સો કરોડની ક્લબમાં એન્ટ્રી લેવા સાથે ૧૭૩.૨૮ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તેવી જ રીતે રાજકુમાર રાવ અને વામિકા ગબ્બીની જોડીને રજૂ કરતી 'ભૂલ ચુક માફ'ને પણ ૭૪.૧૮ કરોડ રૂપિયાનો બિઝનેસ મળ્યો હતો.
જૂન
આ મહિનામાં રજૂ થયેલી 'હાઉસફુલ-૫'ને બહોળો પ્રતિસાદ મળ્યો, જ્યારે કાજોલની હૉરર-માયથોલૉજિકલ 'માં' ધીમા પગલે આગળ વધી રહી છે. જાણકારો કહે છે કે વર્ષ ૨૦૨૫નો પૂર્વાર્ધ બૉલીવૂડ માટે નોંધપાત્ર નથી રહ્યો. 'છાવા' સિવાયની કોઈપણ ફિલ્મ ખરા અર્થમાં બ્લોકબસ્ટર નથી રહી. જોકે 'રેડ-ટુ' અને 'જાટ'નો દેખાવ સારો રહ્યો. તેવી જ રીતે 'ભૂલચુક માફ'ને થિયેટર અને ડિજિટલ રજૂઆત વચ્ચેના બે અઠવાડિયામાં પણ સારો પ્રતિસાદ મળ્યો. વાસ્તવમાં મધ્યમ અને નાના બજેટની ફિલ્મો સિનેગૃહોમાં ચાલે તે જરૂરી છે. આમેય આપણે ત્યાં બિગ બજેટ ફિલ્મો ઝાઝી નથી બનતી. આમ છતાં 'સિકંદર'ની સરિયામ નિષ્ફળતા આંચકાજનક ગણાય. કોરોનાકાળ પહેલા આવી ફિલ્મોને બહોળો પ્રતિસાદ મળતો હતો.
આ વર્ષના પૂર્વાર્ધની
સફળ ફિલ્મો
છાવા : ૬૦૦.૧૦ કરોડ
રેડ-ટુ : ૧૭૮.૦૮ કરોડ
હાઉસફુલ-૫ : ૧૫૬.૪૦ કરોડ
નિષ્ફળ ફિલ્મો
સિકંદર : ૧૦૩.૪૫ કરોડ
દેવા : ૩૨.૦૭ કરોડ
લવયાપા : ૭.૦૪ કરોડ