Get The App

ક્રિસ્ટલ ડિસોઝાએ 'ધુરંધર'ના નામે આત્મ-પ્રશંસા કરી લીધી

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News
Google News
ક્રિસ્ટલ ડિસોઝાએ 'ધુરંધર'ના નામે આત્મ-પ્રશંસા કરી લીધી 1 - image

- 'રણવીર સિંહ સેટ પર બહુ જ અલગ પ્રકારની પોઝિટીવ એનર્જી લઈને આવે છે અને એને કારણે બધાનું કામ એકમદ આસાન થઈ જાય છે.' 

સફળતામાં ભાગ પડાવવા સૌ તૈયાર થઈ જાય છે. માનવીની એ મૂળભૂત વૃત્તિ છે. આદિત્ય ધરની સુપરડુપર હિટ ફિલ્મ 'ધુરંધર' સિનેમાઘરોમાં રિલિઝ થયાને એક મહિના ઉપર થઈ ગયો. એ દરમિયાન એક પણ એવો દિવસ નહીં ગયો હોય જ્યારે 'ધુરંધર' સાથે જોડાયેલી કોઈ વ્યક્તિનો ઈન્ટરવ્યુ મીડિયામાં સાંભળવા કે વાંચવા ન મળ્યો હોય. ફિલ્મની કાસ્ટથી લઈને ક્રુ સુધી બધા મૂવી સાથે જોડાવાનો પોતાનો અનુભવ શેર કરવાના નામ ેપોતાનું નામ પબ્લિકમાં રમતું રાખી રહ્યા છે. તેઓ એવું પ્રતિપાદન કરવા ઇચ્છે કે 'ધુરંધર'ની સકસેસમાં અમારું પણ યોગદાન છે.

હવે આ ક્લબમાં એકટ્રેસ ક્રિસ્ટલ ડિસોઝાનો ઉમેરો થયો છે. ક્રિસ્ટલ લગભગ સાડા ત્રણ કલાક લાંબી ફિલ્મમાં માત્ર એક આઈટમ સોંગ 'શરારત' પુરતી દેખાય છે. છતાં એ દાવો કરે છે કે ગીતમાં મારા ડાન્સના જે ઢગલા મોઢે વખાણ થયા છે એ જાણીને હું ભાવવિભોર થઈ ગઈ છું. 'મને ડાન્સ કરવામાં આનંદ આવે છે, મજા પડે છે પણ મેં મારી કરિઅરમાં અગાઉ ક્યારેય ફુલફ્લેજડ ડાન્સ નંબર કર્યો નહોતો. ખાસ કરીને આવા મોટા ફલક પર બનેલી બિગ બજેટ ફિલ્મમાં તો નથી જ કર્યો. શરારત સોંગે એક પરફોર્મર તરીકે મારી પરીક્ષા લીધી છે એવું હું કહીશ,' એમ અભિનેત્રી કહે છે.

એક ઇન્ટરવ્યુમાં ક્રિસ્ટલ ડિસોઝાની ઉલટતપાસ લેવા પૂછાયું કે ફિલ્મમાં તમને બહુ જ સીમિત સ્ક્રીન ટાઈમ મળ્યો છે છતાં તમે આ સોંગ કરવા માટે રાજી થઈ ગયા? ૩૫ વરસની એક્ટર પાસે એનો જવાબ પણ હાજર છે, 'ઇન્ડસ્ટ્રીમાં આટલાં વરસો ગાળ્યા બાદ એક્ટર માટે પોતાની ટેલેન્ટને સતત પડકારતા રહવાનું અને પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવાનું જરૂરી બની જાય છે. એટલે જ મને થયું કે મારે એક્ટર તરીકે આવું કાંઈક કરવું જોઈએ. મને ભલે સ્ક્રીન પર બહુ ટાઈમ ન મળ્યો હોય પણ આ સોંગ કરીને હું એક છાપ છોડી જઈશ એવો મને વિશ્વાસ હતો.'

'ધુરંધર'માં રણવીર સિંહ સાથે કામ કરવા વિશે વાત કરતા ડિસોઝા કહે છે, 'એની એનર્જીએ મારા અનુભવને એક ઊંચાઈ આપી રણવીર સેટ પર બહુ જ અલગ પ્રકારની પોઝિટીવ એનર્જી લઈને આવે છે અને એને કારણે બધાનું કામ આસાન થઈ જાય છે. સ્ટેજ પર એની સાથેનો ડાન્સ મારા માટે એક ચિરસ્મરણીય પળ બની રહેશે. હું બસ એટલું જાણું છું કે મને સોંગ કરવાની મજા પડી અને મને મારા પરફોર્મન્સ માટે મળેલો ફીડબેક ઉત્સાહપ્રેરક છે.'