Get The App

ક્રિતિકા કામરા : મારી આગામી ફિલ્મમાં મહિલાના રોજીંદા જીવનનું પ્રતિબિંબ છે

Updated: Feb 5th, 2026

GS TEAM

Google News
Google News
ક્રિતિકા કામરા : મારી આગામી ફિલ્મમાં મહિલાના રોજીંદા જીવનનું પ્રતિબિંબ છે 1 - image

- ફિલ્મનું દિગ્દર્શન મહિલાએ કર્યું છે : મહિલા કલાકારોની સંખ્યા પણ વધુ છે 

- મેં પીપલી લાઇવ જોઇ છે અને મને બેહદ ગમી છે.  હું એટલે જ તો અનુષા રિઝવી સાથે કામ કરવા ઇચ્છતી હતી. હવે મને ધ ગ્રેટ શમ્શુદ્દીન ફેમિલી ફિલ્મમાં તક મળી છે ત્યારે બહુ ખુશ છું.

ટેલિવિઝનના નાના પણ જબરા લોકપ્રિય પડદા પર મનોરંજનના જાતજાતના અને ભાતભાતના પ્રયોગો થઇ રહ્યા   છે.  ખાસ  કરીને થોડા સમયથી  ટીવી પર  અને  ઓવર ધ ટોપ(ઓટીટી) પર પારિવારિક સિરિયલો અને ફિલ્મો  રજૂ થઇ રંહી છે. 

હમણાં ધ ગ્રેટ શમ્શુદ્દીન ફેમિલી નામની ફિલ્મ વિશે બહોળી ચર્ચા થઇ રહી છે.  અનુષા રિઝવીના દિગ્દર્શનમાં બનેલી  આ ફિલ્મમાં  અભિનેત્રી ક્રિતિકા કામરા સહિત જૂહી બબ્બર, શ્રેયા ધન્વંતરી, જોયેતા દત્તા, નતાશા રસ્તોગી, ફરીદા જલાલ , શીબા ચઢ્ઢા, પૂરબ  કોહલી,નિશાંક વર્મા વગેરે કલાકારો છે.

અનુષા રિઝવી એટલે પીપલી લાઇવ(૨૦૧૦) ફિલ્મની દિગ્દર્શિકા હવે લગભગ ૧૫ વર્ષે  ફરીથી ધ ગ્રેટ શમ્શુદ્દીન ફેમિલી નામની ફિલ્મ સાથે આવી રહી છે. 

ક્રિતિકા કામરા કહે છે, મેં પીપલી લાઇવ જોઇ છે અને મને બેહદ ગમી છે.  હું એટલે જ તો અનુષા રિઝવી સાથે કામ કરવા ઇચ્છતી હતી. હવે મને ધ ગ્રેટ શમ્શુદ્દીન ફેમિલી ફિલ્મમાં તક મળી છે ત્યારે બહુ ખુશ છું. ખુશીની બાબત એ છે કે મારી સાથે હિન્દી ફિલ્મ જગતનાં બહુ અચ્છાં અને સિનિયર  કલાકાર ફરીદા જી હોવાથી મને તેમનું ભરપૂર માર્ગદર્શન મળ્યું  છે. સાથોસાથ જૂહી બબ્બર, શ્રેયા ધન્વંતરી, શીબા ચઢ્ઢા વગેરે   જેવી પ્રતિભાશાળી અને બુદ્ધિશાળી અભિનેત્રીઓ પણ હોવાથી મને બહુ આનંદ થયો છે. 

ધ ગ્રેટ શમ્શુદ્દીન ફેમિલી  ફિલ્મ ખરેખર તો એક કુટુંબમાં બનતા જુદા જુદા પ્રસંગો પર આધારિત છે. ફિલ્મમાં  કુટુંબનાં સભ્યોનું વ્યક્તિત્વ, પોતાની વસ્તુઓ અને સ્થાવર મિલકત, સૌથી મોટી દીકરીનું ખાસ પ્રકારનું વર્તન વગેરે પાસાં રજૂ થયાં છે.   

