Get The App

કૃતિકા કામરા : હું ટીવી સ્ટારડમને ભૂલી નથી, એ તો અવિસ્મરણીય અનુભવ!

Updated: Dec 18th, 2025

GS TEAM

Google News
Google News
કૃતિકા કામરા : હું ટીવી સ્ટારડમને ભૂલી નથી, એ તો અવિસ્મરણીય અનુભવ! 1 - image

ભારતીય ટેલિવિઝન પર કામ કરી ઘર-ઘર જાણીતી બનેલી અભિનેત્રી કૃતિકા કામરા છેલ્લાં કેટલાંક વર્ષોથી ફિલ્મ અને વેબશોઝમાં અત્યંત વ્યસ્ત બની ગઈ છે. જો કે તેણે 'ગ્યારાહ ગ્યારાહ' અને 'તાંડવ' જેવા પ્રોજેક્ટ્સ સાથે જે પ્રશંસા અને પ્રેમ હાંસલ કર્યો તેનું સઘળું શ્રેય તેણે ટેલિવિઝન પર જે કર્યું તેને આપે છે. તેણે અભિનયમાં જે પ્રસિદ્ધિ હાંસલ કરી અને જે કાર્ય-નીતિ અપનાવી તેનું શ્રેય કૃતિકા ટેલિવિઝનને આપે છે અને આજ પદ્ધતિએ તેને ફિલ્મો અને વેબ-શોઝ પ્રસિદ્ધિ અપાવી છે. કૃતિકા કહે છે, 'મારો ટીવીનો અનુભવ મને ચોક્કસપણે કામ આવ્યો. સ્ક્રીન-એક્ટિંગના સિદ્ધાંતો દરેક જગ્યાએ લગભગ સમાન જ હોય છે. ટેક્નિકલ ભાગો બદલાતા નથી. વાસ્તવમાં ટીવી તો એક શ્રેષ્ઠ તાલીમ ભૂમિ છે, બેઝ છે.

ટીવી કલાકારો જે રીતે સ્થળ પર નવી લાઈનો અપનાવી અને તેને રજૂ કરી શકે છે. હું તો આવું બીજા કોઈને પણ કરવાનો પડકાર ફેંકું છું. લક્ષ્ય હાંસલ કરવા માટે સક્ષમ બનવું, ઓછામાં ઓછા ટેકમાં ઝડપથી ઇમ્પ્રુવાઇઝ કરવું એ તો ટીવી કલાકારોની અનેરી શક્તિ છે. ખરેખર તો ટીવી એક વોલ્યુમ-ગેમ છે. તે ગુણવત્તા કરતાં જથ્થા પર વધુ આધાર રાખે છે. તેથી તમે દરરોજ ઘણુંબધુ કરી રહ્યા છો, તમે ચોક્કસપણે વધુ સારા થશો. ટેલિવિઝન કલાકારો તો નિર્માતાના કલાકારો હોય છે,' એમ કૃતિકાએ જણાવ્યું હતું.

આ સાથે જ કૃતિકા ઉમેરે છે, 'મને લાગે છે કે મેં ટીવીનો કેટલોક શ્રેષ્ઠ સમય નિહાળ્યો છે.' 'કુછ તો લોગ કહેંગે'ની આ અભિનેત્રીને પૂછો કે 'શું તું ટીવીના દિવસોમાં તેં જે સ્ટારડમ હાંસલ કર્યું હતું-તેનો ઉપભોગ કર્યો હતો તેને તું શું મિસ કરી રહી છે?- તેમાંય ખાસ કરીને 'કિતની મોહબ્બત હૈ' શોના સમયકાળમાં!' તો આ પ્રશ્નનો ઉત્તર આપતા કૃતિકા કહે છે, 'હું મારી જાતને હજુ પણ ભાગ્યશાળી માનું છું કે આજે પણ ઘણા લોકો મારી પાસે આવે છે અને કહે છે કે અમે તમે આ શોમાં જોયા હતા, અમે તમને પેલા શોમાં નિહાળી હતી. મને હજુ પણ ટેલિવિઝન પરના મારા કામ માટે ઘણો પ્રેમ મળે છે અને તેથી જ મેં ક્યારેય તેનો ઈનકાર કર્યો નથી. હું તેને ખૂબ જ ગર્વથી સ્વીકારું છું. ટીવીએ તો મને અત્યારે હું જે છું તે બનાવી છે અને લોકો હજુ પણ મારા શોઝને યાદ રાખે છે. હું તેને (સ્ટારડમ) મારી રીતે મિસ કરતી નથી કેમ કે મેં તેનો શ્રેષ્ઠ ભાગ નિહાળ્યો છે-માણ્યો છે. જ્યારે હું ખૂબ નાની હતી ત્યારે તેવું મારી સાથે બન્યું હતું.' 

કૃતિકા તેના જૂના શોને પ્રેમથી યાદ કરે છે, જેમાં કરણ કુન્દ્રા હતો. આ સંદર્ભે જ્યારે કૃતિકાને પૂછવામાં આવ્યું કે શું તે હજુ પણ તેના ભૂતપૂર્વ સહ-કલાકારો સાથે સંપર્કમાં છે, જેની સાથે તે સંકળાયેલી હતી? આ પ્રશ્નનો ઉત્તર આપતા કૃતિકા શેર કરે છે, 'કલાકારો તો સર્જનાત્મક રીતે ભટકતા હોય છે. ઘણીવાર તમે કોઈ ચોક્કસ પ્રોજેક્ટ માટે શુટિંગ કરી રહ્યા હો છો અને તમે તે લોકો (સહ-કલાકારો)ની ખરેખર નિકટ આવો છો, પરંતુ પછી જીવન તમને અલગ-અલગ દિશામાં લઈ જાય છે. જ્યારે હું કંઈક કરી રહી હોઉં છું ત્યારે ખૂબ જ નિકટથી જોડાયેલી હોઉં છું અને મને હંમેશા એવા લોકો માટે પ્રેમ અને આદર રહેશે, જેમની સાથે મેં પહેલા કામ કર્યું છે, પરંતુ પછી સમય જતાં લોકો પોતાના માર્ગે જઈ શકે છે, એટલે કે પુખ્ત મિત્રા એટલે શું? તે સમાપ્ત થઈ જાય છે-પૂરી થઈ જાય છે અને આપણે તે હકીકતને ભૂલી જવી પડતી હોય છે,' એમ કૃતિકા કામરાએ જણાવ્યું હતું.