Get The App

કૃતિકા કામરા : સારું કામ મેળવવા રાહ જોવી રહી

Updated: Sep 11th, 2025

GS TEAM

Google News
Google News
કૃતિકા કામરા : સારું કામ મેળવવા રાહ જોવી રહી 1 - image

- 'સારા પ્રોજેક્ટ માટે ઇન્તઝાર કરવો એ જ મારો સંઘર્ષ છે. એક અભિનેત્રી માટે મનગમતી ભૂમિકા મેળવવી લકઝરી લેખાય. કેટલીક વખત તેને માટે વર્ષો સુધી રાહ જોવી પડે.' 

કિતની મોહબ્બત હૈ', 'કુછ તો લોગ કહેંગે' જેવી ધારાવાહિકો, જાણીતા ફિલ્મ સર્જકના સિનેમા 'ભીડ', ત્રીજા પડદે 'તાંડવ' અને 'બમ્બઈ મેરી જાન' જેવી સીરિઝોમાં કામ કરીને કીર્તિ-કલદાર મેળવનાર અભિનેત્રી કૃતિકા કામરાની વધુ એક સીરિઝ 'સારે જહાં સે અચ્છા' તાજેતરમાં રજૂ થઈ. આ શોમાં ભારત-પાકિસ્તાનની કહાણી વણી લેવામાં આવી છે. ટચૂકડા પડદા પરથી અભિનય યાત્રા શરૂ કરનાર કૃતિકા ૭૦ એમએમનો પડદો અને ઓટીટી પણ ખુંદી વળી છે. તો શું એક માધ્યમમાંથી બીજા મીડિયામાં જવાનું તેને માટે આસાન હતું. આના જવાબમાં કૃતિકા કહે છે કે મેં છેલ્લે વર્ષ ૨૦૧૭માં ધારાવાહિક 'ચંદ્રકાંતા' કરી હતી. મારા મતે મારું એક પડદેથી બીજે અને બીજા પડદાથી ત્રીજા પડદે જવાનું કામ પૂરું થઈ ગયું છે. મેં ત્રણે પડદા પર મારું કૌવત પુરવાર કરી બતાવ્યું છે. મેં ટીવી છોડયું એ વાતને ઘણાં વર્ષ થઈ ગયાં છે. હવે હું તેના સામા છેડે છું. મેં 'મિત્રોં' અને 'ભીડ' જેવી ફિલ્મો કરી. અને 'બમ્બઈ મેરી જાન', 'ગ્યારહ ગ્યારહ' જેવા શો કર્યાં. મેં અત્યાર સુધી વિવિધ માધ્યમોમાં ઠીક ઠીક કામ કર્યું છે. હવે હું મારી કારકિર્દીમાં આગળ વધવા ઉત્સાહી છું. એક કલાકાર તરીકે મેં જેટલું કામ કર્યું છે તેનાથી હું સંતુષ્ટ નથી. મને હજી ઘણું કામ કરવું છે. હા, મને જે અને જેટલું કામ મળી રહ્યું છે, તેવી જ રીતે હું જેવું કામ પસંદ કરી રહી છું તેનાથી હું ખુશ છું.

અદાકારાને સારા કામ માટે રાહ જોવાનો પણ વાંધો નથી. તે કહે છે કે એક પ્રોજેક્ટ પૂરો કર્યા પછી બીજો સારો પ્રોજેક્ટ મેળવવા માટે હું થોડાં મહિના રાહ જોઈ શકું છું. મેં સારું કામ મેળવવા થોડો થોડો સમય રાહ જોવાની નીતિ અપનાવી તેને કારણે જ હું આ મુકામ સુધી પહોંચી શકી છું. મારા મતે અભિનય ક્ષેત્રે કામ કરવાની આ રીત જ શ્રેષ્ઠ છે. સારા પ્રોજેક્ટ માટે ઇન્તઝાર કરવો એ જ મારો સંઘર્ષ છે. એક અભિનેત્રી માટે મનગમતી ભૂમિકા મેળવવી લકઝરી લેખાય. કેટલીક વખત તેને માટે વર્ષો સુધી રાહ જોવી પડે. આજે પણ આપણા મનોરંજન જગતમાં મહિલાઓ માટે લખાયેલા શ્રેષ્ઠ કિરદાર મેળવવાનું કપરું છે.

કૃતિકાએ મધ્ય પ્રદેશના નાના ગામમાંથી આવીને મુંબઈમાં કીર્તિ-કલદાર રળ્યાં છે. અદાકારા તેનો યશ પોતાના પિતાને આપતાં કહે છે કે હું નાની હતી ત્યારથી મારા પિતા મને કહેતાં આવ્યાં છે કે તારે મોટા થયા પછી પગભર થવાનું છે અને પોતિકી ઓળખ જાળવી રાખવાની છે. મેં જાણે કે તેમની વાતનું અક્ષરશ: પાલન કર્યું છે. મારા પરિવારની હું પહેલી વ્યક્તિ છું જેણે મુંબઈ આવીને નામના મેળવી, પોતાનું ઘર ખરીદ્યું. હું મારા પરિવારજનોને ખુશ કરવા/રાખવા માગું છું.