Get The App

કુબેર: ભલે બોક્સ ઓફિસે નિસ્તેજ રહી, પણ...

Updated: Jul 24th, 2025

GS TEAM

Google News
Google News
કુબેર: ભલે બોક્સ ઓફિસે નિસ્તેજ રહી, પણ... 1 - image


- સંજય વિ. શાહ 

- ધનુષની આ ફિલ્મ મોટા પડદે ના જોઈ હોય તો નાના પડદે જોવા જેવી છે. સાથે, નાગાર્જુન, રશ્મિકા મંદાના અને જિમ સર્ભ જેવાં કલાકારો પણ એમાં એકદમ બંધબેસતાં પાત્રમાં છે

એકની એક ફિલ્મ મોટા પડદે જોવામાં અને નાના પડદે, ઓટીટી પર જોવામાં શો ફરક પડે? ધનુષ, રશ્મિકા મંદાના અને નાગર્જુનની ફિલ્મ 'કુબેર' મહિના પહેલાં મોટા પડદે આવી હતી. બોક્સ ઓફિસના આંકડા કહે છે કે ફિલ્મને અપેક્ષિત સફળતા નથી મળી અને નિર્માણખર્ચ પણ (બોક્સ ઓફિસનો સવાલ છે ત્યાં સુધી) પાછો આવ્યો નથી. હવે ફિલ્મ ઓટીટી (પ્રાઇમ) પર આવી છે. જેઓએ એને સિનેમાઘરમાં જઈને નથી જોઈ એમાંના ઘણા એને ઘેરબેઠા જોઈ રહ્યા છે. અનેક દર્શકોને એ ગમી પણ રહી છે. એવું કેમ થાય કે ટિકિટ લઈને ફિલ્મ જોવાની આવે ત્યારે ઘણા આનાકાની કરે પણ પછી, આ રીતે, ટેસથી જુએ?

૧૯૯૯માં અમિતાભ બચ્ચન અભિનિત ફિલ્મ 'સૂર્યવંશમ' આવી હતી. એના દિગ્દર્શક ઈ.વી.વી. સત્યનારાયણ હતા. બોલિવુડમાં એમનું ત્યારે નામ નહીં અને આજે પણ દર્શકો એમનાથી ખાસ પરિચિત નથી પણ, 'સૂર્યવંશમ' પહેલાં સત્યનારાયણ બે ડઝનથી વધુ ફિલ્મો બનાવી ચૂકેલા. ચોપન વરસની નાની વયે અવસાન પામેલા આ દિગ્દર્શકે કારકિર્દીમાં એકાવન ફિલ્મો બનાવી હતી. એમાંની એક જ હિન્દી હતી. થયું એમ કે 'સૂર્યવંશમ'ની રિલીઝ સમયે અમિતાભ બચ્ચનનો સિતારો ગદશમાં હતો. દર્શકો એમને જોવા સિનેમાઘરોમાં જતા નહોતા. પરિણામે, ફિલ્મને જોઈએ એવો પ્રેમ ના મળ્યો. જોકે બોક્સ ઓફિસ પર એણે રોકાણથી લગભગ બમણા પૈસા બનાવ્યા હતા. પછી ફિલ્મ નાના પડદે આવી. ત્યારે ઓટીટી પ્લેટફોર્મ્સ નહોતાં એટલે સેટેલાઇટ ચેનલ, સોની મેક્સ પર ફિલ્મ આવી. એણે રીતસર તડાકો બોલાવી દીધો. એક અંદાજ મુજબ આ ફિલ્મને નાના પડદે ત્રીસેક કરોડ લોકોએ જોઈ હશે. ચેનલને એનાથી ગજબ નફો થયો છે. એટલે સોની મેક્સ પર વરસો સુધી છાશવારે 'સૂર્યવંશમ' ટેલિકાસ્ટ થતી જ રહી, થતી જ રહી... 

