Get The App

કૃતિ સેનનની સિનેમેટીક દોડ રોમેન્ટિક કોમેડીથી એક્શન ફિલ્મો સુધી

Updated: Jul 25th, 2025

GS TEAM

Google News
Google News
કૃતિ સેનનની સિનેમેટીક દોડ રોમેન્ટિક કોમેડીથી એક્શન ફિલ્મો સુધી 1 - image


- કૃતિ સેનનની કારકિર્દીનો હાલ સુવર્ણ તબક્કો  ચાલી રહ્યો છે એ તો નક્કી. એ કમર્શિયલ મેઇનસ્ટ્રીમ ફિલ્મો પણ કરે છે અને જેમાં તગડી અભિનયક્ષમતાની જરૂર પડે તેવી ફિલ્મો પણ કરે છે. આ બન્ને વચ્ચે સંતુલન જાળવવું સહેલું નથી

- કોકેટલ-ટુ પછી કદાચ ડોન-3માં પણ દેખાશે

કૃતિ સેનન માટે આ વર્ષ ઝંઝાવાતી રહ્યું છે અને તેની વ્યાવસાયિક પ્રતિબદ્ધતાની સતત પ્રશંસા થતી રહે છે. 'તેરે ઈશ્ક મેં'ની તીવ્ર ભાવનાત્મક સફરમાંથી ક્રિતી હવે સીધી મેડડોક ફિલ્મની ઓફિસમાં દેખાતા તેના આગામી પ્રોજેક્ટો વિશે અફવાને બળ મળ્યું છે. 'કોકટેલ-ટુ' અને અતિ અપેક્ષિત 'ડોન-૩' સહિતની ઈર્ષ્યા પમાડે તેવી યાદીથી કૃતિની કારકિર્દી સ્વપ્ન સમી ભાગી રહી છે અને બોલિવુડની અગ્રણી નાયિકા તરીકે તેનું સ્થાન સતત મજબૂત કરતી રહી છે.

આનંદ એલ. રાય નિર્મિત અને હિમાંશુ શર્મા લિખિત 'તેરે ઈશ્ક મેંનુ' શૂટ પૂરુ કરીને કૃતિ 'કોકટેલ ટૂ'નું શૂટ શરૂ કરવા અગાઉ ટૂંકી રજા લીધી છે. આ ફિલ્મનું શૂટ ઓગસ્ટમાં શરૂ થવાની સંભાવના છે. 'તેરે ઈશ્ક મેં'માં ધનુષ સાથે કૃતિએ મુક્તિનું જટિલ પાત્ર નિભાવ્યું છે. આ ફિલ્મ શક્તિશાળી અને આવેશભરી પ્રેમ કહાની હોવાનું માનવામાં આવે છે.

કૃતિએ સોશિયલ મીડિયા પર શૂટ પૂરુ થયાની જાહેરાત કરીને પડદા પાછળના ફોટા શેર કર્યા. તેણે આ ફિલ્મને ભાવનાત્મક અને શારીરિક રીતે તીવ્ર ઉતાર ચડાવવાળી ગણાવી. ફિલ્મમાં ક્રિતી અને ધનુષની કેમિસ્ટ્રીએ ચાહકોમાં અત્યારથી ઉત્સુક્તા જગાડી છે.

અહેવાલો મુજબ કૃતિએ તાજેતરમાં જ 'તેરે ઈશ્ક મેં'નું શૂટ પૂરુ કર્યું છે અને હવે તે ઓગસ્ટમાં 'કોકટેલ-ટુ'નું શૂટ શરૂ કરશે. તેનું સમયપત્રક ચક્કાજામ છે, પણ કૃતિ સરળતાથી અને પૂર્ણ એકાગ્રતાથી આ બધુ સંભાળી રહી છે. હાલ તે બોલીવૂડમાં સૌથી વધુ માગ ધરાવતા અભિનેત્રી પૈકી એક બની છે. માટે જ ક્રિતી વૈવિધ્યસભર ભૂમિકા પસંદ કરવા ઉપરાંત અત્યંત ગણતરીપૂર્વકની તીવ્રતા સાથે પોતાની અભિનય ક્ષમતા તેમજ વેપારી કુનેહ બંને નિભાવીને બોલીવૂડના અતિ ઝડપી વિશ્વમાંથી પસાર થઈ રહી છે.

કૃતિની યાદીમાં હવે ૨૦૧૩ની શહેરી રોમ-કોમ કોકટેલની સીક્વલ 'કોકટેલ-ટુ' છે. અગાઉની ફિલ્મમાં સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણે અને ડાયેના પેન્ટીએ અભિનય કર્યો હતો. મૂળ ફિલ્મમાં પ્રેમ, મૈત્રી અને ભાવનાત્મક વિકાસના સાર હતા અને એ ફિલ્મ સંગીત તેમજ પરફોર્મન્સની દ્રષ્ટિએ આઈકોનિક રહી હતી. સીક્વલમાં નવો ત્રિકોણ, ક્રિતી સેનન, શાહિદ કપૂર અને રશ્મિકા મંદાનાને રજૂ કરવામાં આવતા આ ફિલ્મ પણ સમાન ભાવનાત્મક સાર પર આધુનિક અને યુવા અભિગમ રજૂ કરશે તેવી અપેક્ષા છે. નવી કાસ્ટીંગ સાથે સમગ્ર ઊર્જાનું કેવી રીતે પરિવર્તન થાય છે અને આ સીક્વલમાં કેવી રીતે તે કલ્ટ લોકપ્રિય બને છે તે જાણવા ચાહકો આતુર છે.

