- 'ફિલ્મોદ્યોગમાં હંમેશા ગળાકાપ સ્પર્ધા ચાલતી હોય છે. કલાકારો મોટાભાગે અસુરક્ષા અનુભવતા હોય છે. આવી સ્થિતિમાં રાષ્ટ્રીય પુરસ્કાર તમને સુરક્ષા કવચ પૂરું પાડે છે.'
'તેરે ઈશ્ક મેં'ની સફળતા સાથે અભિનેત્રી કૃતિ સેનન પાછી ન્યુઝમાં આવી ગઈ છે. હા, 'ધુરંધર'ને મળેલી ગજબનાક સફળતાને કારણે 'તેરે ઈશ્ક મેં'નો વિજયરથ અટકી પડયો, પણ તે અલગ વાત થઈ. કૃતિના આનંદને જોતાં એવું લાગે છે જાણે સમય તેના ઈશ્કમાં છે. કૃતિ કહે છે, 'હમણાં તો મારી ખુશી સમાતી નથી. મારી આ ફિલ્મને દર્શકોએ બહોળો પ્રતિસાદ આપ્યો છે. ફિલ્મના રિવ્યુઝ વાંચીને મારી છાતી ગજગજ ફૂલે છે. મહત્ત્વની વાત એ છે કે કડક સમીક્ષકોએ પણ આ મૂવીને વખાણી છે. વળી, બોક્સ ઓફિસ પર પણ તે સફળ ઘોષિત થઈ. એક કલાકારને તેનાથી વધુ શું જોઈએ? મારા માટે તો એ જ સૌથી મોટી વાત છે કે દર્શકોને મારું કામ ગમ્યું છે.'
હિન્દી ફિલ્મોમાં અભિનેતાને વધુ ફૂટેજ મળતું હોય છે તેમાં કોઈ નવાઈની વાત નથી. પરંતુ 'તેરે ઈશ્ક મેં'માં કૃતિ (મુક્તિ) અને ધનુષ (શંકર)ને એકસમાન મહત્ત્વ આપવામાં આવ્યું છે. જોકે ફિલ્મ હાથ ધરતી વખતે અદાકારાને તેની કલ્પના સુધ્ધાં નહોતી. એ કહે છેે, 'જ્યારે મેં પટકથા વાંચી ત્યારે 'શંકર'નું પલડું ભારે હતું, પરંતુ દિગ્દર્શક આનંદ એલ. રાયના દિલોદિમાગમાં ત્રાજવું સંતુલિત રાખવાના આઇડિયા હતાં જ. તેમણે મને કહ્યું હતું કે હું એકતરફી પ્રેમકહાણી બનાવવા નથી માગતો. ફિલ્મના પૂર્વાર્ધમાં ભલે ધનુષના પ્રેમ અને પીડા વધારે હોય, પણ ઉત્તરાર્ધમાં 'મુક્તિ'ની સ્થિતિ પણ એ જ હશે. જ્યારે બંને પાત્રો એક જ નાવમાં સવાર હોય ત્યારે કહાણી પણ કેટલી સંતુલિત લાગે. વળી તેને કારણે પુરુષ પાત્રની મહત્તા લગીરેય ઘટતી નથી.'
કૃતિને 'મિમી' માટે રાષ્ટ્રીય પુરસ્કારથી નવાજવામાં આવી ત્યાર પછી 'તેરે ઈશ્ક મેં'ની સફળતાએ અદાકારાને જાણે કે ફરીથી તાજીમાજી કરી દીધી. અદાકાર કહે છે, 'જ્યારે તમારા કામની સરાહના કરવામાં આવે ત્યારે તમારો ઉત્સાહ નવી ઊંચાઈએ પહોંચી જાય છે. તમે તમારા કિરદારમાં જાન રેડવા શારીરિક-માનસિક-ભાવનાત્મક રીતે નિચોવાઈ ગયા હો ત્યારે દર્શકોનો પ્રેમ તમારી અંદર નવી ઊર્જાનો સંચાર કરે. ફિલ્મોદ્યોગમાં હમેશાં ગળાકાપ સ્પર્ધા ચાલતી હોય છે. કલાકારો મોટાભાગે અસુરક્ષા અનુભવતા હોય છે. આવી સ્થિતિમાં રાષ્ટ્રીય પુરસ્કાર તમને સુરક્ષા કવચ પૂરું પાડે છે. તમને વારંવાર પુરવાર કરવાની જરૂર નથી પડતી કે તમે વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવવા સક્ષમ છો. ફિલ્મ સર્જકોને એ વાતની ખાતરી થઈ ગઈ હોય છે તેથી તેઓ તમને સારા રોલ ઓફર કરે છે. નેશનલ એવોર્ડ મળળ્યા પછી મારી ક્ષમતા આપોઆપ પુરવાર થઈ ગઈ છે. હવે હું કોઈની સાથે સ્પર્ધા નથી કરતી. હું પ્રત્યેક ફિલ્મ સાથે વધુ સારું કામ આપવાનો પ્રયાસ કરું છું. મારી પ્રત્યેક ફિલ્મ પછી મને એમ સાંભળવા મળે કે આ ફિલ્મમાં મારું પરફોર્મન્સ સર્વોત્તમ હતું ત્યારે મારા આનંદનો પાર ન હોય.'
કૃતિને પોતાની ફિલ્મના રિવ્યુઝ વાંચવા ખૂબ ગમે છે. સોશિયલ મીડિયા પર થતી તેની પ્રશંસા અભિનેત્રીને વધુ સારું કામ કરવાની પ્રેરણા આપે છે. આગામી વર્ષે આવનારી તેની બે ફિલ્મો બાબતે પણ કૃતિ અત્યંત ઉત્સાહી છે.