'કુબેર' (એનો સ્પેલિંગ આપણને ફિલ્મનું નામ કુબેરા હોય એવું પ્રતીત કરાવે છે) ભલે 'સૂર્યવંશમ' નથી પણ એ જોવા જેવી છે જ. 

તિરુપતિમાં દેવના દ્વારે ભીખ માગતા મુફલિસ દેવા (ધનુષ) સહિત ચારેક ભિખારીઓને એકાએક એક અમીરને ત્યાં નોકરી મળે છે. પગારમાં મળવાનાં છે ભોજન-રહેઠાણ. એમને એમના સ્થાનેથી ઉઠાવીને મુંબઈ લાવવામાં આવે છે. કંગાલિયતથી બહાર લાવવા એમના અવતાર બદલવામાં આવે છે. એમને કહેવાતા કામે રાખનાર, નીરજ મિત્રા (જીમ સર્ભ)નો આશય મેલો છે. એના માટે કામ કરતા ભૂતપૂર્વ અને ઇમાનદાર સીબીઆઈ અધિકારી દીપક (નાગાર્જુન)ની ભલામણે આ ચારેયના નામે દસ હજાર કરોડ રૂપિયા થવાના છે જે વાસ્તવમાં કાળાં ધનને સફેદ કરવાનો કારસો છે. સરકારી તેલકૂવાને નીરજે ભ્રષ્ટાચારની મદદથી ગજવે કર્યા પછી એણે કડદા કરવાના છે. હવાલા માટે ભિખારીથી સારા ઉમેદવાર કોણ, જેમના અસ્તિત્વની કોઈને પડી ના હોય, જેઓ નિરક્ષર, નોધારા અને નબળા હોય?

ફિલ્મની કથા રિયલી જુદી છે. એ એનો સૌથી સબળ પોઇન્ટ છે જેને લીધે એ જોવી ગમે છે. નથી બિનજરૂરી હીરોગીરી, નથી નકામો લવ એન્ગલ કે નથી કોઈ કથા વિરુદ્ધના નખરા. વત્તા, કલાકારો બહુ સરસ. ધનુષ (ઘણાનો મત છે કે આ ફિલ્મ માટે એને સર્વોચ્ચ એવોર્ડ્સ મળવા જોઈએ અને એ ઘણે અંશે સાચો છે), નાગાર્જુન, જિમ ત્રણેય એકદમ પાત્રોચિત છે. રશ્મિકા પણ બિલકુલ એવી જેવી એના પાત્રની ડિમાન્ડ છે. ફિલ્મમાં કઠે એવી બાબત એટલે લંબાઈ, પૂરા ત્રણ કલાક. છતાં, અહીંતહીંની ખામીઓ જતી કરો તો ફિલ્મ જોવામાં ખાસ કંટાળો આવતો નથી.

 ધનુષ આપણે ત્યાં અંડરરેટેડ અભિનેતા છે. અભિનેતા ઉપરાંત એ નિર્માતા, દિગ્દર્શક, ગીતકાર અને ગાયક પણ છે. 'કોલાવેરી ડી' ગીતથી અને પછી 'રાંજણા', 'શમિતાભ', 'અતરંગી રે' જેવી ફિલ્મોથી એણે હિન્દી ફિલ્મોના દર્શકોમાં પણ પોતાનું સ્થાન બનાવ્યું છે.

'કુબેર' ઓટીટી પર જોવાશે, સિનેમાઘરમાં જોવાઈ એનાથી વધુ જોવાશે. ધીમેધીમે પણ એ દર્શકોને ગમવાની. એક ચોખ્ખી અને જુદા વિશ્વમાં દોરી જતી ફિલ્મ તરીકે એ લોકહૃદયે વસી શકવાની તાકાત ધરાવે છે. સમય ફાળવીને એકવાર એનો આનંદ માણજો, આનંદ થશે.     

Tags :