પણ આ પુષ્ટી કરેલા પ્રોજેક્ટ સાથે સમાચારમાં ચમકવા ઉપરાંત કૃતિએ ફરહાન અખ્તરની એક્શન થ્રિલર ફ્રેન્ચાઈસીની રિબૂટ 'ડોન ૩'માં સંભવિત પ્રવેશ સાથે ખરો ઝંઝાવાત સર્જ્યો છે. મૂળ જાહેરાતમાં રણવીર સિંહ સાથે કિયારા અડવાણી મુખ્ય રોલમાં હતી, પણ હવે કિયારા તેની પ્રેગનન્સીને કારણે પ્રોજેક્ટમાંથી નીકળી જતા ફિલ્મ વિશે અનેક અટકળો વહેતી થઈ છે. કિયારાની એક્ઝિટથી હવે નવી હીરોઈનના પ્રવેશની જગ્યા ખાલી થઈ છે અને તેમાં કૃતિ સેનનનું નામ સૌથી ટોચ પર છે.

અફવાને ત્યારે બળ મળ્યું જ્યરે ક્રિતી ફરહાન અખ્તરની ઓફિસની વારંવાર મુલાકાત લેતી જણાઈ. અફવામાં વધારો એક વાયરલ વીડિયોએ કર્યો જેમાં પત્રકારોએ તેનો લેડી ડોન તરીકે ઉલ્લેખ કર્યો. ક્રિતીએ અફવાની પુષ્ટી અથવા ઈન્કાર તો ન કર્યો પણ એક રહસ્યમય સ્મિત સાથે પ્રતિસાદ આપતા ચાહકો અને મીડિયાએ તેને મૂક પુષ્ટી તરીકે માની લીધુ.

સોશિયલ મીડિયા તાણાવાણા જોડવામાં  ઝડપી રહ્યું. કિયારાએ અંગત કારણસર 'ડોન-૩' છોડયું હોવાથી અને કૃતિના પ્રોડયુસરની ઓફિસમાં આંટાફેરાથી આવી અટકળો સ્વાભાવિક હતી. ઉપરાંત રણવીર સિંહના જન્મદિવસે તેની તાજેતરની પોસ્ટ ઉષ્માભરી, જાહેર અને અત્યંત સચોટ હોવાથી આ થિયરીમાં વધુ એક સ્તર ઉમેરાયું. ક્રિતીની હાજરીની 'ડોન-૩'માં પુષ્ટી થાય તો તેની કારકિર્દીમાં  રોમેન્ટિક નાયિકામાંથી બોલિવુડની સૌથી વધુ ચર્ચિત ફ્રેન્ચાઈઝીના તીવ્ર એક્શન રોલ તરીકે એક મહત્વનો ફેરફાર હશે.

ફિલ્મ સર્જકો દ્વારા કોઈ સત્તાવાર પુષ્ટી ન થઈ હોવા છતાં કાસ્ટિંગમાં ફેરફારે ચાહકો અને મીડિયાને સતર્ક રાખ્યા છે. કૃતિ ડોનના ક્ષેત્રમાં પ્રવેશકરે તો તે એવી અભિનેત્રીઓની યાદીમાં સ્થાન પામશે જેમણે સ્ટાઈલિશ એક્શન ડ્રામામાં પોતાની એક મજબૂત છાપ છોડી હોય. ઉપરાંત આ અટકળ ફિલ્મ ઉદ્યોગમાં કૃતિના મજબૂત બનતા સ્ટેટસનું પ્રતીક પણ છે કે તે એક સફળ કલાકાર હોવા ઉપરાંત એક વર્સેટાઈલ પરફોર્મર પણ છે જે સરળતાથી રોમાન્સ, કોમેડી અને હાઈ-સ્ટેક થ્રિલરમાં કામ કરી શકે છે.

'તેરે ઈશ્કે મેં'માં પ્રેમ અને પ્રતીક્ષાનું પ્રતીક બની હોય કે પછી 'કોકેટેલ-ટુ'માં મોડર્ન અભિગમ હોય અથવા 'ડોન ૩'માં એક્શન સિકવન્સીસ હોય, કૃતિ સેનનની કારકિર્દીનો આ સુવર્ણ તબક્કો ગણી શકાય. તે નિડર પસંદગી કરી રહી હોવા ઉપરાંત કળા પ્રત્યે ઊંડી પ્રતિબદ્ધતા પ્રતિબિંબિત કરે તેવી કાર્ય પ્રણાલી પણ જાળવી રહી છે.

કૃતિ કમર્શિયલ લોકપ્રિય ફિલ્મો સાથે ભાવનાત્મક ભૂમિકા વચ્ચે સંતુલન જાળવીને આજની બોલિવુડ હીરોઈનો માટે એક બેન્ચમાર્ક સ્થાપી રહી છે, એક એવી હીરોઈન જે ગ્લેમરસ છતાં નમ્ર હોય, નીડર છતાં વિશ્વસનીય હોય.

જ્યાં લાંબી કારકિર્દી નવીનતા સાથે નજીકથી સંકળાયેલી છે તેવા ફિલ્મ ઉદ્યોગમાં કૃતિ સેનન શાલીનતા, મક્કમતા અને ચમકદાર આત્મવિશ્વાસ સાથે એ જ કામ કરી રહી છે. ચાહકો જ્યારે તેના આગામી સિનેમેટીક પ્રોજેક્ટની રાહ જોઈ રહ્યા છે ત્યારે એક વાત તો સ્પષ્ટ છે - કૃતિ સેનનની માગ તો વધી જ છે પણ તે સ્ટારડમના નવા ચહેરાની ઓળખ પણ બની રહી છે. 

Tags :