Get The App

કૃતિ સેનન : મારે તો હજુ બહુ બધું શીખવાનું બાકી છે

Updated: Apr 10th, 2026

GS TEAM

Google News
Google News
કૃતિ સેનન : મારે તો હજુ બહુ બધું શીખવાનું બાકી છે 1 - image

- 'નવી  ફિલ્મનું કામ શરૂ કરીએ ત્યારે આગલી ફિલ્મનું જરા સરખું માનસિક દબાણ નહીં રાખવાનું. દરેક ફિલ્મ, દરેક પાત્ર અને ઓડિયન્સનું રિએક્શન દર વખતે જુદાં હોવાનાં.'

કૃતિ સેનન આજકાલ ન્યુઝમાં છે. એની આગામી ફિલ્મ 'કોકટેલ-ટુ'એ 'ધૂરં૦૦ર'નાં ઢોલનગારાં વચ્ચે પણ આછું આછું આકર્ષણ પેદા કર્યું છે. ઓરિજિનલ 'કોકેટલ' ચૌદ વર્ર્ષ પહેલાં આવી હતી, ૨૦૧૨માં. ઇમ્તિયાઝ અલીએ તે લખેલી અને હોમી અડજાણિયાએ ડિરેક્ટ કરેલી. 'કોકટેલ' એ ફિલ્મ છે, જેને કારણે દુનિયાને ખબર પડી હતી કે દીપિકા પદુકોણ નામની તારિકા માત્ર ગ્લેમરસ ઢીંગલી નથી, તે અભિનય પણ કરી જાણે છે. 'કોકેટલ-ટુ'ની  સિક્વલની વાતો ક્યારની સંભળાયા કરતી હતી. આખરે આગામી જૂનમાં તે રિલીઝ થવા જઈ રહી છે. આ વખતે ડિરેક્ટર એ જ છે, પણ લેખક બદલાઈ ગયા છે - લવ રંજન. તમામ મુખ્ય કલાકારો પણ, અલબત્ત, બદલાઈ ગયા છે. ઓરિજિનલ ફિલ્મમાં દીપિકાની સાથે સૈફ અલી ખાન અને ડાયેના પેન્ટી હતાં, આમાં કૃતિ સેનનની સાથે શાહિદ કપૂર અને રશ્મિકા મંદાના છે. ઓરિજિનલ ફિલ્મની જેમ આમાં પણ આધુનિક સમયના ગૂંચવાયેલા પ્રેમસંબંધોની વાત છે. 

 કૃતિ હિન્દી ફિલ્મી જગતની રૂપકડી, મોહક હાસ્ય ધરાવતી, પ્રતિભાશાળી 'આઉટસાઇડર' છે. એણે બોલિવુડમાં ઓછા સમયમાં ઉજળી સફળતા મેળવી છે.  એ વિવિધતાસભર ભૂમિકાઓ ભજવીને સતત પોતાની અભિનયપ્રતિભા પુરવાર કરતી આવી છે. 

ગયા વર્ષે રજૂ થયેલી 'તેરે ઇશ્ક મેં' ફિલ્મની કથામાં ઉત્કટ કહી શકાય તેવાં પ્રેમની વાત હતી. બોલિવુડની ભાષામાં તેને ટોક્સિક લવ કહે છે. 

મૂળ દિલ્હીના પંજાબી પરિવારમાં જન્મેલી અને  કમ્પ્યુટર સોફ્ટવેર એન્જિનિયરિંગની ઉચ્ચ  ડિગ્રી ધરાવતી  કૃતિ સેનન કહે  છે,  'હવે  હું  'કોકટેલ-ટુ'માં નવી ભૂમિકામાં  આવી રહી છું.  આ એક મોડર્ન રોમેન્ટિક કોમેડી છે. મારી સાથે શાહિદ કપૂર, રશ્મિકા મંદાના જેવાં મજેદાર અને અનુભવી કલાકારો હોવાથી મને આ ફિલ્મમાં કામ કરવાની ભરપૂર મજા આવી. 'કોકટેલ-ટુ' મારી  કારકિર્દીની વીસમી ફિલ્મ છે.'

હિન્દી ફિલ્મ જગતમાં  'હીરોપંતી' (૨૦૧૪) ફિલ્મથી પા પા પગલી ભરનારી કૃતિ કહે છે, 'હું 'હીરોપંતી'ની સાથોસાથ     'નેનોકાદિન' (તેલુગુ ફિલ્મ, ૨૦૧૪)માં પણ  કામ કરતી  હતી. મને  શરૂઆતના તબક્કે જ બે જુદી જુદી ભાષાની ફિલ્મોમાં કામ કરવાની તક મળી હોવાથી બહુ રોમાંચ થતો હતો, ને અંદરખાને ડર પણ લાગતો હતો. ત્યાર બાદ મને 'બરેલી કી બર્ફી', 'દિલવાલે', 'હાઉસફૂલ-૪', 'લૂકાછૂપી', 'આદિપુરુષ', 'મીમી', 'ભેડિયા', 'તેરે ઇશ્ક મેં' વગેરે મજેદાર ફિલ્મોમાં વિવિધ પાત્રો ભજવવાની તક મળી.   મને મારા સિનિયર કલાકારોએ બહુ મહત્ત્વની અને ઉપયોગી બાબત શીખવી છે કે  નવી  ફિલ્મનું  કામ શરૂ કરીએ ત્યારે  આગલી ફિલ્મનું જરા સરખું માનસિક દબાણ ન રાખવું. દરેક ફિલ્મ અને પ્રત્યેક પાત્ર હંમેશાં જુદાં જુદાં હોય છે. સાથોસાથ દરેક ફિલ્મ માટે   દર્શકોનો પ્રતિસાદ પણ અલગ અલગ હોય છે. એક કલાકાર તરીકે પ્રત્યેક ફિલ્મને નવી નજરે જોવી. મેં મારા આ જ બધા અનુભવોના આધારે ફિલ્મ નિર્માણ અને બિઝનેસની પણ શરૂઆત કરી  છે.'

સરસ!