ક્રિતિકા કામરા  કહે છે,  હું  આ ફિલ્મમાં બાની અહમદનું પાત્ર ભજવું છું.હું  આમ તો મારા પરિવારમાં સૌથી મોટી નથી.આમ છતાં કુટુંબનાં  સભ્યોની નાની --મોટી સમસ્યા ઉકેલવામાં સહુને મદદરૂપ જરૂર થાઉં છું.  ખરું કહું તો આવા સદગુણો આપણા પોતાના જીવનના અનુભવોમાંથી મળે છે.  

મારા પાત્ર વિશે એવી વાત પણ થઇ રહી છે કે  મારા બાની અહમદના પાત્રને   ખુદ  દિગ્દર્શિકા અનુષા રિઝવીના જીવનમાંથી પ્રેરણા મળી છે. મેં શૂટિંગ દરમિયાન  એક વખત અનુષા રિઝવીને પૂછ્યું  પણ હતું કે તમે મારા પાત્ર  બાની અહમદે  જેવાં વસ્ત્રો  પહેર્યાં છે તેવાં જ કપડાં કેમ પહેર્યાં છે  ?  તમે  બાની અહમદ જેવાં કેમ લાગો છો ?  

ધ ગ્રેટ શમ્શુદ્દીન ફિલ્મમાં જુદી જુદી  મહિલાઓની રોજબરોજની જિંદગી કેવી હોય છે અને તેને કેવા કેવા અનુભવોમાંથી પસાર થવું પડે   છે તેનું અસરકારક દર્શન છે. સરળ રીતે સમજીએ તો  ફિલ્મમાં નારીના જીવનનો  સ્વચ્છ અરીસો બતાવવામાં આવ્યો છે.  

દિગ્દર્શિકા અનુષા  રિઝવી  કહે છે કે    હું એવી ફિલ્મ બનાવવા ઇચ્છતી હતી કે જેમાં ઘરની દીકરી તેના રોજબરોજના જીવનમાં   તેની મોટી કે નાની બહેન, મોટો ભાઇ કે નાનો ભાઇ, પિતરાઇ બહેન સહિત  કુટુંબની પહેલી અને  બીજી  પેઢીનાં સભ્યો  વગેરે સાથે  કેવો સંબંધ રાખે છે. નહીં કે ઘણી બધી સ્ત્રીઓ સાથે મળીને   પ્રવાસે જતી    હોય કે   કોઇ મોજમસ્તીસભર  કાર્યક્રમનું   ઝળહળતું આયોજન કર્યું હોય અને  નાચગાન થતાં  હોય,બધાં સ્વાદિષ્ટ વાનગીઓનો  આનંદ માણતાં   હોય.   

ક્રિતિકા કામરા ખુશી વ્યક્ત કરતાં કહે છે, ધ ગ્રેટ શમ્શુદ્દીન ફિલ્મ મારી ત્રીજી મહિલા પ્રધાન ફિલ્મ છે.  મેં   અગાઉ કૌન બનેગી શીખરવતી(૨૦૨૨) અને હશ હશ(૨૦૨૨) એમ બે  નારી પ્રધાન ફિલ્મોમાં કામ કર્યું  છે. ફિલ્મનિ દિગ્દર્શિકા ખુદ એક મહિલા હોય અને ફિલ્મમાં   મોટાભાગનાં   પાત્રો મહિલા   કલાકારો જ ભજવતી  હોય તો તેનો મને બેહદ આનંદ છે.   કોઇ ફિલ્મમાં ઘણા અભિનેતાઓ જ હોય  અને મહિલા પાત્રો  ઓછાં  હોય તેના કરતાં  આ અનુભવ ઘણો જુદો અને વિશિષ્ટ છે.